જ્યોતીન્દ્ર દવે: તેમણે સર્જેલું હાસ્ય આજે પણ તરોતાજા છે

લાફિંગ સિગ્નલ: મહેશ પ્રજાપતિ

ગુજરાતી ભાષાના મહાન હાસ્યલેખક જ્યોતીન્દ્ર હ.દવેની ૨૧ ઓક્ટોબરે ૧૧૫મી જન્મજયંતી છે.૧૯૬૬માં ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૩મું અધિવેશન સુરતમાં યોજાયું હતું. પ્રથમ દિવસની પ્રથમ બેઠકમાં પરંપરા મુજબ પ્રમુખનું પુષ્પહારથી સન્માન કરવાનું હોય છે. સ્વાગત સમિતિ દ્વારા પુષ્પહાર પહેરાવનાર સભ્ય મોટો હાર લઈને આવ્યા.જ્યોતીન્દ્રભાઈના ગળામાં યજમાન હાર પહેરાવે તે પહેલાં જ તેમણે એક હાથથી પોતાની કાળી ટોપી ઉતારી લઈને હાથમાં માથું ખોસી દીધું.આમ તેઓ પોતાના વર્તણુંકથી પણ હાસ્ય ઉત્પન્ન કરતા રહ્યા.ફુલહાર ગળામાં પડયા પછી તેઓ બોલી ઊઠયા “આ અધિવેશનમાં આભારનો ભાર ન લાગે, એટલા માટે આજે મે આહાર ઓછો લીધો તો હારનો ભાર વધી ગયો.” તેમનું વાક્ય સાંભળી ઓડિયન્સમાં હાસ્યની છોળો ઉડવા લાગી.
જ્યોતીન્દ્ર દવેની જન્મભુમિ સુરત પરંતુ કર્મભુમિ મુંબઈ હતી. પોતાના પ્રવચન દરમ્યાન એક અન્ય પ્રસંગ કહી સંભળાવ્યો હતો.લો,વાંચો “એક દિવસ હું મુંબઈના થિયેટરમાં નાટક જોવા ગયો હતો.પ્રથમ હરોળમાં જ મારા માટેની બેઠક વ્યવસ્થા હતી.મારી બાજુની સીટ પર બેઠેલા એક ભાઈ નાટક જોવામાં એટલા બધા તલ્લીન થઈ ગયેલા કે, તેઓ પોતાના બદલે મારો ઢીંચણ ખંજવાળતા હતા.દસ બાર મિનિટ સુધી એમની ખનન પ્રવૃતિ ચાલતી રહી, એટલે મેં એ ભાઈને ટોક્યા “ભાઈશ્રી !તમે પંદર મિનિટથી તમારો નહિ પણ મારો ઢીંચણ ખંજવાળો છો”મારૂ વાક્ય સાંભળી તેઓ ઉકળી ઉઠયા ‘હું પંદર મિનિટથી તમારો ઢીંચણ ખંજવાળું છું, એમ તમે મને અત્યારે કહો છો.તો પંદર મિનિટ પહેલાં કહેવું હતું ને ?’મેં શાંતિથી જવાબ આપ્યો, ‘જ્યાં સુધી મને સારૂ લાગતું હતું ત્યાં સુધી હું ન બોલ્યો પરંતુ હવે મને લ્હાય બળવા લાગી એટલે તમને રોકું છું અને ટોકું છું”આ પ્રસંગ સાંભળ્યા બાદ ઓડિયન્સ ખુરશીમાં ઉછળી ઉછળીને હસવા લાગ્યું હતું.
અધિવેશનની પૂર્ણાહુતિ બેઠકમાં આગામી જ્ઞાાનસત્ર કે અધિવેશનના યજમાન બનવા જે કોઈ સંસ્થા ઈચ્છતી હોય તેમણે જાહેરમાં નિમંત્રણ પાઠવવાની પરંપરા છે. સૂરતના અધિવેશનમાં પણ ઘણાએ આમંત્રણની જાહેરાત કરી. એક દ્વારકાના સજ્જન ઊભા થયા, અને માઈક પકડીને બોલી ઉઠયા. “અમારી દ્વારકાનગરી ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ છે.આપણા પ્રમુખશ્રી જ્યોતીન્દ્રભાઈ સુદામા જેવા છે.સુદામા અને કૃષ્ણની મૈત્રી ખુબ જ જાણીતી છે.માટે હવે પછીનું જ્ઞાાનસત્ર અમારી દ્વારકાનગરીમાં યોજાય તે માટે હું પ્રમુખશ્રીને વિનંતી કરૂ છું, કે તેઓ હા પાડે.” એ યજમાનનું વક્તવ્ય પુરૂ થતાવેંત જ્યોતીન્દ્રભાઈએ કોમેન્ટનું રોકેટ છોડયું “પેલા અસલી સુદામાની જેમ મારા ઘરના નળીયા સોનાનાં કરી આપવાની ખાતરી આપતા હો તો હા પાડું”એમની કોમેન્ટ સાંભળી સૌના ચહેરા પર હાસ્યના ફૂલ ખીલી ઉઠયા.
 …………………………………………………………………………………………………………………………………
00000

