સર્વે જના સુરક્ષિત ભવન્તુ:./પરેશ પ્ર વ્યાસ

00

સર્વે જના સુરક્ષિત ભવન્તુ:

“વહાલાં મા, પિતાજી, કાકા, કાકી, દાદા, દાદી…                                                                                                                                                        આપણે વાત કરવી જરૂરી છે. તમે કદાચ એમની સાથે ન ઉછર્યા હો પણ અમે એમની સાથે મોટા થયા છીએ. કાળા લોકો અમારી જિંદગીનો પાયાનો હિસ્સો છે. તેઓ અમારા મિત્રો છે, સહાધ્યાયીઓ છે, અમારી ટીમનાં ખેલાડી છે, અમારા જોડીદાર છે, હોસ્ટેલમાં અમે સાથે રહીએ છીએ…. પણ આજે એમનાથી અમે ડરીએ છીએ…….. તમે ‘અમેરિકન ડ્રીમ’ને સાકાર કરવા ઘણી તકલીફ વેઠી છે. તમે અમને તકલીફ પડવા દીધી નથી. પણ અમેરિકન ડ્રીમનું અસ્તિત્વ માત્ર તમારા જ બાળકો માટે જ છે એવું નથી. અમે ત્યાં સુધી સુરક્ષિત ફીલ   નહીં કરીએ જ્યાં સુધી અમારા બધા મિત્રો, વહાલાઓ, પાડોશીઓ સુરક્ષિત નથી. બધા સુરક્ષિત હોય એવું ભવિષ્ય અમને જોઇએ છે, અને આશા છે કે તમને પણ…પ્રેમ અને આશા સાથે, …..લિખતિંગ તમારા બાળકો.”

અમેરિકામાં ‘બ્લેક લાઇવ્સ મેટર’ આંદોલન ચાલે છે. વ્હાઇટ પોલિસમેન દ્વારા બ્લેક અમેરિકન્સને ભડાકે દેવાનાં વધતા બનાવો સામે વિરોધ પ્રસરતો જાય છે. વળતા હૂમલામાં વ્હાઇટ પોલિસમેનને પણ ભડાકે દેવાનાં સમાચાર છે. ભાગલા પાડો, રાજ કરો. ચૂંટણી જો આવી રહી છે! અમેરિકન એશિયન કમ્યુનિટી  ‘બ્લેક લાઇવ્સ મેટર’ આંદોલનથી પોતાને અળગા ગણે છે. એશિયન કમ્યુનિટી ઇ-મેગેઝિન ‘એરોગ્રામ’નાં રોહિન ગુહા કહે છે કે મારી ‘દેશી’ કમ્યુનિટીને લાગે છે કે આની સાથે અમારે શું લેવાદેવા? પણ બ્લેક લોકોને આપણાં પ્રેમની, આપણાં ટેકાની આવશ્યકતા છે; આપણાં સધિયારાની જરૂર છે.  કેટલાંક એશિયન યુવાનોએ એમાં પહેલ કરી છે પત્ર લખીને. ગુજરાતી સહિત વીસ એશિયન ભાષામાં અનુદિત થયેલા ઉપરોક્ત પત્રનાં ઓડિયો-વીડિયો રેકર્ડિંગ્સ સોશિયલ મીડિયા પર મુકાતા જાય છે. એશિયન કમ્યુનિટીનાં યુવાનો કહે છે કે સર્વે જના સુરક્ષિત ભવન્તુ:

