સેરેન્ડિપિટી: શોધ્યા વિના ગમતું મળી જવું

000

સેરેન્ડિપિટી: શોધ્યા વિના ગમતું મળી જવું

સુખ, ચાલીના નળમાંથી માંડમાંડ ટપકતું

પાણી ટીપે ટીપે. દુ:ખ,

ચર્ચગેટના સ્ટેશન પર

ઊતરતાં ટ્રેનમાંથી એક પછી એક

માણસોના મોજાં…

દરિયો…

– વિપિન પરીખ

સુખ દુ:ખની વ્યાખ્યા નગરે નગરે નોખી છે. તમે આમ શોધો નહીં અને બસ આમ જ, અનાયાસે અચાનક મળી જાય; એ માત્ર

સુખ નથી, સુખથી પણ વિશેષ હોય છે. મુંબઇનાં એક રીક્ષાવાળાએ એની રીક્ષામાં પેસેન્જર્સ માટે ગજબની સુવિધા આપી

હોવાનાં સમાચાર છે. ફ્લેટ ટીવી, વાઇ-ફાઇ, મોબાઇલ ચાર્જર, કેન્ડી, ચૂઇંગગમ, દાંત ખોતરવાની અને કાન સાફ કરવાની

સળીઓ, કચરાટોપલી, ત્રણ પંખા, ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ, નોટ્સપેડ, બોલપેન, પેપરનેપકિન્સ, ઠંડા પાણીની બોટલ્સ. અને આ

બધી સુવિધા સાવ મફત. લો બોલો! તદ્દન અનેપેક્ષિત આશ્ચર્યજનક સુખ. હેં ને? એક ઇંગ્લિશ અખબારે આ માટે

સેરેન્ડિપિટી(SERENDIPITY) શબ્દ પ્રયોજ્યો. ગુજરાતી લેક્સિકોન અનુસાર જેનો અર્થ થાય: અચાનક સુંદર કે રસપ્રદ બનાવો

બને તે કે સુંદર શોધો કરવાની પ્રતિભા.

સેરેન્ડિપિટી શબ્દમાં સેરેન્ડિપ એટલે સીલોન, શ્રીલંકા. મૂળ સંસ્કૃત સિંહલદ્વીપ. લંકા એટલે જ દ્વીપ. પર્શિયન અને આરબ

લોકો એને ‘સેરેન્ડિપ’ કહેતા. પર્શિયન સુફી વિદ્વાન કવિ અમીર ખુશરોએ ઇ.સ. 1302માં લખેલી ‘હશ્ત-બિહિશ્ત’(આઠ સ્વર્ગ)

છે તો કવિતા પણ એમાં અરેબિયન નાઇટ્સ સ્ટાઇલમાં લોકવાર્તાનાં વર્ણન છે. વાર્તામાં પર્શિયન રાજકુમારનો મહેલ, એનાં સાત

અલગ અલગ રંગનાં ગુંબજ આકારનાં શામિયાણા. રાજકુમાર રોજ એક શામિયાણામાં જાય; જ્યાં અલગ અલગ દેશની

રાજકુમારી રાજકુમારને એક વાર્તા કહે. અઠવાડિયાનો પહેલો દિવસ એટલે કે શનિવારે રાજકુમાર કાળા રંગનાં શામિયાણામાં

જાય છે જ્યાં ભારત દેશની રાજકુમારી એને ‘સેરેન્ડિપનાં ત્રણ રાજકુમારો’ની વાર્તા કહે છે.