“Mahabharat Ek Dristi” by Jyotindra Dave – YouTube

Sep 25, 2014 – Uploaded by Bhagyendra Patel

જ્યોતિન્દ્ર દવેને હાસ્યાંજલિ, ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૪, દિલ્હી પ્રસંગે જ્યોતિન્દ્ર દવેના લેખ ‘મહાભારત’નું …

……………………………………………………………………………
ગુલાબડોસી (હાસ્યનિબંધ) – જ્યોતીન્દ્ર દવે

મારા મોસાળમાં આગલા બે ખંડ પછી એક ચોક, તેની પાછળ રસોડું ને રસોડાના પાછલા બારણા પછી નાનકડી ગલી જેવો રસ્તો, એ રસ્તાના એક છેવાડે ‘હમણાં પડું છું, હમણાં પડું છું’ એમ કહેતું હોય તેવું, કમરમાંથી વાંકું વળી ગયેલું ઝૂંપડી જેવું મકાન હતું. એ મકાનમાં એક ડોસી રહેતાં હતાં. એનું નામ હતું ગુલાબ. પણ એ ગુલાબની બધી પાંખડીઓ ખરી ગયેલી અને માત્ર સૂકી દાંડી જ રહી ગયેલી. ગુલાબડોસીનાં બધા સગાંવહાલાં પરધામ પહોંચી ગયેલાં. એક પુત્રીની પુત્રી હયાત હતી. પણ તે પરગામ પોતાને સાસરે રહેતી. એટલે કે એક જીર્ણ મકાનમાં એ મકાન જેવાં જ જીર્ણ ગુલાબડોસી એકલાં રહેતાં હતાં.

એમને ખાસ કામ રહેતું નહિ. એટલે એમણે મને સવારે નવડાવવાનું કામ માગી લીધું. સવારના પહોરમાં મારી ઊંઘ પૂરી થાય ન થાય તે પહેલાં ડોસી આવી પહોંચતા. અડધા ઊંઘટ્ટા મને ઉપાડીને નવડાવવા લઈ જતાં. ખળખળતું ગરમ પાણી પહેલીથી જ તૈયાર કરી રાખ્યું હોય. મોટી કૂંડીમાં એ પાણી આરામ લેતું પડ્યું હોય તેમાં મને દિશાવસ્ત્ર (વસ્ત્રવિહિન) બનાવી ડોસી એક ડૂબકી ખવડાવે. ઝબકીને હું જાગી ઊઠું ને મોટી ચીસ પાડું. ડાડી થોડું ઠંડુ પાણી ઉમેરે. પછી એક-બે-ત્રણ-ચાર લોટા શરિર પર રેડે. હું મોટેથી રડવાનો પ્રયત્ન કરું પણ પાણી મોંમા આવતાં અવાજ અધૂરો – ઉધરસ સાથે મિશ્રિત થઈને નીકળે. ડોસી મને ઊંધો કરીને પાછા ચાર લોટા પાણી રેડે. મોંમાથી પાણી નીકળી જતાં મારો અવાજ પણ બુલંદ બને. ગરમાગરમ પાણીના શેકને લીધે મારા શરિરે રાતો રંગ પકડવા માંડ્યો હોય, પણ પૂરેપૂરી જોઈએ તેટલી રતાશ હજી આવી નથી એમ લાગવાથી ડોસી કરકરા, જાડા ટુવાલથી ખૂબ જોરથી મારા ડિલને ઘસવા માંડે. એ ઘર્ષણક્રિયા સાથે જ મારી રોદનક્રિયા વેગ પકડે.

શિશુવયમાં મારો અવાજ મોટો હતો. તેમાં ઘર્ષણનું ઉદ્દીપન કારણ મળતાં એ ખૂબ મોટો તેમ તીવ્ર પણ બનતો.

મારા માતામહનાં માતા તે કાળે જીવતાં હતાં. નેવુંની નજીક પહોંચ્યાં હતાં. પણ થાક્યા વગર ઘરનાં પરચૂરણ કામો કુટુંબીઓના વિરોધ છતાં કર્યે જતાં. તે કાને મારો અવાજ પડતાં એ, એ ઉમંરે થઈ શકે તેટલી ઝડપથી આવી પહોંચતા.

