શબ્દ સંહિતા /ઇન્ટોલરન્સ : આ અબ છોડ ચલે… પરેશ વ્યાસ

શબ્દ સંહિતા /ઇન્ટોલરન્સ : આ અબ છોડ ચલે… પરેશ વ્યાસ

અસહિષ્ણુતાનાં મુદ્દે આજકાલ ગરમાગરમી છે. લેખકો, કલાકારો, રાજકારણીઓ મંડયા છે નિવેદનો કરવા. અને પાછા એ બધા જ કહે છે કે ભારત દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. લો બોલો ! આપણે આમ હસતા રમતા સાવ અચાનક એકાએક ઇન્ટોલરન્ટ બની ગયા ? ભારત દેશ હવે રહેવા જેવો નથી રહ્યો. છોડી દેવો જોઇએ.
આ આબોહવામાં શ્વાસ ઘૂંટાય છે. અસહિષ્ણુતા પ્રદૂષણ પેઠે પ્રસરી રહી છે. ગાલિબ કહે છે કે અબ તો ગભરા કે યે કહતે હૈ કે મર જાયેંગે, મરકે ભી ચૈન ના પાયા તો કહાં જાયેંગે ? અલ્યા ભૈ, દેશ છોડીને જ્યાં જશો ત્યાં ય લોકો તો હશે. અને ત્યાં ય તમે તમારો કક્કો ખરો કરવાની કોશિશ કરશો. અને પછી.. રહેના નહીં દેશ વિરાના હૈ.. હું વિચારી રહ્યો હતો. એક મધ્યમ વર્ગનો અને મધ્યમ વર્ગની માનસિકતા ધરાવતો, હિંડોળે ઝૂલતો ફિલસૂફ આમ જ વિચારે.
ત્યાં મારી પ્રેમાળ પત્ની કોકિલાએ અંદરથી ટહૂકો કર્યો કે તમે ક્યાં છો ?
ભારત દેશમાં. મેં જવાબ દીધો.
એટલે હિંદુસ્તાનમાં ? પત્નીએ પ્રગટ થતા પૂછ્યું. પત્નીઓ પતિનાં વિચાર પળમાં પારખી લેતી હોય છે. મારી કોકી એમાં પીએચડી છે.
સેક્યુલર શબ્દ બંધારણમાં છે એટલે હિંદુસ્તાન શબ્દ ય બુધ્ધિજીવીઓને ખૂંચશે. ભારત સારો શબ્દ છે. મેં કોકિલા સામે નિવેદન કર્યું.
હિંદુસ્તાન શબ્દનો પહેલો હિસ્સો એટલે કે હિંદુ એ હિંદુ ધર્મ નથી દર્શાવતું. દર અસલ પર્શિયન લોકો માટે આપણે સિંધૂ નદીને પાર વસવાવાળા લોકો હતા એટલે તેઓ આપણાં દેશને હિંદુસ્તાન કહેતા. એટલે પછી અંગ્રેજો ય આપણા દેશને હિંદુસ્તાન કહેવા લાગ્યા. ઇન્ડિયામાં ઇન્ડસ એટલે સિંધૂ શબ્દ સમાયેલો છે. પણ એ જવા દો. આજકાલ આ ટોલરન્ટ-ઇન્ટોલરન્ટના ઢોલ ઢબૂકી રહ્યા છે એ શું છે ? કોકિલા બધુ જ જાણે પણ મને મુંઝવતા પ્રશ્નો કરે. એ એની આદત છે. પત્નીઓને પણ પતિની પરીક્ષા લેવાની આદત હોય છે.
અસહિષ્ણુતા. એટલે બીજાને સાંભળવા નહીં. મારો જ ક્કો ખરો, એવી ભાવના. મેં ઉત્તર દીધો.
હું સહિષ્ણુ છું ? કોકિલાએ પૂછ્યું.
અરે તું તો પરમ સહિષ્ણુ છે. તેં ક્યારે ય એવો દાવો કર્યો નથી કર્યો કે તું જ સાચી. એક આજ્ઞાાંતિક પતિ તરીકે મેં ઉત્તર આપ્યો. દર અસલ હું સ્પષ્ટપણે માનુ છું કે મારી કોકીનો કક્કો જ નહીં પણ એની આખી બારાખડી સાચી છે.
પેલા કિરણબેને એમનાં પતિ આમીરખાનને કહ્યું કે દેશ અસહિષ્ણુ બનતો જાય છે. એટલે હવે દેશને છોડવો છે. બરાબર ? કોકિલાએ પૂછ્યું.
હા, બરાબર. મેં કહ્યું.
હવે આમીરખાન આખરે તો પતિ છે. એણે એની પત્નીની વાત તો માનવી પડે. પોતાની પત્ની પ્રત્યેની પરમ સહિષ્ણુતાનો પરિચય આપીને એણે કહેવું જ પડે કે… તમે કહો તે સાચું વાલમ, તમે કહો તો હાર્યા. અને હવે એણે એમ કહ્યું તો બોલો એમાં ખોટું શું છે ? કોકિલાએ મેટર-ઓફ-ફેક્ટલી કહ્યું.
ખોટું તો કાંઇ નથી. પણ એણે આવું જાહેરમાં કહેવું ન જોઇએ. દેશપ્રેમ પણ તો હોવો જોઇએ. ભાગવાનો શો મતલબ છે ? મેં રાજનાથપણું દાખવતા સામો પ્રશ્ન કર્યો.
સત્ય વચન, પ્રાણનાથ, સત્ય વચન…. કોકિલા ઉપાચ. કોકિલા જ્યારે જ્યારે મારી વાતને સાચી કહે ત્યારે મને ગભરાટ થતો હોય છે. પણ પછી કોકિલાએ કહ્યું,
