ઉપનિષદની કથા

.ઉપનિષદની કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. થોડીક પૂર્વ ભૂમિકા સાંભળવાની છે. શાસ્ત્ર ધર્મનું પ્રતિપાદન કરે છે. ધર્મ ત્યારેજ કહેવાય કે એની સાથે બે તત્વો સત્ય અને ન્યાય જોડાયેલા હોય ત્યારે. આ સંપુટ છે. એક કોડિયું ઉપર અને એક કોડિયું નીચે. જે નીચેનું કોડિયું છે એનું નામ છે સત્ય અને ઉપરનું કોડિયુંનું  નામ છે ન્યાય. આ સંપુટની વચ્ચે રહે છે એનું નામ છે ધર્મ. હવે માનો કે તામારા ધર્મ પાસે સત્યના આધારરૂપ કોડિયું ન હોય અને ન્યાયના ઢાંકણ રૂપ કોડિયું ન હોય તો પછી  જે  ધર્મ રહે તે ધર્મ નહિ હોય પણ ધર્માભાષ હોય. એટલે ઉપનિષદ હોય કે બીજું કોઈ પણ શાસ્ત્ર હોય, એનું પહેલામાં પહેલું લક્ષ્ય છે, આધાર તૈયાર કરવો. આધાર સત્ય છે, પછી ઉપરનું ઢાંકણ તૈયાર કરવું. ત્યારે ઢાંકણ એ આધાર નથી, એ વ્યહવાર છે. સત્યની શોધ થાય ચિંતનથી. . ઋષિનું કામ છે, સત્યને શોધવાનું અને ન્યાયની સ્થાપના રાજા કરે. સત્યની શોધમાં ચિંતનની જરૂર છે. અને ન્યાયની સ્થાપનામાં પરાક્રમની જરૂર છે. તમે સત્ય જાણતા હોવ, સત્ય જોતા હોવ પણ જો તમારા પાસે પરાક્રમ ન હોય તો તમે સત્યન સ્થાપના કરી શકો નહીં. સત્ય બિચારું થઇ જાય. “सत्यमेव जयते” આ ઉપનિષદનુંજ વાક્ય છે પણ ક્યારે जयते કે જયારે એના ઉપર ન્યાયનો આધાર રૂપ ઢાંકણ મળ્યું હોય ત્યારે. હવે તમારા ધર્મમાં ન સત્ય હોય, ન ન્યાય હોય અને માત્ર ધર્મ હોય તો એ ધર્મમાં તમે ટીલાં-ટપકાં કરતા હોવ, સોમવાર, મંગળવાર કરતા હોવ કે મહીસાગર ન્હાવા જતા હોવ તો એવા ધર્મથી પ્રજાનું ધારણ થઇ શકે નહીં. એવું તો આખી દુનિયા કરે છે, તો એથી પ્રજા સુખી થઇ શકે નહીં. પ્રજાને સુખી કરવા બે સંપુટ-કોડિયાં આપવા જરૂરી છે. એક સત્ય અને બીજું ન્યાય. હમણાં ન્યાયની ચર્ચા નહિ કરીએ. આ જે સત્ય છે, એની ત્રણ કક્ષાઓ છે. સત્યને જાણવું એટલે શોધવું, સત્યને જણાવવું અને સત્યની સ્થાપના કરવી. આપણે ત્યાં ઋષિનું કામ છે માત્ર સત્યને શોધવાનું. વૈજ્ઞાનિકોનું પણ કામ છે સત્યને શોધવાનું. ફર્ક એટલોજ છે કે વૈજ્ઞાનિક, પ્રયોગશાળાના દ્વારા સત્યને શોધે છે, જયારે ઋષિ પ્રતિભાના દ્વારા સત્યને શોધે છે. એક ભૌતિક સત્ય શોધે છે અને બીજો ધાર્મિક અને આધ્યાત્મિક સત્ય શોધે છે. આ સત્યને તપના દ્વારા શોધી શકાય. તપ એટલે શું? વૈદિક કાળનું તપ અને ઉત્તર્વર્તી કાળનું તપ ઘણું બદલાય ગયું. તપ એટલે સત્યની પ્રાપ્તિ માટે જે અગવડો, પ્રતિકૂળતા, વિઘ્નો આવે એ બધાને હસતાં-હસતાં સહન કરવું એનું નામ છે તપ. ગાંધીજી તપસ્વી હતા. શું તપ કર્યું? કેટલા ઉપવાસ કર્યા? એમને જે તપ કર્યું છે, એનું નામ છે રાષ્ટ્રીય તપ. એ તામિલનાડુ ગયા અને ત્યાં ગરીબોના ઝુંપડા આગળથી નીકળ્યા, ત્યારે એક ડોસીએ આગ્રહ કર્યો કે મારે ગાંધીજીના દર્શન કરવા છે.  ગાંધીજી એના ઝુંપડા આગળ ગયા પણ ગાંધીજીને જોવા માટે એ ડોસી ઝુંપડામાંથી બહાર આવી શકી નહિ અને ઝૂંપડાની અંદરથીજ જોવાનું કહ્યું કારણકે બહાર આવવા માટે પહેરવા જેવા કપડાં ન હતા. ગાંધીજીને અરેરાટી થઇ કે મારા દેશની સ્ત્રી માટે આબરૂ ઢંકાય એટલાં કપડાં પણ નથી. ગાંધીજીએ તરત પ્રતિજ્ઞા કે આજથી હું પણ લંગોટી જેવાંજ કપડાં પહેરીશ. આને તપ કહેવાય. આજે પણ આ ગરીબ માણસો જ્યાં રહે છે ત્યાં આજુબાજુમાં આલીશાન કરોડોના મંદિરો ઊભાં છે. એમાં ભવ્ય થાળ-ભોગ ધરાવાય છે, પરંતુ એમાંનો એક ટુકડો પણ ગરીબના પેટ સુધી પહોંચતો નથી. એટલે આ મંદિરો ગરીબોના ધર્મમાંથી બકાત થઇ ગયા. ગાંધીજીએ કહ્યું આમના માટે ચરખો આપો. જેથી તેઓ ઘરમાં બેઠાં બેઠાં બે-પાંચ-દશ રૂપિયા કમાય. આ એક બહુ નાની છતાંયે બહુ મોટી વાત હતી, કેમકે એના પાછળ રાષ્ટ્રીય તપ હતું. તો રાષ્ટ્રીય તપ કોણે કર્યું? વાસ્કો-ડી-ગામા, કોલંબસે કર્યું. એમણે કહ્યું હું દરિયો દખોળીશ, મરવું પડે તો મરીશ પણ મારા દેશ માટે નવા-નવા દેશ શોધી કાઢીશ. આપણે ત્યાં આવા કોઈ તપસ્વી થયાજ નહીં. તો કેવા તપસ્વી થયા? કે મહારાજ રામેશ્વરથી બદરી કેદારનાથ દંડવ્રત કરતા-કરતા જઈ રહયા છે. માનોકે એ બદરી નારાયણ પહોંચી ગયા પણ એનાથી પ્રજાને કે દેશને મળશે શું? આ પ્રજાને છેતરવાનું તપ છે. તપ તો પેલા શંકર-4 કપાસની શોધ કરી એણે કર્યું. એક વાર મને સભામાં મળ્યા.  મેં કહ્યું એમણે સ્ટેજ ઉપર બેસાડી એનું બહુમાન કરો. આ માણસે જે કપાસનું બીજ શોધ્યું એનાથે આપણા દેશમાં કપાસના ઢગલે-ઢગલા થયા. કરોડો રૂપિયાનું હૂંડિયામણ બચ્યું. એટલે તમારો દેશ સમૃદ્ધ થયો, કારણકે એના તપનું ફળ લોકોમાં વહેંચાય ગયું. જે તપનું ફળ નથી એને તપ નથી કહેતા. એટલે અહીંયા કહ્યું કે સત્ય કોણ જાણી શકે? જે તપસ્વી હોય, પછી તે ભૌતિક સત્યનો શોધક હોય કે આધ્યાત્મિક સત્યનો શોધક હોય. સત્ય શોધતાં-શોધતાં જે વિઘ્નો આવે અને એણે હસતાં-હસતાં સહન કરે, એનું નામ છે તપ. આપણે ત્યાં એક