બ્રેન ફૅડ : હંગામી શૂન્યમનસ્કતા/પરેશ વ્યાસ

બ્રેન ફૅડ : હંગામી શૂન્યમનસ્કતા

મગજમાં અસીમ માહિતીનો સંગ્રહ થયેલો છે. પણ જોઇએ ત્યારે એ માહિતી પાછી મળી જાય એવું ન પણ બને. પોતાની જાતને બહુ ગંભીરતાથી ના લેવી જોઇએ

ઓસ્ટ્રેલિયા જે રમે છે ધેટ ઇઝ જસ્ટ નોટ ક્રિકેટ. ‘જસ્ટ નોટ ક્રિકેટ’ એક મુહાવરો છે. કોઇ કૃત્ય ગેરવાજબી, અજુગતુ કે અનુચિત હોય કે કોઇ નીતિરીતિ કપટી, દંભી કે કુટિલ હોય તો એને જસ્ટ નોટ ક્રિકેટ કહે છે. માત્ર ક્રિકેટ માટે જ એ લાગુ પડે છે એવું નથી. રાજકારણમાં ચૂંટણી ટાણે કોઇ ખમતીધર પક્ષની ટિકિટ મેળવવા હું પૂર્ણત: લાયક હોઉં પણ જો ટિકિટ કોઇ ક્રિમિનલ બેકગ્રાઉન્ડવાળા ઉમેદવારને મળે તો હું બળાપો કાઢું કે ધીસ ઇઝ નોટ ક્રિકેટ. ક્રિકેટ એ સદ્ગૃહસ્થની રમત કહેવાતી હતી એટલે એમાં કોઇ ચીટિંગ કરે જ નહીં. નીતિ અનુસાર, નિયમ અનુસાર રમવું એ ક્રિકેટ. પણ હવે એવું રહ્યું નથી. હવે લુચ્ચાઇ કરવી, લુચ્ચાઇ કર્યા કરવી એ જગતની રીત છે. હવે તો કોઇ વાજબી કે ઉચિત વાત કરે; નેક કે નિષ્કપટ કામ કરે તો કહેવાય કે આ ક્રિકેટ નથી. અથવા એમ કહો કે પ્રેમ અને જંગ… અને ક્રિકેટમાં બધું જ જાયજ છે !

આમ તો આપણે પૂણેની પહેલી ટેસ્ટ મેચમાં બેહદ પૂરી રીતે હાર્યા હતા. પૂણેની પિચ મોટે સપાડે ટર્નિંગ બનાવી જેથી આપણાં સ્પિનર્સને ફાયદો થાય. પણ આપણે ભૂલી ગયા કે ટીમ ઓસ્ટ્રેલિયામાં પણ સ્પિન બોલર્સ છે. એમની સ્પિન બોલિંગ સામે ભારતીય બેટ્સમેન ટકી શક્યા નહીં અને માત્ર ત્રણ દિવસમાં ૩૩૩ રનથી હારી ગયા.

આઇસીસીનાં મેચ રેફરી ક્રિસ બ્રોડે રીપોર્ટ આપ્યો કે પૂણેની પિચ ઉણપવાળી પિચ હતી. હિન્દુસ્તાન ટાઇમ્સનાં અહેવાલ મુજબ મેચ શરૃ થતા પહેલાં ભારતીય ટીમનાં સિનિયર સભ્યોએ પિચની પ્રીપરેશનમાં દખલગીરી કરવાનું શરૃ કર્યું હતું. અને આમ ટર્ન લેતી પિચ બનાવવા જતા આખી પિચ ખામીવાળી પિચ બની ગઇ. આ આપણી જસ્ટ-નોટ-ક્રિકેટ ચેષ્ટા હતી. પછી તો હાથના કર્યા હૈયે વાગ્યા અને ટર્ન થતા દડે આપણાં ડાંડિયા ડૂલ થયા. બેંગ્લોરની બીજી ટેસ્ટમાં પણ એમ જ થવા જઇ રહ્યું હતું. શરૃઆતમાં આપણા હાલત ખસ્તા જ હતી. પણ પછી બે કાઠિયાવાડી ખેલાડીઓ પૂજારા અને જાડેજાએ ખમીર બતાવ્યું અને છેલ્લે અશ્વિનનાં કાંડાની કરામતે બીજી ટેસ્ટ જીતાડી. એમાં એક બનાવ બન્યો.

