રેડ હેરિંગ: જાણેઅજાણે ધ્યાન બીજે દોરવાની વાત/ પરેશ પ્ર વ્યાસ

%e0%ab%a7%e0%ab%a7

રેડ હેરિંગ: જાણેઅજાણે ધ્યાન બીજે દોરવાની વાત

માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે.                                                                                                                                                                                                                                                                   -નરેન્દ્ર મોદી (‘આંખ આ ધન્ય છે’ કવિતાસંગ્રહમાંથી)

સર જી, ડિફેન્સ ફોર્સની સર્જીકલ સ્ટ્રાઇક અફકોર્સ  અનન્ય છે, ને……(પણ) કૈંક તો અગમ્ય છે. હેં ને? પુરાવા છે તો જાહેર કરો. વિરોધપક્ષનું કોરસગાન ચાલી રહ્યું છે. રાહુલ ગાંધી ‘ખૂનની દલાલી’નો બેતુકો આક્ષેપ કરી રહ્યા છે. શંકરસિંહ બાપુએ કહ્યું કે પંજાબ યુપીની ચૂંટણીમાં રાજકીય ફાયદો લેવાનો બીજેપીનો કારસો છે. કદાચ એવું હોઇ શકે. ચૂંટણી જીતવી અને શાસન કરવું એ બે જુદી જ વાત છે. ચૂંટણીમાં પ્રજાનું ધ્યાન બીજે દોરવું પડે. તો જ મતદારોને લાગે કે અન્યનાં સંગાથમાં પોતાની જાતને કળતા રહેતા આ એક માણસ સિવાય અત્યારે આપણો કોઇ આરો નથી. ભલે મોંઘવારીનો માર હોય, ગૂંડાશાહીનો વાર હોય પણ અન્ય કોઇ વિકલ્પ ક્યાં છે?

હાલ અમેરિકામાં પણ પ્રેસિડેન્સિયલ ચૂંટણીનો માહોલ ગરમાયો છે. હિલેરી ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખેલ ખરાખરીનો છે. ‘વોશિંગટન ટાઇમ્સ’નાં તાજા સમીક્ષા અહેવાલમાં લખ્યું છે કે કોઇ હિલેરી ક્લિન્ટનને ધ્યાનથી સાંભળે તો એવું લાગે કે એ ટ્રમ્પ સામે નહીં પણ રશિયાનાં પ્રેસિડન્ટ પુતિન સામે ચૂંટણી લડી રહ્યા છે. હિલરી કહી રહ્યા છે કે 9/11 ટ્વિનટાવર એટેકની એનિવર્સરી શ્રદ્ધાંજલિ સભામાં હેલેરીનું બેહોશ થઇ જવું એ ઝેર આપીને મારી નાંખવાની રશિયન સાઝિસ છે. હિલેરીનાં ઇ-મેલ હૅક થવા પાછળ પણ પુતિન છે વગેરે. બન્યું એવું કે ડોનાલ્ડ ટ્રમ્પે, પોતાનાં કો’ક પ્રવચનમાં, ભૂલમાં ને ભૂલમાં, રશિયન પ્રેસિડન્ટ પુતિનનાં વખાણ કર્યા. હવે અમેરિકામાં મૂળ પૂર્વ યુરોપનાં પણ હવે અમેરિકાનાં ઘણાં મતદાતાઓ છે, જેમની પર રશિયાનાં જુલમનો કાળો ઇતિહાસ છે. તેઓ કોઇ કાળે પુતિન સમર્થકને મત ન જ આપે. એટલે પોતાનાં ભાષણમાં પુતિનનો ઉલ્લેખ કરીને હિલેરી પૂર્વ યુરોપિયન મતદાતાઓને હિલ્લોળે ચઢાવી રહ્યા છે. વોશિંગ્ટન ટાઇમ્સે આ સમાચારનું શીર્ષક આપ્યું: ‘હિલેરીઝ રશિયન રેડ હેરિંગ’. ગુજરાતી લેક્સિકોન અનુસાર રેડ હેરિંગ(Red Herring) શબ્દો એટલે ધુમાડો પાયેલી ‘હેરિંગ’ માછલી અથવા  પ્રસ્તુત વિષયમાંથી ધ્યાનને અન્યત્ર ખેંચવા કરેલું વિષયાંતર કે પછી  મુખ્ય વિષયમાંથી હટાવીને અન્ય નાના બનાવો તરફ ધ્યાન ખેંચવાની કોશિશ. વાત કાંઇ હોય અને લોકોનું ધ્યાન કાંઇ બીજે દોરવામાં આવે તેવી વાત. અમને બ્રિટિશ લેખક અને રાજકારણી જેફ્રી આર્ચરનું પુસ્તક ‘ટ્વેલ રેડ હેરિંગ્સ’(1994) યાદ આવી ગયું. પુસ્તકમાં રહસ્યસભર બાર ટૂંકી વાર્તાઓ છે જેને જેફ્રી આર્ચરે ‘હેરિંગ્સ’ કહી છે. દરેક વાર્તામાં આપણે ધારીએ કંઇ અને અંતે નીકળે કંઇ. રેડ હેરિંગ મુહાવરાની વ્યુત્પત્તિની વાત કરીએ તો અગાઉ કહ્યું એમ, હેરિંગ એટલે માછલી. કુદરતી રીતે એનો રંગ લાલ નથી પણ લાંબા સમત સુધી સાચવી રાખવા મીઠાંનાં દ્રાવણમાં એને ધુમાડો પાવામાં આવે છે એટલે એનો રંગ લાલ થાય છે. આવી રેડ હેરિંગ અતિ તીવ્ર ગંધ મારે છે. રેડ હેરિંગ મુહાવરો ક્યાંથી આવ્યો એ વિષે વિવિધ માન્યતાઓ છે. કોઇ કહે છે કે કોઇ ભાગતો ફરતો ગુનેગાર પોતાની પાછળ પડેલા પોલિસ કૂતરાથી બચવા આવી ગંધાતી રેડ હેરિંગનો ઉપયોગ કરે છે. કૂતરા રેડ હેરિંગની તીવ્ર ગંધથી કન્ફ્યુઝ થઇ જાય અને ગુનેગાર ઝડપાય નહીં. કોઇ એવું પણ કહે છે કે શિકારી કૂતરા જ્યારે નાના હોય ત્યારથી જ એને રેડ હેરિંગની ગંધની તાલીમ આપવામાં આવે છે. સાથે સાથે જેનો શિકાર કરવાનો છે એ શિયાળવા કે બૅજર જેવા નિશાચર પ્રાણીની ગંધની તાલીમ પણ અપાય છે. સતત તાલીમ વચ્ચે મોટા થયેલાં શિકારી કૂતરાઓ પછી બે ગંધ વચ્ચેનો તફાવત સમજી શકે છે અને રીઅલ શિકારને કોઇ પણ જાતનાં ખલેલ વગર ઝડપી શકે છે. વિલિયમ કોબેટ નામનાં એક બ્રિટિશ ખેડૂત અને પત્રકારે 1806માં લખ્યું હતુ કે હું કિશોર વયનો હતો ત્યારે મારા ખેતરમાં પાળેલાં સસલાંઓનો  જંગલી કૂતરા શિકાર ન કરી જાય એ માટે હું વાડ પર કે ખાઇમાં લાંબી લાકડી ઉપર રેડ હેરિંગને દોરીએથી બાંધીને ચાર પાંચ માઇલ્સ સુધી ગોળ ગોળ ફેરવતો. જંગલી કૂતરાઓ એ ગંધમાં એવા ગૂંચવાઇ જતા કે અમારા સસલાં સુધી પહોંચી નહોતા શકતા. કોબેટે આ રેડ હેરિંગ-નો દાખલો તત્કાલીન બ્રિટિશ પ્રેસની ટીકા કરતા આપ્યો હતો. એણે કહ્યું હતું કે ફ્રાંસનો લડાયક નેતા નેપોલિયન હારી ગયો છે એવી ખોટી વાત માત્ર વચગાળાની રેડ હેરિંગ છે. શનિવાર સુધીમાં આ ગંધ ગાયબ થઇ જશે અને સાચી વાત બહાર આવશે. આપણે લોકોને ક્યાં સુધી ખોટે માર્ગે દોરીશું? રેડ હેરિંગ શબ્દોની જે વાર્તા સાચી હોય તે પણ એ નક્કી કે મૂળ વાતથી લોકોને અવળે પાટે ચઢાવી દેવા માટે ‘રેડ હેરિંગ’ શબ્દપ્રયોગ હવે નિયમિતપણે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ગેરમાર્ગે દોરવાની વાત દેખીતી રીતે તર્કસંગત લાગે, વ્યાજબી લાગે પણ આખરે છતી થઇ જાય છે. ઓક્સફોર્ડ ડિક્સનરી અનુસાર રેડ હેરિંગ શબ્દપ્રયોગ કરતી વેળાએ આ ગેરમાર્ગે દોરવાની વાત જાણી જોઇને કરવામાં આવી હોય એવું જરૂરી નથી. અજાણતામાં કંઇ બીજી જ વાત બની જાય તો તે પણ રેડ હેરિંગ કહેવાય.

