ઉપનિષદ/http://www.sachchidanandji.org

– ઉપનિષદ – દંતાલી આશ્રમ -. ઉપનિષદોને માધ્યમ બનાવીને, પરમેશ્વર જેવી બુદ્ધિ આપે, પ્રેરણા આપે, જેવી શક્તિ આપે એવી રીતે ધર્મ ચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.ઉપનિષદો આપણા શાસ્ત્રોમાં સૌથી વધુ મહત્વનું સ્થાન ધરાવે છે. એની કેટલીયે વિશેષતાઓ છે જેની અવાર-નવાર પ્રસંગોપાત કરવામાં આવે છે. આજે જે મંત્ર ચલાવવાનો છે, તે “पूषन्नेकर्षे यम सूर्य प्राजापत्य व्यूह रश्मीन्समूह, तेजोयत्ते रूपं कल्याणतमं तत्ते पश्यामि, योडसावसौ पुरुष: सोडहमस्मि”…..(ईशा – १६). પછી આગળ બે-ત્રણ મંત્રો છે, ઉપસંહાર છે. “वायुरनिलममृतमथेदं भस्मान्तशरीरम, ॐ क्रतो स्मर कृतस्मर क्रतो स्मर कृतस्मर.” (ईशा – १७). મૃત્યુના બે-ત્રણ મંત્રો છે પણ હમણાં આજે સત્યનો જે મંત્ર છે, એની થોડી ચર્ચા કરવાની છે અને થોડી ચર્ચા આજનું પર્વ બળેવ છે, એની કરવાની છે. ચાર શબ્દો યાદ રાખજો – ધર્મ, અધ્યાત્મ, સંસ્કૃતિ અને સભ્યતા. આ ચારેચાર અલગ-અલગ તત્વો છે છતાં એ ચારેય એકબીજાના પૂરક પણ છે. આ ચારમાંથી કેટલાક પૂરક હોય અને કેટલાક બાધક બને તો પ્રજાનું જીવન વિડંબનાવાળું બને છે. પ્રજાનું જીવન અવ્યવસ્થિત બને એટલે આ શબ્દોને યાદ રાખજો. સૌથી પહેલામાં પહેલું તત્વ છે ધર્મ. @5.00min. અને આપણે છેલ્લા બે-ત્રણ દિવસથી એની ચર્ચા કરીએ છીએ કે ધર્મ એટલે સત્ય, ધર્મ એટલે ન્યાય પણ સત્ય અને ન્યાય એ બંનેના પેટમાં ધર્મ છે. એટલા માટે છે કે  સત્ય અને ન્યાય બંને કલ્યાણકારી હોવા જોઈએ. કેટલીક વાર કઠોર ન્યાય અને કઠોર સત્ય પ્રજા માટે દુઃખદાયી બની જાય. એકનો એક અપરાધ છે પણ એના સંદર્ભો બદલાય જાય તો દંડ બદલાય જાય, અને એ બદલાયેલા સંદર્ભો પ્રમાણે તમે દંડ ન બદલો તો ન્યાય આંધળો થઇ જાય. એટલે ન્યાયધીશને પણ દયા કરવાની થોડી છૂટ હોય છે. યુવાવસ્થા અને નાની ઉંમરના અપરાધીઓને જજ ઘણીવાર ફાંસીના બદલે આજીવન કેદની સજા ફરમાવે એ દયા છે. જે આવેશ આવેશમાં કે ક્રોધમાં થયો હોય તે અપરાધ દયાને પાત્ર છે. રીઢા ગુનેગારો દયાને પાત્ર નથી. અજાણતા, ગેરસમજથી થયેલો અપરાધ ક્ષમાને પાત્ર છે. એટલે આપણે ત્યાં નીતિકારે લખેલું છે, રસોડામાં નોકરથી, પત્નીથી થતી નાની-નાની ભૂલો ક્ષમાને પાત્ર છે, સહિષ્ણુતાને પાત્ર છે. અહલ્યાએ મોટું અપરાધ કરી નાંખ્યું પણ ઋષિએ એના ઉપર દયા કરીને ક્ષમા આપી અને એનો સ્વીકાર કર્યો. આપણે