Daily Archives: એપ્રિલ 2, 2017

હંગામા બરોબર હૈ બરપા../પરેશ વ્યાસ

હમણાં સેપ્ટ યુનિવર્સિટીનાં ૧૪ વિદ્યાર્થીઓ બર્થડે-કમ-ફેરવેલ પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા રંગે હાથ પકડાયા. દારૂનાં મામલે ગુજરાત કહેવાતો સૂકો પ્રદેશ છે. એમાં આવું તે શી રીતે ચાલે? અને આ યુવા વિદ્યાર્થીઓને તે શું કહેવું? આમ તો સમગ્ર દેશ, બલકે પરદેશથી પણ વિદ્યાર્થીઓ અમદાવાદ ભણવા આવે છે. અમદાવાદમાં કેટલીય એવી શૈક્ષણિક સંસ્થાઓ છે. પણ હમણાં હમણાં આવી દારૂની મહેફિલનાં સમાચાર આવતા રહે છે. હમણાં એકાદ મહિના પહેલાં એનઆઈડીનાં ૨૯ વિદ્યાર્થીઓ પકડાયા હતા. આ બધી નામચીન શૈક્ષણિક સંસ્થાઓનાં વિદ્યાર્થીઓ ભણવામાં ભારે હોંશિયાર હોય છે. (ગુજરાતી લેક્સિકોન અનુસાર નામચીન શબ્દનાં બે અર્થ થાય છે. એક તો વિખ્યાત અથવા પ્રખ્યાત. અને બીજો અર્થ થાય છે ખરાબ રીતે જાણીતું ‘નૉટોરિયસ’. માત્ર પહેલાં અર્થનાં સદંર્ભે નામચીન શબ્દ લખ્યો છે જેની અત્રે ચોખવટ કરું છું.)  વિદ્યાર્થીઓ હોંશિયાર હોય તો જ આવા વિખ્યાત વિશ્વવિદ્યાલયોમાં  એમને એડમિશન મળ્યું હોય. અખબારી અહેવાલ અનુસાર સેપ્ટનાં ડાયરેક્ટરે એમનાં પકડાયેલાં યુવાન વિદ્યાર્થીઓ કે જેઓ ભારતનાં ભવિષ્યનાં સારા નાગરિક બનવાની ક્ષમતા ધરાવે છે; તેઓની કારકિર્દીને લક્ષ્યમાં લઈને રહેમદિલી રાખવા પોલીસને વિનંતિ કરી છે.  ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડક છે, જેમાં દસ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. આમાં હવે… હંગામા હૈ કયું બરપા થોડી સી જો પી લી હૈ…. એવું કહી પણ શી રીતે શકાય?

આપને જાણીને નવાઇ લાગશે કે છોકરાછોકરીઓ જેટલાં હોંશિયાર એટલા તેઓની દારૂડિયા કે ગંજેરિયા બનવાની શક્યતા વધારે. પણ ભણવામાં સરેરાશ વિદ્યાર્થીઓ એવી કુટેવનાં શિકાર બને એવા ચાન્સ ઓછા છે. લો બોલો! ગયા મહિને બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત સંશોધન અનુસાર ટોપ ક્લાસ સ્ટુડન્ટ ધુમ્રપાન કદાચ ન કરે પણ એમની દારૂ પીવાની કે પછી ગાંજો ફૂંકવાની શક્યતા વધી જાય છે. આવા ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટસ શરૂઆતમાં તો ગેરકાયદેસર આદતથી સાવચેત રહે છે પણ પછી વીસી વટાવી જાય ત્યારે એને લાગે કે અમે તો હોંશિયાર છીએ. આ બધા એવરેજ સ્ટુડન્ટ્સની સાથે રહીને અમે કંટાળી જઇએ છીએ. એટલે હવે કાંઇક નવું કરીએ. દારૂ પીવાની આદત જો કે પોતાના માબાપ અને ઘરનાં વાતાવરણ પર પણ નિર્ભર છે. ઘરમાં દારૂની છોળો ઊડતી રહેતી હોય તો એ કુંટુંબનાં નબીરાઓ તો ઊડતા જ રહેવાનાં.

વિલિયમ વર્ડ્સવર્થ પોતાની કવિતામાં કહી ગયા’તા કે ‘એવરી ચાઇલ્ડ ઈઝ ફાધર ઓફ અ મેન’. નાનપણમાં જે આદત હોય એ મોટપણમાં ભૂલાતી નથી. બાળપણમાં શીખી, જાણી, માણી એ વાત યુવાનીમાં અકબંધ રહે છે. મોટા થઈએ પણ આપણામાં બાળક જીવિત રહે તો એ ખુશી, એ આનંદ હંમેશા રહે. આજકાલ સરોગસીથી માતાપિતા બની શકાય છે. શાહરૂખ અને ગૌરી ખાનનો સૌથી નાનો પુત્ર અબરામ સરોગસીથી જન્મ્યો છે. આજે શાહરૂખ પચાસનો છે અને અબરામ ચાર વર્ષનો. ‘ઇન્ડિયા ટૂ ડે’ની કોન્ક્લેવમાં શાહરૂખ ખાને કહ્યું કે “પચાસની ઉંમરે ઘરમાં નાના બાળકનું હોવું મને જીવંત બનાવે છે; એ પ્રેમ,એ નિર્દોષતાને હું રોજ કંઈક જુદી જ રીતે જોવું છું અને આગામી ૨૦-૨૫ વર્ષો સુધી જોતો રહીશ. અને એ માટે હું શરાબ અને સિગારેટ છોડી દેવા માંગુ છું. કસરત કરતો રહીશ. તંદુરસ્ત રહીશ, ખુશ રહીશ.”  સારી વાત છે. પણ આદત તો પડી પટોળે પડેલી ભાત જેવી છે. આયખું ફાટે પણ આદત ફીટે નહીં. અને છતાં…. કોશિશ કરે ઇન્સાન તો ક્યાં હો નહીં શકતા.

શાહરૂખ ખાનની વાત વ્યાજબી છે. અબરામ ખાતર અબ બસ. મદિરાને રામરામ. શરાબ ચીજ ઐસી નહીં હૈ કે છોડી ના જાયે… હેં ને?! દારૂની વાત ફિલ્લમમાં સારી લાગે; બાકી એમાં બરબાદી સિવાય કાંઇ નથી. અને હા, સંશોધન એમ પણ કહે છે છે કે કોલેજકાળમાં આ આદત એક વાર પડી તે પછી નોકરી કરતા હો ત્યારે પણ એને છોડવી મુશ્કેલ છે. પછી તો બરબાદી જ બરબાદી છે. તમે કહેશો કે આ તો યુવાનો માટેની વાત છે પણ યુવાનીની ક્યાં કોઇ ઉંમર જ હોય છે?!  

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ, સમાચાર