‘તારું નખ્ખોદ જાય રે ડોસી’ તારા પોતાના ઘરનાં બધાંને તો વળાવી ચૂકી તે હવે છોકરાને મારી નાખવો છે? ટુવાલ ઘસીઘસીને એને છોલી નાખ્યો. અભાગણી, જોતી નથી, છોકરો કેટલો લાલ લાલ થઈ ગયો છે?’
‘માજી, તમને પગે લાગું. પણ આમ દા’ડે-કદા’ડે કડવું ન કે’તા હો તો?’
‘પણ છોકરાને આવી રીતે ઘસી નાખવતો?’
આવું લગભગ રોજ થતું. હું મોટો થયો એટલે આ ક્રિયાની ઈતિશ્રી થઈ.

થોડા મોટા થયા એટલે હોળીના દિવસોમાં મહોલ્લાનાં છોકરાઓ વાંસની દોરડીની મદદ વડે ઠાઠડી બનાવતા. તેમાં ઘાસ નાખી માનવ-આકૃતિ જેવી રચના કરી ઉપર વસ્ત્રનો કકડો પાથરતા ને ચાર છોકરા એને ખભે ઊંચકી ગુલાબડોસીના નામની પોક મૂકતા, ‘ઓ રે! મારાં ગુલાબ ડોસી! તમને એકાએક શું થઈ ગયું?’ ઠાઠડી પાછળ છોકરીઓ ચાલતીને ‘ગુલાબડોસી હાય ! હાય ! હાય ! હાય ! ગુલાબડોસી’ એમ કહીને એના નામનાં છાજિયાં લેતી.

એ ઠાઠડી ઊંચકનારો એક છોકરો, હડકાયું કૂતરું કરડવાથી મરણ પામ્યો ને છાજિયાં લેનાર બે છોકરીઓ કોઈક અકસ્માતનો ભોગ બની પરલોક સિધાવી ને મોટેરાંઓએ ગુલાબડોસીની ઠાઠડી કાઢવાની કે એનાં નામનાં છાજિયાં લેવાની સખ્ત મનાઈ ફરમાવી.

એકવાર સંક્રાન્તિના પ્રસંગે મારા મોસાળની અગાસી પર હું પતંગ ચગાવવા ચડ્યો હતો. ત્યારે કોઈકનો કપાયેલો પતંગ આકાશમાં ડોલતો ડોલતો ધીમે ધીમે નીચે ઊતરતો આખરે પડ્યો ડોસીના છાપરા પર. અમારી અગાસીની બાજુમાં જ પણ એનાથી થોડેક નીચે ડોસીના ખખડધજ મકાનનું, એ મકાનને અનુરૂપ એવું, છાપરું હતું.

અગાસીમાંથી ભૂસકો મારી ડોસીના છાપરા પર પડેલો પતંગ લઈ આવવાને મેં કમર કસી. ‘યા હોમ કરીને’ પડ્યો પણ છાપરાએ કહ્યું ‘ફતેહ છે આઘે.’
‘આવો અત્યાચાર સહન કરે તે બીજા, હું નહિ’ એમ કહેતું હોય તેમ એ છાપરું કમરમાંથી વળી ગયું. પછી ટટ્ટાર થવાનો પ્રયત્ન કર્યો અને આટઆટલો પરિશ્રમ અત્યંત ભારે પડ્યો હોય તેમ આખરે એ તૂટી પડ્યું. એ આવીને પડ્યું તો ખરું, પણ એકલું નહિ. જેનો આરંભમાં સંગાથ કર્યો તેને અંત સુધી સાથ આપવો એવી ઉદાર આર્યનીતિને અનુસરીને છપરાંએ મને પણ પોતાની સાથે લીધો.

થોડાંક આખાં, બાકીનાં ભાંગીને અડધાં થઈ ગયેલાં નળિયાં, છાપરાંની વાંસની વળીઓ, સારા પ્રમાણમાં ધૂળ ને કચરો અને હું, ‘મા પાવા તે ગઢથી ઊતર્યા’ નો ગરબો ગાતાં હોય એમ પડ્યાં ગુલાબડોસીના પહેલા માળના ઓરડામાં. જાણે ધરતીકંપ થયો હોય તેમ પહેલાં ધ્રૂજી ઊઠ્યો ઓરડો ને પછી ધ્રૂજી ઉઠયાં ગુલાબડોસી. થોડીવાર તો ડોસી સ્તબ્ધ બનીને જોઈ રહી. પછી મોં ખોલ્યું પણ શરૂઆતમાં મોંમાંથી શબ્દ સર્યો નહિ. આખરે મોટે અવાજે એણે ચીસ પાડી, ‘ઓ, કોઈ આવો – કોઈ આવો. ઘરમાં ચોર ભરાયો છે ! છાપરા પરથી કૂદી પયડો છે ! મને મારી નાખશે !’