માનીએ છીએ કે ધર્મ એકજ છે અને ઈશ્વર પણ એકજ છે પણ આપણે એના આગળ વિશેષણ વળગાડીને ટુકડા કરી દઈએ છીએ. જો તમે વિશેષણ ન લગાઓ તો ધર્મ એકજ છે. @10.00min. પણ આપનો આગ્રહ વિશેષણમાં હોય છે. એટલે આપણે એને જૈન, બૌદ્ધ, સ્વામિનારાયણ, વૈષ્ણવ વિગેરે ધર્મ બનાવી દઈએ છીએ. મૂળમાં ધર્મ એકજ છે. એક ધર્મ હોવા છતાં એના ઉપધર્મો અનેક છે. બીજી વ્યાખ્યા – ધર્મનો અર્થ થાય છે કર્તવ્ય. ધર્મ હોય ત્યાં વિજય હોય છે. પશ્ચિમમાં ધર્મ છે કે અહીંયા થર્મ છે? એક સામાન્ય (જનરલ) કર્તવ્ય છે અને એક ગૌણ કર્તવ્ય છે. એના આધારે આપણે ધર્મના વિભાગ એટલે ઉપધર્મ પાડયા. એટલે પતિનો ધર્મ, પત્નીનો ધર્મ, પિતાનો ધર્મ, પુત્રનો ધર્મ, નોકરનો ધર્મ, કાર્યકર્તાનો ધર્મ આનું નામ કહેવાય ઉપધર્મ. ઉપધર્મ એ કર્તવ્યની સ્પષ્ટતા માટે છે. તમારું કર્તવ્ય, એજ તમારી ફરજ અને એજ તમારો ઉપધર્મ છે. પ્રત્યેક બાળક વ્હાલનો અધિકારી છે. તમે એને વ્હાલ આપો તો તમે એના ઉપર દયા નથી કરતા પણ એ એનો હકદાર છે, કારણકે એ તમારે ત્યાં જન્મ્યો છે. તમારા ખોળામાં એ બેસવા હકદાર છે. માણસ પરણે એટલે પતિ ધર્મ આવે, એનામાં પ્રૌઢતા આવે એટલે વાતવાતમાં ઝગડા કરતા બંધ થાય. એનામાં સહનશીલતા આવે, ગંભીરતા આવે. @15.00min. ધ્યાન દો, પહેલી ગંભીરતા લોકો સાથેની છે. એના ઘરમાં બાળક આવે એ બીજી ગંભીરતા છે. એટલે પતિ-પત્ની બંને ગંભીર બને અને વિચારે કે એનું ઘડતર એ આપણું કર્તવ્ય છે. આ બે ગંભીરતા જો ન આવી તો 60-70 વર્ષના થશે તો પણ પ્રૌઢતા નહિ આવે. જિંદગી એની રખડપટ્ટીમાં જશે. મનુએ લખ્યું છે,“अप्यकार्यम शतमकृत्वा भरतव्या मनुरब्रवीत” પોતાની પત્નીની સામાન્ય આવશ્યકતા અને બાળકનું ઘડતર કરવું એ પતિની જવાબદારી છે. કર્તવ્ય ચૂકેલા માણસનું ઉદાહરણ સાંભળો. ચાલુ પગારે એક ડોક્ટર ધર્મનો પ્રચાર કરવા જાય છે તો આ ડોક્ટર ધર્મના નામે અધર્મ કરે છે. એક બીજા ડોક્ટરની વાત સાંભળો કે પોતે ગરીબ દર્દીઓને તપાસે છે એટલે સ્વામીજીના પ્રવચનમાં જય શકતો નથી અને એટલે એની પત્નીને પ્રવચનમાં મોકલાવે છે.