માણસ નામે પ્રેક્ષાગાર/ પરેશ પ્ર વ્યાસ

00000  માણસ નામે પ્રેક્ષાગાર

ટેકનોલોજીનો ટકટકાટ ચોગરદમ છે. નેતાઓ મે આઇ કમ ઇન?-નું સૌજન્ય દાખવ્યા વિના મોબાઇલમાંથી આપણાં મગજમાં પ્રવેશી જાય છે. અભિનેતાઓનો તો આ જ ધંધો  છે. ધર્મગુરુઓ આસ્થા પરથી આપણી આધ્યાત્મિકતાને ચેનલાઇઝ કરતા રહે છે. એડવર્ટાઇઝમેન્ટનો અતિરેક થયો છે. પણ હવે નવતર સ્થિતિ આપણા જીવનમાં આવી ગઇ છે. આજે આપણે આપણી જિંદગીની વધારે ‘ને વધારે સેલ્ફ-એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છીએ. માત્ર સેલ્ફી જ નહીં, પણ આંગણે ખીલેલો ચંપો, લીંબુડી પર લટકતું લીંબુ, ઝાડ પર બેઠેલો કાગડો, બારી બહારનો વરસાદ, અગાસીનાં મેઘધનુષનાં ય  ફોટા અપલોડ થતા રહે છે. પોતાની સજધજ, પોતાની ખાધાખોરાકી, પોતાની વાહનવ્યવહારી, પોતાની જલસાઘરી, ઓ હો હો હો હો.. આપણે જાણે જાતજાહેરાત માટે જીવીએ છીએ. આપણે પળને કેમેરામાં કેદ કરીને દુનિયાનાં બીજા છેડે મોકલવાની ઉતાવળા થયા છીએ. રમેશ પારેખ ભલે કહે છે કે ‘બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત, આ અમે ઊભા છીએ તસવીરમાં શું બોલીએ!’ પણ આપણે તો તસવીરમાં ઊભા રહીને બહારની ચર્ચા કરીએ છીએ. આમ તો આપણે રોજરોજ કાંઇ કાંદા કાઢી લેતા નથી પણ આપણે જે કરીએ છીએ એની વાત બીજાને કહેવાની આપણને ઉતાવળ છે. સંગીત સાંભળીએ છીએ પણ સંગીતને માણતા નથી. રેકર્ડિંગ થાય, અપલોડ થાય અને આખાને આખા કાનદાનો(!) એમાં કનેક્ટ થઇ જાય. અમે આ ખાધા, અમે આ પીધા, અમે મઝ્ઝા કર્યા-નાં દ્રશ્યશ્રાવ્ય પ્રેઝન્ટેશન્સ થતા રહે છે.

વર્ષો પહેલાં આઇરિશ લેખક ઓસ્કાર વાઇલ્ડ કહી ગયા કે ‘તમે તમારી જિંદગીનાં પ્રેક્ષક બની જાઓ એટલે જિંદગીની પીડામાંથી મુક્ત થઇ જાઓ.’ વાત સાચી છે. પછી જે થાય એ મારા શરીરને થાય. હું તો આત્મા છું. મને શું? વાત એ જ છે, પરિપેક્ષ બદલાતા જાય છે. આજે ઇન્ટરનેટ આર્ટિસ્ટ અને ડીઝાઇનર જોનાથન હેરિસ કહે છે કે “તમે તમારી જિંદગીનો જેમ વધારે ‘ને વધારે દસ્તાવેજ કરતા રહો, વધારે ટ્વિટ કરતા રહો…. ગઇ રાતે તમે શું કર્યું?- દરેક પળનાં ફોટા પાડતા રહો… અપલોડ કરતા રહો…. એક રીતે તમે એ બધી ક્ષણોમાંથી બહાર નીકળીને ખુદને નિહાળતા રહો, પણ….. તમે જ્યારે વધારે ‘ને વધારે એમ કરતા રહો, ત્યારે તમારી જિંદગીનાં તમે પોતે પ્રેક્ષક બની જાઓ છો.” સ્પેક્ટેટર ઓફ યોર ઓવ્ન લાઇફ, યુ સી!

