૧૮ કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૬, યુગાન્ડામાં જયજયકાર

કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.’
– મણિલાલ દ્વિવેદી
       દુઃખો અને હતાશાઓ કાં તો માણસના જુસ્સાને તોડી નાંખે છે અથવા તેને બેઠો કરી દે છે. ફિયોનાની હતાશાએ એના જીવનના એક માત્ર આશાકિરણ માટે તેને સાબદી કરી દીધી. ગ્રાન્ડ માસ્ટર બનવાનું તેનું સ્વપ્ન હવે સતત ચાલી રહેલી પ્રક્રિયા બની ગયું. પરંતુ હવે તેને લાગ્યું કે આ માટે માત્ર બાળકો સામે જ નહીં, પણ પુખ્ત ઉંમરની વ્યક્તિઓ સામે પણ તેણે મૂઠભેડ કરવી જોઈએ. તેની નજર ૨૦૦૯ના નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રીય સ્પર્ધા પર પડી. વચ્ચેના ગાળામાં બીજી ત્રણ નાની નાની સ્પર્ધાઓ થવાની હતી. જો એ બધાયમાં હારી જાય, તો પણ તેના આ ત્રણ વર્ષના દેખાવના આધારે તેને રમવાની તક તો આયોજકોએ આપવી જ પડે. તેણે કટેન્ડેને આ માટે વિનંતી કરી, પણ કટેન્ડેને લાગ્યું કે મોટાંઓ સાથે રમવાનો સમય હજુ ફિયોના માટે પાક્યો નથી. તે યુગાન્ડાના ઉચ્ચ કક્ષાના ખેલાડીઓ વિશે માહિતગાર હતો. તેણે ચેસના ખાં ગણાતા શાસ્ત્રીય વિવેચકો ઝિરેમ્બુઝી અને જોકીમની કલમે ચેસના માંધાતા જેવા ખેલાડીઓની આલોચના વાંચેલી હતી. ઘણા તો કમ્પ્યુટર પર ચેસ રમવાની તાલીમ લેતા હતા. તેની નજરમાં ફિયોનાએ આ માટે હજુ ઘણી લાંબી સફર કાપવાની હતી.
       પણ સ્પર્ધા શરૂ થવાની હતી તેના એક અઠવાડિયા પહેલાં ગલીએ તેને ફોન કર્યો,” નવેમ્બર માટે ફિયોનાનું નામ કેમ નોંધાવ્યું નથી?” રોબર્ટે એનાં કારણો દર્શાવ્યા, ત્યારે ગલીએ વળતાં કહ્યું,” તે ન પણ જીતે, પણ રમતમાં તે જે ઊંડાણથી રમી શકે છે તે જોતાં તેને મોટાંઓ સાથે રમવાની અને તેમની રમતનો અભ્યાસ કરવાની તક આપવી જ જોઈએ. કમ સે કમ એ ધુરંધર ખેલાડીઓને જરૂર આહ્વાન (Challenge) આપી દે તેવી રમત તો રમશે જ. કદાચ આવતા વર્ષે તે સારો દેખાવ કરી પણ શકે.” રોબર્ટે કમને ગલીની વાત સ્વીકારી. તેણે ફિયોનાને આ વાત કરી, ત્યારે તેને આનંદ તો થયો જ અને સાથે થોડીક ગભરામણ પણ. આ વખતે તેને ખરેખર મોટા માથાંઓ સાથે મગજમારી કરવાની થવાની!
     છેવટે એ સ્પર્ધા આવી પહોંચી. કહેવાની જરૂર છે ખરી કે, આ ગાળામાં ખેલાયેલી બાળકો માટેની બીજી ત્રણ સ્પર્ધાઓમાં કોઈ ફિયોનાને હરાવી શક્યું ન હતું?! આ સ્પર્ધા ત્રણ મહિનાના ગાળા પર પથરાયેલી હતી. દરેક શનિવારે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે રમત યોજાઈ હતી. ભાગ લેનાર ખેલાડીઓમાં દસ મહિલાઓ હતી અને તેમની વચ્ચે રાઉન્ડ રોબીન ફોર્મેટમાં રમતો રમાવાની હતી. તેમાંથી પાંચ શ્રેષ્ઠ મહિલાઓ ૨૦૧૦માં રશિયા ખાતે રમાનાર ‘મહિલા ચેસ ઓલમ્પિયાડ’ માટે Qualify થવાની હતી.
    આમ ફિયોના કુલ નવ રમતો રમી. પહેલા બે શનિવારોએ તો રોબર્ટ એ સ્પર્ધા જોવા જઈ શક્યો ન હતો, પણ બન્ને દિવસોએ આવીને ફિયોનાએ પોતે જીત્યાના સમાચાર તેને આપ્યા. રોબર્ટને એમ કે એ તો નબળી ખેલાડીઓ હશે. તેણે એ રમતોમાં ખેલાયેલી ચાલોનું પત્રક જોયું અને તેને ખ્યાલ આવી ગયો કે ફિયોનાની રમત જોરદાર(!) હતી. તેણે રમેલી પાંચ રમતોમાંથી તે ત્રણ જીતી હતી, એકમાં સામા ખેલાડીને ડ્રો કરવાની ફરજ પાડી હતી; અને માત્ર એકમાં જ તે હારી હતી. ગલીએ ફોન કરીને રોબર્ટને કહ્યું,” અરે! ફિયોના ચોક્ક્સ ઓલમ્પિયાડમાં જવા માટે સિલેક્ટ થશે જ. – બાકીની ચાર રમતોમાં તે હારી જાય તો પણ.”
