રામ રાજ્યની સ્થાપના/સ્વામી સચ્ચિદાનંદજી

 000

મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણ મહાકાવ્યનો આધાર લઈને વર્તમાન જીવનના પ્રશ્નોને જાણવા-સમજવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. વાલ્મીકી શું ઈચ્છે છે? વાલ્મીકી આ મહાકાવ્ય દ્વારા “રામ રાજ્યની સ્થાપના” કરવા માંગે છે. વાલ્મીકી એમના મહાકાવ્યનું સમાપન એવી જગ્યાએ કરવા માંગે છે કે જ્યાં રામને પોતાને બધું પાછું મળે અને પ્રજાના અરમાનો, અપેક્ષાઓ પુરા થાય. આપણાં આગળ એક બહું મોટો પ્રશ્ન છે કે રામ રાજ્ય એટલે શું? રામ રાજ્યનો અર્થ શું? રામ રાજ્ય એટલે રામ ગાદીએ બેસે એટલે રામ રાજ્ય? કે રામે જેવું રાજ્ય કર્યું હતું એવું રાજ્ય કરવામાં આવે તો રામ રાજ્ય? અથવા આ શબ્દ ઉપલક્ષિત છે, રામ હોય કે કોઈ બીજો ગમે તે હોય કે રાજ્યની અંદર સત્ય, ન્યાય, ધર્મ વિગેરે તત્વો સમાતા હોય એવું રાજ્ય? રાજ્ય વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અધ્યાત્મ ભૂમિકા, આ એકબીજાના પોષક તત્વો છે. આપણે ત્યાં એક ઋષિ માર્ગ છે અને એમાં સંસારના એકેએક તત્વને એકબીજાથી પોષક માન્ય છે, તે ઉદાહરણથી સાંભળો. . જીવનને સમગ્રતામાં જોવાનું નામ ઋષિ માર્ગ છે. તમારા ઘરમાં દરેક વસ્તુની જરૂર છે. ઝાડુની પણ જરૂર છે. જો તમે ઝાડુ ને ફેંકી દો, તો તમારું ઘર થોડાજ દિવસોમાં ગંદુ અને અવ્યવસ્થિત થઇ જશે એટલે તમારા ઘરમાં ઝાડુની પણ જરૂર છે, આ સમગ્રતા છે. ભગવાનની વાતો ન હોય, વાતો સંસારની અને સમાજની હોય. કોઈ સંસારની વાતો કરે તો એના ઉપર ઘ્રણા ન કરો, પણ તમે જો સાચા આધ્યાત્મિક પુરુષ હોવ તો એની વાતોને ઉકેલી આપો. સંસાર એક પ્રશ્નાવલી છે, એમાં પ્રશ્નોજ પ્રશ્નો છે. ભગવાનની વાતો કરો પણ તમારા પ્રશ્નોનો ઉકેલ લાવો તો એ વાતો સાર્થક છે. જો ઉકેલ ન લાવી શકાય અને માત્ર વાતોજ હોય તો એ વાતોથી વડાં થઇ શકશે નહીં. રામાયણ એવું ઈચ્છે છે કે મારે દુનિયાની આગળ એવું પાત્ર રાખવું છે કે જે અધ્યાત્મના ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં અને ધાર્મિક ક્ષેત્રમાં ઊંચામાં ઊંચી ભૂમિકામાં હોય. આ ત્રિવેણી છે અને એનો એકજ જગ્યાએ સંગમ થાય છે અને જે જગ્યાએ સંગમ થાય છે એ જગ્યાનું નામ છે, “તીર્થરાજ” તમને જો ઇતિહાસમાં રસ હોય તો આ વાલ્મીકી રામાયણમાં કેટલીયે વાતો ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈ શકશો. પહેલી વાત તો એ છે કે આજના