રોલિંગ સ્ટોન: રે વણજારા…/ પરેશ પ્ર વ્યાસ

0રોલિંગ સ્ટોન: રે વણજારા…

मेरी खानाबदोशी से पूछे कोई
कितना मुश्किल है रस्ते को घर बोलना

ताहिर फ़राज़

અમેરિકન ગીતકાર, સંગીતકાર, ગાયક બોબ ડીલનને સાહિત્યનો નોબેલ પારિતોષિક મળ્યાની ઘોષણા થઇ અને ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું કે  કોઇ ગીતકાર આ રીતે પહેલી વાર સાહિત્યકાર તરીકે પોંખાયા. સાવ ખોટી વાત છે. સન 1913માં સાહિત્ય માટે નોબેલ પારિતોષિક વિજેતા આપણાં રવીન્દ્રનાથ ટાગોરનાં રવીન્દ્ર સંગીતની ક્ષમતા પશ્ચિમી દેશો પિછાણી શક્યા નથી. અને શું ગીતકાર સાહિત્યકાર ના હોઇ શકે? અલબત્ત હોઇ શકે. પણ…. દરઅસલ આપણે અત્યારે જે સાંભળીએ છીએ એ ચાર બોટલ વોડકા જેવા સો-કોલ્ડ પોપ્યુલર ગીતોનાં શબ્દોથી તો કાનનું ટીચકું ચઢી જાય છે. (ગુજરાતી મુહાવરો ‘નાકનું ટીચકું ચઢાવવું’ એટલે અણગમો દર્શાવવો એવો છે એટલે અમારા લખાણમાં કાનનો ઉલ્લેખ ખોટો છે એવી ભૂલ કાઢવી નહીં. નાકથી સંભળાય નહીં. કાનથી જ સંભળાય એટલે કાનનું ટીચકું.. યુ સી! ). કવિ શ્રી તુષાર શુક્લનાં શબ્દોમાં કહું તો કેટલુંક સૌને સમજાય, બહુજનને ગમે અને એમની દાદ મેળવે એવું ય હોય. લોકપ્રિય હોય એ સાહિત્યની દ્રષ્ટિએ નિમ્ન કોટિનું જ હોય એવું જરૂરી નથી. આજે બોબ ડીલનનાં લોકપ્રિય સર્જનની વાત કરવી પ્રસ્તુત છે.

આ લેખ માટે સાહિત્યિક દ્રષ્ટિએ બોબ ડીલનનાં લોકપ્રિય ગીતોની યાદી તપાસી રહ્યો હતો. ટાઇમ્સ ધે આર અ ચેન્જિંગ, સબટેરિનિયન હોમસિક બ્લ્યુ , પોઝિટિવલી ફોર્થ સ્ટ્રીટ, બ્લોઇંગ ઇન ધ વિન્ડ, જસ્ટ લાઇક અ વુમન વગેરે ગીતો લોકપ્રિય હતા જ, પણ સૌથી વધારે #1 લોકપ્રિય ગીત હતુ: લાઇક અ રોલિંગ સ્ટોન(1965). આ ગીત એટલું તો લોકપ્રિય હતુ કે તે પરથી 1967માં ‘રોલિંગ સ્ટોન’ નામનું  કલ્ચર મેગેઝીનનું પ્રકાશન શરૂ થયું; જે આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. મૂળ મુહાવરો છે: અ રોલિંગ સ્ટોન ગેધર્સ નો મોસ. (A Rolling Stone Gathers No Moss)

રોલિંગ સ્ટોન એટલે ગોળ ગબડતો જતો પથ્થર. મોસ એટલી લીલ કે શેવાળ. શાબ્દિક અર્થ થાય કે ગબડતા જતા પથ્થર પર લીલ જામતી નથી. કાયમ ફરતા રહેતા વિચરતા રહેતા ખાનાબદોશ  કોઇ જગ્યાએ સ્થિર થતા નથી. એમનાં મૂળ ક્યાંય હોતા નથી. એ કાંઇ પ્રગતિ કરી શકતા નથી. આવા લોકોને કાંઇ પડી હોતી નથી. કોઇ જવાબદારીનું ભાન હોતું નથી. પોતાનાં જ્ઞાન, અનુભવ કે સંસ્કૃતિનો વિકાસ તેઓ કરી શકતા નથી. તેઓ ભરોસાપાત્ર હોતા નથી. તેઓ કશું કરી બતાવે એવી અપેક્ષા નિરર્થક છે. અલબત્ત એનો બીજો, બલકે સાવ ઊલટો અર્થ પણ થાય છે. અહીં મોસ એટલે લીલ કે શેવાળ જે બંધિયાર પાણીમાં પેદા થાય છે. જે હરતો ફરતો નથી એને નવા વિચાર આવતા નથી. એની સર્જનશીલતા મરી પરવારે છે. ફરે તે ચરે ને બાંધ્યો ભૂખે મરે!

