રાઇટિંગ ઓન ધ વોલ/ પરેશ વ્યાસ

p1

રાઇટિંગ ઓન ધ વોલ: દેખીતી અગમવાણી
ન ઘડ તું વર્તમાનને ભાવિના આશરે,
આજે છે જેવી, કાલે એ આલમ નહીં રહે.

-મરીઝ

ક્રિકેટ હવે વિરાટનાં હિંડોળે ઝૂલે છે. વિરાટ રમી જાય તો આપણે બેશક જીતી જઇએ એવા સમીકરણ મંડાઇ રહ્યા છે. બાકી બધા સસ્તામાં આઉટ થાય તો પણ જીતી જવાય. ઓપનિંગ બેટ્સમેન ખાસ રમતા નથી. વિરાટ સસ્તામાં આઉટ થઇ જાય તો શું? ઓપનિંગ, વન ડાઉન કે પછી તે પછીનાં બેટ્સમેનની રમતની સમીક્ષા થવી જોઇએ. એક ઇંગ્લિશ અખબારનાં સમાચારનું શીર્ષક હતુ, ‘સમય આવી ગયો છે કે વિરાટ રાઇટિંગ ઓન ધ વોલ-ને વાંચે: શિખર ધવનનો સમય હવે પાકી ગયો છે.’  શિખર રમે તો મેચ જીતાડી દે પણ…. રમે તો  ને?  કટક વન-ડેમાં પાંચ ઓવરમાં માત્ર 25 રનમાં ત્રણ ટોપ બેટ્સમેનનાં ડાંડિયા ડૂલ થવા કાંઇ સારી વાત હતી? ‘રાઇટિંગ ઓન ધ વોલ’નો શાબ્દિક અર્થ થાય દિવાલ પરનું લખાણ. બધા એ વાંચી શકતા હોય તો ખુદ વિરાટ જેવો ક્રિકેટિંગ સાક્ષર તો વાંચી જ શકે ને? એક મુહાવરા તરીકે ‘રાઇટિંગ ઓન ધ વોલ’ (Writing on the Wall) એટલે નિકટવર્તી સંકટનું સ્પષ્ટ રીતે દેખાવું તે. આ મુહાવરાની વ્યુત્પત્તિ રસપ્રદ છે.

ઇ.સ. પૂર્વે 550ની વાત છે. બેબિલોનનાં રાજા બેલ્શાઝરે એક રાતે એનાં મહેલમાં શાહી મિજબાનીનું આયોજન કર્યું. રાજ્યનાં તમામ અમીરઉમરાવોને નોતર્યા. વિવિધ વાનગીઓ સાથે મદિરા પણ પીરસાઇ. શીશે સે શીશા ટકરાયે, જો ભી અંજામ…! આ મદિરા કાંઇ જેવી તેવી મદિરા નહોતી. કિંગ સોલોમોન દ્વારા જેરૂસલેમમાં બાંધવામાં આવેલા પ્રથમ મંદિર (ફર્સ્ટ ટેમ્પલ) ધ્વંસ કરતા પહેલાં લૂંટાયેલી દૈવી મદિરા હતી. મહેમાનો ખાણી સાથે પીણીનો પણ લુત્ફ ઊઠાવી રહ્યા હતા. તેવામાં અચાનક ચમત્કાર થયો. એક વિરાટ હાથ હવામાં ઊઠ્યો અને મહેલનાં રાજખંડની દિવાલ પર કાંઇ લખાણ લખીને અદ્રશ્ય થઇ ગયો. લખાણ આર્મેક ભાષામાં હતુ. આર્મેક પૌરાણિક ભાષા છે; જે હિબ્રુ, અરેબિક, સિરિયાક ભાષાની જન્મદાત્રી ભાષા હોવાનું માનવામાં આવે છે. દિવાલ પરનાં લખાણનાં શબ્દો હતા: મેની મેની ટેકલ એફાર્સિન (Mene Mene  Tekel Upharsin). અર્થ થાય: ‘ગણાયા છો, તોલાયા છો, ભગાયા છો’. અર્થ તો બરાબર પણ અર્થઘટન શું થાય? રાજા બેલ્શાઝરને કાંઇ સમજાયું નહીં. એ ખૂબ ગભરાયો. એણે એનાં દરબારનાં સર્વે બુદ્ધિમાન લોકોને પૂછ્યું. જેઓ ચમત્કાર વિષે જાણતા હોય એવા લોકોને પૂછ્યું. દૈવીશક્તિનાં ઉપાસકોને પણ પૂછ્યું. પણ કોઇ કહી ના શક્યું કે આનો અર્થ શું થાય? રાજાનો ગભરાટ વધી ગયો. આખરે રાણીએ સૂચન કર્યું કે તમે ડેનિયલને બોલાવો. એ તમને એનો અર્થ કહેશે. ડેનિયલ જેરૂસલેમનો અત્યંત બુદ્ધિશાળી યુવાન ઉમરાવ હતો. રાજાએ એને કહ્યું કે તું જો આનો અર્થ મને કહી શકે તો હું તને દેશનો ત્રીજો શ્રેષ્ઠ હોદ્દો આપીશ. ડેનિયલે જો કે હોદ્દાની વાતનો સવિનય અસ્વીકાર કર્યો પણ લખાણ પાછળનો ભેદ ઉકેલવામાં રાજાની મદદ જરૂર કરી. એણે કહ્યું કે ગણાયા છો એટલે તમારા રાજ્યનાં દિવસો હવે ગણાઇ ગયા છે. હવે તમારા શાસનનો અંત આવશે. તોલાયા છો એટલે તમારી કામગીરીનું વજન કરવામાં આવ્યું છે અને તમે તેમાં પણ ઊણા ઊતર્યા છો. અને ભગાયા છો એટલે તમારું રાજપાટ હવે બે ભાગમાં વહેંચાશે. અગમની વાણી જેવું લખાણ અલબત્ત ભયાનક હતુ પણ એનાં સફળ અર્થઘટન બદલ રાજા બેલ્શાઝરે ડેનિયલને શિરપાવ આપવાનો આદેશ કર્યો. ડેનિયલને ગુલાબી પોષાક અને સોનાનો હાર  પહેરાવી એનું સન્માન કરવામાં આવ્યું અને રાજ્યનાં ત્રીજા હોદ્દા પર એની પદોન્નતિ કરવામાં અવી. પછી જો કે  ડેનિયલનું અર્થઘટન ખૂબ ઝડપથી સાચુ ઠર્યું. બસ એ જ રાત્રે બેબિલોન પર હુમલો થયો અને રાજા બેલ્શાઝાર માર્યો ગયો. એનું રાજ્ય મિડ્સ(ઉત્તર પશ્ચિમ ઇરાન)નાં દરાયસ અને પર્શિયા(બાકીનાં ઇરાન)નાં રાજા સાયરસ વચ્ચે વહેંચાયું. ‘રાઇટિંગ ઓન ધ વોલ’ની આગાહી સાચી પડી. રંગરાગ અને જ્યાફતની મહેફિલો અને એમાં ય પવિત્ર મંદિરમાં તોડફોડ કરીને એમાંથી લૂંટાયેલી મદિરાની મિજબાની ભારે પડી. જ્યારે એને રાઇટિંગ ઓન ધ વોલ સમજાયું ત્યારે બહુ મોડું થઇ ગયુ હતુ.

મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર ‘રાઇટિંગ ઓન ધ વોલ’ અણગમતા ભવિષ્યનાં ભણકારા છે. બેડ લકની આગાહી છે. દિવાલ પર લખાયેલું છે, બધાને એનો અણસાર છે પણ આપણે એને ગણત્રીમાં લેતા નથી. શાહમૃગી અખતરા કરવાની આપણને ટેવ પડી છે. ‘રાઇટિંગ ઓન ધ વોલ’ એ આવનારા સંકટની ભેદી અગમચેતી છે. આપણે નક્કી કરવાનું છે કે એ લખાણને માનવું કે પછી આંખ આડા કાન કરવા. અમને હંમેશા કન્ફ્યુઝન રહ્યા કરે છે. મરીઝ કહે છે કે ભવિષ્યનાં આધારે વર્તમાનને ઘડીશ નહીં. કારણ કે આજ જેવી કાલ રહેવાની નથી. પણ પછી એમ પણ થાય કે કાલે જે થવાનું છે એનું આગોતરું આયોજન આજે ન કરીએ તો કાલ કેવી જાય? કરવું શું?  સાચું કહું તો જવા દો એ બધી વાત…પડશે તેવી દેવાશે.. હેં ને? અલબત્ત આજે સારા કર્મ કરીએ તો આપણી દિવાલ પરનાં લખાણ પણ સારા જ હોવાનાં. કોઇ ડેનિયલની ડૂમ્સડેની રાઇટિંગ ઓન ધ વોલની આગાહી સાચી માનવી નહીં. પણ હા, જો કાંઇ ખોટા કર્મો થયા હોય તો આપણે આપણાં રાઇટિંગ ઓન ધ વોલ વાંચતા રહેવું, બાકી તો હરિ હરિ…

શબ્દ શેષ:

“આપણા પૈકી ઘણાં લોકો રાઇટિંગ ઓન ધ વોલ વાંચી શકે છે,

પણ આપણે એવું ધારી લઇએ છીએ કે એ લખાણ કોઇ બીજાને ઉદ્દેશીને લખાયું છે!”  

-ઇવેર્ન બોલ

૧૧૧૧

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, રમુજ, સમાચાર

One response to “રાઇટિંગ ઓન ધ વોલ/ પરેશ વ્યાસ

  1. આંખમાંથી જોઈ રહેલા પરેશભાઈનું ચિત્ર મજાનું છે !

    સૌની આંખોમાં પણ એ વસી રહ્યા જ છે ને !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s