ડીઅર જિંદગી…/ પરેશ પ્ર વ્યાસ

000
સમજદારીથી અળગા થઈ જવાનાં સૌ બહાનાં છે,
મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે?                                                                                                                                           – જલન માતરી

ડીઅર જિંદગી,                                                                                                                    તારી કુશળતા ઇચ્છતો હું કુશળ છું. આજે મારે તારી સાથે એક અંગત વાત કરવી છે. જલન માતરીસાહેબનો ઉપરોક્ત શે’ર મને પરાણે શાણપણ જાળવી રાખવા મજબૂર કરે છે.  હું દીવાના હોવાનો ડોળ કરતો નથી. સમજદારીથી અળગો થતો નથી. કામચોરી કરતો નથી. જવાબદારીનો ભાર વેંઢારતો ફરું છું. બહાનાં કાઢવા મારી ફિતરત નથી. સાચુખોટું હસી લઉં છું. સાચુખોટું હસી કાઢું છું. તેમ છતાં કાંઇક તો છે જે મને રોજરોજ મુંઝવે છે. ‘ડીઅર જિંદગી’નાં નિર્દેશક ગૌરી શિંદે કહે છે કે આવું તો થાય અને સારવાર તો લેવી જોઇએ. અને બેશક કહી દેવું જોઇએ કે હા, મને તકલીફ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ નવોદિત સિનેમેટોગ્રાફર કૈરાની ભૂમિકામાં છે; જે વારંવાર તૂટતા પ્રેમસંબંધોથી ત્રસ્ત થઇને સૂઇ નથી શકતી અથવા બિહામણાં સપના જુએ છે. શું આ ગાંડપણ છે? ડિપ્રેસન(ઉદાસી) અને એન્ગ્ઝાયટી(ચિંતા) એવા શબ્દો આજકાલ કોમન થઇ ગયા છે. ફિલ્મમાં કામવાળીનું એક પાત્ર છે. કૈરા જ્યારે કહે છે કે એ પોતે દિમાગનાં ડોક્ટરને કન્સલ્ટ કરી રહી છે તો કામવાળી આશ્ચર્યપૂર્વક પૂછે છે કે એવા ય ડોક્ટર હોય છે? પછીની એની કોમેન્ટ રસપ્રદ છે. એ કહે છે કે તો તો પછી બધાએ એને બતાવવું જોઇએ! શું મનોરોગ સર્વવ્યાપી છે? મનોરોગની પ્રાણપ્રતિષ્ઠા આજકાલની છે કે સદીઓ જૂના આ રોગની ચર્ચા ટબૂ(પ્રતિબંધિત) હતી. મનોરોગ એક સ્ટિગ્મા(લાંછન) હતુ અને હવે નથી?  ડીઅર જિંદગી, કંઇક તો ફોડ પાડીને મને, મારા મનને સમજાવ.

અને કવિવર રાજેન્દ્ર શુક્લની પંક્તિ ટાંકીને જિંદગી જવાબ આપે છે કે મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે; આ સમજ, આ અણસમજ એ ખુદ સરજતું હોય છે. બરાબર? પણ મન સમજતું નથી. નફ્ફટ છે. તેમાં આ વિવિધ સંબંધોનાં ફેરફાર અને જોડાણ.. માબાપ, સંતાન, પતિપત્ની, મિત્રો, સગાવહાલાંની અંતહીન યાદી. કોઇએ કાંઇ કીધું, કોઇએ કાંઇ પૂછ્યું નહીં, કોઇએ મને તરછોડ્યો, કોઇ ટાણે કામ ન આવ્યો. કંઇ કેટલાંય ભાવઅભાવની વિભાવના. ‘ડીઅર જિદંગી’ ફિલ્મનો આ વિષય છે. પણ મને લાગે છે કે ‘ડીઅર જિદંગી’ની સિક્વલ બનવી જોઇએ.  અર્વાચીન કાળમાં સૌથી વધારે શેની ચિંતા હોય? પૈસો, હાય પૈસો. ખૂબ સાચવ્યો ત્યાં રોકડ રદ થઇ. રોજ છાપા ડરાવે કે રેડ પડશે. કોઇને છોડવાનાં નથી. ઇન્કમટેક્સની ધાક તો હવે પોલિસથી ય વધારે છે. ટેક્સનું ટેરરિઝમ ખતરનાક છે. જાનલેવા હોઇ શકે. માટે હે મિત્ર, કાળજી લેવી જરૂરી છે. યસ, પૈસો જરૂરી છે. પૈસા વિના કાંઇ છે જ નહીં. કદાચ ‘ડીઅર જિદંગી-2’ ફિલ્મ બને તો એમાં પૈસાનાં અભાવ અને એનાથી થતી મનોમુશ્કેલીઓની વાત આલેખી હશે. હવે જરૂરિયાત પૂરતો પૈસો મળી ય જાય પણ લાયક કામ મળતું નથી. ભણેલાંઓની બેકારી તો સરકાર સામે સૌથી મોટો પડકાર છે. કામ જ નહીં હોય તો શું થાય? ભણતર વધ્યું છે. કાંઇ કેટલાં એમબીએ અને કાંઇ કેટલાં એન્જીનિયર્સ રખડે છે. ભણ્યા છે એટલે નાના કામ થઇ શકતા નથી. લાયક નોકરી મળતી નથી. રોજ ઊગતો સૂરજ નિરાશાની ખેપ લગાવે છે. વિષય રસપ્રદ છે. ‘ડીઅર જિંદગી-3’ ફિલ્મ બનાવી શકાય. અને હા, સઘળે સરખામણી કરતા રહીએ તો પણ વાત અઘરી થઇ જાય. કોઇનાં સુખે આપણે દુ:ખી થઇએ તો કેમ ચાલે? ‘ડીઅર જિંદગી-4’?!!

કેટલાંક દુ:ખ આવી પડે છે. કેટલાંક દુ:ખ આ બૈલ મુઝે માર કહીને આપણે વહોરી લઇએ છીએ. મન મુંઝાતું હોય તો કોઇ શું કહેશે? એની ચિંતા મુંઝારો વધારે છે. મનોચિકિત્સકની સારવારમાં લેવામાં કોઇ શરમ નથી. સુપરસ્ટાર દીપિકા પદુકોણ જો પોતાની ડિપ્રેશનની વાત જગત આખામાં કહી શકતી હોય તો આપણે કેમ નહીં? પણ તમે પોતે સૌથી પહેલાં ચિકિત્સક છો. મનને ગમે એ પ્રવૃત્તિ ગોતી કાઢો અને એ બરાબર કરતા રહો. ગમતીલા લોકને મળતા રહો. હસતા રહો. ભવિષ્યની ચિંતા વર્તમાનને ભરખી જાય એટલી ના હોવી જોઇએ.

1 ટીકા

Filed under Uncategorized

One response to “ડીઅર જિંદગી…/ પરેશ પ્ર વ્યાસ

 1. દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે,
  હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે…

  છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે,
  સરિતાને કદી ઘરઅંગણે સાગર નહીં આવે…

  ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
  નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે…

  અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે ક્યામતમાં,
  તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે…

  દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
  ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે…

  હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
  જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે…

  આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
  લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે…

  કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
  ‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે…
  ———
  મનની સમસ્યાઓ છે કારણ કે, ‘જીવન જીવવાની’ કળા કોઈ નિશાળમાં શીખવવામાં આવતી નથી !
  પણ એ ઊકેલી શકાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s