રોજબરોજની જિંદગીનો દસ્તાવેજ કરવો અલબત્ત સારી વાત છે. આપણે શું કર્યું?- એની યાદગીરી કાયમ રહે. મઝાની એ પળને જોઇ, સાંભળી, યાદ કરીને એનો આનંદ ફરી માણી શકાય. પણ એમ પણ બને કે પળપળનો દસ્તાવેજ બનાવવામાં આખી જિંદગી જ ખર્ચાઇ જાય. દસ્તાવેજને નોટરી કરવામાં, એને રજીસ્ટર્ડ કરવામાં, સાક્ષીસાહેદની સહી કરાવવામાં જ સઘળો સમય જતો રહે. અને આપણે એ સરકતી જતી પળને લાઇવ માણવાનું ચૂકી જઇએ. લગ્નનાં વિડિયો જેવી જિંદગી. ફરી ક્યારેય આપણે એ જોઇ છે ખરી?!  

જોનાથન હેરિસની વાત સરળ કરીને સમજાવું તો એક જમાનામાં આપણે શાંતિથી વાતો કરતા કે પત્ર લખતા. હવે વોટ્સએપ, ટ્વિટર, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ છે. લાઇફ ઝિપ થઇ ગઇ છે, કોમ્પ્રેસ થઇ ગઇ છે. થોડામાં ઘણું, યુ સી! એટલે ક્યાં ક્યાં પહોંચીએ? ટેકનોલોજી તો રોજ નિતનવી. અને આ નવી મઝાનું સરેરાશ આયુષ્ય ત્રણથી ચાર કલાક. થોડું સંવનન, અચાનક સ્ખલન અને પછી કાંઇ બીજું.  સુહાગ રાત હૈ, ઘુંઘટ ઊઠા રહા હૂં મૈં, એવો સમય નથી, ધીરજ તો બિલકુલ નથી. આપણે પાનમાવાની ફાકીનાં પ્લાસ્ટિક જેવા ડિસ્પોઝેબલ થઇ ગયા છીએ. કોઇ સર્જનાત્મકતા હવે રહી નથી. અહીં એટલી બધી વાતો, માહિતી, ડેટાનું લપસિંદર છે કે એને ગોઠવવામાં જ આખી જિંદગી નીકળી જાય. આપણે કલાલયનાં ક્રિએટર નહીં પણ સંગ્રહાલયનાં ક્યુરેટર બની ગયા છીએ!

ટેકનોલોજી ત્યજી ના શકાય પણ એવી ટેક નો લૈ શકાય કે આ કારાગારમાંથી ક્યારેક પેરોલ પર છૂટીને, જિંદગીની છૂટ્ટે હાથે લહાણી કરીએ? અને એ પણ કોઇ પણ જાતનાં આત્મવિજ્ઞાપન વિના..? ર.પા.નાં શબ્દોમાં, યૂ સ્ટોપ સ્ટોપ નાઉ, કાગડો મરી ગયો!

0000 000

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “માણસ નામે પ્રેક્ષાગાર/ પરેશ પ્ર વ્યાસ

  1. ‘તમે તમારી જિંદગીનાં પ્રેક્ષક બની જાઓ એટલે જિંદગીની પીડામાંથી મુક્ત થઇ જાઓ.’
    ઓસ્કાર વાઇલ્ડની આ વાત બિલકુલ સાચી છે. આવો સાક્ષી ભાવ કેળવવાથી જીવન સરળ બને છે પણ કેળવવો સહેલો નથી.
    આજનો માણસ આધુનિક ટેકનોલોજીની ઇન્દ્રજાળમાં ફસાતો જાય છે.ટેકનોલોજીનાં
    આધુનિક સાધનોનો ઉપયોગ કરીને એના અહમને પોષવાના કામમાં પ્રવૃત્ત રહે છે અને સરકતી જતી પળને લાઇવ માણવાનું ચૂકી જાય છે.

  2. ટેક નો લૈ શકાય કે આ કારાગારમાંથી ક્યારેક પેરોલ પર છૂટીને, જિંદગીની છૂટ્ટે હાથે લહાણી કરીએ? very good you said..
    we are prisoner in our own virtual world..we have to go to our true HOME

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s