ઓલ્ટર્નેટિવ ફેક્ટ: વૈકલ્પિક સત્ય/ પરેશ વ્યાસ

ઓલ્ટર્નેટિવ ફેક્ટ: વૈકલ્પિક સત્ય

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

– મનોજ ખંડેરિયા

ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે સત્યનો વિકલ્પ છે. ટ્રમ્પનાં રાજતિલકની વેળાએ પ્રજા ઊમટી પડે એ સ્વાભાવિક છે. અમેરિકા દુનિયાનો શક્તિશાળી દેશ અને ટ્રમ્પ હવે એનાં રાજા. કેટલાં લોકો આવ્યા હશે? દેશનું મીડિયા બોલ્યું કે ઓબામાની તાજપોષીની તુલનામાં લોકો ઓછા હતા. બન્ને તાજપોષીનાં અવકાશી ફોટા સોશિયલ  મીડિયા પર ચમક્યા. મીડિયાએ વોશિંગ્ટન શહેરનાં માસ ટ્રાન્સપોર્ટમાં તે દિવસે પ્રવાસ કરી ચૂકેલા પ્રવાસીઓની સંખ્યા તેમજ ટીવી વ્યૂઅરશિપની વિશ્વાસપાત્ર એજન્સી નિલ્સનનાં આંકડા પણ રજૂ કર્યા. ટ્રમ્પ ભડક્યા. તે પછી અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઇએનાં અધિકારીઓને સંબોધતા પ્રવચનમાં એમણે મીડિયાની નકારાત્મક ચેષ્ટાને વખોડી નાંખી. ટ્રમ્પની સુચના અનુસાર વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી સીન સ્પેન્સરે વ્હાઇટહાઉસમાં પત્રકારોને સંબોધતા કહ્યું કે જનમેદની અભૂતપૂર્વ હતી. ઓબામા વખતે બગીચાની લોન ઢંકાયેલી નહોતી. જ્યારે ટ્રમ્પ વેળાએ લોકો લોન પર ઢાંકેલી કારપેટ ઉપર ઊભા હતા એટલે ફોટામાં છૂટાછવાયાં દેખાય છે. સુરક્ષાની વાડની બહાર પણ લોકો હતા જે ફોટામાં આવ્યા નહોતા. અને આ ખુલાસાની સાથે સાથે તડ ને ફડ કહી દીધું કે મીડિયાને અમારી ભૂલ કાઢવાની છૂટ છે જ પણ આ ટૂ વે સ્ટ્રીટ છે. મીડિયા છાપરે ચઢીને હો હા કરશે તો અમે પણ મીડિયાની ખામીઓ છડેચોક કહીશું. તે પછી ટીવી ચેનલ એનબીસીનાં ‘મીટ ધ પ્રેસ’ કાર્યક્રમનાં એન્કર ચક ટોડે જનસંખ્યાનાં દાવા વિષેનાં જૂઠાણાં અને ઉપરથી એવા જૂઠાણાંનાં થાબડભાણાં કરતા તંત્રનો ઉધડો લીધો અને ટ્રમ્પનાં સિનિયર એડવાઇઝર કેલિયન કોન્વેને ચોખવટ કરવા કહ્યું. કોન્વે બોલ્યાં કે જૂઠાણાં તો તમારા છે. અમારા પ્રેસ સેક્રેટરી સ્પેન્સરે તો માત્ર ‘ઑલ્ટર્નેટિવ ફેક્ટ્સ’ બયાન કર્યા છે. અને પછી ઑલ્ટર્નેટિવ ફેક્ટ્સ શબ્દો ચોરે ને ચૌટે ચર્ચાવા લાગ્યા. શબ્દોનાં અર્થઘટનની શોધખોળ થવા માંડી. મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી પોતાનું પ્રમાણભૂત સત્ય ટ્વિટર પર જણાવ્યું. સાંપ્રત સંદર્ભમાં ફેક્ટ એટલે એવું કંઇ જે ખરેખર પ્રવર્તમાન હોય. અથવા વાસ્તવિક કે નિર્ભેળ હકીકત સાથે સંબંધ ધરાવતું હોય. તમે એને પરખી શકો. ફેક્ટ એટલે હકીકત. સત્ય હોય તેવી વાત. સત્યનો વિકલ્પ અથવા તો વૈકલ્પિક સત્ય હોઇ શકે?

