વિરોધનાં સૂરનો અધિકાર/પરેશ પ્ર વ્યાસ

  • 1ક્રાંઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,
    તમને નથીને કાંઇ વાંધો?                                                                                                         – અનિલ જોશીછે. અલબત્ત છે. અમને વાંધો છે. કીડીનાં ખોંખારાનો નઇં, અમને કાગડાની ક્રાંઉં ક્રાંઉંનો વાંધો છે. પણ આ લોકશાહી છે. વિરોધ કરવો, વાંધો લેવો, અસંમત થવું, સાફ સાફ દૃઢતાપૂર્વક કહી દેવું વગેરે આપણો જન્મસિદ્ધ અધિકાર છે. અને આજે તો ગાંધીનો જન્મદિવસ છે. બ્રિટિશ સરકારનાં મીઠાં પરનાં વેરાનો વિરોધ એમણે યુનિક રીતે કર્યો હતો. અહિંસાનાં તેઓ પૂજારી હતા. એમનો ખોંખારો કંઇ કેટલાં ક્રાંઉં ક્રાંઉંથી વધારે ઇફેક્ટિવ સાબિત થયો. આજે એ ખોંખારો ગાંધીગીરીનાં નામે ફેમસ છે. પણ એક અજબ સમાચાર આવ્યા છે. ગરીબોનાં, દલિતોનાં મસીહા ગાંધી સામે આફ્રિકન દેશ ઘાનામાં વિરોધ થયો છે.  પ્રેસિડન્ટ પ્રણવ મુખરજીએ ગયા જુનમાં યુનિવર્સિટી ઓફ ઘાનામાં મહાત્મા ગાંધીનાં જે પૂતળાનું અનાવરણ કર્યું, એને કેમ્પસમાંથી દૂર કરવા યુનિવર્સિટીનાં જ અધ્યાપકો અત્યારે કટિબદ્ધ થયા છે. ક્લિક્ટિવિઝમ કહી શકાય એવા આ અનોખા સત્યાગ્રહમાં હજારથી પણ વધારે લોકોએ ઓન-લાઇન પીટિશન પર હસ્તાક્ષર કર્યાં છે. એમનાં વિરોધનો સૂર એ છે કે ગાંધી પોતે જ જાતિવાદી (Racist) હતા. જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા હતા ત્યારે તેમણે બ્રિટિશ સરકારનાં ભારતીય મજૂરોનાં શોષણ સામે અવાજ અલબત્ત ઊઠાવ્યો હતો પણ સ્થાનિક કાળા આફ્રિકન્સને તો તેમણે ઘઉંવર્ણા ઇન્ડિયન્સથી નીચા અને અર્ધસંસ્કારી કહ્યા હતા. આવા રંગભેદી ગાંધીનું પૂતળું અહીં શા માટે?  
  • 111
  • ( તસવીર સૌજન્ય: એસોસિએટેડ પ્રેસ. તા. 22/9/2016. ડિસ્ક્લેમર:યુનિવર્સિટી ઓફ ઘાનાનાં પટાંગણમાં મુકાયેલા મહાત્મા ગાંધીનાં પૂતળાંનાં બેકગ્રાઉન્ડમાં ઊડતો કાળો કાગડો રંગભેદનો સૂચક છે, એવું માનવું નહીં.)  આપણે આ વાત સાથે સહમત ન થઇએ પણ વિરોધ કરવાનો અધિકાર સૌને છે. શોષણની સામે, ભેદભાવ સામે, અભાવ સામે, અન્યાય સામે અવાજ ઊઠાવવો જ જોઇએ. અલબત્ત આ વિરોધ અહિંસક હોય, અન્યને નુકસાન ન થાય, લોકસંપત્તિ પણ જળવાય તો એ સારી વાત છે. આપણે એવું ન કરી શકીએ કે જાતપાતથી પર રહીને વિરોધ કરીએ? આવા વિરોધની યાદી રસપ્રદ છે. રોજીરોટીનાં સમર્થનમાં સ્પેનનાં ખાણિયા મજૂરો શહેરમાં એક રાત્રે પોતાની લાઇટ સાથેની હેલ્મેટ પહેરીને એકઠાં થયા અને રસ્તા ઝળહળ કર્યાં. બેલ્જિયમમાં દૂધનાં ભાવ ઘટી ગયા. ખેડૂતોને પોષાય નહીં. તેઓ ગાય સાથે રસ્તા પર આવી ગયા અને પોલિસની સામે ગાયનાં આંચળમાંથી સીધી દૂધની ધાર કરીને વિરોધ કર્યો. યુએસ-કેનેડાની બોર્ડર પર હુરોન સરોવરમાં જાપ્તો રાખવા ઊડતા બલૂનમાં હાઇટેક કેમેરા મુકાયા. આ તો લોકોનાં અંગત જીવનમાં સરકારી દખલગીરી થઇ. સ્થાનિક રહેવાસીઓએ બોટમાં બેસી એક સાથે ઊંધા ફરીને પોતાની પેન્ટ્સ ઉતારી કેમેરાને પોતાના ઢગરાં દેખાડ્યા. લો કરો જાસૂસી! પેરુ દેશમાં ડર્ટી પોલિટિક્સ વધી ગયું તો રાજધાની લિમામાં લોકો ભેગા થયા અને રાષ્ટ્રધ્વજને ડિટરજન્ટથી ધોઇ નાંખ્યો. અમેરિકાનાં ફિનિક્સ શહેરમાં એપલબી રેસ્ટોરાં શૃંખલાએ રેસ્ટોરાંમાં ધાવણાં બાળકોને  સ્તનપાન કરાવવા પર પ્રતિબંધ મુક્યો તો એક દિવસ ડઝનેક ‘લેક્ટિવિસ્ટ’ માતાઓએ રેસ્ટોરાંની બહાર આવીને જાહેરમાં પોતાનાં બાળકોને સ્તનપાન કરાવ્યું. અમેરિકામાં એક વિરોધ પ્રદર્શનમાં પાટિયું હતું કે રાજકારણીઓ માટે કોર્પોરેટ સ્પોન્સર્સનો લોગો હોય એવા યુનિફોર્મ્સ કમ્પલસરી હોવા જોઇએ. ખબર તો પડે કે તમે કોના પૈસા ખાધા છે?!  

