હોર્સ ટ્રેડિંગ: તડજોડની રાજનીતિ/ પરેશ વ્યાસ

Manohar Parrikar, India’s minister of defence, listens during the ET Global Business Summit in New Delhi, India, on Saturday, Jan. 30, 2016. The summit runs through Jan. 30. Photographer: Udit Kulshrestha/Bloomberg *** Local Caption *** Manohar Parrikar


ગોવાની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે કોંગેસ ચૂંટાઇ આવ્યો પણ તેમ છતાં તેમને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો. ભાજપનાં મુખ્ય મંત્રી મનોહર પારિકરે પછી તો વિશ્વાસ મત પણ જીતી લીધો. ભાજપે અંચઇ કરી એવી બૂમાબૂમ કોંગ્રેસે કરી. એમણે કહ્યું કે ભાજપે હોર્સ ટ્રેડિંગ કર્યું. અપક્ષ તરીકે ચૂંટાયેલાઓને ભાજપે ખરીદી લીધા. એ જે હોય તે પણ હવે એટલું નક્કી કે કોંગ્રેસ ઊંઘતી ઝડપાઇ. એમ કહીએ કે કોંગ્રેસ ઘોડે બેચકે સોઇ હોગી ઔર બીજેપીને હોર્સ ટ્રેડિંગ કર દિયા! હોર્સ એટલે ઘોડો. ટ્રેડિંગ એટલે ધંધો.  આ તડજોડ, આ વાતચીત, આ વાટાઘાટ, આ મધ્યસ્થી ઘણી નાજુક હોય છે. એમાં કોઇ નીતિનિયમ હોતા નથી. કહે છે કે રાજકારણમાં કોઇ કાયમી દુશ્મન હોતા નથી. દોસ્ત તો હોતા જ નથી. હા, ટેકેદાર હોઇ શકે. આજકાલ તો વિરોધીને ટેકેદાર બનાવી આપે એવા ઠેકેદાર પણ હોય છે. સામ, દામ, દંડ કે ભેદથી પારકાંને પોતાનાં કરી શકાય છે. દિગ્વિજય સિંઘે કહ્યું કે અપક્ષોને મંત્રીપદની લાલચ આપવામાં આવી, એમનાં મળતિયાઓને બોર્ડનિગમમાં સમાવવાની ખાત્રી આપવામાં આવી, એસયુવી કારની કારી પણ કામ કરી ગઇ. દિગુભાની વાત સાચી હશે. રાજકારણમાં સામાન્ય રીતે દામથી કામ પતી જતું હોય છે. પણ જેને ખરીદવામાં આવ્યાનું આળ છે એ અપક્ષ અથવા તો નાના પક્ષોનાં ધારાસભ્યોને ઘોડા કેમ કહે છે? એવો પ્રશ્ન અમને મુંઝવતો રહ્યો. આમ ખરેખરાં ઘોડાઓએ વાંધો ના લીધો હોય?! અને રાજકારણીઓને પ્રાણીનું જ નામ આપવું હતુ તો બીજા ઘણાં બંધબેસતા પ્રાણીઓનાં નામ આપી શકાયા હોત. પણ એ જવા દઇએ. આપણે હોર્સ ટ્રેડિંગ (Horse Trading) શબ્દની વાત કરીએ.

