પ્રેમપત્ર-/પરેશ પ્ર વ્યાસ

 

%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6પ્રેમપત્ર

પ્રેમપત્ર પૂરો થઈ જાતાં,
ટાઈપરાઈટર આહ ભરે છે.                                                                                                                                                      – અદમ ટંકારવી

આવું જ બન્યુ હશે. ફ્રાંસ દેશની વાત છે. ફ્રાંસ આમ પણ પ્રેમનો મુલક છે. મારું ચાલે તો એનું નામ બદલીને પ્રેમિસ્તાન રાખી દઉં. એમાં ય ફ્રાંસનાં પ્રેસિડન્ટ્સ પ્રેમ કરવામાં માહિર છે. મિતરાં(1981-1995), સરકોઝી(2007-2012) અને હાલનાં ઓલાંદ(2012થી)ની પ્રેમકહાણીઓ ચર્ચાનાં વિષય બનતી રહી છે. હેન્રી કિસિન્જરે એવું કહ્યું’તું કે સત્તા એ આત્યંતિક કામોદ્દીપક દ્રવ્ય છે. સત્તા પર બિરાજતા રાજકારણીઓને મન સત્તાની કામના અલ્ટિમેટ છે. પણ લલનાની કામનાનાં કિસ્સા રાજકારણમાં બનતા રહે છે. વર્ષ 1962માં છેંતાલીસ વર્ષનાં પ્રખર પરિણિત રાજકારણી મિતરાં ઓગણીસ વર્ષની કુંવારી શિલ્પકાર ઍનીને પેરિસમાં મળ્યા ત્યાર પછી એમણે પહેલાં પ્રેમપત્રમાં લખ્યું કે ‘તારી સાથે મારા હોવાપણાને હું ચાહું છું.’ તે પછી લખ્યું કે ‘આપણો પ્રેમ આ દુનિયાથી છૂપાવવો મને મુદ્દલ ગમતો નથી’. જ્યારે મિતરાંએ પ્રેસિડન્ટની ચૂંટણી લડી ત્યારે લખ્યું કે ‘અત્યારે હું તારા વિષે વિચારી રહ્યો છું; ઍની-ફ્રાંકોઇસ(મિતરાં)નો પ્રેમ મને ચમત્કારિક રીતે ઉપયોગી થઇ રહ્યો છે.’ પ્રેસિડન્ટ બન્યા પછી લખ્યું કે ‘મરતાં સુધી ચાહીશ તને.’ અને મરતાં પહેલાં લખ્યું કે ‘તું મારી લાઇફની બેસ્ટ-ઓફ-લક રહી છો.’ ઍની એની વાઇફ નહોતી.

આખી વાત એણે જમાનાથી અંગત રાખી હતી. આજે એ પ્રેમને, એ પ્રેમપત્રોને જગજાહેર કરવામાં પણ ઍનીએ કોઇ સનસનાટી મચાવી નથી. મિતરાંનાં મૃત્યુનાં વીસ વર્ષ અને મિતરાંની ઓફિસિયલ પત્ની ડિનિયલનાં મૃત્યુનાં પાંચ વર્ષ સુધી રાહ જોઇ છે. ઍનીએ મૃત્યુનો મલાજો જાળવ્યો છે. આજે 50 વર્ષ બાદ મિતરાંની જન્મશતાબ્દી વર્ષે પ્રગટ થયેલા આ 1200 પ્રેમપત્રોનાં પુસ્તકમાં આછકલાઇ નથી. બલકે આ તો ઉત્તમ પ્રેમ-સાહિત્યનો દસ્તાવેજ છે. નોબેલ પુરસ્કાર સામાન્ય રીતે મરણોત્તર અપાતા નથી પણ જો એમ હોત તો કદાચ સાહિત્યનો નોબેલ મિતરાંને મળ્યો હોત.

