મદ્રાસના મોઝાર્ટ એ આર રહમાન…/નરેશ કાપડીઆ

15894412_1388832127795859_680978647139497173_n

 

 

મદ્રાસના મોઝાર્ટ એ આર રહમાન (૪૯ વર્ષના જીવનમાં કેટલું કરી શકાય?)

ભારતીય સિનેમાના સૌથી સફળ અને માનવંત સંગીતકાર, ગાયક, ગીતકાર, સંગીત નિર્માતા અને દાનવીર એ. આર. રહમાન આજે ૪૯ વર્ષના થશે. ૬ જાન્યુઆરી, ૧૯૬૭ના રોજ આજના ચેન્નાઈ કહેતાં મદ્રાસમાં એ. એસ. દિલીપ કુમાર નામે જન્મેલા રહમાનને દુનિયા ‘મોઝાર્ટ ઓફ મદ્રાસ’ કહીને માન આપે છે. તેઓ પૂર્વીય (ભારતીય) શાસ્ત્રીય સંગીતને ઈલેક્ટ્રોનિક મ્યુઝિક, વર્લ્ડ મ્યુઝિક અને પારંપરિક ઓર્કેસ્ટ્રા એરેંજમેન્ટસ સાથે જોડે છે. તેઓ આપણા એક માત્ર એવા સંગીતકાર છે જેમને બે ઓસ્કાર એવોર્ડ, બે ગ્રેમી એવોર્ડ્સ ઉપરાંત પ્રતિષ્ઠિત બાફ્ટા એવોર્ડ, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ, ચાર નેશનલ ફિલ્મ એવોર્ડ્સ અને પંદર ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે. સરકારે તેમને ૨૦૧૦ માં પદ્મભૂષણના સન્માનથી નવાજ્યા છે. તમિલ સમકાલીનો અને પ્રશંસકો રહમાનને ‘ઈસાઈ પુયાલ’ યાને ‘સંગીતનું તોફાન’ કહીને સંબોધે છે. ૨૦૦૯માં ટાઈમ મેગેઝીને રહમાનને ‘જગતના સૌથી અસરકર્તા લોકો’ની યાદીમાં સમાવ્યા હતા. યુકે ના વર્લ્ડ મ્યુઝિક મેગેઝીન ‘સોંગલાઈન્સ’એ રહમાનને ‘આવતી કાલના વિશ્વ સંગીત આઇકોન’ રૂપે ૨૦૧૧માં વર્ણવ્યા હતા.

નેવુંના દાયકાના પૂર્વાર્ધમાં ચેન્નાઈના ઘરમાં જ બનેલા ‘પંચાથાન રેકોર્ડ ઇન’માં રહમાનની ફિલ્મોમાં સંગીત આપવાની યાત્રા તમિલ ફિલ્મ ‘રોજા’થી શરૂ થઇ હતી. આપણે પણ તેમની પહેલી હિન્દી ફિલ્મ ‘રોજા’ના સંગીતથી મંત્રમુગ્ધ થયાં હતાં. ત્યારથી લઇને આજે રહમાન ભારતીય ફિલ્મ ઉદ્યોગ, આંતરરાષ્ટ્રીય સિનેમા અને રંગમંચ પર સંગીતનું એવું કામ કરે છે જેને માટે ‘ઓલ ટાઈમ બેસ્ટ-સેલિંગ રેકોર્ડિંગ આર્ટીસ્ટ’ જેવા શબ્દો વપરાય છે. તેમના બે દાયકાની સંગીત કરિયરમાં રહમાને આધુનિક સિને સંગીતનો નવો અર્થ આપ્યો છે અને અનેક ફિલ્મોની સફળતામાં સાથ આપ્યો છે. બીજી બાજુ રહમાન એક નોંધપાત્ર માનવીય અને દાન ધર્મ કરનારી વ્યક્તિ રૂપે પણ ઉભરી આવ્યા છે. તેઓ સંખ્યાબંધ હેતુઓ માટે ચેરીટીના કાર્યો કરે છે.

