માઉસ-ચાર્મર: યુવા પેઢીની મૂષક સવારી…./પરેશ વ્યાસ

11happy
 માઉસ-ચાર્મર: યુવા પેઢીની મૂષક સવારી….
 
આવ્યા, બોલ્યા અને જીત્યા. આઇ મીન, યુવાનોનાં દિલ જીતી લીધાં. દિલ્હીની પ્રતિષ્ઠિત શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં નમોનાં ભાષણની પંચલાઇન્સ યુવાનોને ગમી. અંગ્રેજી મિડિયાએ આ વાત જચી નહીં. તેઓએ રાબેતા મુજબ ટીકા કરી. અથવા આ ઘટનાની અવગણના કરી. ટીકા કરવાની આ નવી રીત છે. જાણે કે કાંઇ બન્યું જ નથી. પણ નમોની વાત મઝાની હતી. પી2જી2 –પ્રોપીપલ, ગૂડ ગવર્નન્સ (લોકતરફી સુશાસન) એસ3-સ્કિલ, સ્કેલ, સ્પિડની વેલ્યુ એડિશન (ચીન સાથે સ્પર્ધામાં ટકવા કુશળતા, કદ અને ઝડપ) એફ5- ફાર્મ ટૂ ફાયબર ટૂ ફેબ્રિક ટૂ ફેશન ટૂ ફોરેન (ખેતર/રેસા/પોશાક/શૈલી/નિકાસનાં પંચકર્મથી સીધીસાદી ખેતપેદાશની મૂલ્યવૃદ્ધિ) વગેરે વાત આજનાં દૌરની તાતી જરૂરિયાત છે જ.   
 
પુસીકેટ પુસીકેટ, વ્હેર હેડ યુ બીન? અંગ્રેજી બાળગીતની પુસીકેટ નામક બિલાડી રાણીને મળવા લંડન જાય છે. પણ શું જુએ છે? સિંહાસનની નીચે એક ઉંદર દોડાદોડી કરી રહ્યો છે. બિલાડી એને ડરાવીને ભગાડે છે. અમે રહ્યાં શબદનાં સાધક, ચાહક અને પિસ્ટપેષક. એટલે અમોને નમોની વાણીમાં નવા શબદની આશ હોય. અમે પણ નમોને મળવા વર્ચ્યુઅલ દિલ્હી જઇએ ત્યારે પેલી પુસીકેટની માફક  તેમનાં પોડિયમ નીચે ફુદકતા મૂષકને ગોતતા ફરીએ. અને અમને મળ્યો એક નવોનકોર શબ્દ, ‘માઉસ-ચાર્મર’.        ચાલો, આજે એનું પિસ્ટમૂષણ કરીએ.
નમોને તાઇવાનમાં કોઇએ પૂછ્યું કે ‘ભારત હજી સ્નેક-ચાર્મરનો દેશ છે?’ એમણે જવાબ આપ્યો કે ‘ના રે ના,  ઇ માંયલા અમે નોંઇ. અમે તો માઉસ-ચાર્મરનાં દેશનાં છઇએ.’ શું છે આ માઉસ-ચાર્મર(Mouse-Charmer)? 
મૂળ શબ્દ ‘ચાર્મ’ એટલે કામણ કરવું, મંત્રમુગ્ધ કરવું, મોહિત કરવું. ચાર્મર એટલે મનમોહક. જાદૂગરને પણ ચાર્મર કહેવાય. તમારી પર કોઇ એવો જાદૂ કરે કે એ જે કહે, તે તમે કરો. તમને પરાણે વ્હાલાં થાય અથવા તમને પરાણે વ્હાલાં કરે. ર.પા.નાં શબ્દોમાં, મારાં કુંવારકા વ્રત બટક્યાં, હરિ રુંવે રુંવે એવું ચટક્યા, એની સોડે અવશ હું સરી…આ પ્રેમલક્ષણા ગોપીને અવશ કરી નાંખનારો હરિવર પણ ગજબનો ચાર્મર છે.
ચાર્મ પરથી શબ્દ બન્યો સ્નેક-ચાર્મર. સર્પ રમાડનારા, સર્પને વશમાં કરનારા મદારીઓ. વિદેશીઓ એવું માને છે કે ઇન્ડિયા એટલે તાજમહાલ, હાથી, વાઘ, સાપ અને સાપને વશમાં કરનારાઓનો દેશ. મૂળ મુંબઇનાં, હાલ અમેરિકામાં વસતા કવયિત્રી મોહા મહેતા પોતાના માદરેવતન વિષેનાં બાળ કાવ્યસંગ્રહનું નામ આપે છે, ઇન ધ લેન્ડ ઓફ સ્નેક-ચાર્મર્સ. લો બોલો, આમાં વિદેશીઓ એમ જ માનેને કે આપણે મહદ્ અંશે તો મદારીઓ જ છીએ. મૂળ મદારીઓ સર્પ વિષે અને સર્પદંશનાં ઇલાજ વિષે ઘણું જાણતા હતા. આપણાં દેવાધિદેવ શંકરને પણ ગળે સર્પ રમતા હોય અને કૃષ્ણ ભગવાનની બાળલીલામાં નાગદમનનું ચિત્ર તો ઘણું જાણીતું. ધોળિયાઓ ભારત આવે, મદારીનાં ખેલ જુએ, ફોટા પાડે અને પોતાનાં દેશમાં જઇ ફોટા બધાને બતાવે એટલે આપણે બધાં સ્નેક-ચાર્મર…હમણાં થોડા મહિના પહેલાં ટીવી ટોક શૉ ક્વીન ઓપરા વિન્ફ્રે ઇન્ડિયા આવી અને એણે પરત ગયા પછી પોતાનાં ચાર ભાગનાં ટીવી કાર્યક્રમમાં ભારતનાં ચિતરેલા હાથી, રસ્તે રઝળતી ગાય અને સર્પ પકડતા મદારીની વાતો કરી. આપણાં પર સ્નેક-ચાર્મરનો વધુ એક સિક્કો લાગી ગયો.
 