ભારતીય બોલર ઉમેશ યાદવનાં દડે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન સ્મિથ એલબીડબલ્યૂ આઉટ થયો. ઓન-ફીલ્ડ અમ્પાયરનાં નિર્ણયને ડીઆરએસ (ડીસિશન રીવ્યૂ સિસ્ટમ)થી પડકારી શકાય છે. પણ માટે મેદાનમાં પોતાનાં પાર્ટનર ખેલાડી સાથે જ ચર્ચા કરી શકાય. પેવેલિયન તરફ જોઇને ઇશારાબાજી ન કરી શકાય. એમ કરે તો એ ચીટીંગ થયું. ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથ ડ્રેસિંગ રૃમ તરફથી કોઇ ઇશારાની રાહ જોઇ રહ્યો હતો અને કોહલીએ અમ્પાયરને અપીલ કરી. અમ્પાયરે અપીલ માન્ય રાખી અને આઇસીસીનાં નિયમો અનુસાર ઓસ્ટ્રેલિયાને ડીઆરએસ આપવાની ના પાડી. મેચ પછીની પત્રકાર પરિષદમાં કોહલીએ આ બનાવને મોઘમ રીતે ચીટીંગ જ કહ્યું. સ્મિથે પોતાનો બચાવ કરતા કહ્યું કે આ તો બ્રેન ફૅડ (મ્ચિૈહ ખચગી) હતું. પણ પછી સાચી વાત સમજાઇ એટલે મેદાન છોડી દીધું. શું છે આ શબ્દ બ્રેન ફૅડ ?

બ્રેન તો આપણે જાણીએ છીએ. મગજ. મગજ હોય ત્યાં મગજમારી પણ હોય જ ! બ્રેન ફૅડ એટલે હંગામી રીતે બંધ થઇ જવું. વિચારશૂન્ય અથવા શૂન્યમનસ્ક. કોહલીએ જો કે પોતે ‘બ્રેન ફૅડ’ની વ્યાખ્યા સ્મિથ એન્ડ કંપનીને બખૂબી સમજાવી. એણે કીધું કે પહેલી ઇનિંગમાં બોલરે ફેંકેલો દડો સ્ટમ્પની બહાર જાય છે એમ સમજીને એણે બોલને છોડી દીધો’તો પણ બોલે તો ભારે કરી. એ તો લાગટ અંદર આવ્યો અને સ્ટમ્પ ઊડાડતો ગયો. હું આઉટ થયો એ હતું મારું બ્રેન ફૅડ. મગજે ટેમ્પરરીલી વિચારવાનું બધ કરી દીધુ’તું. પણ તમે આઉટ થાવ ત્યારે કંઇક સગડ મેળવવા માટે આમ ડ્રેસિંગ રૃમ તરફ જુઓ તે કાંઇ બ્રેન ફૅડ ના કહેવાય. એ તો ચોરી કરીને પાસ થવાની કોશિશ કહેવાય.

મૂળ લેટિન શબ્દો ‘ફેટયુસ’ (નાદાન, બેસ્વાદ) અને ‘વેપિડસ’ (રસહીન, નીરસ)ને જોડીને શબ્દ બન્યો ‘ફેટિડસ’. એની પરથી ફ્રેંચમાં ફેઇડર અને ઇંગ્લિશમાં ફૅડ શબ્દ બન્યો. ગુજરાતી લેક્સિકોન અનુસાર ફૅડનો અર્થ થાય છે નમી પડવું, કરમાવું, સુકાવું, મ્લાન થવું, ફીકું કે ઝાંખું પડવું અથવા પાડવું, ધીમે ધીમે લોપ પામવું, તાજગી અથવા રંગ ઊડી જવો, (સિનેમા) ચિત્ર ધીમે ધીમે દેખાવા લાગે કે દેખાતું બંધ થાય તેમ કરવું, અવાજ સંભળાવા લાગે કે સંભળાતો બંધ થાય તેમ કરવું કરમાવું તે. બ્રેન ફૅડ એટલે થોડી વાર માટે ધ્યાન કેન્દ્રિત ના કરી શકાય અથવા સ્પષ્ટ રીતે વિચારી ના શકાય એવો અનુભવ.