ઋષિ છે, એણે ધર્મનું લક્ષણ કહ્યું કે “यतोभ्युदय निःश्रेयससिध्धि सद्धर्म:”  જેનાથી આ લોક અને પરલોક બેયની સિદ્ધિ થતી હોય એનું નામ ધર્મ. આ ઋષિનું નામ છે કણાદ. સુઈગામમાં “મહર્ષિ કણાદ ગુરુકુળ” આજે પણ ચાલે છે. આ ઋષિ પત્ની-બાળકો સાથે એકાંતમાં બહુ સાદાઈથી જીવે. જેને સત્યને શોધવું હોય એવા માણસોએ પરાવલંબી રહેવું ન જોઈએ. ત્યાગ છે, વૈરાગ્ય છે પણ તે કર્તવ્ય માટે છે. ઋષિ છે એવીજ એની પત્ની છે, કશું માંગતી નથી, બંનેનું એક વ્રત છે.લગ્નનો અર્થ થાય છે, બે વ્યક્તિઓના એક વ્રતની દીક્ષા. એટલે પુરુષના પાછળ પાછળ એની પત્ની ચાલે છે. લગ્ન અને દામ્પત્ય, એ બંનેમાં ફરક છે. લગ્ન તો બે-પાંચ કલાકની વિધિ છે પણ દામ્પત્ય એ મોટામાં મોટી સાધના છે. દામ્પત્યમાં પતિ-પત્નીનો આત્મા એક થઇ જાય, વ્રત એક થઇ જાય, આત્મા એક થઇ જાય એટલે બંનેમાં કશો ભેદ રહે નહીં.. દામ્પત્યની વ્યાખ્યા ચોખા અને દાળની ખીચડીના ઉદાહરણથી સમજો. ઘણા લોકોના લગ્ન થયા હોય પણ એમને દામ્પત્ય મળ્યું ન હોય કારણકે ચોખો અને દાળ બંને કાચા રહી ગયા હોય.ઈલાહાબાદ – પ્રાયગરાજમા “પતિ નિંદા ક્લબ”ની વાત સાંભળો.આમાં દામ્પત્ય સિદ્ધિ નહિ થાય. મહારાષ્ટ્રમાં સ્વામીજીના એક ત્રણ દિવસના કાર્યક્રમની વાત સાંભળો. આ એક દામ્પત્યનું આદર્શ ઉદાહરણ છે. એટલે ઋષિઓ ચિંતનના કારણે મહાન છે કે આ લોકની સાથે પરલોકની પણ સિદ્ધિ થાય, એનું નામ છે ધર્મ. @25.00min. આમની આજીવિકા કેવી રીતે ચાલે? આ માણસ કમાવવા માટે નહિ પણ ચિંતન માટે જન્મેલો છે. ખેડૂતો જુવાર વિગેરે ધાન્ય વીણી લીધા પછી જે કણસલાં વધેલા હોય એમાંથી દાણા કાઢીને ખાવા એનું નામ ઉચ્છ વૃત્તિ” કહેવાય, એમાં કોઈનો એહસાન નથી. જે હોય એમાં સંતોષ રાખી ઝાડ નીચે બેસીને સુત્રોની રચના કર્યા કરે.. રાજાને ખબર પડી એટલે એમને મદદ કરવા ગયા ત્યારે બહુ શાંતિથી કણાદ ઋષિએ કહ્યું કે તમારે ફરી કોઈવાર મારા આશ્રમમાં આવવું નહીં. ઋષિએ કહ્યું હું તમારું અપમાન નથી કરતો પણ તમે આવશો એટલે તમારો દીવાન આવશે, પછી નગરશેઠ આવશે અને પછી આખું ગામ આવશે તો મને મારુ કામ કરવા દેશે નહીં. જો હું તારું અન્ન ખાઈશ તો આ સુત્રો નહિ રચાય અને મારે તમારાજ ગુણો ગાવા પડશે. એટલે આમ સત્યને શોધતાં જે વિઘ્નો આવે એને હસતાં હસતાં સહન કરવા એનું નામ કહેવાય તપ. પછી માનો કે તમે સત્ય શોધ્યું પણ હવે સત્યને તમારે જણાવવું છે.  