પોપરાઇઝેશન: ગરીબને વધારે ગરીબ બનાવવાનો કારસો/પરેશ પ્ર વ્યાસ

 

%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6

 

 

 

 

 

 

પોપરાઇઝેશન:  ગરીબને વધારે ગરીબ બનાવવાનો કારસો

ज़िन्दगी एक खेत है,
और साँसें जरीब है ।
(जरीब=जमीन नापने का साधन)                                                                                                                                                                            उफ़ नहीं की उजड़ गए,
लोग सचमुच गरीब है ।                                                                                                                                                                                        दुष्यन्त कुमार  

સમાચાર આવ્યા કે અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધતું જાય છે. દક્ષિણ આફ્રિકાની રીસર્ચ ફર્મ ‘ન્યૂ વર્લ્ડ વેલ્થ’ અનુસાર ભારતની 54% સંપત્તિ ગણ્યાગાંઠ્યા કરોડાધિપતિઓની પાસે છે. દુનિયામાં રશિયા પછી આપણો બીજો નંબર છે. સંપત્તિની સમાનતાની દ્રષ્ટિએ જાપાન સૌથી સારો દેશ છે. એમાં કરોડાધિપતિઓ પાસે કુલ સંપત્તિનો માત્ર 22% હિસ્સો છે. જો હિસ્સો 50% થી વધે તો અર્થપૂર્ણ મધ્યમવર્ગ(Meaningful Middleclass) પછી રહે જ નહીં.  અહીં અર્થ એટલે નાણાં, એવો અર્થ ય કરી શકાય! આ મુશ્કેલી વિશ્વવ્યાપી છે. આપણે ત્યાં બીપીએલ(Below Poverty Line) એટલે કે ગરીબીની એક રેખા હોય અને એની નીચે વસતા લોકો ગરીબ કહેવાય. કોઇ બીએમએલ(Below Middleclass Line) નથી. પ્રોબ્લેમ્સ વધતા જાય છે. પછી બે જ પ્રકાર રહી જાય છે. એક અમીર અને બાકી બચી ગયા એ બધા ગરીબ. ત્યાં ફરી સમાચાર આવ્યા કે ભારતની 54% સંપત્તિ અમીરો પાસે છે એ વાત ખોટી છે. ખરેખર તો આપણે બીજા નહીં પણ બારમા ક્રમે છીએ. અને અમે હરખાયા. પણ 45% એ પણ કાંઇ હરખાવા જેવું નથી. હજી ય સ્થિતિ એટલી જ ખરાબ છે. અમીરોની અમીરાત વધતી જાય છે. ગરીબોને ગરીબ બનાવવાનાં આ કારસાને પોપરાઇઝેશન(Pauperization) કહે છે.

પોપરાઇઝેશનમાં મૂળ શબ્દ ‘પોપર’ છે.  મૂળ લેટિન શબ્દનો અર્થ થાય છે ખૂબ જ ગરીબ માણસ. ઘર ન હોય, જીવવાનાં કોઇ સરંજામ ન હોય એવો માણસ. પોપરાઇઝેશન એટલે ગરીબને વધારે ગરીબ બનાવવાની પ્રક્રિયા. અમીર ગરીબનું અંતર વધે ત્યારે જે થાય તે પોપરાઇઝેશન. અમીરો માને કે આ તો થાય જ.  એમની દલીલ એવી કે કોઇને બેઠાંબેઠાં કાંઇ થોડું દઇ શકાય. મહેનત કરવી પડે, બુદ્ધિ વાપરવી પડે, આર્થિક રોકાણની આવડત જોઇએ. ત્યારે અમીર થવાય. વાત સાચી છે પણ આ ગરીબનો વિચાર નહીં કરો શું થશે એની કલ્પના કદી કરી છે ખરી? કવિવર ઉમાશંકર જોષી કહી ગયા તેમ ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે; ખંડેરની ભસ્મકણી ના લાધશે!

શું થઇ શકે? કોઇ કહે ભણાવો. રાઇટ ટૂ એજ્યુકેશન કાયદો પસાર કરી દેવાથી કાંઇ થાય? અને ભણી ભણીને શું વળે? ભણી લીધું. ગ્રેજ્યુએટ થયા. નોકરી ન મળી તો પોસ્ટગ્રેજ્યુએટ થયા. એમબીએ થયા. એન્જીનીયર થયા. ડોક્ટર થયા. ભણવામાં કેટકેટલાં પૈસા ખર્ચાયા. પણ નોકરી મળતી નથી. ગરીબ તો હતો, વધારે ગરીબ થયો. કાશ્મીરમાં તોફાનો થાય છે તેમાં સ્થાનિક જુવાનિયાઓની બેરોજગારી એક મુખ્ય કારણ છે. આતંકવાદ પછી એમને આકર્ષે છે. ગુનાખોરી વધે છે. કોઇ કહે કે આ સ્ટાર્ટઅપ, ઇ-કોમર્સ રોજગારીનાં દ્વાર ખોલશે. આજકાલ ઓનલાઇન ખરીદી થતી રહે છે. રોજ નવા નવા ડિસ્કાઉન્ટ્સનાં પ્રલોભન મળે છે. હવે 4-જીનાં પ્રતાપે મોબાઇલએપ પર ખરીદી ઝડપી છે. ખિસ્સા ખાલી થાય છે. ગરીબ ગરીબ થતા જાય છે. ટેકનોલોજી અને સ્ટાર્ટઅપને વધાવવા આપણે તૈયાર છે. અવનવી શોધ થતી જાય છે. આપણી મુશ્કેલી આસાન થતી જાય છે. પણ કામની તક છીનવાતી જાય છે. ફ્લેક્ષ બેનર્સ પર જાહેરાત તો ફટ દઇને તૈયાર થઇ જાય પણ ભીંતચિત્ર દોરતા સૌ ચિત્રકારો કામધંધા વિનાનાં થયા. દરજી, મોચી, વણકર, સુથાર, લુહાર હવે મશીન થઇ ગયા ત્યાં એવા પરંપરાગત ધંધાનું શું? પુસ્તકો હવે વંચાતા નથી. લાઇબ્રેરીઓનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે. વાંચન હવે ઓનલાઇન છે. કહે છે કે કાગળ ઓછા વપરાય તો વૃક્ષો એટલાં ઓછા કપાય. ઓનલાઇન પુસ્તકો ઇકોફ્રેન્ડલી હોવાનો દાવો કરવામાં આવે છે પણ પુસ્તકનાં વ્યવસાય સાથે જોડાયેલ મુદ્રક, પ્રકાશકનું શું? શાકભાજી હવે મૉલમાંથી ખરીદાય ત્યારે રેંકડી ફૂટપાથ શાકભાજી વેચનારાઓનું શું? માણસનાં મોલ હવે ઘટી ગયા છે બાપ!  

