કે સરા સરા: જે થશે તે થશે / પરેશ પ્ર વ્યાસ

000

 

 

 

 

કે સરા સરા: જે થશે તે થશે

બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની  ચોપાટ  છે  ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ   પડતા   જાય   એમ  રમવું જોઈએ !                                                                                       – ઉમર ખૈયામ(અનુ.’શૂન્ય’ પાલનપુરી )

પહેલાં રામ કપૂરની બહેન અને હવે કપિલ શર્માની પત્ની તરીકે ઓળખાતી સુમોના ચક્રવર્તી આજકાલ ટીવી પર દેખાતી નથી એટલે ચર્ચામાં છે. ગત અઠવાડિયે એક ઇંગ્લિશ અખબારને આપેલાં ઇન્ટરવ્યૂમાં એણે કહ્યું કે “ના, મારા બોય ફ્રેન્ડ સમ્રાટ મુખરજી સાથે ફિલહાલ લગ્નનો કોઇ પ્લાન નથી. હું ‘કે સરા સરા’માં માનુ છું. એટલે લગ્ન થવાના હશે તો થશે. અત્યારે હું એની સાથેનાં સાથી મિત્રનાં સંબંધથી ખુબ ખુશ છું.” અને અમને શબ્દસંહિતા માટે શબ્દો મળ્યા: કે સરા સરા(Que Sera Sera). આ શબ્દો છેલ્લે ‘પુકાર’(2000) ફિલ્મનાં માધુરી દિક્ષિત અને પ્રભુ દેવાનાં એક ડાન્સ સોંગમાં સાંભળવા મળ્યા હતા. જાવેદ અખ્તરે લખેલાં આ ગીતનું મુખડું હતુ: ‘કે સરા સરા, જો ભી હો સો હો, હમે પ્યારકા હૈ આશરા ફિર ચાહે જો હો…’ દેશી ભાષામાં કહીએ તો કહી શકાય કે જે થાય ઇ થાવા દ્યો બાપલાં..!

કે સરા સરા શબ્દો જો કે જાવેદ સાહેબે આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘મેન હૂ ન્યૂ ટૂ મચ’(1956)ની નાયિકા કમ ગાયિકા ડોરિસ ડેનાં ખૂબ જ લોકપ્રિય ગીતમાંથી ઉધાર લીધા હતા. ગીતનાં શબ્દો હતા:  હું નાની હતી ત્યારે મેં મારી માને પૂછ્યું કે ‘હું (મોટી થઇને) કેવી બનીશ? હું સુંદર થઇશ? પૈસાદાર થઇશ?’ અને માએ જવાબ આપ્યો: ‘કે સરા સરા. જે થશે તે થશે. ભાવિષ્યને આપણે જોઇ શકતા નથી.’ પછી મોટી થઇ ને પ્રેમમાં પડી અને પછી મેં મારા સ્વીટહાર્ટને પૂછ્યું કે ‘હવે શું થશે? શું આપણે રોજ રોજ આવા મેઘધનુષ જોઇ શકીશું?’ અને સ્વીટહાર્ટે કહ્યું: ‘કે સરા સરા. જે થશે તે થશે.’ પછી મારા લગ્ન થયા, બાળકો થયા અને બાળકોએ મને પૂછ્યું કે ‘અમે હેન્ડસમ થઇશું? અમે પૈસાદાર થઇશું?’ અને મેં જવાબ આપ્યો: ‘કે સરા સરા. જે થશે તે થશે.’

કે સરા સરા શબ્દો ઇંગ્લિશ નથી. સ્પેનિશની નજદીક છે. ઇટાલિયનનો શબ્દરચનાનો એણે આધાર લીધો છે. ફ્રેન્ચની એમાં છાંટ છે. આ ગીતનાં રચયિતા જે. લિવિંગસ્ટન અને રે ઇવાન્સે સ્વયં આ શબ્દનું સર્જન કર્યું છે. પોતાની કારકિર્દીની શરૂઆતમાં ગીતકાર લિવિંગસ્ટન અને ઇવાન્સ દક્ષિણ અમેરિકાની કેરેબિયન ક્રુઝમાં કામ કરતા હતા. ત્યાં સ્પેનિશ ભાષા બોલાતી એટલે સ્પેનિશની એમને જાણકારી હતી. દરમ્યાન એમણે હોલીવૂડ ફિલ્મ ‘ધ બેરફૂટ કોન્ટેસા’ (1954) જોઇ. એમાં કાલ્પનિક ઇટાલિયન ફેમિલીની વાર્તા હતી, જેનાં પૈતૃક બંગલા ઉપર ઇટાલિયન ભાષામાં મુદ્રાલેખ હતો:  Che Sara Sara (ઇટાલિયન ઉચ્ચાર: કે સહરા સિયારા) . બન્ને ગીતલેખકોએ એ શબ્દો નોંધી લીધા અને કોઇ ગીતમાં એનો ઉપયોગ કરવાનું વિચાર્યુ. પછી ઇટાલિયન ઉચ્ચારમાંથી સ્પેનિશ ઉચ્ચાર કે સરા સરા થયું કારણ કે એમને લાગ્યું કે દુનિયામાં સ્પેનિશ ભાષા બોલનારા ઘણાં છે. આમ સ્પેનિશ શબ્દજોડણીની ઇટાલિયન ગોઠવણીને  ઇંગ્લિશ વાક્યરચનામાં ઢાળીને આ શબ્દો સર્જાયા છે. આમ તો આ શબ્દ-સમૂહ વ્યાકરણની દ્રષ્ટિએ તદ્દન ખોટો છે. પણ ગીત સાથે તાલ બેસે એ માટે એમ લખાયું છે. જે થશે તે થશે (What will be, will be) મુહાવરો જો કે ઇંગ્લિશ ભાષામાં પંદરમી સદીથી દેખા દેતો રહ્યો હતો. પણ વીસમી સદીમાં ફિલ્મી ગીતની લોકપ્રિયતાનાં સહારે હવે ઠેર ઠેર વપરાતો રહે છે. એરલાઇન્સ, રેસ્ટોરાં, ફિલ્મ્સ, બૂક્સ, વેકેશન હોમ્સ વગેરેનાં નામ કે સરા સરા છે. અરે! રેસનાં ઘોડાંનાં નામ પણ કે સેરા સેરા રખાયા. જે થવાનું હોય તે થાય! તંઇ શું?

