બે શ્રાવણી શબ્દો: એક ‘સિરિમિરી’ અને બીજો ‘હોપ્પિપોટલા’/પરેશ પ્ર વ્યાસ

0
00000
 
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
 
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
 
આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી
 
પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
 
–બાલમુકુન્દ દવે
 
 ઓણસાલ આષાઢમાં વરસાદે ભેદભાવ રાખ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસ્યો પણ સૌરાષ્ટ્રમાં અંચઇ કરી. હવે શ્રાવણ મહિનો. શ્રાવણનાં ઝીણા ઝરમર મેહ સામ્યવાદી વિચારસરણી ધરાવે છે. ક્યાંય વધારે અને ક્યાંક ઓછા એવું નહીં. બધે જ એક સમાન વરસે. શ્રાવણનાં સરવડાં વર્લ્ડ ફેમસ છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર સરવડું એટલે રહી રહીને પડ્યા કરે એવું વરસાદી ઝાપટું. ઇંગ્લિશ ભાષાનાં બ્યુટિફૂલ શબ્દોની યાદીમાં વરસાદી શબ્દો મળી આવે છે. એક મૂળ સ્પેનિશ શબ્દ છે
 
સિરિમિરી(SIRIMIRI) અને બીજો મૂળ આઇસલેન્ડ દેશનો શબ્દ હોપ્પિપોટલા(HOPPIPOLLA).
 
