લકૉનિક: શબ્દોમાં કરકસરની કલા / પરેશ પ્ર વ્યાસ

012          શબ્દ કવિતા:
શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ?

 ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ?                                                                                                                                –રમેશ પારેખ

શબ્દ પ્રસ્તાવના:
‘બોલે તેના બોર વેચાય’ અને ‘ન બોલ્યામાં નવ ગુણ’ એવી આપણી ભાષાની બે વિરોધાર્થી પણ તદ્દન સાચી કહેવતોને બદલવાનો સમય પાકી ગયો છે. ‘બોલે તો બોર થવાય’ અને ‘ન બોલે નવ સમજાય’ એ સાંપ્રત યુગની નવી કહેવતો છે. આ યુગ માહિતી અને બાતમીની આપ-લેનો યુગ છે. વાત અથાગ છે, અગાધ છે, અપાર છે. જિંદગી ટૂંકી છે એટલે ટૂંકમાં બોલવાની વાત અગત્યની છે. જીભમાં શબ્દની બેડી ભલે પડી છે પણ પેરોલ પર છૂટી શકાય. પણ પેરોલની શરતોનું પાલન તો કરવું જ રહ્યું. ઓછા શબ્દોમાં બોલવું, લખવું, કહેવું અત્યંત જરૂરી છે. દરેક ભાષામાં કોઇ એક ઘટના કે વિચારને વ્યક્ત કરવાનાં વિશિષ્ટ શબ્દો છે. એ શબ્દ બોલીએ એટલે બધું જ સમજાઇ જાય. જો આપણી ભાષામાં કોઇ આખી વાતને ટૂંકમાં કહેવાનાં શબ્દો ન હોય તો એને બીજી ભાષામાંથી શોધી કાઢવા અને અપનાવી લેવા હિતાવહ છે. બીજો વિકલ્પ એ છે કે આપણી લોકબોલીનાં બંધબેસતા પણ હાલ વીસરાયેલા શબ્દોને સજીવન કરવા પડશે. તો હે મારા પ્રિય વાચક, અત્યાર સુધી ઉપર મુજબનાં આપે વાંચેલા (અથવા તો ઉપરછલ્લી રીતે નજર ફેરવેલા!) આ લેખનાં બધા જ વાક્યો એક શબ્દમાં કહેવા હોય તો એ માટે શબ્દ છે લકૉનિક (Laconic). ગુજરાતી લેક્સિકોન અનુસાર લકૉનિકનો અર્થ થાય ટૂંકાણમાં કહેલું, ટૂંકુ, (ભાષા અંગે) સૂત્રમય, ઓછાબોલું, ઓછામાં ઓછા શબ્દોમાં વ્યક્ત કરેલું. લકૉનિકનાં સમાનાર્થી શબ્દો છે કન્સાઇસ(સંક્ષિપ્ત), ટર્સ(ટૂંકું, તોછડું), પિથિ(ટૂંકું અને જોરદાર), સસિકન્ટ(સંક્ષિપ્ત, મુદ્દાસર).

શબ્દ વ્યુત્પત્તિ:
પ્રાચીન દક્ષિણ ગ્રીસનાં લકૉનિયા નામનો પ્રદેશ હતો અને સ્પાર્ટા એની રાજધાની. લકૉનિયાનાં લોકો ઓછું બોલતા. વાણી સંયમન(વર્બલ ઑસ્ટેરિટિ) માટે વિખ્યાત હતા. તેમ છતાં કહેવાનું બધું કકડીક બોલમાં કહી દેતા. સમજાય તે રીતે, પૂરી સ્પષ્ટતાથી અને તડ ને ફડ. એમણે આ ટૂંકાણમાં કહેવાતી, લખાતી વાણી વ્યવહારની કલાને પ્રયત્નપૂર્વક વિકસાવી હતી. અત્યારની પરિભાષામાં કહીએ તો તેઓ વન લાઇનર, ક્યારેક તો વન વર્ડરમાં વાણી વ્યવહાર એમની સંસ્કૃતિ બની ગઇ. લકૉનિયાનાં શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે અને વિદ્યાર્થી સાચો પણ લાંબો ઉત્તર આપે તો એને અંગૂઠા પર ફૂટપટ્ટી મારવાની સજા આપવામાં આવતી! ગ્રીસની સરહદી રાજ્ય મેકેડોનિયાનાં રાજા ફિલિપ બીજાએ લકૉનિયાનાં લોકોને લલકાર્યા અને ધમકી દીધી કે..” જો હું લકૉનિયામાં દાખલ થઇશ તો સ્પાર્ટાને તહસનહસ કરી નાંખીશ.” લકૉનિયાનાં લોકોએ માત્ર એક જ શબ્દમાં સણસણતો જવાબ દીધો: “જો….”  જો દાખલ થશે તો ને?!! અને રાજા ફિલિપે હૂમલો કરવાનું માંડી વાળ્યુ હતુ. થોડા સમય પછી બીજી વાર એણે સંદેશો મોકલ્યો કે હું દોસ્ત તરીકે તમારે ત્યાં આવું કે દુશ્મન તરીકે? એવો જ તડ ને ફડ, ટૂંકો ને ટચ એક શબ્દમાં જવાબ: નાઇધર (બેમાંથી એકે નહીં.) લકૉનિયાનાં લોકોની આ વાણી સંયમનની અનોખી રીતને સોળમી સદીમાં નામ અપાયું: લકૉનિકલ; જે પરથી કાળક્રમે ઇંગ્લિશ ભાષામાં શબ્દ બન્યો લકૉનિક.