ચેન્નાઈમાં પિતા તમિલ અને મલયાલમ ફિલ્મોના સંગીતકાર આર.કે. શેખરને ત્યાં જેન્મેલા એ.એસ. દિલીપ પિતાના સંગીત સહાયક અને કી-બોર્ડ પ્લેયર હતા. પિતાજીનું નિધન થયું ત્યારે રહમાન નવ વર્ષના હતા. તેમના પિતાજીના સંગીતના સાધનો ભાડે આપીને તેમનો પરિવાર ગુજારો કરતો હતો. કસ્તુરી રૂપે જન્મેલા અને કરીમા બનેલા માતાએ રહમાનને ઉછેર્યા. કી-બોર્ડ પ્લેયર અને રૂટ્સ જેવા બેન્ડ્સના અરેન્જર રહેતાં રહમાને ચેન્નાઈમાં ‘નેમેસિસ એવેન્યુ’ નામનું રોક ગ્રુપ સ્થાપ્યું હતું. રહમાને કી-બોર્ડ, પિયાનો, સીન્થેસાઈઝર, હાર્મોનિયમ અને ગિટારમાં મહારથ હાંસલ કરી. તેઓ સીન્થેસાઈઝરમાં સૌથી વધુ રસ ધરાવતા હતા કારણકે તે ‘સંગીત અને ટેકનોલોજીનો આદર્શ સમન્વય કરતું વાદ્ય’ બનતું હતું.

નાનપણમાં રહમાને માસ્તર ધનરાજ પાસે તાલીમ લીધી હતી, ૧૧ વર્ષની ઉમરે તો તેઓ મલયાલમ સંગીતકાર અર્જુનનની ઓર્કેસ્ટ્રામાં વગાડતા હતા. તેઓ મોટા મોટા સંગીતકારો સાથે વગાડતા થઇ ગયા. લંડનની ટ્રીનીટી કોલેજ ઓફ મ્યુઝિક દ્વારા રહમાનને સ્કોલરશિપ મળી. રહમાને ‘વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક’માં ચેન્નાઈથી ડીપ્લોમા મેળવ્યો. તેમની નાની બેન ગંભીર રીતે બીમાર હતા ત્યારે રહમાનને ૧૯૮૪માં ‘કાદીરી ઇસ્લામ’નો પરિચય થયો. તેમણે અને પરિવારે ૧૯૮૯માં તેમની માતાનો ધર્મ અંગિકાર કર્યો અને ૨૩ વર્ષીય આર.એસ. દિલીપ કુમાર બન્યા અલ્લાહ રખા રહમાન.

શરૂઆતમાં રહમાન ભારતીય ટેલીવિઝન માટે દસ્તાવેજી ફિલ્મો અને જાહેરાતોના જિંગલ તૈયાર કરતા. ‘ઓલ્વીન’ના વિવિધ ઉત્પાદનો માટેની જાહેરાતોમાં રહમાનનું સંગીત હતું. ટાઈટન વોચીસની લોકપ્રિય જિંગલમાં રહમાને મોઝાર્ટની ૨૫ નંબરની સિમ્ફોની વાપરી હતી. ૧૯૯૨ માં દિગ્દર્શક મણિ રત્નમે તમિલ ફિલ્મ ‘રોજા’નું સંગીત સોંપ્યું. તેમણે પોતાના જ વાડામાં સંગીત સ્ટુડીઓ બનાવ્યો જે આજે ભારતનો સૌથી આધુનિક રેકોર્ડિંગ સ્ટુડીઓ છે તો તે એશિયાના સૌથી વધુ સગવડ ધરાવતા હાઈ-ટેક સ્ટુડીઓમાંનો એક છે. ‘રોજા’ને બીજે વર્ષે નેશનલ રજત કમલ એવોર્ડ મળ્યો. પછી મોહનલાલ અભિનીત ‘યોધા’માં સંગીત આપ્યું. પછી અનેક તમિલ ફિલ્મો આવી. રત્નમની ‘બોમ્બે’ આવી, જેની ૧૨ મિલિયન કોપી વેચાઈ! દીપા મેહતાની ‘ફાયર’ આવી, રામ ગોપાલ વર્માની ‘રંગીલા’ આવી, જે રહમાનની પહેલી હિન્દી ફિલ્મ ગણાય. ‘દિલ સે..’ અને ‘તાલ’થી તો રહમાન ટોચ પર પહોંચી ગયા. ગોવારીકરની ‘સ્વદેશ’ અને આમીર ખાનની ‘રંગ દે બસંતી’ને જોરદાર સફળતા મળી. જાવેદ અખ્તર, ગુલઝાર અને દક્ષિણના ટોચના ગીતકારોની રચના તેમણે સંગીતબદ્ધ કરી. ‘જેન્ટલમેન’, ‘ઇન્ડિયન’, ‘જીન્સ’, ‘નાયક’, ‘બોય્સ’ પણ જોરદાર રહી.

