લોન વુલ્ફ: ભીડકે બીચ અકેલા/

લોન વુલ્ફ: ભીડકે બીચ અકેલા

અમાસની રાતે મા ચામુંડાના ધામ ચોટીલાને નિશાન બનાવવા માંગતા રાજકોટનાં લોન વુલ્ફ આતંકવાદી ઝડપાયાના સમાચાર ચોંકાવી ગયા. લોન વુલ્ફ ટેરરિસ્ટ એટલે એવો આતંક્વાદી જે હુમલાની તૈયારી અથવા તો ખરેખરો હુમલો એકલે હાથે કરે. એ સ્વાવલંબી હોય. કોઇ આતંક્વાદી સંગઠન તરફથી એને સીધી સહાય, માર્ગદર્શન કે હૂકમ મળતો નથી. અલબત્ત આવો હુમલાખોર કોઇ આતંકવાદી સંગઠનની વિચારસરણીથી પ્રભાવિત હોઇ શકે. એને લાગે કે એ જે કોઇ હિંસા કરવા જઇ રહ્યો છે એ કૃત્યથી એનાં પ્રેરણાસ્ત્રોત આતંકવાદી સંગઠનને મદદ થશે. લોન વુલ્ફ એટેક એણે પોતે પ્લાન કર્યો હોય છે. એની વ્યુહ રચના પણ એની પોતાની હોય છે. એ રીતે આવા લોન વુલ્ફ હુમલાની ભાળ મેળવવી અઘરી બની જાય કારણ કે રૂટીન ટેરરિસ્ટ સર્વેલિયન્સ નેટવર્કમાં આવી યોજના પકડાતી નહીં. સામાન્ય રીતે આવો એકલપંડો આતંક્વાદ પ્રચલિત નથી પણ હવે એવા કિસ્સાઓ વધતા જાય છે. ઇઝરાયેલની ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કાઉન્ટર ટેરરિઝમની એક રીસર્ચ અનુસાર વિશ્વભરમાં ઇસ્લામિક લોન વુલ્ફ ટેરરિઝમનાં હુમલા વધી રહ્યા છે. વધારે ને વધારે દેશો એનાં નિશાન બની રહ્યા છે. મરનારા અને ઘાયલ થનારાઓની સંખ્યા પણ વધી રહી છે. આર્મી સામે પણ આવા હુમલા થઇ રહ્યા છે. અલબત્ત આવા લોન વુલ્ફ એટેકને સમયસર અટકાવવાની કે આતંકવાદીઓને ઝબ્બે કરવાની તંત્રની સજ્જતા પણ વધી છે. ઘણી વાર એ કહેવું પણ મુશ્કેલ છે કે લોન વુલ્ફ હુમલો કરવામાં  કોઇ આતંકવાદી સંગઠનની મદદ મળી છે કે કેમ? આમ લાગે લોન વુલ્ફ હુમલો છે પણ પાછળથી ખબર પડે કે આ તો કોઇ આતંકવાદી સંગઠનની સાઝીશ હતી. વિકિપીડિયા અનુસાર ઘણી વાર તજજ્ઞ કે પોલિસ અધિકારી જાહેર કરે કે આઇએસઆઇએસ(ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા)ની વિચારસરણી અને ફિલસૂફીથી પ્રભાવિત થઇને કરવામાં આવેલી આ ‘લોન વુલ્ફ’  (Lone Wolf) આતંકવાદી ગતિવિધિ છે પણ પછીથી ખ્યાલ આવે કે ખરેખર આવા આતંકવાદી પ્રત્યક્ષ તાલીમ પામી ચૂક્યા હતા અથવા પરોક્ષ રીતે માર્ગદર્શન મેળવી રહ્યા હતા. રાજકોટનાં આ કિસ્સામાં આતંકવાદીઓ એના હેન્ડલરનાં સંપર્કમાં હતા અને એનાં ફોન રેકર્ડ પરથી ઝડપાયા હોવાનું તારણ છે. જો આવું હોય તો રાજકોટથી ઝબ્બે કરાયેલા આરોપીને લોન વુલ્ફ હુમલાખોરીની સાઝીશ કરનારો કહેવો ખોટું કહેવાશે. પણ સમાચારનો શબ્દ છે એટલે શબ્દસંહિતામાં આપણે લોન વુલ્ફ શબ્દની ઉલટતપાસ(!) કરવી જરૂરી છે.