જો આપણે ટોલરન્ટ બનવામાં શૂરા છીએ તો હે મારા પ્રાણનાથ, તમે ટોલરન્ટ-ઇન્ટોલરન્ટની શબદ કથા મને નહીં કહો ? કોકિલા વિનમ્રભાવે કહે એને હું હંમેશા આદેશ માનું છું. દરેક પતિએ પત્ની આજ્ઞાાને માથે ચઢાવવી જોઇએ. પ્રસન્ન દામ્પત્ય જીવનની એ પહેલી શરત છે. અને મેં કોકિલાને ટોલરન્ટ-ઇન્ટોલરન્ટ શબ્દની કથા સુણાવી.
આ ઇન્ટોલરન્ટ (ૈંર્હાનીચિહા) શું છે ? મૂળ લેટિન શબ્દ ઇન+ટોલેરન્સ. ઇન એટલે ‘નથી’ અને ટોલેરન્સ એટલે ‘સાંખવું સહેવું અથવા તો નભાવવું.’ સાંખી ન શકે, સહી ન શકે એ બધા ઇન્ટોલરન્ટ. ગુજરાતીમાં સરસ શબ્દ છે ઃ અસહિષ્ણુ. ‘અ’ એટલે નથી અને ‘સહિષ્ણુ’ એટલે સહ્(સહેવું)+ઇષ્ણુ(વાળું). વેઠે, ખમે, સાંખે, સહે તે સહિષ્ણુ. મેં કહ્યું.
સામાન્ય માણસ તો જન્મોજન્મથી સહિષ્ણુ જ છે. એને આ ચર્ચા સાથે શું લાગે વળગે ? જે લોકો ચર્ચા કરે છે એણે નક્કી કરી લીધું છે કે સામાન્ય માણસ પોતે પોતાનું ભાવિ ઘડી શકે તેમ નથી. શું સારું અને શું નરસું એનો ભેદ પારખી શકે તેમ નથી. એટલે આ મોટા માણસો માની બેઠા છે. આમ આદમીનાં કાગળ પર અમે જ કાંઇ લખી નાંખીએ. અરે ભાઇ, ભલે લખો. પણ અમારા માટે હાંસિયો તો છોડી દો. એમાં તો અમે લખીએ કે અમારી પીડા શું છે ? કોકિલાએ ટિપ્પણી કરતા કહ્યું. કોકિલા કોઇ વાર આર. કે. લક્ષ્મણનો કોમન મેન બની જતી હોય છે. કોકિલાના પ્રશ્નનો મારી પાસે ઉત્તર નહોતો એટલે મેં મારી મૂળ વાતને આગળ ચલાવી.
ટોલરન્સ એટલે બીજાની માન્યતા, જીવન જીવવાની પદ્ધતિને સ્વીકારી લેવી. તમે સહમત હો કે પછી ન હો તો પણ…
તો પછી આ ઝીરો ટોલરન્સ શું છે ? કોકિલા ઘણીવાર અભ્યાસક્રમ બહારનાં પ્રશ્ન પૂછી નાંખે છે.
ઝીરો ટોલરન્સ એટલે… ઝીરો ટોલરન્સ.. એટલે આમ જુઓને તો.. એટલે બસ… કોઇનું માનવાનું નહીં. કાયદો એટલે કાયદો અને નિયમ એટલે નિયમ. ક્યાંય બાંધછોડ નહીં. મેં મારા વિચારોને ઝડપથી ભેગા કરતાં જવાબ આપ્યો.
શું ઝીરો ટોલરન્સ સારી વાત છે ? કોકિલાએ ફરી સવાલ કર્યો.
કોકિલા લાજવાબ કરી દેતી હોય છે. હું નરેન્દ્રભાઇની જેમ ચૂપ રહ્યો. મનમાં કોઇ વિચાર આવતા ન હોય તો મનકી બાત કહી કેવી રીતે શકાય ? હેં ને ?
પરંતુ પછી વિચારું છું તો થાય કે કોઇને નુકસાન થાય તેવી વાત હોય, હિંસાની વાત હોય, બળાત્કાર અપહરણ, ધમકી, ચોરી, લૂંટફાટની વાત હોય તો ઝીરો ટોલરન્સ જ હોય.બાકી બધું ટોલરેટ કરવું અનિવાર્ય. વિચાર, રહેણીકરણી પોતાની જ હોય અને એમાં બીજાને વાંધો હોય તો એ વાત ખોટી છે. હા, એ પણ એટલું જ જરૃરી છે મારી માન્યતા. મારી વિચારસરણી કોઇને નડે નહીં, એની કાળજી મારે જ લેવી જોઇએ. મોટા માણસો, સેલેબ્રિટીઓ પોતે કંઇ પણ કહે એની ચર્ચા ચાલે છે. સાવ અમથું કહ્યું હોય તો પણ.. આપણે હાંસિયામાં ધકેલાયેલા લોકો છીએ. આપણે તો ત્યાં રહીને એવા હાંસિયામાં રંગબેરંગી નિશાનીઓ કરવી રહી. ક્યાંક ટીક માર્ક, તો ક્યાંક એસ્ટ્રિક પણ કરી શકાય. રમત શૂન ચોકડીની ય રમી શકાય. એમાં કોઇ અસહિષ્ણુતા નથી.
શબ્દ શેષ
અનિષ્ટ પ્રત્યે સહિષ્ણુતા દાખવવી એ અપરાધ છે.
– નોબેલ પુરસ્કાર વિજેતા જર્મન લેખક થોમસ માન (૧૮૭૫-૧૯૯૫)
સૌજન્ય ગુજરાત સમાચાર

સૌજન્ય ગુજરાત સમાચાર

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s