લોકોને સુખ અને સગવડ સાથે લેવા-દેવા છે. એટલે અહીં કહે છે, તપના દ્વારાજ સત્યની પ્રાપ્તિ થાય. તમે રખડયા છો? તમે ઠોકરો ખાધી છે? તમે અપમાન  સહન કર્યા છે? અને નથી કર્યા તો તમે તપસ્વી નથી. સત્યને જણાવવું કઠિન છે કારણકે દુનિયા સત્યને જાણવાની ભૂમિકાવાળી નથી હોતી. દુનિયા ઘાંચીના બળદ જેવી હોય છે. જો તમે સાચી વાતો કહેવા જાવ તો એનું પરિણામ બહુ કઠિન આવે. ગાંધીજી સાબરમતી આશ્રમમાં રહે અને ત્યાં કૂતરાં બહુ વધી ગયેલા અને ગાંધીજીએ લખી નાંખ્યું કે એવા જે હડકાયાં ત્રાસદાયક કૂતરાં હોય એને મારી નાંખો. પણ એનું પરિણામ એ આવ્યું કે તમે અહિંસાની વાત કરો છો અને પાછી કૂતરાંને મારવાની વાત પણ કરો છો. અત્યારે પણ આ વાત કરાય ખરી? એમને એકવાર રિબાતા ગાયના વાછરડાને મરાવી નાંખ્યો હતો, ત્યારે લોકો એના ઉપર તૂટી પડયા. સત્ય અને લોકપ્રવાહમાં ઘણું અંતર છે. હવે આ લોક પ્રવાહ જ્યાં સુધી કોઈ સત્યને કહેનાર નહિ હશે ત્યાં સુધી રહેશેજ. કવિ નર્મદા શંકરે એ જમાનામાં વિધવા વિવાહ માટે અહલેખ જગાવી હતી, એ વાત સાંભળો. એટલા માટે એમનું નામ વીર નર્મદ પડ્યું હતું. એમણે પોતે વિધવા જોડે લગ્ન કર્યા અને સમાજને સંદેશો આપ્યો, એમ કવિ નર્મદને બે પત્નીઓ હતી. સત્યને કહેવું બહુ કઠિન છે. એ સત્યને કહેવા માટે દયાનંદ સરસ્વતીએ અઢાર વાર ઝેર પીવું પડયું હતું. એટલે કહ્યું છે કે સત્ય એ પ્રસુતિની પીડા કરતા પણ કઠિન પીડાથી પ્રગટ થતું હોય છે. તુલસીદાસે લખ્યું છે, “जननी जौवन पीटप कुठारूं” પ્રત્યેક બાળક જન્મે છે ત્યારે એની માતાનું સૌંદર્ય તોડી નાંખે છે. @35.00min. એનું જોબન ઘસાતું જાય છે. સત્યને જાણનારા ઘણા હોય પણ જણાવનારા બહુ હોય નહીં. જણાવવા માટે આત્મબળ જોઈએ. અને જેનામાં એ આત્મબળ હોય એનું નામ ઋષિ છે. પણ જણાવવા કરતાંયે અઘરી વસ્તુ સત્યની સ્થાપના છે. એટલે ત્રણ વસ્તુ યાદ રાખજો. સત્યને શોધવું, સત્યને જાણીને જણાવવું અને સત્યની સ્થાપના કરવી. પણ આ કેમ નથી થતું? એટલે અહીં ઉપનિષદકારે બહુ સુંદર મંત્ર આપી દીધો, “हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम, तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये” (ईशा.