નિયતિવાદ(Determinism)ની ફિલસૂફી કહે છે કે જીવનમાં બનનારી દરેક બાબતો, ઘટના, પ્રસંગો પહેલેથી જ નક્કી હોય છે. આપણે ધારીએ તો પણ કાંઇ કરી ના શકીએ. તો પછી સવાલ એ થાય કે આપણે શા માટે કાંઇ પણ કામ કરવું? દેવાવાળો દેશે. કીડીને કણ, હાથીને મણ. આ બધી આમ કર ને તેમ કર-ની ચણભણ શા માટે? આને ઇંગ્લિશમાં લેઝી રીઝનિંગ (આળસુની વિવેક-બુદ્ધિ)કહે છે. જે થવાનું હોય તે થશે જ એવું અર્થઘટન જરૂર થાય પણ ‘કે સરા સરા’નો મતલબ હરગીઝ એવો નથી કે આપણે આળસુ થઇ જવું. કર્મની થિયરી અહીં એટલી જ સાચી છે. આપણે તો પૂર્વજન્મનાં કર્મોનાં ફળ આ જન્મમાં મળે એવી વાતને પણ સાચી માનીએ છીએ. માટે કામ ન કરવું, એવી કોઇ વાત કે સરા સરા-માં નથી. કોઇ અણધારી વાત, કોઇ અણધાર્યા સંજોગો હોય, જે તમારા હાથની વાત ન હોય ત્યારે કે સરા સરા કહીને મનનું સમાધાન મેળવવાની અહીં કોશિશ છે. ભલે જે થયું તે થયું. ભક્ત આદિકવિ નરસિંહ મહેતાનાં પુત્ર અને પત્નીનાં મૃત્યુ બાદ એમણે કહ્યું હતું:, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ. સંજોગ આપણાં હાથની વાત નથી. પણ ક્યાં સુધી એનાથી હતપ્રત થઇને હિંમત હારી જશું. થવાકાળ જે થયું તે થયું. હવે કે સરા સરા. આમાંથી હવે બહાર જરૂર નીકળી જશું. માટે બિનજરૂરી ચિંતા છોડો.  વર્તમાન સ્થિતિ ખરાબ ભલે હોય પણ કે સરા સરા-માં ભવિષ્યની સારાવટનો રણકો છે. બાકી સચોટ ભવિષ્ય તો કોઇ કહી શકતું નથી. કોઇ સહદેવવેડાં કરે તો માનવું નહીં. જાતને સક્ષમ બનાવવી. મસ્ત રહેવું. ખુશ રહેવું. તંઇ શું?

શબ્દ શેષ:                                                                                                                                                                                                                   જે થવાનું હશે તે થશે….અને તમારે એનો સામનો કરવો પડશે, જ્યારે એ થશે.                                                                                                                                                – જે.કે. રોલિંગ, હેરી પોટર એન્ડ ધ ગોબ્લેટ ઓફ ફાયર

Jose Feliciano che sara – YouTube

https://www.youtube.com/watch?v=poR1D3alM1o

Jul 31, 2009 – Uploaded by pymerz96

cancion CHE SARA de Jose Feliciano. … “Che Sera Sera (QuéSerá Será)” by José Feliciano Listen ad-free .

8 ટિપ્પણીઓ

Filed under Uncategorized

8 responses to “કે સરા સરા: જે થશે તે થશે / પરેશ પ્ર વ્યાસ

 1. મારું પ્રિય ગીત. ડોરિસ ડે.

 2. pragnaju

  mahendra thaker
  Sep 29 (2 days ago)

  to me
  K-Sa(-R-)Sara
  K-Sasara bahu gamyu – teni historic utpatti ane philosophical Artha khubaj gagan che..

 3. pragnaju

  B.G. Jhaveri
  Sep 29 (2 days ago)

  to me
  Thanks Paresh bhai for the nice article.
  The song by Doris Day [ Que Sera Sera ] is very sweet and my favorite.
  Even in All India Radio Request Program It is the most requested song and may be relayed almost every Month.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s