સરરિયલ: વાસ્તવિકથી આગળ, વાસ્તવિકથી અકળ/પરેશ વ્યાસ

00sarial

સરરિયલ: વાસ્તવિકથી આગળ, વાસ્તવિકથી અકળ

ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
કાળાડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા.                                                                                                                        – સિતાંશુ યશશ્ચન્દ્ર

‘મૃત્યુ-એક સરરિયલ અનુભવ’ એવા શીર્ષકનું આ કાવ્ય વર્ષો પહેલાં વાચ્યું’તું, સમજાયું નહોતું. અત્યારે ય સમજાય છે એવો કોઇ દાવો નથી. કાવ્યોનું તો ભઇ એવું. સમજાય, ન ય સમજાય. શીર્ષકમાં ‘મૃત્યુ’ લખ્યું ના હોત તો તો શેનાં વિષે કાવ્ય છે એ ય સમજાત નહીં. પણ કવિ કહે છે કે કાળું બિહામણું છે મૃત્યુ. કાવ્યનો ઉઘાડ થાય છે તેમાં ખરી પછાડી, પુચ્છ ઉછાળી દેમાર આવતું કાળું મૃત્યુ આપણી સ્વાભાવિક કલ્પના છે; પણ કાવ્યનાં અંતે કવિ મૃત્યુને ધોળું કહે છે. આખરી પંક્તિઓ છે: ‘ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.’ મૃત્યુ હવે સફેદ છે. એક વાર એમાં

પ્રવેશી ગયા એટલે હવે મૃત્યુ ગમે એવું છે. શાંત છે. સાલસ છે. મઝાનું છે.

‘સરરિયલ’ શબ્દ મેરિયમ-વેબ્સટર ડિકનરીએ વર્ષ 2016નો વર્ડ ઓફ ધ યર ઘોષિત કર્યો એટલે અમે ય લેખણી લૈને મંડી પડ્યા સરરિયલ શબ્દની માયાજાળને ઉકેલવા. રિયલ એટલે વાસ્તવ, સરરિયલ એટલે પરાવાસ્તવ એવા ગુજરાતી અર્થ પણ સમજવા અઘરાં પડે છે. પણ હું ય અડિયલ છું. આ ગૂગલબાઇનાં ચમકારે મોતી પરોવીશ તંઇ શું?

મેરિયમ-વેબ્સ્ટર ડિક્સનરીએ પોતાની પ્રેસયાદીમાં જણાવ્યું કે આખા વર્ષનાં સૌથી વધુ ચર્ચિત શબ્દની પસંદગીનો આધાર એ છે કે આખા વર્ષમાં કયા શબ્દને લોકોએ ઇન્ટરનેટ પર વારંવાર શોધ્યો? એટલું જ નહીં પણ ગત વર્ષની સરખામણીમાં કયા શબ્દએ  સૌથી મોટી છલાંગ મારી? માર્ચ મહિનામાં બેલ્જિયમનાં બ્રસેલ્સમાં આતંકવાદી હુમલો થયો ત્યારે સરરિયલ શબ્દની ખાંખાંખોળા વધી. જુલાઇમાં તુર્કીમાં લશ્કરી બળવાનો નિષ્ફળ પ્રયત્ન અને ફ્રાંસનાં નિસનો આતંકી હુમલો પણ સરરિયલ શબ્દની ઇન્ટરનેટ સર્ચમાં વધારો કરતો ગયો. નવેમ્બરની અમેરિકી ચૂંટણી અને ડોનાલ્ડ ટ્રમ્પની વિજય વેળાએ આ શબ્દનો ટ્રાફિક ભારે રહ્યો. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ‘સરરિયલ’ શબ્દ રિયલમાં વધારે ચર્ચામાં રહ્યો અને વર્ડ ઓફ ધ યર બન્યો.  