@20.00min. પ્રવચન સાંભળવા જવું એ એક વાત છે અને બહારગામથી આવેલા દર્દીઓને તપાસવા એ બીજી વાત છે. ડોક્ટરે દર્દીઓને તપાસવાનું પસન્દ કરી એની પત્નીને કથા સાંભળવા મોકલાવી. ડોક્ટરનું જે આ કર્તવ્ય છે એ એનો ઉપધર્મ છે. બાળક વ્હાલનું     ભૂખ્યું છે એમ કૂતરું પણ વ્હાલનું ભૂખ્યું છે. જો કૂતરાની આ દશા હોય અને તમારા ઘરમાં કોઈ માણસ હોય અને તમે એને રોટલાના ટુકડા નાંખી દીધા એટલે પતી ગયું? તમારી પાસે પૈસો હશે પણ તમે પત્નીને, પુત્રને, પુત્રીને અને બીજા ઘરના માણસોને ખોઈ બેસશો. ઉપનિષદો તમારું કર્તવ્ય છોડાવતા નથી. તમે પૂરતા કલાકો મૂકી નોકરી કરશો તો તમારા ચહેરા ઉપર બ્રહ્મતેજ આવશે. ગુફામાં બેઠેલા સાધુ કરતા વધારે તેજ આવશે. કારણકે તમને એક ખુમારી છે કે હું હરામનું નથી ખાતો. ઉપધર્મને જાણવા માટેજ આ શાસ્ત્ર છે. મૂખ્ય ધર્મ તો સહજ છે. કુતરા, ગાય, ભેંસ વિગેરે પ્રાણીઓને શાસ્ત્ર સાંભળવાની જરૂર નથી. એમનો ધર્મ સહજ છે. એમને ધર્મનું પાલન કરાવવા પડતું નથી. એ કદી અધર્મ કરતાજ નથી. મેં એક વસ્તુ માર્ક કરી છે. @25.00min. અત્યારે અહીંના બધા કૂતરાંનો પિરિયડ ચાલે છે, એટલે અહીંના કૂતરાં ગાયબ થઇ ગયા અને બીજા કૂતરાં અહીં આવી ગયાં. કારણકે એમને પણ કુદરતે બુદ્ધિ આપેલી છે કે તારા વંશની અંદર તારાથી પ્રજનન નહિ થાય. ક્યાં એ શાસ્ત્ર ભણવા ગયા હતા? આ સહજ ધર્મ છે અને એજ મૂખ્ય ધર્મ છે. ત્યારે જે ઉપધર્મ છે એને માટે ઉપદેશ છે. એટલે પત્ની ધર્મ, પતિ ધર્મ, પુત્ર ધર્મ અને એ બધા ધર્મો જયારે ઉદાહરણના દ્વારા આપવું હોય તો આદર્શ પુત્ર તરીકે રામ આવે વિગેરે, એની ચર્ચા નથી કરવી. પછી આવે અધ્યાત્મ. પશુઓમાં અધ્યાત્મ નથી. એને કદી પણ આત્મા, પરમાત્મા કે પરલોકની જિજ્ઞાસા થતી નથી. “आहार निद्रा भय मैथुनञ्च सामान्य मेतत पशुभिर निर्णाना, धर्मोहितेशा माथिको विशेषो धर्मेणहिना पशुभी सामान” પશુમાં અધ્યાત્મ નથી. માણસમાં અધ્યાત્મ છે, એટલે પછી પ્રશ્નો ઊભા થાય છે કે હું કોણ? આત્મા કોણ? પરમાત્મા કોણ? સૂર્ય કોણે બનાવ્યો? વિગેરે. એમાંથી નવું તત્વ નીકળ્યું એનું નામ છે, અધ્યાત્મ. દરેક વ્યક્તિએ ધાર્મિક થવું જોઈએ પણ દરેક વ્યક્તિએ આધ્યાત્મિક થવું જરૂરી નથી. એટલે ગીતામાં લખ્યું છે કે मनुष्याणां सहस्त्रेषु…..तत्वतः…..(गीता  ७-३). એટલા માટે માનવ સમાજમાં કક્ષાઓ પાડી તે દેવ, માનવ અને રાક્ષસ માનવ. કારણકે માણસની પ્રવૃત્તિ, માણસનું ચિંતન કે માણસના વિચારોને અંત નથી. એ જો ઉપર જાય તો દેવનોએ દેવ થાય અને નીચે જાય તો રાક્ષસનોએ રાક્ષસ થાય. થોડા દિવસ પહેલા UPમાં ચાર સગા ભાઈઓના હાથ કાપીને ફેંકી દીધા હતા, એના કરતા તો મારી નાંખે તે સારું. એ જીવ્યા તોયે એનો અર્થ ખરો? એને કેવા માણસ કહેશો? @30.00min. રાક્ષસ માણસો. રાક્ષસને