શબ્દ ઇતિહાસ:
અન્ય ગ્રીક સમુદાયોની સરખામણીમાં શિક્ષણ, કલા અને સાહિત્યનાં ક્ષેત્રમાં લકૉનિયાનાં સ્પાર્ટન લોકોનો વિકાસ ઓછો થયો હતો. એટલે કદાચ તેઓ ઝાઝુ બોલતા નહોતા. જો કે દાર્શનિક સોક્રેટિસ આ વાત સાથે સહમત નહોતા. એમણે લખ્યું હતું કે તેઓ દેખાવે, બોલવે ચાલવે મૂર્ખ જેવા એટલે લાગતા કે એમને એમની કાબેલિયત યુદ્ધમાં દેખાડવામાં વધારે વિશ્વાસ હતો. બોલવામાં એનું ભોળપણ છેતરામણું હતું. અલંકારિક ભાષા(રેટરિક) પ્રત્યે એમને તિરસ્કાર હતો. તેઓ જમીન સાથે જોડાયેલા માણસો હતા.

શબ્દ દૃષ્ટાંત:

સ્પાર્ટાનાં મિલિટરી કાયદાનાં પ્રણેતા લાયકર્ગસને કોઇએ લોકશાહી શાસન વ્યવસ્થાને અનુસરવા સલાહ આપી તો એણે ટૂંકો ને ટચ જવાબ દીધો :તારા પોતાનાં કુંટુંબથી શરૂઆત કર! કોકે પ્રશ્ન કર્યો કે નગર ફરતે સંરક્ષણની દિવાલ કેમ નથી? તો તડ ને ફડ જવાબ ઇંટની દીવાલ કરતા માણસની દીવાલ વધારે સારી. વીર રાજવી લિયોનિડસ પણ લૅકોનિક જવાબ માટે જાણીતો હતો. યુદ્ધમાં એનાં સૈનિકોની સંખ્યા જૂજ હતી પણ એ પર્વતની સાંકડી ખીણ પર પોઝિશન લઇને બેઠો હતો. એનાં દુશ્મન પર્શિયન સેનાપતિએ સંદેશો મોકલ્યો કે ‘તમે હથિયાર હેઠાં મુકી દો તો તમને જીવતદાન આપીએ.’ લિયોનિડસે જવાબ આપ્યો: મોલોન લેબે. આ ગ્રીક શબ્દોનો અર્થ થાય: (હથિયાર) આવીને લઇ જાવ. લિયોનિડસ  જોખમી યુદ્ધમાં જતો હતો ત્યારે એની પત્ની રાણી ગોર્ગોએ એને પૂછ્યું કે તું પાછો નહીં આવે તો મારે શું કરવું? ના, કેસરિયા કરવાની સલાહ નહોતી દીધી. એણે કીધું કે સારા માણસ જોડે પરણજે અને સારા બાળકો પેદા કરજે. સ્પાર્ટન સ્ત્રીઓ બીજા ગ્રીક સમુદાયોની સરખામણીમાં શિક્ષિત, સ્વતંત્ર, મિલકતની સ્વત: માલિકી કે વારસાઇ ધરાવતી અને પુરુષોને વશમાં રાખી શકતી હતી. રાણી ગોર્ગોને પૂછ્યું કે માત્ર સ્પાર્ટન સ્ત્રીઓ જ કેમ પુરુષોને વશમાં રાખી શકે છે? જવાબ હતો; કારણ કે માત્ર અમે જ  પુરુષને પેદા કરીએ છીએ. યુદ્ધમાં જતા સૈનિકોને સ્પાર્ટન માતાઓ કે પત્નીઓ હથિયાર સાથે ઢાલ આપતી અને લૅકોનિક શબ્દોમાં કહેતી: ‘એ ટાન એ એપી ટાસ’ જેનો અર્થ થાય ‘આની સાથે અથવા આની ઉપર’. અર્થાંત યુદ્ધમાં કાયરની જેમ ભાગી આવતો નહીં. પાછો ફરે તો ઢાલ લઇને આવજે અથવા તો તારો મૃતદેહ ઢાલ ઉપર આવશે.