ગુજરાતી લેક્સિકોન અનુસાર લોન (Lone) એટલે કે એકલું, અટૂલું, વસ્તી વિનાનું, એકાન્ત, નિર્જન, સાથરહિત, કોઈની અવરજવર વિનાનું. અને વુલ્ફ (Wolf) એટલે વરૂ. હિંદીમાં જેને ભેડિયા કહે છે. દેખાવે આમ જંગલી કૂતરા જેવા લાગે. વરૂની સરેરાશ જિંદગી સાત વર્ષની હોય છે. વરૂ ટોળામાં રહે, શિકાર કરે. પણ ટોળામાં નર વરૂ ઘરડો થાય ત્યારે પ્રજોત્પતિ કરવા તત્પર અન્ય જવાન નર વરૂ એને તગેડી મુકે. પછી એ એકલો પડી જાય. એથી વિપરીત ઘણાં એકથી ચાર વર્ષનાં વરૂ પોતે કાંઇ કરી બતાવવા પોતાનાં ટોળાથી છૂટા પડે. આમ પણ વરૂનાં ટોળામાં પ્રજોત્પતિ કરતી એક જ વીર્યવાન જોડી હોય છે. અન્ય જવાન નર વરૂએ કારનામુ કરવું હોય તો છૂટા પડવું જ પડે. આવા લોન વુલ્ફ વધારે મજબૂત, વધારે આક્રમક અને વધારે ખતરનાક બની જતા હોય છે. વરૂ ટોળામાં હોય ત્યારે સાથે મળીને ખરીવાળા સસ્તન પ્રાણીઓ જેવા કે હરણ કે ગધેડાંનાં શિકાર કરે છે. જો કે લોન વુલ્ફ વધારે આક્રમક હોય તો પણ એને માટે પોતે એકલો હોવાને કારણે આવા શિકાર કરવાનું શક્ય બનતું નથી એટલે એ નાના પ્રાણીઓ જેવા કે ઘેટાંબકરા કે ડુક્કરનાં શિકાર કરે છે. આ અલબત્ત લોન વુલ્ફ પ્રાણીની વાત છે. લોન વુલ્ફ જેવા એકલવાયા માણસને પણ લોન વુલ્ફ કહેવાય છે. માત્ર આતંકવાદ કરતા હોય એ જ લોન વુલ્ફ કહેવાય એવું નથી. સાહિત્યમાં, વાર્તાઓમાં કોઇ પાત્રનો સ્વભાવ જ અન્તર્મુખી હોય, જેને એકાંત પસંદ હોય, ભીડ જેને કઠે, એ બીજા સાથે પનારો પાડી શકવા અક્ષમ હોય અથવા તો સંબંધ બાંધવાની, નિભાવવાની એને મુદ્દલ ઇચ્છા જ ન હોય એવું પાત્ર લોન વુલ્ફ કહેવાય. લોન વુલ્ફ ઓછાબોલો હોય, અબોલો પણ હોય. આ સંજોગોમાં કોઇનાં સાથ વિના આતંક્વાદી હુમલો કરતો આતંકવાદી જ લોન વુલ્ફ કહેવાય એવું જરા ય નથી. સાવ અહિંસક પણ સ્વભાવે એકલાગ્રહી હોય એને પણ લોન વુલ્ફ કહેવાય છે. ઓક્સફોર્ડ ડિક્સનરી અનુસાર લોન વુલ્ફનો સાદો સીદો અર્થ થાય છે એવો માણસ જેને એકલો રહેવાનું કે એકલો કામ કરવાનું પસંદ છે. એટલે કોઇ માણસ ભીડકે બીચ અકેલા હોય, લોન વુલ્ફ હોય તો હોય, બોલો એમાં કાંઇ ખોટું શું છે? આમ પણ બોલીને બગાડવા કરતા એકલા રહેવું તો સારું છે.