શિંગડા ન હોય કે કાળો રંગ ન હોય. એટલે માણસને ઉપર લઈ જવાનું તત્વ છે તે અધ્યાત્મ. એક મુદ્દાની વાત સાંભળો. તમારા ઘરનો પાયો ઉઘાડો રહેવો જોઈએ નહીં. એમ તમારી બેંકની ચોપડી ઉઘાડી થવી જોઈએ નહીં. તમારો ભાઈબંધ પૈસા માંગે તો તમે ના પડી શકશો નહીં. એટલે ઐશ્વર્ય અને સૌંદર્યને પ્રદર્શિત કરશો તો એના કડવા ફળ મેળવશો. ઐશ્વર્ય એ બહુ મોટી શક્તિ છે, એ શક્તિને પચાવવી એ કોઈ રમત વાત નથી. એમ સૌંદર્ય પણ બહુ મોટી શક્તિ છે. સૌંદર્યને પચાવી ન શકનાર આખો દિવસ એને જોનારા હોય ત્યાં રખડ-રખડ કરશે એટલે ફરિયાદને પાત્ર બનશે. કારણકે તમે સૌંદર્યને પચાવી શકતા નથી. ત્રીજી વાત તમારા ઘરના ઝગડા પણ ઉઘાડા થવા દેશો નહીં. નજીકના માણસો પ્રશ્નો ઊભા કરે ત્યારે સુખ આપે અને દુઃખ પણ આપે. દૂરના માણસો સુખ પણ ન આપે અને દુઃખ પણ ન આપે. એટલે ઘરનો ઝગડો ઉઘાડો થવો જોઈએ નહીં .એવી રીતે તમારું અધ્યાત્મને ઉઘાડું ન થવા દો. જો તમે એને ઉઘાડું થવા ડો તો પરિણામ ભોગવવા તૈયાર રહો.@34.54min. કેવી રીતે તે સાંભળો. હું કોઈ આધ્યાત્મિક પુરુષ છું એવી છાપ ઊભી કરવાની જરૂરજ નથી. જો તમે એક વિશેષ પ્રકારનું લેબલ તમે લગાવી દીધું, અને તમારી પ્રતિષ્ઠાએ થઇ ગઈ, તો યાદ રાખજો તમારા ઘરના પાયા ઉઘાડા થઇ ગયા. એટલે અત્યંત પ્રસિધ્ધ પુરુષો પણ જેટલા સહજ મૃત્યુવાળા સહજ રીતે મરતા હોય છે એવી રીતે મરી શકતા નથી. કારણકે લોકોની નજરે એ આધ્યાત્મિક પુરુષ છે પણ પરમાત્માની નજરે નથી. કારણકે એ એ તો પ્રદર્શિત અધ્યાત્મ છે. ઉપનિષદમાં જે અધ્યાત્મ છે, એ ઢાંકવાનું અધ્યાત્મ છે, પ્રદર્શિત કરવાનું નથી. ત્રીજી વાત સંસ્કૃતિ – ત્યારે સંસ્કૃતિ શું છે? ધર્મ એક સનાતન છે પણ સંસ્કૃતિ સનાતન નથી. સંસ્કૃતિ અનેક છે. સંસ્કૃતિ તો વહેતી નદી છે. આખી દુનિયામાં સંસ્કૃતિ છે. આ એક ખોટી વાત છે કે ભારત જેવી સંસ્કૃતિ બીજે કશે નથી. સંસ્કૃતિ વિના કોઈ પ્રજા હોયજ નહીં. આ તો આપણને એક પ્રકારનો રોગ લાગ્યોછે. તો ભારતની સંસ્કૃતિની વિશેષતા શું છે?  તો વિધવા સ્ત્રીઓને ચિતામાં ચઢાવી દેવામાં આવી એ સંસ્કૃતિ? દક્ષિણ ભારતમાં દેવદાસીની પ્રથા આજે પણ છે, એ તમારી સંસ્કૃતિ? મહંમદ ગઝની સોમનાથના મંદિરને તોડવા આવ્યો હતો ત્યારે ત્યાં 500 દેવદાસીઓ હતી. દેવદાસી એટલે વિધવા સ્ત્રીઓ અને વિધવા બાળકીઓ હોય તો મંદિરમાં ભ્રષ્ટાચાર તો સ્વાભાવિક છે. તમે કદી વિચાર ન કર્યો કે ભગવાન એનાથી પ્રસન્ન