લોકશાહી દેશમાં મીડિયાને ચોથી જાગીર ગણવામાં આવે છે. હવે પહેલી જાગીર અને ચોથી જાગીર વચ્ચે દંગલ શરૂ થયું છે. અને ટ્રમ્પસેના તો.. ધાકડ હૈ, ધાકડ હૈ, ઐસી ધાકડ હૈ! એ જે  હોય તે પણ ક્યાંક શબ્દયુદ્ધ ફાટી નીકળે તો અમને મઝા પડે છે. કારણ કે એમાં અવનવાં કે તળપદા શબ્દોની આપ-લે અનાયાસે થઇ જાય છે. ઑલ્ટર્નેટિવ ફેક્ટ્સ વકીલાતનો શબ્દ છે. ન્યાયાધીશ સામે દલીલો કરતા વકીલો પોતપોતાનાં અસીલોની અસલિયત છૂપાવીને વૈકલ્પિક હકીકત રજૂ કરે છે. મીડિયા સામાન્ય રીતે  જજની ભૂમિકામાં હતી પણ હવે નથી. મીડિયા હવે માત્ર વકીલ છે. લોકો જ હવે જજ છે. અને આપ તો જાણો છો કે હોંશિયાર વકીલ જજને ભોળવીને પોતાની તરફેણમાં ચૂકાદો મેળવી જ લે છે. સામેનાં બૂડથલ વકીલનાં પક્ષે સત્ય હોય તો પણ એ હાથ ઘસતો રહી જાય.

ઓલ્ટર્નેટિવ ફેક્ટ્સ શબ્દ ‘એનિમલ ફાર્મ’ જેવી વ્યંગ નવલકથાનાં લેખક જ્યોર્જ ઓર્વેલનુ સર્જન છે.  ભવિષ્યની કલ્પના, ભવિષ્યનાં લોકો અને ભવિષ્યનું શાસન કેવું હોઇ શકે? ઇ.સ. 1949માં લખાયેલી ‘1984’ નવલકથાનો નાયક વિન્સ્ટન સ્મિથ લંડનમાં રહે છે પણ 1984માં લંડન શહેર હવે ઇંગ્લેંડનું નહીં પણ અતિશક્તિશાળી દેશ ઓસનિયાનો હિસ્સો છે. સરકારને ‘બિગ બ્રધર’ કહેવામાં આવે છે. જે પ્રજાને, પ્રજાની કાર્યરીતિને, પ્રજાનાં વિચારને નિયંત્રણમાં રાખે છે. વિન્સ્ટન ‘સત્ય મંત્રાલય’માં કારકૂની કરે છે. સરકાર વિરુદ્ધની ખરેખરી હકીકતને મારી મચેડીને સરકાર તરફી બનાવવી એ એનું કામ છે. એને એ કામ મુદ્દલ ગમતું નથી.  એને સરકાર સામે બળવો પોકારવાનું મન થાય છે. પણ બોલી શકાય તેમ નથી. એની સાથે જુલિયા નામની છોકરી પણ કામ કરે છે. વિન્સ્ટન એને પોતાનાં બળવાખોર વિચારની વાત કરે છે. બન્ને  પ્રેમમાં પણ પડે છે. દરમ્યાન ઓ’બ્રિયાન નામનો માણસ સરકાર સામે બળવો કરતો જોવા મળે છે. વિન્સ્ટન અને જુલિયા એને મળીને પોતાનાં મનની વાત કરે છે. પણ ઓ’બ્રિયાન ખરેખર તો સરકારનો જાસૂસ છે. વિન્સ્ટન અને જુલિયા જે મકાનમાં રહે છે એનો માલિક કાગળ અને પેન, જે હવે એન્ટિક બની ગયા છે, એની કાળાબજારી કરતો હોય છે. એ પણ વિન્સ્ટન અને જુલિયાની છૂપી માહિતી ‘થોટ પોલિસ’ને આપી દે છે. બન્ને પકડાય છે. અલગ કરી દેવામાં આવે છે. એટલું ટોર્ચર કરવામાં આવે છે કે એમણે પોતાનાં બળવાખોર વિચાર છોડી દેવા પડે છે.