દૂર પૂર્વનાં દેશ સેરન્ડિપમાં એક શક્તિશાળી રાજા હતો; જેનાં ત્રણ દીકરા હતા. રાજકુમારોને તમામ પ્રકારનું જ્ઞાન આપવા માટે

એણે શિક્ષકો નીમ્યા.રાજકુમારો પણ ભારે હોંશિયાર. ઘણું શીખી ગયા. રાજાએ એક દિવસ ત્રણે દીકરાને બોલાવીને કહ્યું કે હવે એ

પોતે રીટાયર થવા માંગે છે. ત્રણે રાજકુમારોએ એમનાં પિતાને એમ ન કરવા વિનવણી કરી. કહ્યું કે હજી તેઓ પિતા જેટલાં

સક્ષમ નથી. રાજા અંદરખાને તો રાજી થયા પણ એને લાગ્યું કે રાજકુમારો તો મહેલમાં વીઆઇપી માહોલમાં શીખ્યા છે,

દુનિયાદારીનું ભાન હજી એમને ન પણ હોય. એટલે એણે તાજોતખ્તનાં અસ્વીકાર કરવાનું બહાનું આપી, એમની પર જૂઠમૂઠનો

ગુસ્સો કરીને ત્રણે રાજકુમારોને દૂર દેશ પર્શિયા મોકલી દીધા. પર્શિયામાં એક દિવસ ત્રણે રાજકુમાર રસ્તે અવલોકન કરતા કરતા

ચાલ્યા જતા હતા. ત્યાં એને એક વેપારી મળ્યો. એણે પૂછ્યું કે ‘મારું ઊંટ ખોવાયું છે, તમે જોયું છે?’ રાજકુમારોએ કહ્યું કે ‘એ

એક આંખે કાણું છે. આગલા દાંત નથી. પગે ખોડંગાતુ ચાલે છે. અને એની એક બાજુ મધ અને બીજી બાજુ માખણનું લગેજ

લાદેલું છે.’ વેપારી કહે, ‘યસ, યસ, એ જ. ક્યાં છે? ક્યાં છે?’ ત્રણે રાજકુમારો એક બીજાનાં મોઢાં જોઇને પછી કહે કે ‘અમે તો

એ ઊંટને જોયું પણ નથી.’ વેપારી ગુસ્સે થઇ ગયો. પર્શિયાનાં રાજા પાસે જઇને ફરિયાદ કરી કે આ ત્રણ જુવાનિયાઓએ મારું

ઊંટ ચોરી લીધું છે. રાજાને પણ નવાઇ લાગે છે કે ‘જો તમે ઊંટને જોયું ન હોય તો તમે એનું વર્ણન શી રીતે કરી શકો?’ ત્રણ

રાજકુમારો એમને સમજાવે છે કે ‘રસ્તાની માત્ર એક જ બાજુનાં વૃક્ષોનાં પાદડાં ખવાયા હતા એટલે ઊંટ એક આંખે કાણું હોવું

જોઇએ. વચ્ચેનાં દાંત ન હોવાનાં કારણે પાંદડાનો એટલો વણખવાયેલો ભાગ નીચે પડી ગયો છે. એનાં પગલાં બતાવતા હતા કે

એક પગે ખોડાતુ ચાલે છે. એક તરફ જ્યાં મધ ઢોળાયું જ્યાં કીડીઓની કતાર હતી અને બીજી તરફ વેરાયેલા માખણ પર

માખીઓ બણબણતી હતી.’ સૌને માટે આ વાત એક સુખદ આશ્ચર્ય હતું. રાજકુમારોએ દરબારમાં આટલું કહ્યું ત્યાં જ તો પેલું

ખોવાયેલું ઊંટ મળી ગયાનાં સમાચાર આવ્યા. પર્શિયાનાં રાજાએ સેરેન્ડિપનાં રાજકુમારોની બુદ્ધિમતાથી પ્રભાવિત થઇ એને

ઇનામ આપ્યું. હેપ્પી એન્ડિંગ, યુ સી!