હવે આપણી છબી બદલવી છે. આપણે માઉસ-ચાર્મરનો દેશ છીએ. માઉસ એટલે ઉંદર. ઉંદર છે તો પ્રાણી.  ગૌરીપુત્ર ગણેશજીનું વાહન. પણ માઉસ-ચાર્મરનો સંદર્ભ પ્રાચીન નથી,અર્વાચીન છે. આ કમ્પ્યુટરનાં માઉસની વાત છે. આપણે કમ્પ્યુટરનાં કરામતીઓ છીએ. આપણાં ક્મ્પ્યુટરની આણ ચોમેર પ્રવર્તે છે. ભારતની કમ્પ્યુટર સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી વર્ષે 28 લાખ લોકોને સીધી અને 89 લાખ લોકોને આડકતરી રીતે નોકરી આપે છે. મુખ્યત્વે ભારતમાં આઉટસોર્સ થયેલી આ નોકરીઓમાં ચીન અને ફિલિપાઇન્સ સ્પર્ધામાં છે પણ આપણા આઇ. ટી. ઇજનેરો સારા, સસ્તા અને ટકાઉ છે. માઇક્રોસોફ્ટનાં 34%, આઇબીએમનાં 28% અને ઇન્ટેલનાં 17% કર્મચારીઓ ભારતીય છે. અમેરિકાની સિલિકોન વેલી ક્મ્પ્યુટરનું કેન્દ્ર છે. ત્યાં વસેલા ત્રીજા ભાગનાં લોકો  ભારતીય મૂળનાં છે. ખોસલા, વાધવા, પિચાઇ, રાજારામન જાણીતા નામ છે. અહીં ભારતીયોનો દબદબો છે. 
        બેંગ્લોર દેશી સિલિકોન વેલી છે. પાઇડ પાઇપર ઓફ હેમલિનની વાર્તા આપણે સાંભળી છે. તેરમી સદીનાં જર્મનીમાં ઉંદરડા વધી ગયા ત્યારે હેમલિન નગરમાં એક વાંસળીવાદક વાંસળીનાં સુરમાં ઉંદરોને મોહિત કરીને વેસર નદીમાં લઇ ગયો. જ્યાં ઉંદરો ડૂબી ગયા. આ પાઇડ પાઇપર દુનિયાનો પહેલો માઉસ-ચાર્મર હતો. બેંગ્લોર આધુનિક હેમલિન છે. અહીં નકરા માઉસ-ચાર્મર વસે છે. દિનભર(અને રાત ભર) માઉસને ક્લિક ક્લિક  કરે છે અને પેટિયું રળે છે. અહીં માઉસિસ મરતા નથી, ચારે તરફ છવાયેલાં રહે છે. બાય ધ વે, માઉસનું બહુવચન માઇસ થાય, પણ જો એ ક્મ્પ્યુટરનું માઉસ હોય તો એનું બહુવચન માઉસિસ પણ કહેવાય છે.
 