    ગાંધી જયંતિનાં દિને આપણે શો વિરોધ કરી શકીએ? જાહેરમાં પાનમાવાની ફાકી ખાઇને ઊડાડેલા પ્લાસ્ટિક્સ કે વેફર્સનાં ખાલી પેકેટ્સ નાંખનારાને કચરાટોપલી બતાવીએ. શૌચની સોચ બદલીએ. જાહેરમાં જંગલ જતા લોકોને શરમાવીએ. સંડાસ ના હોય ત્યાં તે બનાવવા સરકારને મજબૂર કરીએ. ડેડલી ડેંગ્યૂને રોકવા દૂધમાંથી નહીં પણ પાણીમાંથી પોરા કાઢીએ. જેનાં ઘરે મચ્છરનાં પોરાં મળે એ ગણશત્રુઓનાં ઘર સામે પ્રદર્શન ન કરી શકાય? ન્યાતજાતથી ઉપર ઊઠીને સઘળા નબળા માટે અવાજ ઊઠાવીએ. આ સોશિયલ મીડિયાનો જમાનો છે. અવનવાં વિરોધને વાઇરલ થતા વાર ક્યાં લાગે છે? યાદ રાખો, સહન કરવું અને ચૂપ રહેવું; એ ગુનો છે. અર્વાચીન ચિંતન તો કહે છે કે જેણે જિંદગીમાં કદી વિરોધ જ ના કર્યો હોય એણે મર્યા પછી ભૂત થવું પડે છે. માટે વિરોધ કરતા રહો, ખુશ રહો..

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “વિરોધનાં સૂરનો અધિકાર/પરેશ પ્ર વ્યાસ

  1. વિદેશોમાં વિરોધ વ્યક્ત કરવાની અવનવી રીતોની સરસ અભ્યાસપૂર્ણ માહિતી પરેશભાઈએ આ લેખમાં મૂકી છે એ ઘણી રસસ્પદ છે. પત્રકારત્વનો એક નમુનો.

  2. આ લેખ સામે અમારો વિરોધ છે. હવે એ શી રીતે કરવો એ શીખવાડો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s