બ્રેન ફૅડ ક્યારે થાય ? જાહેરમાં બોલવા જઇએ ને મગજ સાવ બહેર મારી જાય. લખતા હોઇએ ને કાંઇ સૂઝે નહીં . વાત કરતા હોઇએ પણ કોઇ અગત્યની વાત ટાણે યાદ આવે જ નહીં. કાંઇ શોધતા હો પણ સુઝે નહીં. શું હશે ? ભૂલવાનો રોગ ? કે પછી મગજની ગાંઠ ? અનેક નબળાં વિચાર આવી જાય. આપણે સમજી લેવું કે બ્રેન ફૅડ નોર્મલ છે. વિરાટ કોહલીને ય થતું હોય તો આપણને ય થાય. મગજનું ઓવરલોડિંગ થાય ત્યારે આવું થાય. મગજમાં અસીમ માહિતીનો સંગ્રહ થયેલો છે. પણ જોઇએ ત્યારે એ માહિતી પાછી મળી જાય એવું ન પણ બને. પોતાની જાતને બહુ ગંભીરતાથી ના લેવી જોઇએ. ક્યારેક ભૂલી જવાય. જાત પર હસી લેવું. આ બધુ હંગામી છે.

પોતાનાં લક્ષ્ય પણ હંગામી રીતે ચેન્જ કરી શકાય. આ અગાઉ તમે કરેલ પ્રશંસનીય કાર્યો યાદ કરી લેવા. તમારી ક્ષમતા છે જ. આ બધું તો કામચલાઉ છે. ઊંડા શ્વાસોછ્વાસ, પ્રાણાયામ મદદ કરી શકે. યાદ રાખવા જેવું લખી રાખવું. શબ્દોનાં મહારથી કવિ રમેશ પારેખ પણ પોતાનું પ્રવચન લખીને લાવતા. એમાં કાંઇ વાંધો નથી. તમારા મગજને ભલીભાંતિ ઓળખો છો. તમારી સાથે અપ્રિય ઘટના બની હોય એનાં ઓછાયા સતત પડતા રહે છે. કોઇ વણઉકેલ સમસ્યા કેડો મૂકતી નથી. જાતની સંભાળ જરૃરી છે. હરવાફરવા ય જઇ શકાય. અને છતાં ચિંતાની બિમારી (એન્ઝાઇટી) છ મહિનાથી વધારે રહે અથવા ઉદાસીની બિમારી (ડિપ્રેશન) બે અઠવાડિયાથી વધારે રહે તો દાકતરી સલાહ લઇ શકાય.

બ્રેન ફૅડ એ હંગામી ઘટના છે. પણ એક દિ આખું બોડી કાયમી રીતે ફૅડ થવાનું છે. રાત્રે સુંદર અવાજે ગાતા પક્ષી નાઇટિંગલ વિષે ઉર્મિકાવ્યમાં મહાન કવિ જ્હોન કિટ્સ આ જ વાત કરે છે. સ્વપ્ન અને હકીકત, પ્રસન્નતા અને પીડા, કલ્પના અને કોમન સેન્સ વચ્ચે જીવનસંગ્રામ છે. કવિ આખરી પંક્તિઓમાં લખે છે કે અલવિદા.. અલવિદા. આ ગમગીન ગીત હવે ધીમે ધીમે ફૅડ થતું જાય છે. ઘાસના મેદાન કે સ્થિર ઝરણાંને પેલે પાર ક્યાંક એનો અવાજ ધરબાઇ ગયો છે. શું આ આભાસ છે કે દિવાસ્વપ્ન ? સંગીત તો જતુ રહ્યું છે. હું જાગ્રત છું કે હજી સૂતો છું ?

શબ્દશેષ
”દિલ કહે એમ કરો પણ મગજને સાથે લેવાનું ભૂલશો નહીં.” – અજ્ઞાત

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “બ્રેન ફૅડ : હંગામી શૂન્યમનસ્કતા/પરેશ વ્યાસ

  1. મજાની ક્રિકેટ સ્ટોરી

  2. એક જાહેર ખબર….
    બ્રેન ફેડ ( Fade – not fad !)હાથે કરીને કરવું હોય તો…અવશ્ય મુલાકાત લો


    https://dhavalrajgeera.wordpress.com/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s