થશે કે નારાજ થશે? જે મંદિરની આગળ સેંકડો પશુઓ કપાતા હોય તો ભગવાન પ્રસન્ન થશે કે નારાજ થશે? સતી પ્રથા અને દેવદાસી માટે કેમ અંગ્રેજોએ કાયદો બનાવવો પડયો? જે સંસ્કૃતિમાં માનવતા હોય એજ સંસ્કૃતિ મહાન કહેવાય. માનવતા એટલે શું? કે જેવું સુખદુઃખ મને થાય છે, એવુજ બધાને થાય છે. જેવો મારી જાતનો વિચાર કરું છું, એવો બધા માટે વિચાર કરવાનો. @40.06min. ઉદાહરણ સાંભળો. એક 25 વર્ષનો છોકરો છે અને એની 22 વર્ષની પત્ની છે. ઍક્સિડન્ટના લીધે છોકરો છેવટના શ્વાસ લઇ રહ્યો છે. આ છોકરો મરતા -મરતા એની પત્નીને કહી જાય છે કે મારા મર્યા પછી તારે લગ્ન કરી લેવાના. તારે વૈધવ્ય જીવન જીવવું નહીં. એણે સારું કર્યું કે ખોટું કર્યું? આ માનવતા ખરી કે નહીં? હવે આ જો 22 વર્ષની સ્ત્રી મરી ગઈ હોત તો પેલો 25 વર્ષનો છોકરો વિધુર રહેવાનો હતો? પુરુષ તો અનેક વાર પરણી શકે. હવે આ 22 વર્ષની સ્ત્ર્રીથી એક જાણતા-અજાણતા ભૂલ થઇ ગઈ તો બધા ભાઈઓ ભેગા મળીને મારી નાંખતે ને? કેમ? નાક કપાઈ ગયું. કારણકે સંસ્કૃતિ એવી છે. પણ જો એના ભાઈઓ અને માતા-પિતા બધા ભેગા થઈને એને પરણાવી દીધી હોત તો નાક કપાવાનો પ્રસંગ આવી શકત નહીં. એટલે સંસ્કૃતિ એક વહેતી નદી છે. એટલે એ ગતિશીલ છે, એમાં હમેશા ફેર-ફારો થયા કરતા હોય છે. સભ્યતા સંસ્કૃતિથી અલગ છે. તમારું આવવું, બેસવું, બોલવું, નમસ્કાર કરવા અને પરસ્પરના વ્યહવારમાંથી સભ્યતા પ્રગટે છે. સંસ્કૃતિ જીવનના મૂલ્યો નિર્ધારિત કરે છે અને સભ્યતા એને પ્રજાગમ્ય બનાવે છે. તમે કોઈના ઘરે વગર જણાવ્યે ગયા અને બારણા ઉપર ટકોરા માર્યા વગર પહોંચી ગયા. પેલા ભાઈ બાથરૂમમાં ન્હાઈ રહયા છે. @45.00min. આ અસભ્યતા છે. સભ્યતા તો પશ્ચિમની કે કોઈ દિવસ કોઈના ઘરે વગર ટાઈમે આવશે નહિ અને આવશે તો બારણા ઉપર ટકોરા મારશે. ઘરવાળો કહેશે કે અંદર આવો ત્યારે અંદર જશે અને બેસવાનું કહેશે ત્યારે બેસશે. તમે કોઈને મળવા જાઓ તો દૂરથી ખુંખારા ખાતા જાવ તો એમને ખબર પડે  કે તમે આવી રહયા છો. તમે ઓચિંતાના બિલાડીના પગલે ચુપચાપ જઈ અને એકદમ છતા થઇ જાવ એ અપલક્ષણ છે, અસભ્યતા છે. @47.08min. આજે બળેવ છે, મારે બળેવ ઉપર કહેવું હતું પણ ટાઈમ થઇ ગયો છે. આજે જે બળેવ – રક્ષા બંધનનો દિવસ છે એની સાથે ધર્મ નહિ પણ ક્લચર-સંસ્કૃતિ જોડાયેલી છે. આપણે ક્લચરને ધર્મ માની લીધો છે. જનોઈ પણ સંસ્કૃતિ છે, એટલે માણસ જનોઈ ન પહેરે તો પણ ધર્મ તો