હોર્સ ટ્રેડિંગનો સીધો સાદો અર્થ થાય ઘોડાનું ખરીદ-વેચાણ. એક જમાનો એવો હતો કે જ્યારે ઘોડાને પરખવાનું કામ અઘરું હતુ. કિયો ઘોડો સારો અને કિયો ઘોડો ઠીકઠાક, એ કહી ના શકાય. એનાં કોઇ માપદંડ નહોતા.  કિયો તેજીલો તોખાર અને કિયો ટટ્ટુ; એ નક્કી નહોતું કરી શકાતું. એટલે ઘોડાનાં ખરીદ વેચાણમાં અપ્રામાણિકતા કે છેતરપીંડીને અવકાશ હતો. હવે કોઇ પણ રીતે નફો રળવાની તક મળે તો કોઇ છોડે? વેપારમાં તો બધું ચાલે. વેપારમાં ઘોડો ઘાસ સાથે દોસ્તી કરી લે તો ખાય શું? એટલે ઘોડાનું ખરીદ વેચાણ એટલે કે હોર્સ ટ્રેડિંગમાં ગરબડ થાય જ એવું મનાતું. પછી વેચનાર અને ખરીદનાર વચ્ચે ભાવતાલ, રકઝક કે બાંધછોડ હંમેશા થતી. એ પરથી પછી કોઇ પણ ખરીદારી જેમાં જેમાં ભારે ભાવતાલ થાય, સમજાવવાનાં દરેક તરીકાને અજમાવાય એ સઘળું હોર્સ ટ્રેડિંગ કહેવાયું. નીતિનિયમને નેવે મુકીને નેવાંનાં પાણી મોભે ચઢાવવાની નાજુક કલા એટલે હોર્સ ટ્રેડિંગ. કેમ્બ્રિજ ડિક્સનરી અનુસાર હોર્સ ટ્રેડિંગ એટલે એવી અવિધિસરની ચર્ચા જેમાં ભાગ લેનારાઓ વચ્ચે કોઇ પણ રીતે સહમતિ સધાય એ રીતે કે બન્નેને લાભ થાય. એક હાથ દે, એક હાથ લે. મોટે ભાગે હોર્સ ટ્રેડિંગ અહિંસક હોય. ચાલાકી અને ચતુરાઇ એમાં હોય જ. જૂઠમૂઠનાં વાયદા ય હોય. જડ વલણ એમાં જરા ય ના ચાલે. એમાં હંમેશા એવું કહેવાય કે ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક…

હોર્સ ટ્રેડિંગ કરવું સારું છે? સારું છે ભાઇ. અહીં કોઇ નીતિની વાત કરે તો એને કહી શકાય કે ઉફ્ફ તુમ્હારે આદર્શ, તુમ્હારે ઉસૂલ.. હોર્સ ટ્રેડિંગ શબ્દ કેવી રીતે લોકપ્રિય બન્યો? ઇ.સ. 1893માં અમેરિકામાં એવો કાયદો લાવવાની દરખાસ્ત મુકવામાં આવી કે છાપાંઓ પોતાનાં સર્ક્યુલેશનનાં આંકડા ખોટા બતાવશે તો એ સજાને પાત્ર બનશે. ન્યૂ યોર્ક ટાઇમ્સે એનો વિરોધ કરતા તંત્રીલેખ લખ્યો કે જો જૂઠાણાંને તમે ગેરકાયદેસર ઠેરવશો તો હોર્સ ટ્રેડિંગનો ધંધો તો સાવ બંધ થઇ જશે. અને પછી શિયાળાની સાંજે દારૂનાં પીઠામાં કે કરિયાણાની દુકાને લોકો પછી વાત શેની કરશે? જિદંગીની એક માત્ર રસપ્રદ વાતનો વિષય જ પછી ન રહે. વાત તો સાચી છે. આવી બધી ચર્ચા ચાલે છે. બીજેપી લઇ ગઇ, કોંગ્રેસ રહી ગઇ. સર્વોચ્ચ અદાલતનાં દ્વાર ખખડાવ્યા પણ મેળ પડ્યો નહીં. ધારાસભામાં મતદાનમાં ફેર પડ્યો નહીં. આમ સાવ હોર્સ ટ્રેડિંગ ના હોત તો આપણને મઝા શી આવત? આપણે વાત શી કરત? સત્ય ક્યારેય રસપ્રદ હોતું નથી. જૂઠ, લુચ્ચાઇ, રાજરમતમાં સાચી મઝા આવે છે. ભારતનું મહાભારત હોય તો ભાંજગઢ તો હોય, તડજોડ પણ હોય, સમાધાન પણ હોય. આપણે પછી એની ચર્ચા કરીએ. વિચારનાં અશ્વોનું મનોમન ખરીદવેચાણ કરીએ. પછી તો સાલી, શું મઝા આવે, વાત ના પૂછો…..!