શબ્દ શેષ:

ફ્રેંચ લેખક વિક્ટર હ્યુગોની 1900 પાનાની ક્રાંતિકારી નવલકથા ‘લા મિઝરેબલ્સ’ કોઇ રીતે લૅકોનિક ન કહી શકાય. પણ એનું વેચાણ જાણવા એણે એનાં પ્રકાશકને લૅકોનિક ટેલિગ્રામ મોકલ્યો એમાં માત્ર ‘?’ (પ્રશ્નાર્થ ચિહ્ન) હતુ. એક જ દિવસમાં 7000 કોપી વેચાઇ એટલે પ્રકાશકનો જવાબ પણ લૅકોનિક હતો: ‘!’(આશ્ચર્ય ચિહ્ન) 0112

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized

5 responses to “લકૉનિક: શબ્દોમાં કરકસરની કલા / પરેશ પ્ર વ્યાસ

 1. pragnaju

  લેકોનિક પરથી એક જૂની રમૂજ યાદ આવી.
  જુના જમાનામાં પહેલવાનો અને મુક્કાબાજોનું શબ્દજ્ઞાન નહિવત ગણાતું. બોક્સિંગની મેચ જીત્યા બાદ ચેમ્પિયનની પત્રકારોએ મુલાકાત લીધી. રાતે તેમનો ભણેલો ભાઈબંધ તેમને મળવા ગયો ત્યારે તેણે પૂછ્યું, “દોસ્ત, લેકોનિકનો અર્થ શું થાય?”
  “કેમ? તારે તેનો અર્થ જાણવાની શી જરૂર પડી?”
  “પેલા વાયડા પત્રકારે મને ઘણા સવાલ પૂછ્યા, પણ મેં તેને હા કે ના માં જવાબ આપ્યા. અંતે તેણે મને કહ્યું, તમે આજે બહુ લેકોનિક છો.”
  “તો પછી તેં શું કર્યું?”
  “આપણે તો બાપુ, ‘સા.. મને લેકોનિક કહે છે?’ કહી તેને એક ઠોકી દીધી.”

 2. pragnaju

  સુંદર રમુજ
  જાણીતી ગાળો ને બદલે આવા શબ્દ વાપરીએ અને ગાળની રીતે બોલીએ તો લાગે કે ભારી ગાળ દીધી ! હાં , સામે પહેલવાન ન હોવા જોઇએ ! પહેલાના જમાનામા સાળો કહેતા તો ગાળ લાગતી ત્યારે દલપતરામે તો કહ્યું-‘ સૌનો સાળો સૌનો સસરો હું છું દલપતરામ !’
  આપણા વેદ-પુરાણો તો મુખપાઠથી યાદ રાખવા પડતા તેથી લકોનિક ભાષામાં જ લખાતા અને તેની વ્યાખ્યા થતી
  अल्पाक्षरं असंदिग्धं सारवत्‌ विश्वतोमुखम्‌।
  अस्तोभं अनवद्यं च सूत्रं सूत्र विदो विदुः॥ અને તેને સૂત્ર કહેતા આપણી સંસ્કૃત ભાષા કેટલી સમૃદ્ધ છે અને આપણને સંસ્કૃત ભાષા પ્રત્યે કેટલો બધો આદર છે એ આ સૂત્રો દ્વારા અને વિવિધ સંસ્થાઓમાં થતા તેના ઉપયોગ દ્વારા પુરવાર થાય છે. દરેક માણસે પોતાની લાઈફમાં આવાં કેટલાંક સૂત્રો અપનાવી લેવાં જોઈએ. આવાં સૂત્રો આપણને નૈતિક અધઃપતનમાંથી બચાવી શકે છે. જેવા કે
  નભઃ સ્પૃશં દીપ્તમ ,સેવા અસ્માકં ધર્મ, સ્વાધ્યાયઃ પરમં તપઃ,નાદ બ્રહ્માણે નમઃ, સત્યમેવ જયતે ઇ મને ગમતો લકૉનિક ૐ

 3. શબ્દો વિષે સરસ શબ્દોમાં લખાએલ લેખ માણ્યો.

  શબ્દોમાં અદભુત શક્તિ હોય છે. શબ્દ ચિત્ર શબ્દોથી ઉપસાવી
  શકાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s