સિરિમિરી એટલે ઝરમર ઝરમર વરસાદ વરસવો તે. સિરિમિરી બોલીએ એમાં આપણને ઝરમર સંભળાય. 
વરસાદનો અવાજ સંભળાય. કોઇ અવાજ જ શબ્દ બની જાય. ઇંગ્લિશ ભાષામાં એને ઑનૉમટોપીયા(ONOMATOPOEA) શબ્દો એટલે કે રવાનુકારી શબ્દરચના; ઉચ્ચાર પરથી જ અર્થ ફલિત થાય એવા શબ્દો કહેવામાં આવે છે. ગુજરાતીમાં દાખલા દઇએ તો કલકલાટ, કલકલિયો, સુસવાટા, ગર્જના, ટપટપ, ધડામ, ભડાકે દેવું વગરે. જો કે સિરિમિરી પણ મૂળ સ્પેનિશ શબ્દ નથી. ઝરમર
        વરસાદ માટે સ્પેનિશનો પોતીકો શબ્દ તો જોવિશ્ના કે યોવિશ્ના (ILOVZNA) છે. પણ કાળક્રમે ઉત્તર સ્પેનમાં આવેલા સ્વાયત્ત  બાસ્ક કન્ટ્રી બોલીનો બોલવે ચાલવે બ્યુટિફુલ બરસાતી શબ્દ સિરિમિરી સ્પેનિશ ભાષામાં દાખલ થયો. સ્પેનનાં નરમ શિયાળામાં જ્યાં લઘુત્તમ ઉષ્ણતામાન 12 0 સે. હોય ત્યારે ધુમ્મસની સંગાથે વરસતો ઝરમર વરસાદ ઇંગ્લિશમાં જેને ડ્રિઝલ(DRIZZLE) કહે છે એને સ્પેનિશમાં સિરિમિરી કહેવાય. અને પછી વિશ્વભાષા ઇંગ્લિશનાં બ્યુટિફુલ શબ્દોમાં શામેલ થઇ   ગયો.
   ગત નવેમ્બરમાં ‘ઓલ ધ પોએટ્રી’ વેબસાઇટ દ્વારા બહુ ચર્ચિત ન હોય પણ રસપ્રદ હોય એવા શબ્દોને માધ્યમ બનાવીને કવિતા રચવાની સ્પર્ધામાં કેનેડિયન કવિ ડોનાલ્ડ ઝિલેન્સ્કીએ ‘સિરિમિરી’ શીર્ષકથી કવિતા લખી. કવિને ધોધમાર વરસાદ ગમતો નથી. લગ્નજીવન જે સફળ થઇ શક્યું નથી એની દાંડી પીટી રહ્યો છે વરસાદ એનાં શયનખંડની બારી ઉપર. ભગ્ન દામ્પત્ય જીવનનાં આંસુઓની બૌછાર જેવા વરસાદ પ્રત્યે કવિને તીવ્ર અણગમો છે. પણ તે પછી હળવેથી આવતા ઝરમર વરસાદમાં એને મુક્તિ દેખાય છે. વરસાદી ઝરમરનો સ્પર્શ એની ત્વચાનાં દરેક ચોરસ ઇંચ હિસ્સામાં માદક ઉલ્લાસને ભરી દે છે. અને કવિ સિરિમિરીને આગ્રહ કરે છે કે બસ, આમ જ સતત ભીનું, લીસું, હેતાળ વરસજે અને ઉમંગથી મને છલકતો રાખજે.
વરસાદ પડે ત્યારે પાણી ભરાવાનાં બનાવો બને. મ્યુનિસિપાલિટીની પોલ છતી થઇ એવા અખબારી શબ્દો હવે રૂઢિપ્રયોગ થઇ ગયા છે. વરસાદી પાણીનાં નિકાલની પરફેક્ટ સિસ્ટમ આપણાં શહેરોમાં નથી. એટલે ઠેર ઠેર પાણીનાં ભરાવા થાય. ડેંગ્યુનાં એડિસ ઇજિપ્તી મચ્છરનાં મેટર્નીટી હોમ બની જતા આવા ખાબોચિયાની ચિંતા કરવી જ રહી. પણ ગીતસંગીતનાં સર્જકો ખાબોચિયામાં પણ સંગીત શોધી કાઢે. આઇસલેન્ડનાં મ્યુઝિક બેન્ડ સિગુર રોસ ‘હોપ્પિપોટલા’ શબ્દ આપે છે; જેનો અર્થ થાય પાણી ભરાયેલા ખાબોચિયામાં કૂદકા મારવા. છપ છપ છઇ, છપાક છઇ… બાળકોને કેવી મઝા પડે! છે કોઇ ચિંતા? ગોરક્ષા, જીએસટી કે પછી વરસાદી વાઇરલ ઇંફેક્શનની..? મા બિચારી ચિંતા કરે પણ બાળક તો પાણી જોઇને મારે કૂદકા. એને ન ડાઘાની ચિંતા હોય, ન ભીંજાવાની. બસ, આ હોપ્પિપોટલાનો અર્થ એ જ થાય. બધી માનમર્યાદા છોડીને, કંટાળાનો કાંટાળો તાજ ત્યજીને, મોટપણાંનો બધો ભાર સાભાર પરત કરીને છબછબિયા કરી લેવા.
 ગીતનાં શબ્દો પણ કેવા મઝાનાં છે. 
હાથમાં હાથ પરોવીને ગોળ ગોળ ફરી રહ્યા છીએ,
 આખી દુનિયા નજર સામે ધૂંધળી થઇ ગઇ છે.
 તારા વાળની આઉટડોર સુગંધ લઇને આવતી પવનની
 લહેરખીને  ઊંડા શ્વાસે મારા ફેફસામાં ભરી લઉં છું હું.
 અને ખાબોચિયામાં કૂદું છું હું,
 અબોટા મારા પગથી સાંગોપાંગ ભીંજાઇ જાઉં છું.
 નાકની નસકોરી ફૂટી નીકળે છે પણ હું ઊભો છું અડીખમ.
કુદરત સાથે તાદાત્મ્ય રાખવાનું સૂચન કરતું આ ગીત એટલું બધું લોકપ્રિય બન્યું કે બીબીસીની પ્લેનેટ અર્થ ટીવી સીરીઝનાં સર્જક સર ડેવિડ એટનબરોને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો ત્યારે બેકગ્રાઉન્ડમાં આ ગીત ગવાયું હતું. 2006નાં ફિફા વર્લ્ડકપમાં પણ આ ગીત વારંવાર ઉપયોગ કરાયો હતો. અનેક ફિલ્મ્સનાં ટ્રેલરમાં પણ આ ગીતનો ઉપયોગ છૂટથી થયો. મુંબઇની ઝૂંપડપટ્ટીનાં બાળકની જિંદગી પર બનેલી એવોર્ડ વિનિંગ ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનર’નાં ટ્રેલરમાં પણ આ ગીત છે. યસ, આ શબ્દનો આઇસલેન્ડિસ ઉચ્ચાર હોપ્પિપોટલા જ થાય છે. હોપ્પ એટલે કૂદકો મારવો અને પોટલા એટલે ખાબોચિયું. સર્વ આધિ/વ્યાધિ/ઉપાધિને મેલ પડતી કરીને, શરમ લાજ નેવે મૂકી, પાણીમાં છપાક કરતા કૂદાડકો મારવો એ હોપ્પિપોટલા. આપણે તો એટલું જાણીએ કે વરસાદ આવે એ હેપ્પી પોટલાં હોય અને એમાં ધૂબાકા મારવા જેવો હોપ્પિપોટલા આનંદ બીજો કિયો હોય? 
યાદ રહે, બાલિશતા અને બાળસહજતામાં ફેર હોય છે. ઝરમર વરસાદમાં તો ખાસ.. હેં ને?
 
શબ્દ શેષ:
“માણસ ત્યારે ઘરડો થયો કહેવાય જ્યારે એ ખાબોચિયામાં થઇને નહીં પણ એની ફરતે ફરીને ચાલે”
–આર. સી. ફર્ગ્યુસન0000
000

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “બે શ્રાવણી શબ્દો: એક ‘સિરિમિરી’ અને બીજો ‘હોપ્પિપોટલા’/પરેશ પ્ર વ્યાસ

  1. વરસાદનો સાદ સાંભળવાની પણ એક મજા છે અને એમાં ભીંજાવાની તો મજા ઓર હોય છે ખાસ કરીને યુવાન લોહી ધબકતું હોય એવી વ્યક્તિઓ માટે.

    માણસ ત્યારે ઘરડો થયો કહેવાય જ્યારે એ ખાબોચિયામાં થઇને નહીં પણ એની ફરતે ફરીને ચાલે” એ આર. સી. ફર્ગ્યુસનનું અવલોકન સાચું લાગે છે.!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s