આપણાં બધા તીર્થોમાં નદીઓની વાત આવી પણ કોઈ તીર્થોની વાત નથી આવી પણ 2000 વર્ષો પછી તુલસીદાસ લઇ આવ્યા, ત્યાં સુધી બધા તીર્થો રચાઈ ગયેલાં. વાલ્મીકી રામાયણમાં તમે જોશો તો રામેશ્વર તથા બીજા તીર્થોનું નામજ નથી આવતું. તુલસી રામયાણમાં આ બધા તીર્થો આવે છે એટલે જ્યારે આ વાલ્મીકી રામાયણ રચાયું હશે ત્યારે આ તીર્થો પ્રચલિત નહિ હોય. આ એક એવી ભૂમિકા છે કે તમારે એક રાજાનું નિર્માણ કરવું છે, એક ઊંચામાં ઊંચા આધ્યાત્મિક પુરુષનું અને એક ઊંચામાં ઊંચા સામાજિક પુરુષનું નિર્માણ કરવું છે. શું આ એક સાથે બધું શક્ય છે? મારી દ્રષ્ટિએ આ શક્ય છે. આ પાત્રોને એક તરફ રહેવા દો તો પણ મહાત્મા ગાંધી નખ-શીખ રાજકારણીય પુરુષ છે, એવા રાજકારણીય કે અંગ્રેજો એક-બીજાને સાવધાન કરતા કે તમે આ મુઠ્ઠી હાડકાંવાળા વાણીયા સાથે બહું સાવચેતીથી વાત કરજો. ગાંધીજી પૂર્ણ મુત્સદ્દી પુરુષ છે. બીજી જગ્યાએ જુઓ તો ગાંધીજી કોઈ જગ્યાએ જુઠ્ઠું બોલ્યા છે? એટલે તો એમણે પુસ્તકનું નામ આપ્યું છે, “સત્યના પ્રયોગો” રાજકારણ અને સત્યને બે સાથે કેવી રીતે ચલાવવા? જે કોઈ ખબરપત્રીઓ કે સરકારી ગુપ્તચરો હોય એને ગાંધીજી કહેતા કે તમારે કંઈ મારી ગુપ્તચરી કરવાની જરૂર નથી, મારી આગળ બધું ખુલ્લુંજ છે. સત્ય અને કરુણા ત્યારે થાય કે જે માણસ રાજકારણમાં ગળાંડૂબ પડેલો હોય અને સત્યથી એક ઇંચ આઘે ખસવા તૈયાર નથી થતો હોતો. જે ગળાડૂબ અધ્યાત્મમાં ડૂબેલો માણસ હોવાનો દાવો કરે એ અસત્ય બોલે એવું સંભવી શકે ખરું? એક 124 વર્ષના સાધુનું ઉદાહરણ સાંભળો. લોકો પહેલા ઉંમરથી મોહિત થતા હોય છે. અમારે ત્યાં પ્રાચીન શાસ્ત્રમાં લખ્યું છે, “न हायनैर न पलितै योनुचाह्न् सनोमहान” કોઈ વર્ષોથી મહાન નથી થતું. કોઈના વાળ ધોળા થતા હોય એટલે મહાન નથી થતું પણ જે વેદ્વેત્તા હોય, ચિંતક હોય, વિચારક હોય, ઋષિ હોય તે મહાન છે. બીજું લખ્યું, “युक्त युक्त मुपादेयं वचयं बालकादपि, अन्यत्रणिमेव त्याजं अभुक्तं पद्मयोनिना” નાનું બાળક છે એ પણ જો યુક્તિ પૂર્વક વાત કરતુ હોય તો એની વાતનો સ્વીકાર કરવો પણ ઉપરથી બ્રહ્મા આવે અને કહે કે દૂધ કાળા રંગનું હોય તો પણ એની વાતનો સ્વીકાર ન કરવો. બ્રહ્માની મહિમા છે કે વાણીની મહિમા છે?  વાચસ્પતિ મિશ્રે લખ્યું છે, “नहि श्रुति सहस्त्रमपि घटम् पटइतुम ईशते” એક હજાર વેદ ભેગા થાય તો પણ એ ઘટ ને પટ ન બનાવી શકે. આ આપણી પરંપરા છે. હવે એ પરંપરામાં જે રાજકારણમાં ડૂબેલો માણસ છે, એ અસત્ય બોલવા તૈયાર નથી અને તે રાજકારણના સારામાં સારા સોગટાં રમી શકે છે અને એથી ઉલટું અહિ અધ્યાત્મમાં પડેલા માણસો ડગલે અને પગલે જુઠું બોલે છે.  મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વખતે પાતળો અરીસો મૂકી એને કેવી રીતે તોડવામાં આવે છે અને પછી લોકોને એવું ઠસાવવામાં આવે છે કે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગઈ તે આખો પ્રસંગ સાંભળો. આ બધા ગોરખધંધા છે અને એ મોટા પ્રમાણમાં મોટા મોટા પુરુષો ચલાવે છે, તમે એવાની પાસે શું અપેક્ષા રાખી શકો? જો મૂર્તિમાં પ્રાણ હોય તો જે મુગટ ચોરવા આવે એનો હાથ ભગવાન પકડી લેશે ને? મંદિરના ખાત મુહુર્ત સમયે મૂર્તિ જમીનમાંથી કેવી રીતે બહાર નીકળે છે તે એક સાચી બનેલી હકીકત સાંભળો. એક મહારાજ આશ્રમમાંથી હનુમાનજીના મંદિરમાં ચાલ્યા ગયા, કારણકે દર શનિવારે છ ડબ્બા તેલ ચઢે છે. કાશીમાં હિંદુ યુનીવર્સીટી આગળ સંકટ મોચન હનુમાનનું મંદિર છે અને વિદ્યાર્થીઓ ત્યાં કેવી રીતે પ્રાર્થના કરે છે, તે સાંભળો. આ અધ્યાત્મ છે અને અધ્યાત્મની અંદર જઈને જુઓ તો અધ્યાત્મનો એક છાંટોએ નથી. જયારે યુદ્ધમાં યુધિષ્ઠિર અડધું જુઠ્ઠું બોલ્યા હતા કે “नरोवा कुंजरोवा” ત્યારે એમનો રથ નીચે આવી ગયો પણ ગાંધીજી માટે એવી નથી કહેવાતું કે કોઈવાર અડધું જુઠ્ઠુંયે બોલ્યા હોય. ત્યારે આ રામ રાજ્ય છે એમાં અધ્યાત્મની સાથે રાજ્ય હોય કે અધ્યાત્મ અને ધર્મ એક અલગ વસ્તુ છે? ઘણીવાર કલ્પનામાં ન આવે એવી વાતો લોકો છપાવે છે કે આ તો ફલાણાનો અવતાર છે કે એમની આટલી ઉંમર છે અને હજ્જારો, લાખ્ખો અનુયાયીઓ આવી વાતને સ્વીકારી લેતા હોય છે. ઉદાહરણ સાંભળો. જે હળહળતું  જુઠ્ઠાણું બોલે એની પાસે તમે શું અપેક્ષા રાખી શકો?રામ રાજ્યનો શો અર્થ છે? રામ રાજ્યનો અર્થ છે કે એવો વ્યક્તિ ગાદી ઉપર બેઠો હોય જે જુઠ્ઠું ન બોલતો હોય, જે અન્યાય ન કરતો હોય, જે પક્ષપાત ન કરતો હોય, સૌનું ભલું ઈચ્છતો હોય, સૌનું કલ્યાણ ઈચ્છતો હોય તોજ પ્રજા સુખી થઇ શકે. ચાણક્યે લખ્યું છે કે સુખનું મૂળ રાજા છે અને રાજાનું મૂળ છે એ ધર્મ છે. એ ધર્મ ચતુર્મુખી છે. વહીવટી તંત્ર, રક્ષા તંત્ર, ન્યાય તંત્ર અને અર્થ તંત્ર, આ એના ચાર મુખ છે. રાજા રામ રાજ્ય કરવા માંગે તો પહેલાં તેનો વહીવટ સુધારવો જરૂરી છે.  