જો કે બોબ ડીલનનાં ગીત ‘લાઇક અ રોલિંગ સ્ટોન’ને લાગે વળગે છે ત્યાં સુધી આવા ઠરીઠામ ન થયેલા, સદા વિચરતા રહેતા વણજારા કે ખાનાબદોશનાં અર્થમાં આ મુહાવરો લખાયો છે, સંગીતબદ્ધ થયો છે અને ગવાયો છે. ગીતનાં શબ્દો એટલા તો લોકપ્રિય બન્યા કે બે વર્ષ પહેલાં આ ગીતની ઓરિજિનલ હસ્તપ્રતની હરાજી થઇ તો 20 લાખ ડોલર ઉપજ્યા. લો બોલો! રોલિંગ સ્ટોન ગીતની સર્જન પ્રક્રિયા અજબ હતી. સંગીત પત્રકાર ગ્રેઇલ માર્કસનાં મતે ગીતનાં શબ્દો આમ સ્વયં સમજાય એવા નથી. ગીત એવી ‘પૂઅર લિટલ રિચ ગર્લ’ યુવતીને સંબોધીને છે જેનું લાલનપાલન એશોઆરામમાં થયું હતુ પણ આજે એ સ્વૈરવિહાર કરી રહી છે. પહેલાં જેવી સુખસગવડતા હવે બિલકુલ નથી. કોઇ અજાણી ફિલસૂફીનાં તાનમાં હવે એ ઘર છોડીને રસ્તા પર આવી ગઇ છે. ગીતમાં શબ્દો છે: ‘સ્ક્રાઉન્જિંગ ફોર નેક્સ્ટ મીલ.’ હવે પછી શું ખાઇશ? ભીખ માંગીને કે તફડંચી કરીને ખાવાનાં દિવસો આવ્યા છે. અને ડીલાન એને પૂછે છે: હાઉ ડઝ ઇટ ફીલ? ટૂ બી ઓન યોર ઓવ્ન, વિથ નો ડીરેક્શન ટૂ હોમ.. કવિતાની આ ધ્રુવ પંક્તિઓ છે અને દરેક અંતરા પછી આ પ્રશ્ન પડઘાયા કરે છે. ઘર તરફ જવાની કોઇ દિશા નથી. તને કેવું લાગે છે? પ્રશ્નમાં સહાનુભૂતિ કે સહભાવ નથી. ઉપહાસ છે. એની ઠેકડી ઊડાડી હોય એવો ભાવ વિશેષ છે. તને બહુ શોખ હતો આવી રોલિંગ સ્ટોન જેવી જિંદગી જીવવાનો. હવે તને કેવું લાગે છે? આ યુવતી બંડખોર છે. એણે રૂઢિગત સમાજ સામે બળવો પોકાર્યો છે. હવે એ આઝાદ છે. પણ હવે એ મિસ લોનલી(એકાકી) પણ તો છે. પણ જુઓ એની સ્થિતિ શું છે?  ‘લાઇક અ રોલિંગ સ્ટોન’ ગીત બળવા સામે બળવો છે. બોબ ડીલાને ઘણાં યુવાનોને એક નવા સુખની શોધમાં ઘર છોડી જતા અને પછી ક્યાંય ખોવાઇ જતા જોયા હતા. ડીલાનનું જીવન ચરિત્ર લખનાર રોબર્ટ શેલ્ટન લખે છે કે રોલિંગ સ્ટોન નિર્દોષતા ગુમાવ્યા બાદ વાસ્તવિકતાનો જે કડવો અનુભવ થાય છે, એની વાત છે. ઘરનું ન હોવું એ જેટલું રોમેન્ટિક લાગે એટલું જ કંગાળ અને અર્થવિહીન છે. ગીતનો અંત જો કે સાવ નકારાત્મક નથી. લેખક માર્ક પોલિઝોટ્ટીની દલીલ છે કે સઘળું ગુમાવી દીધા પછી હવે કશુ ગુમાવવાનું બાકી રહેતું નથી, કશું છુપાવવાનું નથી. હવે તમે અદ્રશ્ય થઇ જાવ છો. શું આ સામાજિક રૂઢિઓમાંથી મુક્તિની વાત મઝાની નથી? હાઉ ડઝ ઇટ ફીલ?  

વણજારી ફીલિંગ કવિતામાં સારી લાગે. ફિલસૂફી ફીલિંગ વાર્તામાં સારી લાગે. સંસારની અસારી ફીલિંગ પ્રવચનમાં સારી લાગે. રસ્તે ચાલતા આમ આદમીની મુક્તિ એ છે કે ઠરીઠામ થઇ જવું. તંઇ શું?!   

શબ્દ શેષ:

3d animated human heart – YouTube

Jan 18, 2012 – Uploaded by rigidline

This is preview of a 3d animated heart model for Cinema 4D 12 and up. … Human Heart Beat Animation-3d …

જે રીતે ગબડતા જતા પથ્થર(રોલિંગ સ્ટોન) પર લીલ બાઝતી નથી એ રીતે આમ તેમ ભટકતા રહેતા દિલ(રોવિંગ હાર્ટ)ને પ્રેમ મળતો નથી. –બ્રિટિશ લેખિકા અન્ના જેમ્સસન (1794-1860)

1 ટીકા

Filed under Uncategorized

One response to “રોલિંગ સ્ટોન: રે વણજારા…/ પરેશ પ્ર વ્યાસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s