પછી વિદેશી ફિલ્મોનો દૌર શરૂ થયો. ‘વોરિયર્સ ઓફ હેવન એન્ડ અર્થ’ (૨૦૦૩)માં તેમણે ચાઈનીઝ અને જાપાનીસ ક્લાસિકલ મ્યુઝિક વગાડ્યું ને એવોર્ડ મેળવ્યાં. ‘વારાલ્રું’ (ગોડ ફાધર) ૨૦૦૬માં આવી. શેખર કપૂરની બ્રિટીશ ફિલ્મ ‘એલીઝાબેથ’ (૨૦૦૭)માં તેઓ એશિયન ફિલ્મ એવોર્ડ જીત્યા. હવે તેઓ ભારત-એશિયાના સંગીતનો ચહેરો હતા. ‘ઈનસાઈડ મેન’, ‘લોર્ડ ઓફ વોર’, ‘ડીવાઈન ઇન્ટરવેન્શન’ કે ‘ધ એસ્ક્સીડેન્ટલ હસબંડ’થી તેઓ જગતમાં છવાયા. ‘કપલ્સ રીટ્રીટ’ માટે વધુ એક આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો અને ‘સ્લમડોગ મિલિયોનેર’ (૨૦૦૯) માટે બે ઓસ્કાર અને ગોલ્ડન ગ્લોબ મેળવનાર રહમાન પહેલાં એશિયન બન્યા. દેશમાં ‘જોધા અકબર’ એ ડંકો વગાડ્યો. હવે તેઓ વિદેશી ફિલ્મો અને દર વર્ષે વર્લ્ડ મ્યુઝીકલ ટુરમાં રત રહે છે.

એ. આર. રહમાનના યાદગાર ગીતો: દિલ હૈ છોટા સા, રોજા જાનેમન, યે હસીં વાદિયા યે ખુલા આસમાન – (રોજા), હમ્મા હમ્મા, કેહના હી ક્યા યે દિલ અને તુ હી રે – (બોમ્બે), ચલ છૈયા છૈયા, જીયા જલે જાન જલે, સતરંગી રે – (દિલ સે..), બુંદો સે બાતે – (તક્ષક), ઈશ્ક બિના ક્યા જીના યારો, તાલ સે તાલ મિલા, કહીં આગ લગે લગ જાયે, તુ રમતા જોગી – તાલ.

સિતારા – નરેશ કાપડીઆ

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “મદ્રાસના મોઝાર્ટ એ આર રહમાન…/નરેશ કાપડીઆ

  1. થોડી માહિતી જાણતો હતો. આ પોસ્ટથી વધુ માહિતી મળી.

  2. દિલ હૈ છોટા સા..મારું બહુ જ પ્રિય ગીત – અને બહુ જ ગમતીલી ફિલ્મ – રોજા

  3. એ. આર. રહમાનનું નામ સંગીતની દુનિયામાં આજે ખુબ મશહુર બન્યું છે. એમની ફિલ્મી સંગીતની કારકિર્દી ફિલ્મ રોઝાથી શરુ થઇ . આ ફિલ્મ મેં જોઈ હતી. એનું સંગીત બીજા સંગીતકારો કરતાં કૈંક જુદું અને નવીનતા ભર્યું છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s