આપણી શેરીની મહિલા જેવાં વિદ્યા સિંહા/Naresh Kapadia

01234આપણી શેરીની મહિલા જેવાં વિદ્યા સિંહા

આપણી આસપાસ રહેતી યુવતી જેટલી સાદી અને પ્રતિભાવાન અભિનેત્રી વિદ્યા સિંહાનો આજે ૭૦મો જન્મ દિન છે. તેઓ તેમની ‘રજનીગંધા’ કે ‘છોટી સી બાત’ જેવી ફિલ્મોથી જાણીતા છે.

પાકિસ્તાનના પંજાબના જોધાવલીમાં ફિલ્મ નિર્માતા પ્રતાપ રાણાને ત્યાં ૧૫ નવેમ્બર, ૧૯૪૭ના રોજ વિદ્યાનો જન્મ થયો હતો. ૧૮ વર્ષની ઉમરે મુંબઈમાં વિદ્યા મોડેલિંગ અને અભિનય કરતાં હતાં. તેઓ ‘મીસ બોમ્બે’ બન્યા અને અનેક બ્રાન્ડ માટે જાહેરાતો કરી, જેમાંથી તેઓ બાસુ ચેટરજીની નજરે ચડ્યા. જોકે તેમની પહેલી ફિલ્મ તેમના લગ્ન પછી આવી. કિરણ કુમાર સાથે ‘રાજા કાકા’ (૧૯૭૪) એ તેમની રજૂ થયેલી પહેલી ફિલ્મ. જોકે લોકપ્રિયતા તેમને એક લો-બજેટ, સમાંતર ફિલ્મ ‘રજનીગંધા’ (૧૯૭૪)થી મળી. તેમના માર્ગદર્શક બાસુ ચેટરજીએ તે નિર્દેશિત કરી હતી. એક વ્યવસાયિક ફિલ્મમાં હોય એવા કોઈ અંશો એ ફિલ્મમાં ન હોવા છતાં, ‘રજનીગંધા’ ખુબ સફળ થઇ હતી. તે પછી એવી ઓછા બજેટવાળી અન્ય ફિલ્મોમાં પણ વિદ્યા ચમક્યા. જેમાં ‘છોટી સી બાત’ને યાદ કરી શકાય. પછી તો મુખ્ય ધારાની મોટા બજેટવાળી ‘પતિ, પત્ની ઔર વોહ’ જેવી ફિલ્મો આવી. એ બાર વર્ષોના ગાળામાં વિદ્યા સિંહાએ ૩૦ ફિલ્મોમાં હસતી-રમતી ભૂમિકાઓ ભજવી હતી.

એંશીના દાયકાની મધ્યમાં એ પ્રકારની ભૂમિકાઓનું આકર્ષણ ઓછું થઇ ગયું. વિદ્યાએ ફિલ્મ અભિનયનો વ્યવસાય સંકેલી લીધો અને ૧૯૮૬થી એમની ફિલ્મો આવવી બંધ થઇ. ત્યાર બાદ થોડા વર્ષો વિદ્યા ઓસ્ટ્રેલિયામાં રહ્યાં અને ભારત પરત થયા પછી ફરી પાછા અભિનય કરવા માંડ્યા. સલમાન ખાનની ‘બોડી ગાર્ડ’ (૨૦૧૧) તેમની મોટી ફિલ્મ ગણી શકાય. બીજા દૌરમાં વિદ્યા સિંહાએ ટીવી શ્રેણીમાં કામ કરવા માંડ્યું. તેઓ ‘બહુ રાની’ (૨૦૦૦), ‘હમ દો હૈ ના’, ‘ભાભી’ અને ‘કાવ્યાંજલિ’ (૨૦૦૪) જેવી શ્રેણીઓમાં દેખાયા. ૨૦૧૧માં એનડીટીવી ઈમેજીનની શ્રેણી ‘હાર જીત’માં દેખાયા, જેમાં તેઓ અસદ અને અયાનના દાદી બન્યાં. ઝી ટીવીના શો ‘કુબૂલ હૈ’માં બડી બી બન્યાં અને હાલ ‘ઇત્તી સી ખુશી’માં નેહાના દાદી રૂપે રજૂ થઇ રહ્યાં છે.

વિદ્યા સિંહા તેમના પડોસી તમિલ બ્રાહ્મણ વેંકટેશ્વર ઐયરના પ્રેમમાં પડ્યા અને ૧૯૬૮માં તેમની સાથે લગ્ન કર્યા. તેમણે દીકરી જાન્હવીને ૧૯૮૯માં દત્તક લીધી. દીકરીને મોટી કરવામાં અને પતિની માંદગીમાં થોડા વર્ષો વીત્યા બાદ તેમના પતિનું નિધન ૧૯૯૬માં થયું. પછી તેઓ થોડા વર્ષો સિડનીમાં રહ્યાં, જ્યાં તેઓ મોટી ઉમરના ઓસ્ટ્રેલિયન ડોક્ટર નેતાજી ભીમરાવ સાલુંકેને ૨૦૦૧માં ઓનલાઈન મળ્યાં અને તેમની સાથે થોડા જ પરિચય બાદ મંદિરમાં લગ્ન કર્યાં. ૨૦૦૯માં વિદ્યા સિંહાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેમના પતિ તેમના પર શારીરિક અને માનસિક જુલમ કરે છે. ત્યાર બાદ થોડા જ સમયમાં તેમના છૂટાછેડા થયા. એક લાંબી અદાલતી લડાઈ બાદ વિદ્યા તેમના પતિ સામે ‘મેઇન્ટેનન્સ’નો કોર્ટ કેસ જીત્યાં.

વિદ્યા સિંહા તેમની જે ફિલ્મો દ્વારા યાદ રહેશે તેમાં ‘રજનીગંધા’, ‘હવસ’, ‘છોટી સી બાત’, ‘મેરા જીવન’, ‘ઇનકાર’, ‘જીવન મુક્તિ’, ‘કરમ’, ‘કિતાબ’, ‘પતિ પત્ની ઔર વોહ’, ‘તુમ્હારે લીયે’, ‘મીરા’, ‘સ્વયંવર’, ‘સબૂત’, ‘પ્યારા દુશ્મન’, ‘લવ સ્ટોરી’, ‘કિરાયાદાર’ અને ‘બોડીગાર્ડ’ (૨૦૧૧)નો સમાવેશ થાય છે. તેમની ટીવી શ્રેણીઓમાં ‘કાવ્યાંજલિ’, ‘ઝારા’, ‘નીમ નીમ શેહદ શેહદ’, ‘હારજીત’, ‘કુબૂલ હૈ’, ‘ઝીંદગી વિન્સ’ કે ‘ઈશ્ક કા રંગ સફેદ’ને યાદ કરી શકાય.

વિદ્યા સિંહાના જાણીતા ગીતો: રજનીગંધા ફૂલ તુમ્હારે અને કઈ બાર યુંહી સોચા હૈ (રજનીગંધા), જાનેમન જાનેમન અને યે દિન ક્યા આયે (છોટી સી બાત), જીના ભી ક્યા જીના હૈ (સબૂત), સમય તું ધીરે ધીરે ચલ (કરમ), તુમ્હે દેખતી હું (તુમ્હારે લીયે), ઠંડે ઠંડે પાની સે (પતિ પત્ની ઔર વોહ), હમ મોહબ્બત મેં જાને (મગરૂર).

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s