રહેવાનોજ છે. આજે ઘણા બ્રાહ્મણોજ જનોઈ પહેરતા નથી, પણ કોઈ નાસ્તિક થઇ ગયું હોય એવું લાગતું નથી. એ ક્લચર છે અને બદલાતું રહે છે. એના પાછળ રહસ્ય છે, હેતુ છે અને ઉદ્દેશ છે. જનોઈમાં ત્રણ તાંતણા છે અને એક એક તાંતણામાં ફરી પાછા ત્રણ-ત્રણ તાંતણા છે, એટલે નવ તાંતણા થયા. એ તાંતણાની લંબાઈ 96 મુષ્ટિ પરિમિત છે અને એના ઉપર ત્રણ ગાંઠો છે અને એને બ્રહ્મ ગાંઠો કહેવાય છે. છોકરાને જયારે ગુરુકુળમાં દાખલ કરવાનો હોય ત્યારે પહેલા એનો યજ્ઞોપવિત ઉપનયન સંસ્કાર કરવામાં આવે છે. ઉપ એટલે સમીપ અને નયન એટલે લઇ જવું. ગુરુના સમીપમાં લઈ જતા પહેલા આ સંસ્કાર કરવાનો હોય છે. સંસ્કાર કર્યા પછી એ બાળક-માણસ જનોઈ સતત ડાબા ખભા પર રાખે ત્યારે એને સવ્ય કહેવાય છે અને જમણા ખભા પર લઇ આવો ત્યારે એને અપસવ્ય કહે છે. આ ત્રણ તાંતણા કેમ નાંખ્યા? અને ખભા ઉપર જનોઈ મુકવાનું કેમ રાખ્યું? એટલા માટે કે આ બાળક ભવિષ્યમાં દેશનો નાગરિક થવાનો છે એટલે એના ઉપર ત્રણ ભાર મૂકવાના છે. ભાર ખભા ઉપર ઊંચકાય છે. આ ત્રણ ભાર છે, ઋષિ ઋણ, દેવ ઋણ અને પિતૃ ઋણ. @50.00min. આ તમે ત્રણના દેવાદાર છો. જે દે એનું નામ છે, દેવ. તમે આખી જિંદગીભર સૂર્યનો પ્રકાશ લીધો છે, પણ સૂર્યે તમારા ઉપર બિલ મોકલ્યું નથી, પવને કદી બિલ મોકલ્યું નથી. તમે હવે એનું ઋણ ચૂકવો. કેવી રીતે? અમે વૃક્ષઓ વાવીશું, ઘરની બહાર એક ગોળો લગાવીશું કે રાત્રે કોઈ અંધારામાં પડી ન જાય. કેટલાક લોકો બહાર એક પાણીની ચકલી મૂકે છે જેથી આવતા-જતા માણસો તરસ છિપાવે. તો આ થયું દેવ ઋણની ચૂકવણી. કેટલાક છોકરાઓ આવા ગોળા અને ચકલીઓ કાઢી જાય છે. આવા છોકરાઓ મોટા થઈને જેલમાં જશે કે ગાંધીનગરમાં જશે. ઋષિઋણ વિશે સાંભળો. ભણાવનાર, જ્ઞાનદાતા, જીવનની દ્રષ્ટિ આપનાર આચાર્ય એટલે ઋષિ છે. તમે પ્રોફેસર થયા પણ તમારા ગુરુ, આચાર્ય એવાને એવા છે, તમારા ઉપર એમના ઉપકાર છે. હવે એમનું ઋણ ચૂકવો. એને નમસ્કાર કરો, એને શાલ આપો, સ્વેટર આપો, દક્ષિણા આપો આ ઋષિ ઋણ છે. એથી વધારે તમે કોઈ જગ્યાએ હૈશુંલ બંધાવી આપો, વિદ્યાર્થીને નોટબુક, પેન, પુસ્તકો લાવી આપો એનું નામ થયું ઋષિ ઋણ. @54.40min.