ગાયની સુરક્ષાનાં નામે ગરીબો પર કોરડા વીંઝનાર સામે ‘દલિત લાઇવ્સ મેટર’ કહીને આપણે આવું કોઇ આંદોલન ચલાવતા નથી. મરેલી ગાયનાં ચામડા ઊતરડીને પોતાનાં કુંટુંબની રોજીરોટી રળે છે, એ દલિતની પીડા આપણે પોતીકી કરતા નથી. દીવની પાસે આવેલું ગુજરાતનું ઉના એકાએક હોટ ટ્રાવેલ ડેસ્ટિનેશન થઇ ગયું છે. દિલ્હી-ઉના-રાજકોટ ટૂરિસ્ટ સર્કિટ રાજકારણીઓને કોઠે પડી ગઇ છે. રાજકારણીઓ આવે છે, ચા પીએ છે, પોતપોતાનાં રોટલાં સેકે છે અને… મઝાનાં ખાય છે. દરેકેદરેક રાજકીય પક્ષ માટે જાતિ, જ્ઞાતિ-પેટાજ્ઞાતિ કે ધર્મ-સંપ્રદાય માત્ર વોટ-બેંક છે. ચૂંટણી ટાણે આ દેશમાં બેફામ વોટ-લોન્ડરિંગ થાય છે.  દિલ્હીની ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ્સ જાતજાતનાં કહેવાતા સમાજ-વિજ્ઞાનીઓ, વરિષ્ઠ પત્રકારો અને રાજકારણીઓ વચ્ચે સુલતાની(!) વાક્-દંગલ કરાવે છે. વૈમનસ્ય વધારવાનાં કારસા રચાય છે. બંધનાં એલાન દેવાય છે. તોફાનો થાય છે. લોકસંપત્તિને નુકસાન થાય છે. રોજનું કમાઇને રોજ ખાનારાઓની દશા માઠી થાય છે. પણ એમાં આપણે શું?

કાગળ લખવાથી કાંઇ થાય? આ આખો પ્રશ્ન જટિલ છે. આવા પત્ર લખીને કે પઠન કરીને એનો વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાથી શું વળે? અલબત્ત એમ કરવાથી પૂર્ણ ઉકેલની અપેક્ષા નથી. પણ ઉકેલાવા તરફ એક બારી જરૂર ખૂલે છે. હું ખોટો હોઇ શકું પણ મને લાગે છે કે આ ભેદભાવ ખરેખર તો પૈસાનો છે. અને ભણતરનો છે. પૈસાવાળા પાસે વધારે પૈસા થઇ જાય. પૈસા ફેંકો, ડિગ્રી મેળવો. પછી અભિમાની થઇ જાય. ફાવે એમ કરે. માતેલા સાંઢ જોયા છે? સૌરાષ્ટ્રમાં હજી ફ્યૂડલ(સામંતશાહી) માનસિકતા છે, એવું રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલનું તારણ છે. વાત કદાચ સાચી હશે. કાયદો અને વ્યવસ્થા (કાંઇ-દો, નહીં-તો-વ્યવસ્થા-કરો!) પડી ભાંગી હોઇ શકે. પણ ઉકેલ અમારી પાસે છે. જૂનાગઢનાં નરસિંહ મહેતાએ વર્ષો પહેલાં દૃઢ  હરિભક્તિ જોઇને દલિત વસ્તીમાં જઇને ભજનો ગાયા હતા. રાજકોટમાં મોરારિ બાપૂ અઢારે વર્ણ માટે રામકથાનાં પાઠ કરી ચૂક્યા છે. અહીં રાવજી પટેલ ગાઇ ચૂક્યા છે કે તમે રે તિલક રાજા રામનાં, અમે વગડાંનાં ચંદન કાષ્ઠ રે..  અહીં વૈતનસ્ય હશે, પણ વૈમનસ્ય નથી. ઉના અમારી ભૂલ છે. પણ તમે દિલ્હીથી આવીને અમને ના શીખવાડો. સામાજિક સમરસતાને ઊની આંચ નહીં આવવા દઇએ. ‘ઇન્ડિયન ડ્રીમ’ને સાકાર કરવા અમે અમારો માર્ગ શોધી લઇશું.  

000 0

1 ટીકા

Filed under Uncategorized

One response to “સર્વે જના સુરક્ષિત ભવન્તુ:./પરેશ પ્ર વ્યાસ

  1. ભાઈ શ્રી પરેશ વ્યાસની વાત સાચી છે પણ આપણા દેશમાં ભેદભાવના મૂળિયાં એટલા ઊંડાં છે કે ઉખેડવા મુશ્કિલ છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s