‘સરરિયલ’માં મુખ્ય શબ્દ ‘રિયલ’ છે. રિયલ એટલે વાસ્તવિક, અસલ, નિર્ભેળ, વિદ્યમાન, ખરેખરું, જેવું હોય તેવું. કોઇ પણ શબ્દની આગળ  ‘સર-‘ ઉપસર્ગ લાગે એનો અર્થ થાય તે પછીનું, વધારાનું, ઉપરાંતનું, વિશેષ. સર- ઉપસર્ગ આમ તો ફ્રેંચ છે પણ ઇંગ્લિશ ભાષાએ એને પોતીકો કરી લીધો છે. આપણી બોલચાલની ભાષામાં પણ આપણે ઉપયોગમાં લઇએ છીએ એ સરચાર્જ એટલે વધારાનો બોજો, સરનેમ એટલે નામથી કાંઇ વિશેષ વગેરે. બસ એ જ રીતે સરરિયલ એટલે રિયલથી પણ આગળ, રિયલથી વિશેષ. વાસ્તવિકથી કાંઇક વધારે. અતિવાસ્તવ અથવા તો પરાવાસ્તવ. સંસ્કૃતમાં કોઇ શબ્દની આગળ ‘પરા-‘ ઉપસર્ગ લાગે એટલે એનો અર્થ થાય અતિશય, ખૂબ, છેવટનું. જેમ કે પરાક્રમ. પરા એટલે છેવટનું અને ક્રમ એટલે ડગલું ભરવું. ‘સરરિયલ’ શબ્દ એટલે રિયલને અતિક્રમે એવું. એવું શું હોય? સપનાઓ. હેં ને? આમ વાસ્તવિક રીતે સાચા હોવાનો આભાસ થાય પણ એવું હોય નહીં. હોય બધું અજબ, હોય બધું ગજબ. ઉત્કટ પણ અર્તાર્કિક, સૂઝ કે સમજથી પર હોય એવું સ્વપ્ન. માની ન શકાય એવી વાત. વિચિત્ર હોય એવી વાત.

આપણું અર્ધજાગ્રત મન, ચિત અથવા તો અંત:કરણની કલ્પનાઓને ચિત્રકલા તેમજ સાહિત્યમાં ઉતારવાની વાતને સરરિયલ મુવમેન્ટ કહે છે. સરરિયલ રાજકારણ પણ હોય છે. સરરિયલિઝમમાં માનનારો રાજકારણી પોતાને એનાર્કિસ્ટ (અરાજકતાવાદી) અથવા કમ્યુનિસ્ટ ( સામ્યવાદી)કહે છે. અરાજકતા વાસ્તવિક નથી પણ અરાજકતા પછી નવસર્જન થશે એવી એની માન્યતા હોય છે. ભારત દેશની વાત કરીએ તો આપણે પહેલાં વાસ્તવિક વાતાવરણમાં શ્વાસ લેતા હતા. એક જમાનો હતો જ્યારે દેશ રગશિયા ગાડાની જેમ ચાલતો. કૌભાંડોની પણ એક પરંપરા હતી. છતાં ખાસ વાંધો નહોતો આવ્યો. હવે દિન ફર્યા છે. અચ્છે દિનની કલ્પનાઓ પરાવાસ્તવિક છે. જગ ઘુમિયા, થારે જૈસા ના કોઇ- એવું ઝનૂનપૂર્વક આપણે આપણાં દેશ વિષે માનીએ છીએ. મેરા ભારત મહાનથી શરૂ કરીને ભારત માતાકી જય સુધીનો સુત્રોચ્ચારીય દેશપ્રેમ ઉત્કટ રીતે પ્રગટી રહ્યો છે. આતંકવાદ સામે યુદ્ધ જારી છે. ધર્મનાં ઠેકેદારો પોતપોતાનાં ધર્મની માન્યતાઓ અન્યો ઉપર ઠોકી બેસાડવા મથે છે. જ્ઞાતિ આધારિત આંદોલન કોઇને માટે હવે અસ્પૃશ્ય રહ્યું નથી. એમાં અર્થક્રાંતિનાં નામે નોટબદલીની દોડધામ હવે આપણને કોઠે પડી ગઇ છે. ત્યાં વળી કેશલેસનું ગતકડું આજકી તાજા ખબર છે. આ બધું અમને તો સરરિયલ લાગે છે.