સૌરાષ્ટ્રના જસદણ નામના સ્ટેટમાં એક 17 વર્ષનો કાઠી દરબાર ગાદીએ બેઠો એણે પોતાના મામાને પ્રજાને કનડગત અને અન્યાય કરવા માટે ફાંસીની સજા આપી તે સાચી બનેલી હકીકત વિસ્તારથી સાંભળો. પરાક્રમ માટે ઉંમરની જરૂર નથી. એહમદ શાહ 13 વર્ષની ઉંમરે અમદાવાદની ગાદીએ બેઠો અને પહેલેજ દિવસે લડાઈ લડ્યો અને વિજયી બન્યો. દુનિયામાં એક નિયમ છે કે જયારે કોઈપણ જગ્યાએ ક્રાંતિ થઇ છે ત્યારે એનો પહેલો અંગારો કોઈને કોઈ સ્ત્રીએ મુક્યો હોય છે. . મામાને કેવી રીતે સજા કરી તે સાંભળો. પ્રજામાં એવી ધાક બેસી ગઈ કે આખા સ્ટેટમાં બધા ઓફિસરો ફફડી ઊઠ્યા. ખરાબ માણસો સારા માણસોને ખરાબ કરે છે. એક બીજો પ્રસંગ સાંભળો. એક વાણીયાએ બ્રાહ્મણની થોડી જમીન દબાવી દીધી અને વાણીયાને શું સજા કરી તે સાંભળો. એક ત્રીજો પ્રસંગ સાંભળો. આંગણાંમાં લીંબડાના ઝાડ ઉપર એક ખવાસનો છોકરો ચઢેલો અને નીચે દાસીઓ ફર્યા કરે અને ઈશારા કર્યા કરે, રાજા ઉપર મહેલમાંથી જોઈ ગયો અને નીચે ઉતરી પેલાને લીંબડા ઉપરથી નીચે ઉતાર્યો અને એની આંખો કાઢી લીધી.  કોની તાકાત? રાત્રે 12 વાગ્યે સોને મઢેલી કોઈની દીકરી જતી હોય તો કોઈની તાકાત નહિ કે આંખ ઊંચી કરી શકે, કેમ? રાજા જાગે છે, રાજા જીવે છે, એટલે વહીવટી તંત્ર જીવે છે. રાજા મરી જાય અથવા જીવતો હોય અને મડદું થઇ જાય એટલે વહીવટી તંત્ર મરી જાય એટલે ગુંડાઓ જીવતા થયા, અસુરો જીવતા થયા, અસામાજિક તત્વો જીવતા થયા. હવે રાતની વાત જવા દો, હવે ધોળા દિવસે કોઈ દીકરી ઘરની બહાર નથી નીકળી શકતી, કેમ? આખું વહીવટી તંત્ર તૂટી પડ્યું છે, ગુંડાઓ અને મંત્રીઓ વચ્ચે ભાઈબંધી હોય છે, તમે શું કરશો? રામ રાજ્ય એમને એમ નથી આવતું. આ વહીવટી તંત્રની વાત થઇ. બીજું રક્ષા તંત્ર. તમારા સીમાડા (બોર્ડર) સુરક્ષિત છે? અંગ્રેજોએ ઠેઠ કાબુલથી રંગુન અને લ્હાસાથી લંકા સુધી એક છત્ર રાજ્ય કરેલું તે પણ માત્ર 64 કરોડ રૂપિયામાં!!! હવે આપણી બોર્ડર કેવી છે? RDXથી ઊભરાઈ રહી છે. કહે છે, અમે બેઠા છીએ ને? શું થયું? એટલો બધો ભ્રષ્ટાચાર કે આ દેશ ચાલશે કેવી રીતે? રામ રાજ્ય કેમ નથી આવતું? શું થયું? રક્ષા તંત્ર તૂટી ગયું, એટલો બધો ભ્રષ્ટાચાર કે આ દેશ ટકશે કેવી રીતે? ત્રીજું તંત્ર છે, એ ન્યાય તંત્ર. રામ રાજ્ય કરવું હોય તો ન્યાય તંત્ર તમારું ન્યાય કરનારું હોવું જોઈએ. ઈંગ્લેન્ડના પ્રીન્સનું ઉદાહરણ સાંભળો કે લીમીટ ઉપરાંત ગાડી ચલાવવાથી એને કોર્ટમાં ઊભો કરી દીધો. વળી TV ઉપર આ બધુંજ બતાવવામાં આવે છે. કોઈ સામાન્ય માણસને પકડો તોએ આપણે ત્યાં તરત દંડ નથી કરી શકાતો.  