દેશને ચલાવવો કાંઇ ખાવાનાં ખેલ છે?  જાણેઅજાણે કંઇ કેટલાં રેડ હેરિંગ્સ અહીં હોય જ. મુખ્ય વાત શી હતી તે જ આપણે ભૂલી જઇએ. આમ પણ બધી વાત ક્યાં યાદ રાખવા જેવી હોય છે? કંઇક સારી વાત થાય તો સારું લાગે. સારું થયું તેનો જશ જે લેતા હોય તે, આપણને આ સર્જીકલ રેડ હેરિંગ ગમ્યું હોં..

%e0%ab%a7%e0%ab%a7%e0%ab%a7

શબ્દ શેષ:

જ્યારે તમે મજબૂત હો ત્યારે નબળાં હોવાનો અને નબળાં હો ત્યારે મજબૂત હોવાનો દેખાવ કરો.                                                                                                                                 – ચાઇનીઝ જનરલ, મિલિટરી સ્ટ્રેટેજિસ્ટ અને ફિલોસોફર સુન ત્ઝુ(ઇ.સ.પૂર્વે 544-496) , ધ આર્ટ ઓફ વોર.

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “રેડ હેરિંગ: જાણેઅજાણે ધ્યાન બીજે દોરવાની વાત/ પરેશ પ્ર વ્યાસ

 1. હાલ ચાલી રહેલી અમેરિકાની પ્રેસિડેનશિયલ ચુંટણી પ્રક્રિયામાં રશિયાના સર્વેસર્વા પુતિન છૂપો હસ્તક્ષેપ કરી ટ્રમ્પને જીતાડવાની કોશિશ કરી રહ્યા છે એ આજકાલ ચર્ચાનો વિષય બની ગયો છે.

 2. pragnaju

  Uttam Gajjar
  To Niravrave Blog
  CC Niravrave Blog Today at 12:49 AM
  ગમી વાત… મોકલવા બદલ ખુબ અભીનંદન…ઉ.મ..

 3. ઘટના પરથી મસ્ત મજાના શબ્દો લઈ આવવાની પરેશ ભાઈની કાબેલિયત કાબિલે દાદ છે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s