અદભુત સંગીતકાર રાહુલ દેવ બર્મન / નરેશ કાપડીઆ

 

અદભુત સંગીતકાર રાહુલ દેવ બર્મન
હિન્દી ફિલ્મોના અદભુત સંગીકાર રાહુલ દેવ બર્મનના સૂર શાંત થયાને બાર વર્ષ થઇ ગયા તે માની પણ શકાતું નથી. ૪ જાન્યુઆરી, ૧૯૯૪એ પોતાની મહાનતમ રચનાઓ ‘૧૯૪૨ – અ લવ સ્ટોરી’ ગુંજે તે પહેલાં જ તેમણે વિદાય લીધી હતી. આર.ડી. પાસે ભારતીય લોક સંગીત, શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન મ્યુઝિકનો બેનમુન સમન્વય હતો. તેઓ મહાન સંગીતકાર સચિન દેવ બર્મનના એકના એક સંતાન હતા.
સાંઠના દાયકાથી નેવુંના દાયકા સુધી રાહુલદેવે ૩૩૧ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. આટલી વિપુલ માત્રામાં સંગીત આપનારા કદાચ તેઓ એકલા જ હશે. તેમણે સૌથી વધુ કામ આશા ભોંસલે (અને કિશોર કુમાર) સાથે કર્યું, જે તેમના પત્ની પણ બન્યા. તેમના અનેક ગીતોએ આ ગાયકોને વધુ લોકપ્રિય બનાવ્યા. તેમની ઘણી મહાન રચનાઓને લતા મંગેશકરે કંઠ આપ્યો હતો. આર.ડી. બર્મને તેમના સમયના જ નહીં ત્યાર પછીની પેઢીના શ્રોતાઓ પણ તેમના સંગીતનો જાદુ ચલાવ્યો છે. તેમના નિધન પછી આર.ડી.ની લોકપ્રિયતા ઘટી નથી, બલકે વધી છે. તેજ રીતે આર.ડી.ની સંગીત શૈલીનો જાદુ તેમના પછીના સંગીતકારોની પેઢી પર પણ છવાયેલો રહ્યો છે.
કોલકાતામાં ૨૭ જૂન, ૧૯૩૯ના રોજ સંગીતકાર પિતા અને ત્રિપુરાના રાજકુમાર સચિનદેવ બર્મન અને ગીતકાર-ગાયિકા માતા મીરા (દાસગુપ્તા)ના એકમાત્ર સંતાન રાહુલનો જન્મ થયો હતો. તેમના નાનીએ તેમનું લાડકું નામ ‘તબલું’ રાખેલું જે ફેરવાઈને ‘પંચમ’ બન્યું હતું. તે પણ એટલા માટે કે તે બાળપણમાં રડતા પણ છેક પાંચમાં સુર માં. તેઓ બંગાળમાં પ્રાથમિક શિક્ષણ પામ્યા. માત્ર નવ વર્ષની ઉમરે રાહુલે ‘અય્ મેરી ટોપી પલટ કે આ’ ગીત કમ્પોઝ કર્યું હતું. જે ફિલ્મ ‘ફંટૂશ’ (૧૯૫૬)માં દેવ આનંદ માટે વપરાયું હતું. તેજ રીતે બાળરૂપે તેમણે ‘સર જો તેરા ચકરાયે’ ગીતની તર્જ બનાવી હતી, જે પિતાજીએ ગુરુ દત્તની ‘પ્યાસા’માં જ્હોની વોકર માટે વાપર્યું હતું અને હીટ થયું હતું. પિતા સાથે મુંબઈ આવીને રાહુલદેવે સરોદના ઉસ્તાદ અલી અકબર ખાન અને તબલા ઉસ્તાદ સામતા પ્રસાદ પાસે તાલીમ લીધી. રાહુલદેવ સલિલ ચૌધરીને પણ પોતાના ગુરુ માનતા. તેઓ અનેક ફિલ્મોમાં પિતા સચિનદેવના સહાયક હતા અને હર્મોનીકા વગાડતા. જેમાં ‘ચલતી કા નામ ગાડી’, ‘કાગઝ કે ફૂલ’, ‘તેરે ઘર કે સામને’, ‘બંદિની’, ‘ઝીદ્દી’, ‘ગાઈડ’ કે ‘તીન દેવિયાં’ને યાદ કરી શકાય. તો ‘સોલવા સાલ’ના ‘હૈ અપના દિલ તો આવારા’માં માઉથ ઓર્ગન પણ રાહુલ દેવે વગાડ્યું હતું.