१५). એ ભાઈ આ જે સત્ય છે તે ઉપર સોનાનું પાત્ર(પતરું) ઢાંકી દીધું છે. હે સૂર્ય, હું સત્ય ધર્મમાં છું માટે સોનાનું પાત્ર દૂર કરી દે અને મને સત્યના દર્શન કરાવ. સોનાનું પાત્ર ઢંકાય ગયેલું છે, એનો અર્થ એવો થાય છે કે સત્યને શોધવા નીકળેલા આગળ જતાં લોભ-લાલચમાં પડી જાય છે. એ વાતને બતાવવા માટે આપણે ત્યાં નચિકેતાનુ આખ્યાન છે. કઠોપનિષદમાં નચિકેતા છે અને એના સગા બાપે યમરાજને ત્યાં મોકલ્યા, એટલે ત્યાં ગયા. બાપ ઋષિ હતા પણ થોડો લોભ થઇ ગયો. “ॐ उ शन ह वै वाजश्रवस: सर्ववेदसं दद्दौ, तस्य ह नचिकेता नाम पुत्र आस” (कठो.१). “तम ह पुत्रं संतम श्रद्धाविवेश, दुग्धदोहा निरिंद्रिया:” (कठो. २-३). આ છોકરો નવ વર્ષનો, એના બાપે કહ્યું ચાલો હું એક યજ્ઞ કરું અને બધી ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી દઉં. યજ્ઞ પછી એણે જેટલી નકામી ગાયો दुग्धदोहा निरिंद्रिया – હતી એ બધી ભેગી કરી અને બ્રાહ્મણોને કહ્યું, લઈ જાઓ, લઇ જાઓ. સ્વામીજી કહે છે અમારી પેટીમાંથી પણ ખોટા પૈસા નીકળે છે. સ્વામીજીના આશ્રમમાં પણ કોઈ આવી ગાય આપી ગયું છે. એમાંથી એક વાત નીકળી કે કોઈને કોઈ વસ્તુ આપવી હોય તો સારી જોઈને આપવી. પેલો નવ વર્ષનો છોકરો तम ह पुत्रं संतम श्रद्धाविवेश – એના મનમાં શ્રદ્ધા ઉત્પન્ન થઇ કે આ મારો પિતા છે એ કેટલી મોટી ભૂલ કરી રહ્યો છે, કે સારી સારી ગાયોને બદલે નકામી ગાયો આપી રહ્યો છે. હવે બાપને કહેવાય કેવી રીતે કે તમે મોટી ભૂલ કરી રહ્યા છો. એટલે એ બાપની પાસે જઈને કહે છે, तत कस्मै मां दास्यसीति – તો મને કોને આપો છો? હું પણ તમારી મિલકત છું. બે-ત્રણ વાર બોલ્યો, બાપે ધ્યાન ન આપ્યું, પણ જયારે વારંવાર કહ્યું એટલે મગજ છટક્યું’. “अति संघर्षण करइ जो कोई, अनल प्रगट चन्दन ते होइ” ચંદનને પણ બહુ ઘસો તો એમાંથી તણખા નીકળે. બાપ ક્રોધાયમાન થઇ ગાયો અને કહ્યું, मृत्युवे त्वा ददामीति – જ હું તને યમરાજને આપું છું. આ છોકરો એવો કે તે યમરાજને ત્યાં ગાયો. એ વખતે યમરાજ બહાર ગયા હતા. @40.16min. એટલે નચિકેતા ત્રણ દિવસ સુધી યમરાજના દ્વાર ઉપર, ખાધા-પીધા વિના પડી રહ્યા. ત્રીજા દિવસે જયારે યમરાજ આવ્યા ત્યારે કોઈકે નચિકેતાના સમાચાર આપ્યા. યમરાજે હકીકત જાણી ત્યારે કહ્યું મારા આંગણે ત્રણ-ત્રણ દિવસ સુધી કોઈ બાળક કેમ ભૂખ્યો પડયો રહે? આવા ઘરની અપકીર્તિ  થતી હોય છે. આના ઉપરથી એક બીજી વાત સમજવાની કે તમે બહાર જાવ તો પણ તમારે ઘરે આવેલા મહેમાનની આગતા-સ્વાગતા થવી જોઈએ. યમરાજ હાંફળો-ફાંફળો ગયો અને ત્રણ દિવસ સુધી ભુખ્યેને તરસે પડી રહયા તેની માફી માંગી. નચિકેતા