 સને 1965માં ડગ્લાસ ઇન્ટેનબર્ગ અને એનાં મુખ્ય કમ્પ્યુટર ઇજનેર બિલ ઇંગ્લિશે ‘કમ્પ્યુટર એઇડેડ ડિસ્પ્લે કંટ્રોલ’ની શોધને માઉસ નામ આપ્યું. નામકરણ પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે એ ઉંદર જેવું દેખાતું હતું અને પાછળનો વાયર ઉંદરની પૂંછડી જેવો દેખાતો હતો.
 
અંગ્રેજીમાં એક શબ્દ છે, કાઉચ-પોટેટો.  દિવસ અને રાત ખાટલે બેસીને ટીવી જોયા કરે અને બટાકાની વેફર ખાઇને બટાકા જેવો ફૂલી જાય એ કાઉચ-પોટેટો. એ જ રીતે દિવસ અને રાત કોઇ ક્મ્પ્યુટર ઇન્ટરનેટ પર સર્ફીંગ કરતા કરતા માઉસ ક્લિક કર્યા કરે, વેફર ખાયા કરે અને બટાકા જેવો જાડો થઇ જાય, એને કહેવાય માઉસ-પોટેટો. માઉસ-ચાર્મર બનવા નીકળેલી આપણી યુવા પેઢી માઉસ-પોટેટો ન થઇ જાય એનું ધ્યાન આપણે રાખવું જોઇએ. નમો કેટલુંક ધ્યાન રાખે?!!
 
શબદ આરતી:
 
સિલિકોન વેલીમાં સોફ્ટવેર એન્જીનિયર જિગ્નેશે એનાં પુત્રને પૂછ્યું કે ‘બેટા, કાગડો કેમ બોલે?’ પુત્ર બોલ્યો: ‘કા કા.’ વળી પૂછ્યું: ‘અને બકરી?” જવાબ મળ્યો: ‘બેં બેં’. એક વધુ સવાલ:‘અને બિલાડી?’ ‘મ્યાઉં મ્યાઉં’…. ‘અને ઉંદર?’ જવાબ મળ્યો: ‘……ક્લિક ક્લિક..’ માઉસ-ચાર્મરનાં લક્ષણ પારણાંમાંથી….
 
 હવે કોર્ડલેસ માઉસ આવી ગયા છે. ઉંદર એક પૂંછડિયામાંથી હવે ઉંદર બાંડિયો થઇ ગયો છે. હવે તો ટચ સ્ક્રીન પણ આવી ગયા. ટચ-ચાર્મર? jra0225l rde5323l

1 ટીકા

Filed under ઘટના

One response to “માઉસ-ચાર્મર: યુવા પેઢીની મૂષક સવારી…./પરેશ વ્યાસ

 1. ન.મો.એ માઉસ ચાર્મર ની સરસ વાત કહી એ ગમી .
  ભારતની કમ્પ્યુટર સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી વર્ષે 28 લાખ લોકોને સીધી અને 89 લાખ લોકોને આડકતરી રીતે નોકરી આપે છે એ બહુ સારી વાત કહેવાય.

  પરેશભાઈએ જે નવા શબ્દો આપ્યા છે એમાં માઉસ પોટેટો શબ્દ ઉમેરાયો !
  “દિવસ અને રાત કોઇ ક્મ્પ્યુટર ઇન્ટરનેટ પર સર્ફીંગ કરતા કરતા માઉસ ક્લિક કર્યા કરે, વેફર ખાયા કરે અને બટાકા જેવો જાડો થઇ જાય, એને કહેવાય માઉસ-પોટેટો. માઉસ-ચાર્મર બનવા નીકળેલી આપણી યુવા પેઢી માઉસ-પોટેટો ન થઇ જાય એનું ધ્યાન આપણે રાખવું જોઇએ. નમો કેટલુંક ધ્યાન રાખે?!!””

  સાચી વાત છે.

  મારા જેવા ઘણા સીનીયર મિત્રો માઉસ પોટેટો જ બની ગયા છે ને ! ત્યારે બીજું શું ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s