તો શું કરવું? સરકાર શું કરે? પૈસાવાળા પર ટેક્સ વધારે. બજેટમાં સુપરરીચ લોકો પર 2% સરચાર્જ વધ્યો હતો. મોંઘી કાર પણ વધારે મોંઘી થઇ છે. બીજું પગલું એ કે લઘુત્તમ વેતન વધારે. આપણી સરકારે હમણાં જ 246માંથી વધારે 350 પ્રતિ દિન કર્યા. કામદાર હડતાળ રોકવા કર્યું તો ભલે પણ વધ્યા તો ખરા. ત્રીજુ પગલું એ કે વેરાની છટકબારીઓને બંધ કરવી. વિજય માલ્યા, લલિત મોદી જેવા ભાગી ન જાય એ માટે ગયા અઠવાડિયે જ ચીનમાં નરેન્દ્ર મોદીએ જી-20 દેશોનાં સંમેલનમાં ‘સેફ ટેક્સ હેવન’ નાબૂત કરવાની અપીલ કરી. ચોથું પગલું એ કે મોટી કંપનીઓનાં સીઇઓનાં પગાર પર અંકુશ રાખવો. સન ટીવીનાં સીઇઓ કલાનિતિ મારનનો પગાર મારી નાંખે એવો છે. વાર્ષિક માત્ર 61.27 કરોડ રૂપિયા. અને એમની પત્નીનો વાર્ષિક પગાર 61.26 કરોડ રૂપિયા છે. ના, મુકેશ અંબાણી માત્ર 15 કરોડ પ્રતિ વર્ષનાં પગારમાં સંતોષ માને છે. ગરીબ તવંગરનો ભેદભાવ મિટાવવાનું કામ બિલ ગેટ્સ કરી જાણે છે. એમણે સંપત્તિનો 50% હિસ્સો દાનપુણ્યમાં દીધો છે. એ કહે છે કે ધનિકો પોતાનાં પૈસા ત્રણ રીતે ખર્ચી શકે. એક ધંધાનાં વિકાસમાં નાંખે. બીજો જે દાનપુણ્ય કરે. ત્રીજો જે ભોગવિલાસ પાછળ ખર્ચે. આમાં પહેલાં બે પ્રકારનાં ધનિકો તો અમીર ગરીબનો ભેદ મિટાવવામાં મદદગારી કરે જ છે.

આપણે શું કરી શકીએ? આપણે બિલ ગેટ્સ તો નથી. પણ યથાશક્તિ ફાળો દઇએ એ જ યોગ્ય છે. પેલી ખિસકોલીની જેમ જે રામસેતૂ માટે કાંકરી લાવતી રહી. પોપરાઇઝેશન અટકાવવું આપણાં પોતાનાં લાભમાં છે.

શબ્દ શેષ:

ગરીબી એ આકસ્મિક બનેલી ઘટના નથી. ગુલામીપ્રથા કે રંગભેદની માફક એ પણ માનવસર્જિત છે. પોતાનાં કાર્યો દ્વારા માનવજાત જ એને દૂર કરી શકશે. –નેલ્સન મંડેલા

%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6 %e0%ab%a6

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “પોપરાઇઝેશન: ગરીબને વધારે ગરીબ બનાવવાનો કારસો/પરેશ પ્ર વ્યાસ

  1. પરેશ ભાઈએ બહુ ઉત્તમ માહિતી આપી છે . ઘણું જાણવા મળ્યું . ત્યાગી કહેવાતા સાધુઓ પાસે કરોડો રૂપિયા છે . આ લોકોને કરોડ પતિ ગરીબોજ બનાવે છે કે શું ?

  2. આપણે શું કરી શકીએ?

    ‘પોપર’ છીએ.અમીરને આપણને થોડાક કમ ‘પોપર’ બનાવવા તક આપીએ !

  3. ગરીબી અને અમીરી શબ્દો હમ્મેશાં ચર્ચાના વિષયો બન્યા છે.ગરીબાઈ દુર કરવાની વાતો કરી રાજ્કારણીઓ સત્તા પર આવે છે અને પછી પોતે અમીર બની ગરીબોને ભૂલી જાય છે એ આપણા દેશનું દુર્ભાગ્ય છે.ગાંધીજી એમને ગરીબ દેશના પ્રતિનિધિ માનતા હતા અને એટલે જ આફ્રિકામાંથી આવ્યા પછી ભારત યાત્રા કરી ગરીબાઇનાં દર્શન કરી ગરીબોની જેમ તેઓ આજીવન પોતડીભેર રહ્યા હતા.

    પરેશભાઈ એ એમના ગમતા વિષય ઉપર આ લેખ દ્વારા સરસ ધ્યાન ખેંચ્યું છે એ બદલ એમને ધન્યવાદ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s