ડોસીની બૂમ સાંભળી પાડોશમાંથી પંદરવીસ છોકરાં ને ચારપાંચ આધેડ વયના પુરુષો દોડી આવ્યા પણ ડોસીનાં બારણાં અંદરથી બંધ હતા એટલે બહાર ઊભા રહીને એમણે બારણાં ઠોકવા માંડ્યાં. ‘બારણાં ખોલ, બારણાં ઉઘાડ!’ લોકોએ શોરબકોર કરી મૂક્યો.

સદભાગ્યે ડોસીએ મને જોયો નહોતો. એની નજર ચૂકવીને કદાચ ભાગી શકાય પણ બારણાં બહાર ભેગા થયેલા લોકોની નજરમાંથી શી રીતે છટકવું તેની વિસામણમાં હું પડ્યો.

અંતે એક યુક્તિ એકાએક સૂઝી આવી. બારણાં ખોલી બારણાની પાછળ, એની આડશે સંતાઈને હું ઊભો રહ્યો. હુડુડુડુ કરતા છોકરાઓ ને મોટેરાઓ અંદર ઘસી આવ્યા. બધા અંદર આવી ગયા પછી હું પણ બારણા પાછળથી નીકળી સૌ ભેગો ડોસીને આશ્વાસન આપવા ઉપર ગયો.
‘કાં છે ચોર? સાલાને બરાબર સ્વાદ ચખાડીએ ડોસી, બોલ તો ખરી ચોર કાં ભરાયો છે?’
‘હું સું જાણું? આટલામાં જ હસે.’
‘પણ ચોર જ છે એમ તું સા પરથી કહે છે?’ કોઈકે પૂછયું.
‘નઈ તારે? છાપરું તોડીને બીજો કોણ મારો બાપ આવવાનો’તો?’
‘તારો બાપ નઈ ને તારો દાદો, પણ તેં દીઠો હોય તો બોલી મરની?’ એક અધીરા ગૃહસ્થે આસપાસ નજર નાખીને પૂછયું.
‘અહીં તો કોઈ તારો કાકો બી નથી.’ બીજાએ કહ્યું.
‘અરે! ડોસીમાને સપનુંબપનું આવ્યું હશે.’ ત્રીજાએ કહ્યું.
‘અહીં ઊંઘ્યું છ કોણ કે સપનું આવે?’ ડોસીએ કહ્યું.
‘પણ આ છાપરું તૂટ્યું છ તે તો સપનું નથી કેની?’ એક દોઢડાહ્યાએ શંકા ઉઠાવી.
‘પવન ઝપાટો લાગ્યો હસે. છાપરામાં કંઈ દમ જેવું બી હતું ખરું? એ તો પવનનો એક ઝપાટો વાયગો ને છાપરું થઈ ગયું રામશરણ, હવે ચાલો ઘર ભેગા થઈ જઈએ. અહીં કાંઈ કરવાનું નથી.’ એમ કોઈકે કહ્યું ને પછી સૌ ત્યાંથી વીખરાઈ ગયાં. Courtesy read gujrati

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

4 responses to “જ્યોતીન્દ્ર દવે: તેમણે સર્જેલું હાસ્ય આજે પણ તરોતાજા છે

  1. મને સૌથી પહેલા હાસ્ય લેખક નો પરિચય થયો હોય તો એ જ્યોતીન્દ્ર દવે. એમનાં પુસ્તકો જેવાં કે હાસ્ય તરંગ , રેતીની રોટલી. અપ્લ્પાત્માનું આત્મ પુરાણ વગેરે પુસ્તકો ને મન ભરીને માણ્યા હતાં.

    સ્વ. કવિ ઉમાશંકરે જ્યોતીન્દ્ર દવે ના હાસ્ય વિષે સરસ કહ્યું હતું કે મને હસવું આવે છે એને બદલે મને જ્યોતીન્દ્ર આવે છે એમ કહેવાનું મને વધુ ગમે છે.

  2. એમના બહુ જાણીતા લેખોમાં કદાચ ગણતરી થતી જણાઈ નથી પણ મને એમનો એક લેખ “મોડા જાગવા વીશે” બહુ ગમે છે. એમાં એમણે વહેલા જાગનારાઓમાં નરસિંહ મહેતાને પણ છોડ્યા નથી ! “અર્લી બર્ડ કેચીઝ વર્મ” નામની કહેવતનો અર્થ કરતાં તેઓએ લખેલું કે વહેલું જાગે તે પક્ષીને તો જીવડાનો ખોરાક મળી જાય પણ પેલા જીવડાનું શું ? વહેલું જાગ્યું તો શીકાર બની ગયું ને ?! એના કરતાં વહેલું જાગ્યું ન હોત તો ?!
    જ્યોતીન્દ્રની હાસ્યજ્યોત ગુજરાતી સાહીત્યને સદાય અજવાળતી રહી છે…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s