અલબત્ત આ ગેરકાયદેસરનો પ્રેમ હતો. છતી પત્નીએ અન્ય સ્ત્રીનાં પ્રેમમાં ઊંધે કાંધ પડવું અન્યાય કહેવાય. પણ આ તો પ્રેમ છે. આમાં કોઇનું ક્યાં કાંઇ ચાલે છે? આજે લગ્નેતર સંબંધોની વાત કરવી નથી. આજે પ્રેમપત્રની વાત કરવી છે. અને વાત કરવી છે અર્વાચીન કાળમાં નામશેષ થતી જતી પ્રેમની અભિવ્યક્તિનાં અદભૂત સાહિત્ય સ્વરૂપની. કહે છે કે વિશ્વનો પહેલો પ્રેમપત્ર રુકમણીએ શ્રીકૃષ્ણને લખ્યો હતો. અગાઉ તેઓ ક્યારેય મળ્યા નહોતા પણ એ પ્રેમપત્રની અસર એવી હતી કે શ્રીકૃષ્ણ દોડતા આવીને રુકમણીજીનું અપહરણ કરી ગયા હતા. આજે અપ્રત્યક્ષ ઇન્ટરનેટ ચેટિંગથી પ્રેમ થઇ જાય એ પ્રેમપત્રનું આધુનિક સ્વરૂપ છે. સંગમનું ગીત ‘યે મેરા પ્રેમપત્ર પઢકર’ હવે અપ્રસ્તુત છે. હવે મોબાઇલ પર 4જી ડેટાપ્લાનનાં ઘટેલાં ભાડાને કારણે પ્રેમપત્રનાં ઘણાં વિકલ્પો સરળ બન્યા છે. રાહબરે લખેલી તેરી ખુશ્બૂમેં બસે ખત મૈં જલાતા કૈસે.. નઝ્મ, જગજિતનાં કંઠે સાંભળીએ તો થાય કે ઇ-મેઇલ હોત તો એક ક્લિકે ડીલીટ થઇ જાત. જેને આમ ગંગામાં વહાવી આવ્યા પડ્યા એ ખતની આ ખટખટ શી છે? અર્વાચીન કાળમાં પ્રેમપત્રનાં સ્વરૂપ બદલાય છે પણ પ્રેમપત્ર અમર છે.

પ્રેમપત્ર એટલે પ્રેમને લખીને શબ્દોમાં અભિવ્યક્ત કરવાનું સાધન. ઉપાસના, નાઉમેદી, વિષાદ, રોષ, આત્મવિશ્વાસ, મહત્ત્વકાંક્ષા, અધીરાઇ, સ્વદોષ, સમપર્ણ  જેવી કંઇ કેટલી અવળી સવળી લાગણીઓ એમાં હિલ્લોળે ચઢતી હોય છે. પ્રેમપત્રનો ફાયદો એ છે કે રીસ્પોન્સ આપવા માટે સમય મળી જાય છે. ઘણીવાર જે ફટ દઇને સન્મુખ ના કહી શકાયું હોય એનો લખીને ઇઝહાર કરી શકાય છે. પ્રેમપત્ર વારંવાર વાંચી શકાય છે. સાચવીને રાખી શકાય છે. પ્રેમપત્ર ભાંગ્યાનો ભેરૂ બની શકે છે. નિષ્ફળ પ્રેમનાં પત્રો ખોટે હાથે ચઢે તો ભવિષ્યમાં ઘર ભાંગે છે. પ્રેમપત્રની દરેક વાત નિરાળી છે. અમેરિકન લેખક સ્કોટ ફિટ્ઝિરાલ્ડ એની લેખિકા પત્ની ઝેલ્ડાને લખેલા પ્રેમપત્રમાં જીવનપર્યંત પ્રેમની શાશ્વતતાની વાત કરે તો જવાબ મળે છે કે ‘જીવવું જરૂરી નથી. હું પ્રથમ તો પ્રેમ કરવા માંગુ છું, જીવવું તો પ્રસંગોપાત છે.’ પ્રેમ કરવો જોઇએ અને પ્રેમ કરો છો એવું પત્ર લખીને કહેતા રહેવું જોઇએ. પ્રેમ એ એવી શ્રદ્ધાનો વિષય છે જેમાં પુરાવાની અલબત્ત જરૂર છે.   

MurallaMuerta (SebastianBA) : Foto

1 Comment

Filed under Uncategorized

One response to “પ્રેમપત્ર-/પરેશ પ્ર વ્યાસ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s