ભૂખ્યે ને તરસે પડી રહયા એનું નામ કહેવાય તપ. યમરાજ કહે આ અમારી ભૂલ છે એટલે હું તમને ત્રણ દિવસના ત્રણ વરદાન આપું છું. આને કહેવાય, ફળની પ્રાપ્તિ. પહેલા વરદાનમાં નચિકેતાએ કહ્યું કે હું જયારે પાછો ઘરે જાઉં તો મારા પિતાનો ક્રોધ ઊતરી જાય અને અમે પહેલા હતા એવીજ રીતે રહીએ અને પહેલા જેવોજ પ્રેમ થઇ જાય. બીજા વરદાનમાં ઈષ્ટકા પ્રયોગ આપ્યો અને કહ્યું જો ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય, ઐશ્વર્યના ઢગલા કરવા હોય તો તું આ પ્રયોગ કરીશ. ત્રીજા વરદાનમાં માંગ્યું, “येयं प्रेते विचिकित्सा मनुष्येड़स्तीत्येके नायमस्तीति चैके, एतद्विद्यामनुशिष्टस्त्वयाहं वरणामेष वरस्तृतीय:” (कठो २०). મને બતાવો કે મૃત્યુ પછી આત્મા રહે છે કે નહીં? યમરાજે કહ્યું, તું બધું પૂછ પણ આત્મવિદ્યાની વાત મને પૂછીશ નહીં. નચિકેતા કહે તો મારે કશુંજ પૂછવું નથી. એટલે એની બુદ્ધિ ફેરવવા યમરાજે એણે લલચાવવા માંડયો. “इमा रामा: सरथा: सतूर्या न हीदृशा लम्भनीया मनुष्येय:, आभिरमत्प्रत्ताभि: परिचारयस्व नचिकेतो मरणम मानुप्राक्षी:” (कठो. २५).  સ્વર્ગની અપ્સરાઓ જે વાજીંત્રોવાળી છે તે તું લઈ જાય. તું મૃત્યુ લોકમાં ભટકી-ભટકીને થાકીશ પણ આવી અપ્સરાઓ તને મળશે નહીં. . आभिरमत्प्रत्ताभि: परिचारयस्व હે નચિકેતા તું આ બધી અપ્સરાઓ લઈને એમની સેવા ગ્રહણ કર. नचिकेतो मरणम मानुप्राक्षी: પણ હે નચિકેતા તું આત્મા સંબંધી વાત મને પૂછીશ નહીં. भूमेर्महदायतनं वृणीष्व હું તને કહે એટલી જમીન આપું, લાબું આયુષ્ય આપું, અમ્ર બનાવી દઉં પણ તું આ બધું મને પૂછીશ નહીં. નચિકેતાએ કહ્યું, “तवैव वाहास्तव नृत्यगीते” (कठो. २६). આ અપ્સરાઓ તમે રાખો, આ વાજિંત્રો પણ તમે રાખો પણ મને તો આત્મજ્ઞાન સિવાય કશું જોઈતું નથી. છોકરાઓમાં જો એ તરફ વળ્યો હોય તો વૈરાગ્ય હોય પણ વૃદ્ધાવસ્થામાં ચિંતા હોય એવા સંજોગોમાં યમરાજાની વાતો સ્વીકારી લીધી હોત. વૃદ્ધાવસ્થામાં માણસ ચિંતિત હોય એટલે એને ભાગ્યેજ ભગવાન મળે. પછી યમરાજાએ જે બધી કહેવાની વાત હતી તે કહી દીધી. એટલે આ જે સત્યની પ્રાપ્તિ છે, એમાં મોટામાં મોટું વિઘ્ન છે, લોભ અને લાલચ. રાજસ્થાનના બીજા રાજાઓ અકબરથી લલચાઈ ગયા પણ રાણા પ્રતાપ લલચાયો નહીં. ઠેઠ સુધી ઘાસની રોટલી ખાતો રહ્યો તો પ્રતાપ તપસ્વી ખરો કે નહીં? ભામાશા તપસ્વી ખરો કે નહીં? કે જેને પ્રતાપની આગળ પૈસાનો ઢગલો