કૃષ્ણ કાંત – કે.કે.ની કાયમી એક્ઝીટ

  %e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6કૃષ્ણ કાંત – કે.કે.ની કાયમી એક્ઝીટ

કૃષ્ણકાંત ભૂખણવાલા, કે.કે. સાહેબ આજે, સોમવાર, તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ આ જગતમાંથી વિદાય થયા છે. સાંજે આવેલાં ભારે હૃદયરોગના હુમલાએ કે.કે. સાહેબને આપણી પાસેથી છીનવી લીધાં. સુરતના મહાવીર ટ્રોમા સેન્ટરમાં તેમણે સાંજે ૭.૪૫ની આસપાસ છેલ્લા શ્વાસ લીધાં, ત્યારે ગુજરાતી નાટકો-ફિલ્મો અને હિન્દી ફિલ્મો સાથે છ દાયકાનો નાતો ધરાવનાર એક નખશિખ સજ્જન કલાકાર આ ફાની દુનિયાને છોડીને ચાલી નીકળ્યો. ગત ૧૮ સપ્ટેમ્બરે અમે સાહિત્ય સંગમમાં તેમનો ૯૪મો જન્મ દિન ઉજવ્યો હતો. ત્યારે ‘રંગકર્મ’ કાર્યક્રમ હેઠળ કે.કે. સાહેબે તેમના નાટકોની અંતરંગ વાતો કરી હતી. ત્યારે ક્યાં ખબર હતી કે એ તેમની આખરી મુલાકાત બની રહેશે. અમે કાર્યક્રમ પછી કે.કે. સાહેબને ઘરે મુકવા ગયા તો ખુબ આગ્રહ કરીને તેમણે અમને (મને અને મારા પત્ની જયનાને) ડીનર આપ્યું. ખુબ બધી વાતો કરી. આજે એકાએક આ બધું ભૂતકાળ બની ગયું. તેમને આખરી સારવાર આપનાર શહેરના ખ્યાતનામ ડોકટરે કહ્યું, ‘યાર આપણને પણ ઉપરવાળો આવું મોત આપે, એવી પ્રાર્થના કરો.’ ૯૪ વર્ષે જરાય માંદગી વિના – પીડા વિના તેઓ જેટલું સરળ જીવ્યા હતા, તેટલી જ સરળતાથી ચલી નીકળ્યા. તેમના જન્મ દિન નિમિત્તે ‘સપ્ટેમ્બરના સિતારા’ શ્રેણી માટે ૧૫ સપ્ટેમ્બરે લખેલો લેખ સાદર છે:

સૂરતથી જઈને ગુજરાતી-હિન્દી નાટકો અને ફિલ્મોમાં અભિનય-દિગ્દર્શનના અજવાળાં પાથરનારા કૃષ્ણ કાંત ભૂખણવાલા – આપણે જેમને કે.કે. સાહેબના માનવંતા નામે સંબોધીએ છીએ – આજે ૧૫ સપ્ટેમ્બરે ૯૪ વર્ષના થયા. આગામી રવિવારે તેઓ તેમના રંગકર્મની વાતો શેર કરવા માટે સાહિત્ય સંગમમાં આવવાના પણ છે.

કે.કે. સાહેબની મોટી સિધ્ધી એ છે કે રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન જેવા પોતપોતાના સમયના દિગ્ગજ કલાકારોના તેઓ સહકલાકાર રહી ચુક્યા છે. હિન્દી ફિલ્મ જગત સાથે ૬૦ વર્ષ જેટલો લાંબો સમય રહેલાં કે.કે. એ ૧૯૦ જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમનું ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પણ મોટું પ્રદાન છે. તેમના મનમાં અને યાદોંમાં હિન્દી-ગુજરાતી ફિલ્મોની અનેક રોચક વાતો ધરબાયેલી છે, એમાંની ઘણી સ્મૃતિઓ તેમણે તેમના પુસ્તક ‘ગુજરા હુઆ જમાના’માં વાગોળી છે. તેમાંની ઘણી યાદોંને આકાશવાણી દ્વારા છ કલાક જેટલાં લાંબા ઇન્ટરવ્યુમાં આર્કાઈવ્ઝમાં પણ સાચવવામાં આવી છે.

૧૯૪૩થી તેમણે ૧૯૦થી વધુ હિન્દી, ૧૬ ગુજરાતી, બે બંગાળી અને બે અંગ્રેજી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમણે ગુજરાતી-હિન્દી નાટકોથી મુંબઈમાં શરૂઆત કરી હતી. હિન્દી ફિલ્મોના જે નિર્દેશકો સાથે કે.કે. સાહેબે કામ કર્યું છે તેમાં ફણી મજમુદાર, અમીય ચક્રવર્તી, ગુરુ દત્ત, બિમલ રોય, રાજ કપૂર, રવીન્દ્ર દવે, શક્તિ સામંત, આસિત સેન, શ્રીધર, ગોવિંદ સરૈયા નો સમાવેશ થાય છે.