ઓળખાણ હોય તો એકાદ પોલીસતો શું કોઈ DSP પકડે તો પણ તેનું આવી બને. રામ રાજ્ય એમને એમ નથી આવતું. રામ રાજ્યમાં સાચું જજમેન્ટ આપે એવા ન્યાયધીશોની જરૂર હોય છે. છેલ્લે અર્થતંત્ર છે. તમારા દેશના અર્થતંત્રમાં રામ બેઠા છે? તમે હક્કનો પૈસો વસુલ કરો છો? પ્રજાને હક્ક શીખવાડ્યો છે? તમે સાચા હોવ તો પ્રજા સાચી થાય. તમે હક્કનો રોટલો ખાવ તો પ્રજા સાચી થાય. ભ્રષ્ટાચાર નીચેથી નથી આવતો હોતો અને કદાચ આવે તો એ ભ્રષ્ટાચાર શક્તિશાળી નથી હોતો. ભ્રષ્ટાચાર ઉપરથી આવતો હોય છે અને ઉપરથી આવતા ભ્રષ્ટાચારને કોઈ રોકી શકતું નથી. ન્યાયાધિશની પણ તાકાત નથી કે આ ઉપરથી આવતા ભ્રષ્ટાચારને રોકી શકે. એકેએક પૈસા ઉપર ભ્રષ્ટાચારની છાપ લાગી હોય તો તમે રામ રાજ્યનું સુખ કેવી રીતે ભોગવી શકો? રામાયણ મહાકાવ્યમાં વાલ્મીકી એક આદર્શ ઊભો કરે છે. એમાં ફક્ત યુદ્ધની કથા નથી, પણ આદર્શ રાજ્ય કેવું હોય? તે વાલ્મિકીએ બતાવ્યું છે. પહેલી શરૂઆત વિભીષણથી કરી કે આખું રાજ એને આપી દીધું. રામે એક પાઈ પણ લીધી નથી. કદાચ ધાર્યું હોત તો સોનાની પોઠો લઇ શક્યા હોત. એક પુષ્પક વિમાન લીધું અને તેનું પણ વિસર્જન કરી નાંખ્યું. જે પ્રજા પરદેશ વેઠી શકે એ પ્રજા સમૃદ્ધ બને છે. ઘરમાં ગમે એટલું દુઃખ હોય પણ ઘર એ ઘર છે, પરિવાર એ પરિવાર છે. સ્વજન એ સ્વજન છે, પણ સમય થાય ત્યારે ઘર જવાનું મન થાય છે. જો આવી તાલાવેલી પોતાના વતન, ઘર, સ્વજન માટે ન લાગે તો એવું સમજવું કે એ જડ માણસ છે કે કોઈ ઊંચી કોટીનો સિદ્ધ પુરુષ છે. રામે કહ્યું કે હું ચાલીને ઘરે જવા નીકળું તો છ મહિના નીકળી જાય અને ભરતને મેં વચન આપ્યું છે કે 15મા વર્ષના પહેલા દિવસે આવીશું અને એને હવે ફક્ત બે દિવસ બાકી છે એટલે રામે અયોધ્યા જવા માટે વિભીષણ પાસેથી વિમાન માંગ્યુ “संपत होय तो देश भला, नहीं तो परदेश” ભિખારી થઈને દેશમાં ન જીવશો, દેશમાં અને ગામમાં રહેવું હોય તો શેઠ થઈને જીવજો. રામે ત્રણ વિજયો મેળવ્યા છે એટલે ઘરે જવાની તાલાવેલી છે. પહેલો વિજય 14 વર્ષ પાર કર્યા અને પ્રતિજ્ઞા પાળી. બીજો રાવણ ઉપર વિજય મેળવ્યો તે છે. ત્રીજો વિજય સીતાજીને હેમખેમ પાછી મેળવી તે છે. એટલે આમ ત્રણ-ત્રણ વિજયો છે. રાવણ પાસેથી પણ આ શીખવા જેવું છે કે અગિયાર મહિના સીતાજી રાવણ પાસે રહ્યા, એને ભય બતાવ્યો, લાલચ બતાવી પણ એણે એક આંગળી સુદ્ધાં ન અડાડી. બંને મહાન છે અને આ બંને મહાનોની લડાઈ છે.0000