હોર્સ ટ્રેડિંગ શબ્દ મુક્ત વ્યાપારનાં અર્થશાસ્ત્રની દેન છે. કોઇ બંધન નથી. પણ પોતાનાં આર્થિક વ્યવહારને કારણે કોઇનું શોષણ થાય તો કરવું કે નહીં? કરી શકાય કારણ કે મુક્ત વ્યાપાર છે. નફો નુકસાનની બેલન્સ શીટમાં પાપ પુણ્યનું સરવૈયુ હોતુ નથી. તેમ છતાં  પોતાનાં ફાયદા માટે અન્ય સામાન્ય માણસનું નુકસાન થાય તો એનો અફસોસ તો અલબત્ત થાય. દુ:ખ પણ થાય. પણ આ હોર્સ ટ્રેડિંગનું નામ લઇને ધંધામાં અથવા તો રાજકારણમાં આમ કરવું પડે એવું વિચારીએ તો લાગે કે આ તો સમયની માંગ હતી. અને એટલે હોર્સ ટ્રેડિંગ કર્યું. દરેક ભાષામાં, દરેક સંસ્કૃતિમાં એક સોનેરી નિયમ છે. બીજા તમારા માટે કાંઇ કરે એવી તમારી અપેક્ષા હોય તો તમારે પણ એમના માટે આજે જ એવું કરવું. ચીનનો વિચારક કન્ફ્યુશિયસ કહેતો કે પોતાને જે વાત ન ગમે એ બીજા પર લાદવી ઠીક નથી. મહાભારતનાં શાંતિ પર્વમાં વિદૂર  રાજા યુધિષ્ઠિરને સલાહ આપે છે કે ધર્મને કેન્દ્રમાં રાખીને બીજા સાથે એવો વર્તાવ કરવો જેવા વર્તાવની તમને અપેક્ષા છે. અર્થશાસ્ત્રી રિચાર્ડ સ્વિફ્ટ એવું કહેતા કે સમાજ એટલે જ ચાલે છે કે લોકો એકબીજા માટે નિસ્વાર્થ ભાવે કાંઇ ને કાંઇ કરે છે. તેઓએ એને નામ આપ્યું હતુ: બેઇઝ લાઇન કમ્યુનિઝમ(લઘુત્તમ સામ્યવાદ). ઇ.સ. 1898માં ન્યૂ યોર્કનાં એડવર્ડ વેસ્ટકોટે એક નવલકથા લખી. વાર્તાનો નાયક એક નગરનો બેન્કર તેમજ હોર્સ ટ્રેડર હતો. લેવડદેવડનાં સોનેરી નિયમનું અર્થઘટન એ સહેજ જુદી રીતે કરતો. બીજા સાથે એવો વ્યવહાર કરવો જેવી તમને એમનાં તરફથી અપેક્ષા હોય પણ ફર્ક માત્ર એટલો કે તમારે પહેલો ઘા કરી લેવો.  હોર્સ ટ્રેડિંગ એટલે પરંપરાગત નૈતિક મૂલ્યનું ધોવાણ એ છતાં એવો સંતોષ મેળવવાનો રહે કે અમે ના કર્યું હોત તો સામાવાળા કરત. દાખલા તરીકે ગોવામાં બીજેપીએ હોર્સ ટ્રેડિંગ ના કર્યું હોત તો કોંગ્રેસે કર્યું હોય. તો અમે શું ખોટા છીએ?

શબ્દ શેષ:

“પૈસાથી પ્રેમ ખરીદી શકાતો નથી. પણ એનાથી તમારી તડજોડ (હોર્સ ટ્રેડિંગ) કરવાની ક્ષમતા વધી જાય છે.”  -બ્રિટિશ લેખક કવિ ક્રિસ્ટોફર માલોવી

3 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

3 responses to “હોર્સ ટ્રેડિંગ: તડજોડની રાજનીતિ/ પરેશ વ્યાસ

  1. ક્યાંય , કશેય, ક્યારેય કોઈ પણ સાચા દોસ્ત હોતા જ નથી !
    સાચો દોસ્ત તો એક જ – આપણી અસલ જાત.

  2. આજના રાજકારણમાં હોર્સ ટ્રેડિંગ ( ઘોડા વિક્રય !) સામાન્ય જરૂરીઆત થઇ ગયું છે. નૈતિકતાને નેવે મૂકીને આયા રામ ગયા રામની પડદા પાછળની રમતો રમાતી હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s