     રોબર્ટ આ વાત માની જ ન શક્યો! ‘ગંદી ગોબરી, ૧૦x૧૦ની ઝૂંપડીમાં રહેનારી, હજુ ૧૩ જ વરસની આ બલા રશિયા જશે?!’ અને બધી રમતો પતી., ત્યારે ફિયોના બીજા નંબરે આવી હતી. એક બહુ જ જાણીતી અને કસાયેલી મહિલા ખેલાડીએ તો પોતાની પ્રતિષ્ઠા ના જોખમાય તે માટે ફિયોનાને ડ્રો કરવા વિનંતી કરી હતી! રીટા નસુબુગા નામની જાણીતી મહિલાએ તો કહ્યું પણ ખરું,” રશિયા ઓલિમ્પિયાડ માટે ક્વોલિફાય થવાનું હતું, એટલે અમે બધાં બહુ જ ઉત્તેજનાથી રમતાં હતાં. પણ ફિયોનાનું લક્ષ્ય તે તરફ હતું જ નહીં. તે તો નિશ્ચિંતતાથી રોજની જેમ જ રમી રહી હતી. તેની સ્વસ્થતા (poise) જોતાં મને ખરેખર તેનો ડર લાગી રહ્યો હતો.” બીજી ખેલાડીઓએ પણ કબૂલ કર્યું કે, ‘ફિયોના ખરેખર એક (Threat) છે!
    છેવટે યુગાન્ડાની મહિલાઓને ખાસ ઉત્તેજન આપવા FIDE વતી જાહેર કરવામાં આવ્યું કે, ‘આ દસે દસ મહિલાઓને ઓલમ્પિયાડ જવા માટેનો બધો ખર્ચ તે ઉપાડશે.’ આ જાહેરાત બાદ સ્પોર્ટ્સ આઉટરીચના પ્રમુખ, રોડની સુદિથે રોબર્ટને પણ આ બધાંના ટીમ કેપ્ટન તરીકે મોકલી શકાય તે માટે ફાળો ઉઘરાવવાનું શરૂ કરી દીધું. આમ ફિયોનાના પ્રતાપે રોબર્ટ કટેન્ડેની પણ પહેલી વિદેશ સફર નક્કી થઈ ગઈ!
      સપ્ટેમ્બર-૨૦૦૯ ની શરૂઆતમાં યુનિવર્સલ જુનિયર પ્રાઈમરી સ્કૂલના આચાર્યને સાતમા ધોરણમાં ભણતી ફિયોના મુતેસીને એક મહિના માટે રશિયાની ઓલિમ્પિયાડમાં ભાગ લેવા માટે શાળાની હાજરીમાંથી મુક્તિ આપવા માટે વિધિસરનો કાગળ મળ્યો, ત્યારે તેની ડઝન કોપી કરીને તેણે દરેક વર્ગમાં એ ચિટકાડાવ્યો!
ધૂળિયા શાળાનું
એક ધૂળધોયું રતન
દુનિયાના બીજા છેડે
છેક…
રશિયા પહોંચી જવાનું હતું.
        ફિયોનાના વર્ગ શિક્ષકે બોર્ડની ઉપર દુનિયાનો નકશો પાથરી છોકરાંવને પૂછ્યું,” બોલો! કોણ આ નકશામાં રશિયા બતાવી શકશે?” તેત્રીસમાંથી ચાર જ જણાંએ હાથ ઊંચો કર્યો – અને એમાં ફિયોના ન હતી!
       યુગાન્ડાની ટીમ રશિયા જવા નીકળવાની હતી, તેના આગલા દિવસે પત્રકાર પરિષદમાં યુગાન્ડાની રમતગમતની સંસ્થાના ચેરમેન જોસેફ કમ્મુએ કહ્યું,” ૧૯૭૨ની સાલમાં આપણો એક દેશવાસી જહોન અક્કી બુઆ મ્યુનિચ ઓલમ્પિકની Hurdle race માં દોડ્યો, ત્યારે કોઈને સ્વપ્ને પણ કલ્પના ન હતી કે, તે યુગાન્ડાનો પહેલો સુવર્ણ ચન્દ્રક જીતી લાવશે. તમે સૌ જ્યારે ઠંડાગાર સાઈબિરિયાના ખાન્તિ મન્સિયાસ્કની ધરતી પર પગ મૂકો, ત્યારે અક્કી બુઆને જરૂર યાદ રાખજો. તમે દસ જણ ત્યાં નથી જતાં- ત્રણ કરોડ યુગાન્ડનો તમારી સાથે હશે.’
      અને છેવટે આ દસ જણાં અને રોબર્ટ કટેન્ડેને લઈને વિમાને દોટ મેલી, ત્યારે ચેસ પ્રૉજેક્ટનાં છ બાળકો અને ફિયોનાનું આખું કુટુંબ તેને હાથ ઊંચા કરીને શુભેચ્છા પાઠવી રહ્યાં હતાં. નાઈટની ત્રણ વરસની દીકરી રીટા તો ગભરાઈને ચીસ પાડી ઊઠી, ‘ફિયા માસીને ‘મઝુન્ગુ’ (લુગાન્ડા ભાષામાં બાવો!) ઉપાડી જાય છે.”
       પહેલી વિમાની સફર માણી રહેલા કટેન્ડેને ફિયોનાએ મજાકમાં કહ્યું,” સર! પ્લેનમાં હું તમારી કોચ!”

1 ટીકા

Filed under Uncategorized

One response to “૧૮ કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૬, યુગાન્ડામાં જયજયકાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s