7 ટિપ્પણીઓ

Filed under Uncategorized

7 responses to “રામ રાજ્યની સ્થાપના/સ્વામી સચ્ચિદાનંદજી

 1. ભગવાનની વાતો કરો પણ તમારા પ્રશ્નોનો ઉકેલ લાવો તો એ વાતો સાર્થક છે. જો ઉકેલ ન લાવી શકાય અને માત્ર વાતોજ હોય તો એ વાતોથી વડાં થઇ શકશે નહીં.
  ——-
  આમ કહેનારા કેટલા સંતો હશે? હેટ્સ ઓફ ટુ સ.સ્વા.

  • pragnaju

   ધન્યવાદ
   રામાયણ એવું ઈચ્છે છે કે મારે દુનિયાની આગળ એવું પાત્ર રાખવું છે કે જે અધ્યાત્મના ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં અને ધાર્મિક ક્ષેત્રમાં ઊંચામાં ઊંચી ભૂમિકામાં હોય. એવી પ્રેરણા લઇ પ્રશ્નનો ઉકેલ લાવે તેની વાતો સાર્થક…સ્વામી સચ્ચિદાનંદજીના લેખો વાંચો કે કેસેટ સાંભળો દરેક વખતે નવું પ્રેરણાદાયક મળે

 2. રામાયણની ઘણી વાતો જાણીયે છીએ. મોટાભાગની વાત સીતાજીનો ભૂમીપ્રવેશ, રામજીનું સરયુમાં આત્મવિસર્જનથી પુઋથઈ જાય છે; પણ ખરેખર રામરાજ્યની વિગતવાર વાત ખાસ જાણવા મળતી નથી. શું રામરાજ્યમાં ચોરી, અપ્રમાણિકતા ન હતી? બળાત્કાર, અપહરણો થયા જ ન હતા? રામયુગની અસર હંગામી જ હતી. શા માટે અશ્વમેઘ યજ્ઞો મારફત અન્ય રાજાઓને પોતાની આણ સ્વિકારવાનો દુરાગ્રહ થયો હતો. જો રામરાજ્ય ઉત્તમ જ હોય તો એની અધોગતી કૃષ્ણકાળ સૂધીમાં પુરેપૂરી થઈ જ ગઈ હતી. રામરાજ્યને બદલે સુરાજ્યની કલ્પનાને શા માટે સાકાર ન કરવી? આતો આખો લેખ ફરીવાર વાંચતા મગજમાં આવેલો વિચાર.

 3. Ramesh Patel

  સુખનું મૂળ રાજા છે અને રાજાનું મૂળ છે એ ધર્મ છે.
  ……
  praja..jo naa sudhare to bhogave raakho.

 4. Tushar Bhatt

  Swamiji ni badhi vato vastavik ne jamin par pag rakhva vali hoy chhe.E prashno na emni rite ukel pan batave chhe,e pan etlu j mahatvanu chhe.aava santo shadio ma kok j pake.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s