‘ઑલ્ટર્નેટિવ’ ફેક્ટ શબ્દનાં ઉચ્ચારણ પછી ઓર્વેલની આ ક્લાસિક નવલકથા 1984નું વેચાણ જબરું વધી ગયાનાં સમાચાર છે. આ પુસ્તકમાં ભવિષ્યની કલ્પના કરતા લખ્યું છે કે ભવિષ્યમાં ‘ન્યૂસ્પીક’ નામની એવી ભાષાનો ઉપયોગ થશે જે માણસનાં વ્યક્તિગત વિચારને બાકાત કરી દેશે. પોતે પછી જાતે કાંઇ વિચારવાનું જ નહીં. સરકાર કહે તે સત્ય. બાકી સઘળું મિથ્યા. એક બીજો પણ શબ્દ છે ‘ડબલથિંક’. જ્યોર્જ ઓર્વેલ એનો અર્થ કરે છે કે એવી બે તદ્દન વિરોધાર્થી માન્યતાઓ જે એકીસાથે માનવ દિમાગમાં રાખી શકાય અને બન્નેનો સ્વીકાર પણ કરી શકાય. આ ય સાચું અને આ ય સાચું. બસ આ જ તો છે ઓલ્ટર્નેટિવ ફેક્ટ. મારા ઇંગ્લિશનાં શિક્ષક કહેતા કે ટ્રુ ફેક્ટ (સત્ય હકીકત) એવો શબ્દ જ નથી. હકીકત એટલે એ જે સત્ય હોય. મને લાગે છે કે ભાષા બદલાતી જાય છે. સત્ય હકીકત (ટ્રુ ફેક્ટ), ખોટી હકીકત (ફોલ્સ ફેક્ટ), વૈકલ્પિક હકીકત (ઑલ્ટર્નેટિવ ફેક્ટ)….

શબ્દ શેષ:
‘આ તે કેવું વિશ્વ જ્યાં નેતા ભવિષ્ય જ નહીં પણ ભૂતકાળને પણ કંટ્રોલ કરે. એ કહે કે આવું ક્યારેય બન્યુ જ નથી તો આપણે કહીએ કે હાં, આવું ક્યારેય બન્યું જ નથી. બે ને બે પાંચ થાય તો આપણે કહીએ કે હાં, બે ને બે તો પાંચ જ થાય. આવું કાલ્પનિક ચિત્ર મને બોમ્બથી પણ વધારે બિહામણું લાગે છે.’                                                                                                                             –જ્યોર્જ ઓર્વેલ (1903-1950)

 

2 ટિપ્પણીઓ

Filed under જત લખવાનું કે..., પરેશ વ્યાસ, પ્રકીર્ણ, સમાચાર

2 responses to “ઓલ્ટર્નેટિવ ફેક્ટ: વૈકલ્પિક સત્ય/ પરેશ વ્યાસ

  1. ૧૯૮૪ વિશે ક્યાંક વાંચ્યું હતું – હવે એ વાંચવી જ પડશે
    —-
    ‘સત્ય’ વિશે ચર્ચા કરી કરી થાક્યા, હવે …

    अलं अनेन !

  2. ડોનાલ્ડ ટ્રમ્પ ના વહીવટમાં એમના નજીકના માણસોના મુખેથી વપરાતા ઓલ્ટર્નેટિવ ફેક્ટ: વૈકલ્પિક સત્ય વિષે ટી.વી. પર ઘણી ચર્ચા થતી હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s