યુરોપની ભાષાઓમાં આ વાર્તાનો અનુવાદ થયો. વાર્તા ખૂબ લોકપ્રિય બની. પછી ઇ.સ. 1754માં ઇંગ્લેન્ડનાં કલા મર્મજ્ઞ અને

પત્ર લેખક હોરાસ વોલપોલે એમનાં નામેરી મિત્રને પત્ર લખ્યો. લખ્યું કે સેરેન્ડિપનાં રાજકુમારો ‘સુખદ અકસ્માત’ અને પોતાનાં

‘વ્યાવહારિક શાણપણ’થી કેવી કેવી નવી વાત શોધી કાઢતા હતા; એવી બાબત કે જેની શોધ કરવા એ નીકળ્યા પણ નહોતા. એને

શું કહેવાય? હોરાસ વોલપોલે એ માટે ’સેરેન્ડિપિટી’ શબ્દને સર્જ્યો. જો કે બધા ‘હેપ્પી એક્સિડન્ટ’ કે ‘પ્લેઝન્ટ સરપ્રાઇઝ’

સેરેન્ડિપિટી નથી. આ આકસ્મિક સુખદાયી ઘટના એવી હોય કે જેની સાથે આમ પહેલેથી કોઇ સંબંધ જ ન હોય. જેની શોધમાં

આપણે નીકળ્યા જ ન હોઇએ. સાવ જુદી જ વાત. જાણીતા ક્રાઇમ સ્ટોરી રાઇટર લોરેન્સ બ્લોકનાં મતે સેરેન્ડિપિટી એટલે તમે

શોધવા નીકળ્યા હોય કંઇ, અને મળી જાય કંઇ જુદું જ. જે ખૂબ જ સરસ હોય. અને તમને લાગે કે ઓહો ! કદાચ આ જ તો

તમને જોઇતુ હતુ.

એલેકઝાંડર ફ્લેમિંગે કરેલી એન્ટિબાયોટિક પેનિસિલિનની શોધ પણ એક આવો જ સુખદ અકસ્માત હતો એ આપણે જાણીએ

છીએ. માઇક્રોવેવ ઓવન પણ ત્યારે શોધાઇ જ્યારે ડિફેન્સ સાધનો બનાવવાનાં કારખાનામાં રડાર સેટ પર કામ કરતા પર્સી

સ્પેન્સરનાં ખિસ્સામાં રાખેલી ચોકોલેટ માઇક્રોવેવને કારણે પીગળી ગઇ. 3-એમ કંપનીનો સ્પેન્સર સિલ્વર ઝટ ઉખડી જાય

એવો ગુંદર બનાવી બેઠો અને કાગળ ફ્લેગ કરવા માટેની ‘પોસ્ટ-ઇટ’ સ્ટિકી નોટ્સની શોધ થઇ. અલબત્ત માત્ર નસીબની યારીનું

હોવું સેરેન્ડિપિટી નથી. વ્યાવહારિક શાણપણ પણ જોઇએ. ધારવા કરતા અલગ થઇ રહ્યું છે એ જાણવા માટે મગજ કસવું તો

પડે. કાંઇ શોધવા માટે નીકળવું તો

પડે. જાતે થે જાપાન, પહુંચ ગયે ચીન.. થઇ જાય. પણ…યાને યાને યાને પ્યાર હો ગયા-ની

સમજણ હોવી જરૂરી છે!

શબ્દ શેષ: “વૈજ્ઞાનિક શોધ થાય

ત્યારે ‘યુરેકા’ (મને મળી ગયું છે!) શબ્દો કરતા ‘ઇટ્સ ફની’(આ કાંઇ વિચિત્ર છે) શબ્દો વધારે ઉત્તેજના જગાવતા હોય છે.”

–વિજ્ઞાન વાર્તાઓનાં સર્જક આઇઝેક એસિમોવ

000000 0000

 

1 ટીકા

Filed under Uncategorized

One response to “સેરેન્ડિપિટી: શોધ્યા વિના ગમતું મળી જવું

  1. સેરન્ડિપિટી = (મફતિયા) ઈમેલ / બ્લોગ/ સોશિયલ મિડિયા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s