ખાણીપીણીની માન્યતાઓની વાત / પરેશ વ્યાસ

ખાણીપીણીની માન્યતાઓની વાત

પાપી પેટ માટે બધું કરવું પડે. અન્નકૂટ માટેની આ બધી માથાકૂટ છે. હેં ને? ટીવી ચેનલ્સ પર આજકાલ રસોઇ શૉઝની ભરમાર છે. જાતજાતનાં દેશી વિદેશી રસોઇયાઓ રાંધ્યે જ જાય, રાંધ્યે જ જાય. મને લાગે છે કે આ અહિંસક, શુદ્ધ  અને શ્લિલ મનોરંજન છે. આવા જ એક ટીવી શૉ ‘મમ્મી કા મેજિક’ની હોસ્ટ અમૃતા રાયચંદે ગયા અઠવાડિયે એક ઇંગ્લિશ છાપાને ઇન્ટરવ્યૂ આપતા કહ્યું કે રાંધતી વેળાએ એની પાસે કોઇ છરી માંગે તો એ હાથોહાથ દેતી નથી. જો દીધી તો એની સાથે ઝઘડો થયો જ સમજો. અરે અમૃતાબેન, આવું તે કાંઇ હોય? આ વહેમ, અંધશ્રદ્ધા કે માન્યતાનાં કોઇ વૈજ્ઞાનિક કારણો હોતા નથી. માટે કોઇ શુકન અપશુકન માનવા જેવા હોતા નથી. પણ…. ધારો કે એને માનીએ તો વાંધો શું છે? છરી હાથમાં દેવી એ અપશુકન ગણાય કે નહીં, એવી દલીલોનાં મુદ્દે ક્યાંક સાચેમાચ ઝઘડો ન થઇ જાય? ! ફ્રેંચ નાટ્યકાર ટ્રિસ્ટાન બર્નાડ માનતા કે કોઇ પણ માન્યતા માનવી નહીં કારણ કે એ બેડ લક લાવે છે! એ ય માન્યતા છે, હવે એ પણ ન હો!

એની વે, ખાણીપીણીની થોડી માન્યતાઓની વાત કરીએ. છરીની લેતીદેતી જ નહીં, મરચાંની તેમજ મીઠાંની હાથોહાથ લેતીદેતી પણ ઝઘડાનું મૂળ છે. મીઠાંનું તો વેરાવું પણ અપશુકન છે. ઇસુનાં આખરી ભોજન દરમ્યાન એમનાં વિશ્વાસઘાતી શિષ્ય જુડાસથી મીઠું વેરાયુ હતુ. મીઠું એક જમાનામાં ઘણું મોંઘુ હતું. એટલે એનું વેરાવું અપશુકન ગણાવા માંડ્યું. દૂધનું ઊભરાવું પણ એટલે જ અપશુકન ગણાય. ચાય જો કે થોડી ઢોળાય તો શુકન કહેવાય. પુરુષ અને સ્ત્રી વારાફરતી કિટલીમાંથી કપમાં ચાય રેડે તો ઘરે બાળકનો જન્મ થાય. કોઇ પારકી સ્ત્રીએ બીજી સ્ત્રીનાં ઘરમાં જઇ કિટલીમાંથી ચાય રેડવી નહીં. નહીં તો એ ગર્ભવતી થઇ જાય. માત્ર પુરુષ જ કિટલીમાંથી કપમાં ચાય રેડે તો એના જેવું ગર્ભનિરોધક બીજું કોઇ નથી! કટિંગ ચાય દોસ્તીયારી વધારે પણ એક કિટલીમાંથી ચાયનાં બે કપ ભરવા અપશુકન ગણાય. અને કોફીનાં કપમાં ફીણાતા પરપોટા દેખાય તો તે એ ફૂટી જાય તે પહેલાં ચમચીથી તારવીને તુરંત પી   જવા. શા માટે? એમ કરશો તો અજાણ્યા લોક પાસેથી અણધાર્યા પૈસા મળી જશે. બ્રેડને કાપો અને એમાં કાણું નીકળે તો ઘરમાંથી કોઇ મરી જાય. અલબત્ત હવે તો પહેલેથી કાપેલી સ્લાઇસવાળી બ્રેડ આવે છે એટલે ચિંતા નથી. હવે ફળની વાત કરીએ. નવા વર્ષનાં આગમનની મધરાતે બારનાં ટકોરે બાર દ્રાક્ષ વારાફરતી ખાવી. બાર દ્રાક્ષ એ બાર મહિના છે. જે દ્રાક્ષ મીઠી એ મહિનો સારો, જે ખાટી એ મહિનો નઠારો. તમે કોઇને પ્રેમ કરો પણ વો હૈ કે માનતા નહીં…. તો શું? ના, ગુલાબ દેવાથી કાંઇ ના વળે. સંતરુ દેશો તો પ્રેમનો પોઝિટિવ પ્રત્યુત્તર મળી જશે. કેળાને છરીથી કાપો એટલે બદનસીબીને આમંત્રણ. સફરજનને વચોવચ કાપીને જુઓ કે કેટલાં બી દેખાય છે? બસ એટલાં બાળકોનાં પારણાં તમારે ત્યાં બંધાય એવા યોગ છે. દેખાવે અળસિયાં જેવા નૂડલ્સને આખેઆખા ખાઓ તો ખુશબખ્તી પણ કાપીને ખાઓ કમબખ્તી…. ખાણીપીણી વિષે તો આવી અનેક માન્યતા, ગેરમાન્યતા વિદ્યમાન છે.

૦૦૦૦૦

 

મારી માનો તો કેટલીક નવીન મૌલિક માન્યતાઓ માનવા જેવી છે. ખાંડનાં ડબ્બાની ચમચી નાની રાખો તો ચાય અફલાતૂન બને છે. તેલમાં તળેલાં સમોસા, ભજિયા, ફાફડાં, જલેબી વગેરે જેટલાં ખાઇએ તેનાં સમપ્રમાણમાં, મર્યા પછી આપણે નર્કની તાવડીમાં તળાવું પડે! આખું વર્ષ રોજ એક ફળ ખાઇએ તો આવતા વર્ષે આવકમાં એક લાખનો વધારો ચોક્કસ થાય. ના, એકથી વધારે ફળ ખાઇએ તો શું થાય એ વિષે અમને ખબર નથી. જ્યાં અનલિમિટેડ ફૂડ મળે ત્યાં ખાવું જોખમી છે. એનાથી નપુંસકતા કે વંધ્યત્વ આવી શકે છે. ફાસ્ટફૂડનું સતત સેવન એટલે પ્રિય પાત્રનો વિયોગ. પણ ફાસ્ટફૂડથી પરેજી પાળશો તો તેરે મેરે મિલનકી યે રૈના..ની પાકી સંભાવના છે. આમ તો આ બધી માન્યતા છે. તથ્ય નથી. પણ માનીએ તો આપણાં બાપુજીનું શું જાય?

૦૦૦૦ ૦૦૦ ૦૦ ૦

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “ખાણીપીણીની માન્યતાઓની વાત / પરેશ વ્યાસ

  1. ખાંડનાં ડબ્બાની ચમચી
    હું બે ચમચી રાખું છું – નાની અને મોટી .

  2. ખાંડનાં ડબ્બાની ચમચી
    હું બે ચમચી રાખું છું – નાની અને મોટી .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s