સ્વતંત્ર સંગીતકાર રૂપે રાહુલદેવની પહેલી ફિલ્મ ‘છોટે નવાબ’ (૧૯૬૧) હતી. તે ફિલ્મથી કોમેડિયન મેહમૂદ નિર્માતા બન્યા હતા. પિતા સચિનદેવ પાસે સમય ન હોવાથી એ કામ રાહુલદેવને મળ્યું હતું. મેહમૂદના દોસ્ત બનેલા પંચમે ‘ભુત બંગલા’માં યાદગાર સંગીત આપવા ઉપરાંત અભિનય પણ કર્યો હતો. પણ રાહુલદેવની પહેલી મોટી સફળતા નાસીર હુસૈનની ‘તીસરી મંઝીલ’ (૧૯૬૬) બની. પછી તેમણે સાથે ‘બહારોં કે સપને’, ‘પ્યાર કા મૌસમ’, ‘યાદોં કી બારાત’ પણ કરી. હજી રાહુલદેવ પિતાના સહાયક તો હતા જ, ‘જ્વેલ થીફ’ અને ‘પ્રેમ પૂજારી’ (૧૯૭૦)એના યાદગાર નમુના છે. ‘આરાધના’ના ‘મેરે સપનોં કી રાની’ અને ‘કોરા કાગઝ થા યે મન’ની તર્જ રાહુલદેવે બનાવી હોવાનું કહેવાય છે. રાહુલદેવ ‘આરાધના’ના સહાયક સંગીતકાર પણ હતા જ.
રાહુલદેવની પ્રશંસક રીટા પટેલ રાહુલને દાર્જીલિંગમાં મળ્યાં, અને ૧૯૬૬માં પરણી પણ ગયાં અને ૧૯૭૧માં છૂટા પણ થઇ ગયાં. ત્યારે એક હોટેલમાં રહુલદેવે ‘મુસાફિર હું યારો’ (પરિચય) ગીતની તર્જ બનાવી હતી. રાહુલદેવે આશા ભોસલે સાથે ૧૯૮૦માં લગ્ન કર્યા. તેમણે અનેક સફળ ગીતો સાથે સર્જ્યા અને જગતભરમાં અનેક જીવંત શો પણ કર્યા. જોકે રાહુલદેવના અંત કાળમાં તેઓ અને આશા સાથે રહેતા નહોતા. રાહુલદેવ તેમના જીવનના પાછલા ભાગમાં આર્થિક તંગીમાં જીવ્યા, સાથીઓ અને ખાસ કરીને સંગીત સાથીઓ વિના જીવ્યા.
રાહુલદેવ બર્મનને ‘સનમ તેરી કસમ’ (૧૯૮૩), ‘માસૂમ’ (૧૯૮૪) અને ‘૧૯૪૨: એ લવ સ્ટોરી’ (૧૯૯૫) માટે શ્રેષ્ઠ સંગીતકારના ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતા. તેમને ફિલ્મો માટે ફિલ્મફેર નામાંકન મળ્યાં હતાં, તે મહાન ગીતોવાળી ફિલ્મોમાં ‘યાદોં કી બારાત’, ‘આપ કી કસમ’, ‘ખેલ કેલ મેં’, ‘શોલે’ (મેહબૂબા ઓ મેહબૂબા માટે ગાયક રૂપે પણ), ‘મેહબૂબા’, ‘હમ કિસીસે કમ નહીં’, ‘કિનારા’, ‘શાલીમાર’, ‘શાન’, ‘લવ સ્ટોરી’, ‘બેતાબ’, ‘જવાની’, અને ‘સાગર’નો સમાવેશ થાય છે.
રાહુલ દેવ બર્મનના યાદગાર ગીતો: ઘર આજા ઘીર આયે – છોટે નવાબ, જાગો સોનેવાલો – ભુત બંગલા, ઓ મેરે સોના રે સોના – તીસરી મંઝીલ, આજા પિયા તોહે પ્યાર દું – બહારોં કે સપનેં, મેરે સામનેવાલી ખિડકી મેં અને યક ચતુર નાર કરકે સિંગાર – પડોસન, નીસુલતાના રે પ્યાર કા મોસમ આયા – પ્યાર કા મોસમ, પ્યાર દીવાના હોતા હૈ – કટી પતંગ, ઓ મેરી જાં મૈને કહા – ધ ટ્રેન, પિયા તું અબ તો આજા – કારવાં, દેખો ઓ દીવાનો યે કામ ના કરો – હરે રામ હરે કૃષ્ણ, હવા કે સાથ સાથ – સીતા ઔર ગીતા, ઓ મેરે દિલ કે ચૈન – મેરે જીવન સાથી, રૈના બીતી જાયે – અમર પ્રેમ, જા ને જાં ઢૂંઢતા ફિર રહા – જવાની દીવાની, સારે કે સારે ગામા કો લે કર – પરિચય, બાહો મેં ચલે આ – અનામિકા, જય જય શિવ શંકર – આપ કી કસમ, તેરે બિના જિંદગી સે શિકવા – આંધી, મેહબૂબા ઓ મેહબૂબા – શોલે, કોમ્પીટીશન સોંગ – હમ કિસી સે કમ નહીં, આનેવાલા પલ જાનેવાલા હૈ – ગોલમાલ અને કુછ ના કહો – ૧૯૪૨ એ લવ સ્ટોરી.
સિતારા –  નરેશ કાપડીઆ   

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s