તેમણે ટેલીવિઝન સીરીયલ અને ટેલીફિલ્મો પણ કરી છે. હરકિસન મહેતા દ્વારા ધારાવાહિક રીતે લખાયેલી ‘પ્રવાહ પલટાયો’ને ગુજરાતી ફિલ્મ ‘ડાકુ રાણી ગંગા’ રૂપે કે.કે.એ નિર્દેશિત કરી હતી, જેને માટે એમને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો. ગુલશન નંદની હિન્દી નવલકથા આધારિત ગુજરાતી ફિલ્મ ‘કુલવધુ’, ‘મા દીકરી’નું તેમનું નિર્દેશન ખુબ વખણાયું હતું. તો રાષ્ટ્રીય એવોર્ડ માટે નામાંકિત થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિસામો’ના નિર્દેશન ઉપરાંત મુખ્ય અભિનય પણ તેમણે કર્યો હતો. ‘સંસારચક્ર’, ‘ગુણસુંદરીનો ઘરસંસાર’, ‘સોનબા અને રૂપબા’, ‘મણીયારો’ કે ‘જોગસંજોગ’ માટે કૃષ્ણ કાંતને હંમેશા ગુજરાતી દર્શકો યાદ કરશે.  

ટેલીવિઝન માટે બાસુ ચેટરજીની ‘દર્પણ’ અને ‘વ્યોમકેશ બક્ષી’, હૃષીકેશ મુખર્જીની ‘ઉજાલે કી ઓર’ અને ગુજરાતી ટીવી શ્રેણી ‘અનુરાધા’, ‘માયાવી જાળ’, ‘ઘરસંસાર’ અને ‘સપ્તપદી’માં કે.કે. સાહેબે મહત્વની ભૂમિકા કરી હતી.

મુંબઈના સિને આર્ટીસ્ટ એસોસિએશનના તેઓ સ્થાપક સભ્ય છે. ૧૯૯૬માં તેની ૩૮મી વાર્ષિક સભામાં દિલીપ કુમારે તેમનું સન્માન કર્યું હતું. ત્યારે તેમને ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ’ એવોર્ડ એનાયત થયો હતો. ગુજરાત રાજ્ય દ્વારા અપાતા સિને સન્માન પસંદગી સમિતિના તેઓ અધ્યક્ષ રહ્યાં છે.

કૃષ્ણ કાંત આટલી લાંબી કારકિર્દી પછી ૧૯૯૩થી સૂરતમાં પાછા આવીને રહ્યાં ત્યારથી સતત તેમને ખુબ માન સન્માન મળે છે. આટલા લાંબા સમય સુધી લોકપ્રિયતા અને સન્માન ટકાવવાનો ગુરુ મંત્ર આપતાં કે.કે. શું કહે છે? એક જ શબ્દમાં તેઓ જણાવે છે, ‘વિનમ્રતા’. જીવનમાં ચડતી પડતી તો આવે, પણ ટકી જશે એજ જે તમામ હાલતમાં સ્વસ્થ અને વિનમ્ર રહે. ‘સૌને માન આપો અને તમે માન પામો’, એ તેમનો જીવન મંત્ર છે.

આવાં કે.કે. સાહેબને તેમના ૯૪માં જન્મ દિને ખુબ ખુબ અભિનંદન અને તેમના નીરોગી દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીએ.  

(આપણી આ પ્રાર્થના ઓછી પડી, પ્રભુએ તેમને વહેલાં બોલાવી લીધાં. અને વિધિના વિધાન જુઓ. આજથી બરાબર ત્રણ વર્ષ પહેલાં, ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ તેમના મિત્ર અને મહાન ગાયક મન્ના ડે સાહેબનું નિધન થયું હતું, ૯૪ વર્ષની ઉમરે. આજે ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ કે.કે. સાહેબ ચાલી નીકળ્યા, ૯૪ વર્ષની ઉમરે. તેઓ બંને મુંબઈમાં પાંચેક વર્ષ સુધી પાડોશી હતા. કદાચ ઉપર પણ સાથે જ રહેશે.)

નરેશ કાપડીઆ

સૂરત, તા. ૨૪.૧૦.૨૦૧૬

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “કૃષ્ણ કાંત – કે.કે.ની કાયમી એક્ઝીટ

  1. કૃષ્ણ કાંત ભૂખણવાલા – કે.કે. સાહેબને હાર્દિક શ્રધાંજલિ
    ‘સૌને માન આપો અને તમે માન પામો’, એ તેમનો જીવન મંત્ર યાદ સૌએ રાખવા જેવો છે.
    તેઓ ૯૪ વર્ષનું ભરપુર કાર્યશીલ પ્રેરણાદાયી જીવન જીવી ઘણી યાદો છોડી ગયા છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપો એવી પ્રાર્થના.

  2. ગોવીન્દ મારુ

    ગુજરાતી રંગમંચ–હીન્દી ફિલ્મ જગતને કે.કે. સાહેબની ખોટ સાલશે. કે.કે. સાહેબને હાર્દીક ભાવાંજલી….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s