કરી દીધો કે લ્યો આ મારા પૈસા અને તમારી તલવારને ભેગી કરો. એટલે સ્વામીજીએ આશ્રમમાં રાણા પ્રતાપનું સ્ટેચ્યુ મૂક્યું છે, કારણકે એને તપ કર્યું છે. એટલે हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं  मुखम, તમે સત્યને શોધવા નીકળ્યા છો? તમારે ધર્મને જાણવો છે? તો સત્ય અને ધર્મ બંને એકજ છે.  સત્ય તો ધર્મનો આધાર છે. ઉપનિષદમાં કહ્યું છે, सन्मुला सौम्येमाप्रजा: सदायतना: સત્ય ઉપર સોનાનું પાત્ર ઢંકાય ગયું છે એટલે લોકો સોનાનો થાળ જોઈનેજ રાજી થઇ જાય છે કે સત્યને શું કરવું છે? સોનુ મળે તો બહુ થઇ ગયું. એક જગ્યાએ એક સપ્તાહમાં ગાદી-તકિયા ઉપર એક ડોસા સુઈ ગયેલા તે વાત સાંભળો. એમને જગાડવામાં આવ્યા નહીં, કેમકે એ સપ્તાહમાં વપરાતા ચોખા એમની મિલમાથીજ મફત આવે છે. એટલે અહીં લખ્યું છે, हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम – ભાઈ આ સત્યનું મુખ છે એ તો સોનાના પાત્રથી ઢાંકી દેવામાં આવ્યું છે. तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये – હે પ્રકાશ દાતા એ સોનાના પાત્રને દૂર કર, હું સોનાનો લાલચુ નથી, હું તો માત્ર સત્યને શોધવા નીકળ્યો છું. માટે મને સોનાના પાત્ર પાછળ જે સત્ય છે, એ મને જોવા દે. એટલે જયારે ઉપનિષદો सत्यमेव जयते એવું કહે છે ત્યારે એ તમને સત્યની સમીપમાં લઇ જાય છે. અરવિંદે બહુ સરસ વાત લખી છે. એણે કહ્યું સત્યને હું જોઈ શકતો નથી. એનું એટલું તેજ છે, પ્રકાશ છે, કે એ પ્રકાશની આગળ મારી આંખ બંધ થઇ જાય છે. પણ જો આ આંખોને ધીરે ધીરે કસરત કરાવીએ અને સત્યને સમજવાની ટેવ પાડીએ તો ધીરે ધીરે ઉપનિષદ છે, એ તમને સત્યની પાસે લઇ જાય અને જયારે તમને સત્યની પ્રાપ્તિ થાય ત્યારે સત્ય,નીચે, વચ્ચે ધર્મ અને ઉપર ન્યાય એમ આ સંપુટ તૈયાર થાય તો सत्यमेव जयते – પ્રજા સુખી થાય અને પ્રજાનું કલ્યાણ થાય પણ જો પ્રજાને સત્યના નામે અસત્ય વળગાડી દીધું તો એ પ્રજાનું કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. “ॐ पूर्णमद: पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते.” ॐ शांति: शांति: शांति:. સદગુરુ દેવ કી જય, नम: पार्वतीपतये हर हर महादेव हर.  

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “ઉપનિષદની કથા

  1. સરસ. કેટલીય સ્પષ્ટતાઓ કરાવનાર લેખ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s