લોન વુલ્ફ છીએ એવી ખબર શી રીતે પડે? રજામાં જેને ઘરે રહેવાની મઝા પડે. અથવા એકલા ફરવા નીકળી પડે તો ય મઝા આવે. કોઇ અજાણ્યા લોક સાવ અમસ્તી વાતો કરે કે ટોળટપ્પા કરે તો એ અકળાઇ જવાય. એને લાગે કે આ બધા સાવ લેવલ વગરનાં માણસો છે. અઠવાડિયું વીતી જાય પણ એને કોઇ ફોન ના કરે કે  કોઇ મેસેજ ના મોકલે અને તેમ છતાં એને કોઇ અજુગતું ના લાગે. એક્લાં રહેવું અલબત્ત જરા ય અજુગતું નથી. લોન વુલ્ફ સામાન્ય રીતે કલા ક્ષેત્રે અલૌકિક બુદ્ધિપ્રતિભા ધરાવે છે. સામાન્ય સામાજિક પ્રણાલિઓથી એ પર હોય છે. એની નીતિરીતિ ગહન હોય છે. એ બંડખોર હોય છે. એની મુશ્કેલી એ હોય કે એ કોઇની મદદ લઇ શકતા નથી. પોતાની લાગણીઓ, અંતરનાં ઉમળકાને દબાવી રાખે છે એટલે ઘણી વાર ડિપ્રેશનમાં રહે છે. પણ પ્લસ પોઇંટ એ છે કે લોન વુલ્ફ મુક્ત વિચારસરણી ધરાવે છે. એ સ્વનિર્ભર હોય છે. પોતે જે ધારે તે કરી શકે છે. ફ્રેંચ ગણિતજ્ઞ અને ભૌતિકશાસ્ત્રી બ્લૈઝ પાસ્ક્લનાં મતે માનવ મન બેબસ એટલે છે કે એ એક શાંત ઓરડામાં એ ઠરીને બેસી શકતો નથી. માટે ગમતું મળે તો એને ગુંજે ભરતા રહીએ. ગમતાંનો ગુલાલ કર્યા કરવો જરૂરી નથી !

 

શબ્દ શેષ:

“ઘેંટાનાં અભિપ્રાયોથી વરૂની ઊંઘ હરામ થતી નથી. જાતમાં શ્રદ્ધા રાખો. તમે કોઇ પણ કામ પાર પાડી શકશો.” –અજ્ઞાત

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized

6 responses to “લોન વુલ્ફ: ભીડકે બીચ અકેલા/

 1. વિસ્તૃત છણાવટ સાથેનો અભ્યાસપૂર્ણ લેખ. પ્રજ્ઞાબહેન! ગુજરાતી નેટ જગતને – ગુજરાતી બ્લૉગિંગમાં આવા માહિતીપૂર્ણ લેખ બહુ જ ઓછા જોવા મળે છે.
  ગુજરાતી ભાષામાં આવા અભ્યાસપૂર્ણ લખાણો ગુજરાતી નેટ જગતને સમૃદ્ધ કરશે અને આવનારી ગુજરાતી પેઢીઓ આવા લેખોમાંથી ઊંડું જ્ઞાન મેળવશે…. આપના ઉમદા કાર્ય માટે મને માન છે.

 2. આતંકવાદી લોન વુલ્ફ રાજકોટમાંથી પકડાયો એ નવાઈ જેવું લાગે છે ! એમ કહેવાય છે કે જે બહુ બોલે નહિ એ બોળી મારે !
  લોન વુલ્ફ- એકાકી વરુ -વિષે વિશ્લેષણ આ લેખમાં કરીને એનો શબ્દાર્થ સુંદર રીતે સમજાવ્યો છે.

 3. now i can understand many around us are lone wolf..!!!
  “ઘેંટાનાં અભિપ્રાયોથી વરૂની ઊંઘ હરામ થતી નથી. જાતમાં શ્રદ્ધા રાખો. તમે કોઇ પણ કામ પાર પાડી શકશો.” –અજ્ઞાત

  • pragnaju

   હજુ પણ અમુક ગામડાઓમાં નાર, નાઓર ,ભેડીયો, કે વરૂ જે કહો તેનો ત્રાસ બહુ હોય.રાત પડે કે,બકરી કે ઘેંટાના બચ્ચા અથવા નાના વાછરડાને ખાવા માટે વરૂ ખેંચી જાય અને કાંઈ હાથ ન લાગે તો કુતરા તાણી જાય.એટલે એક ભરવાડને ઘેટાં સાથે રાખવાનો વિચાર આવ્યો ત્યારે મુખીએ સમજાવ્યું કે ઘેંટાનાં અભિપ્રાયોથી વરૂની ઊંઘ હરામ થતી નથી
   સ્વામી સચ્ચિદાનંદજી જેવા અનુભવી સંતો પણ કહે છે કે જ્યાં સુધી ઘેટા જેમ આપણામા અન્યાય સામે લડવાની શક્તિ નથી ત્યાં સુધી વરુઓ ની ઊંઘ હરામ થતી નથી
   ધન્યવાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s