પિતૃ ઋણ – તમારી માંએ બાપે તમારા હાલા ગાય, કેટલા લાડ લડાવ્યા, કેટલા કોડ પુરા કર્યા. તો કેટલીક વાર ગામમાં વિધવાનો એકનો એક છોકરો હોય, ગરીબ સ્થિતિ હોય તો એને મદદ કરો. હ્હે તું હજ્જારોનો પગારદાર મોટો માણસ થયો છે તો તારી માં 70-75 વર્ષની છે, હવે એનું કંઈ ચાલતું નથી, શરીર ખખડી ગયું છે તો તું એના કોડ પુરા કર. એને ઘરડા ઘરમાં મૂકી ના આવીશ. આનું નામ છે પિતૃ ઋણની ચૂકવણી. આ ત્રણ તાંતણાવાળી જનોઈ છે એને ખભા ઉપર રાખવાની છે અને જયારે સન્યાસ લે ત્યારે એ જનોઈ કાઢી નાંખવાની પણ પરણે ત્યારે 6 તાંતણા થઇ જાય એટલેકે પત્નીની જનોઈ પણ પતિ લઇ લે. પત્નીના હાથ કશું હોતું નથી. પતિ કહે એજ કરવાનું. ભલે પુરુષ પૈસા કમાવા ગયો હોય પણ એમાં અડધે અડધો હિસ્સો પત્નીનો છે. એટલે સજ્જનો એનું નામ છે ક્લચર. હવે ઘણું ઓછું થઇ ગયું, પહેલા જેવું રહ્યું નથી. એક સમય એવો આવશે કે આ બધું ઊડી જશે તો યે તમારા ધર્મને વાંધો આવવાનો નથી.વૈશ્યો અને ક્ષત્રિયો પણ પહેલા જનોઈ પહેરતા હતા પણ હવે પહેરતા નથી તો પણ એમનામાં કંઈ વાંધો આવતો નથી. આજે પૂનમના દિવસે, પરવણીના પર્વના દિવસે જનોઈ બદલવામાં આવે છે તો આ ચાર વાત યાદ રાખજો કે ઉપનિષદ આપણને એક ધર્મ બતાવે છે. રામાયણ મહાભારત જેવા મહાકાવ્યો ઉપધર્મ બતાવશે અને અધ્યાત્મ જે વ્યક્તિગત ઢાંકીને રાખવાની વસ્તુ છે એવું અધ્યાત્મ બતાવે છે. સાથે-સાથે સંસ્કૃતિની વિશાળતા, ઉદારતા અને સભ્યતા બતાવે છે. તમે કોઈને માળો તો પેલા માણસને ફરી મળવાનું મન થાય એવી રીતે મળો. આ ચારેચાર વસ્તુઓ જયારે સુઘડ રીતે જીવનમાં ઘટે ત્યારે એનું નામ કહેવાય સંપૂર્ણ રીતે ઘડાયેલું માનવ તત્વ. ॐ पूर्णमद: पूर्णमिदं  पूर्णात्पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते.” ॐ शांति: शांति: शांति:. સદગુરુ દેવ કી જય, नम: पार्वतीपतये हर हर महादेव हर. 
 

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “ઉપનિષદ/http://www.sachchidanandji.org

  1. સ્વામીજી દા જવાબ નૈ. મને એમની વાતો બૌ ગમે છે.
    જે સંસ્કૃતિમાં માનવતા હોય એજ સંસ્કૃતિ મહાન કહેવાય.
    દા.ત.

    અમેરિકન બાઈસનના શિકારની વાત યાદ આવી ગઈ. અરેરાટી પહોંચે તેવી એ પ્રથા હોવા છતાં – એ લોકો રોમના પોપ જેટલા જંગલી ન હતા !!

  2. તમે કોઈને મળો તો પેલા માણસને ફરી મળવાનું મન થાય એવી રીતે મળો.
    સ્વામીજીની આ વાત ગાંઠે બાંધવા જેવી છે. સ્વામીજી એમના પ્રવચનોથી સામાજિક જાગૃતિ નું ઘણું ઉત્તમ કામ કરી રહ્યા છે, જેમ સ્વામી વિવેકાનંદએ તેઓ થોડા વર્ષો જીવ્યા એમાં ઘણાં કામો કરીને અમર બની ગયા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s