વર્ષ 2017 કેવું જશે એ વિશે સરરિયલ કલ્પના કરવી રહી. થોડી થોડી વારે આતંકવાદ વીફરતો રહેશે.  ઓનગોઇંગ અર્થક્રાંતિનાં ભાગ રૂપે ઇન્કમટેક્સ નાબૂદ થશે અને બેન્ક લેવદડેવડ ટેક્સ અમલી બનશે. આપણે કાંઇ સમજીએ એ પહેલાં રીઝર્વ બેંક ઓફ ઇંડિયા રોજ નવા ફતવા બહાર પાડ્યા કરશે અને પછી એમાં છાશવારે સુધારા કર્યા કરશે. બધી ચૂંટણીઓ એકી સાથે કરવા વટહૂકમ બહાર પડશે. આરક્ષણ આંદોલનની નેતાગીરી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. જ્ઞાતિ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ઇન્ટરવ્યૂ ય લેવાશે. ધર્મ, ન્યાત, જાતની અસહિષ્ણુતા વિષે સાહિત્યકારો અને કલાકારો ફરી એકવાર પોતાની કલમ તેમજ પીછીની ધાર કાઢશે. છેલ્લે છેલ્લે યુદ્ધ થાય એમ પણ બને. સરરિયલ વાત છે આ બધી, પણ રિયલમાં બને ય ખરી. વાસ્તવિકતાથી આગળ જઇએ તો કાંઇક તો પરાવાસ્તવિક બને. શું બને? એની તો કલ્પના જ કરવી રહી. એટલું છે કે સરરિયલ ક્યારેય ડલ નથી હોતું. સરરિયલ સતત ચર્ચાને ચાકડે ચઢે છે. સરરિયલ સર્વને સતત દોડતા રાખે છે. મને જો કે એની ચિંતા નથ કારણ કે મારા હાથ બહારની વાત છે. સમજણ બહારની વાત પણ હોઇ શકે. મારી સરરિયલ ઇચ્છા કબીરદાસનાં દૂહા સ્વરૂપે કહી દઉં તો સાંઇ ઇતના દીજિયે, જા મેં કુંટુંબ સમાય; મૈ ભી ભૂખા ના રહું, સાધુ ન ભૂખા જાય. વર્ષ 2017માં આપની પણ આવી કોઇ સરરિયલ ઇચ્છા રિયલ બને એવી શુભેચ્છા.

શબ્દશેષ:                                                                                                                              “સરરિયાલિઝમ (પરાવાસ્તવિકવાદ) વિનાશક છે. પરંતુ એ માત્ર એનો જ નાશ કરે છે જેણે આપણી દૂરદૃષ્ટિને સાંકળમાં જકડી રાખી હોય છે.” – સરરિયાલિઝમ કલાનો પ્રણેતા સ્પેનિશ ચિત્રકાર સાલ્વાડોર ડાલી(1904-1989)

 

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “સરરિયલ: વાસ્તવિકથી આગળ, વાસ્તવિકથી અકળ/પરેશ વ્યાસ

 1. મૃત્યુ મરી ગયું રે! લોલ.

  અમે કોમળ કોમળ

  ન આવે કોઈ મળવાને ત્યાં આખી સભા આવે.

  હું તો બાળક, યુવા, વૃદ્ધ ને શબ બનું
  કીંતુ આ સર્વની વચ્ચે અવીચળ છું હું.

  અને…..

  મારું મરણ !

  https://gadyasoor.wordpress.com/2009/05/19/my-death/

 2. સર + રસ = સરસ ! લેખ . કૈંક નવું જાણવા મળ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s