શ્રધાંજલી શાસ્ત્રીય ગાયિકા કિશોરી આમોણકર/ નિપોટિઝમ એન્ડ ક્રોનિઝમ:../પરેશ વ્યાસ

मशहूर गायिका kishori Amonkar ने इस दुनिया से कहा अलविदा, Lata Mangeshkar ने किया Tweet

47:31

The Best Of Kishori Amonkar | Audio Jukebox | Vocal | Classical

કંઠ્યગાયિકા તરીકેની સાત દાયકાથી સુધી પ્રસરાયેલી પોતાની કારકિર્દીમાં આમોણકર ગાન સરસ્વતીતરીકે પ્રખ્યાત થયાં હતાં. જયપુર ઘરાનાનાં આમોણકરને ભારત સરકારે પદ્મવિભૂષણથી તેમજ સાહિત્ય અકાદમી એવોર્ડથી સમ્માનિત કર્યાં હતાં. આમોણકર વિધવા હતાં અને એમનાં પરિવારમાં બે પુત્ર તથા પૌત્ર સંતાનો છે.

મહાન ગાયિકા લતા મંગેશકરે કિશોરી આમોણકરનાં નિધનનાં સમાચાર અંગે ઘેરું દુઃખ વ્યકત કર્યું છે. એમણે કહ્યું છે કે, આમોણકર અનોખી શૈલીનાં અને અસાધારણ શાસ્ત્રીય ગાયિકા હતાં. એમનાં નિધનથી સંગીતજગતને મોટી ખોટ પડી છે. કિશોરી આમોણકરનાં અંતિમસંસ્કાર આજે સાંજે શિવાજી પાર્ક સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.પ્રભુ તેમના આત્માને શાંતી આપે

Courtesy Akila news

………………………………………………………………………………………………………………………………

નિપોટિઝમ એન્ડ ક્રોનિઝમ:  સગાંવહાલાં અને મિત્રવહાલાં

કંગના કરણનાં સેટ પર કોફી પીવા આવી અને કરણને એનાં જ પ્રોગ્રામમાં સલૂકાઈથી ચિંટીયો ભરતી ગઈ. કરણે પૂછ્યું કે તારી લાઈફ પર ફિલ્મ બને તો? કંગનાએ કીધું કે તો એમાં કરણ જોહરનું પાત્ર જરૂર આવે. કેવું પાત્ર? એ જ કે જે ‘ફ્લેગ બેરર ઓફ નિપોટિઝમ’ (સગાવાદનો ધ્વજવાહક)  છે. એણે તો કરણને ‘બોલીવૂડ માફિયા’નો ખિતાબ પણ દઈ દીધો. માફિયા એટલે ગુનેગારોનું સંગઠિત જૂથ. બોલીવૂડ તો આપણે જાણીએ છીએ. બોમ્બેનું હોલીવૂડ એ બોલીવૂડ. સ્વદેશી નામકરણવાળાઓને હજી ખબર પડી લાગતી નથી નહીંતર એ ય મુંબઈનું હોલીવૂડ એટલે મોલીવૂડ કરી નાંખત. અમેરિકાનાં હોલીવૂડમાં ફિલ્મ બને. મુંબઈનાં બોલીવૂડમાં ય ફિલ્મ બને. જે શહેરમાં ફિલ્મી સિતારાઓ વસતા હોય એ શહેરનો રૂઆબ કાંઈ અલગ હોય. ફિલ્મ શું કરે? ફિલ્મ સપનાઓ વેચે. ફિલ્મની પહોંચ છેવાડાનાં માણસ સુધી હોય. પછી ફિલ્મી નટ-નટીઓ ફિલ્મ જોનારાઓને ત્રણ કલાક માટે એમનાં સ્વપ્નનાં મુલકમાં લઇ જાય. જેમાં હસવું, રોવું, છેડવું, છંછેડવું, ગુસ્સો, પ્રેમ, લુચ્ચાઇ, મારામારી, કાપાકાપી અને કંઇ કેટલું….પડદાં પર અભિનયનાં કામણ પાથરનારા આ નટ નટીઓ કોણ છે? જે પહેલેથી જ સફળ છે એમનાં ભાઈ, ભાંડુ ને ભત્રીજા કે બહેન, દિકરી ને ભાભી. આખા ને આખા ખાનદાન એમાં સમાયેલા છે. કપૂર ખાનદાન, ખાન ખાનદાન, ભટ્ટ ખાનદાન. કહે છે કે અભિનય આ રંગકર્મીઓનાં રંગકણમાં છૂપાયેલો છે. એમને મન અભિનય કુદરતી છે. એટલે એ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહેવાના જ. એમાં કોઈ બહારથી આવીને જાતમહેનતે આગળ આવે એ તો ઘણી વાર નસીબની વાત છે. જેમ કે અમિતાભ બચ્ચન કે પછી જયા ભાદૂરી. પોતાની રીતે આગળ આવ્યા. પણ પછી એમનો પુત્ર અભિષેક આગળ આવે છે કારણ કે એ હવે બચ્ચનનો બચ્ચો છે. આમાં જે કલાકાર અદભુત અભિનય પ્રતિભા ધરાવતા હોય પણ એની પાસે બોલીવૂડની નામી સરનેમ ના હોય તો એવા કલાકારો ક્યાંય ખોવાઈ જાય. સગાં હોય એ જ તો વહાલાં હોય. સત્તા કે વગ ધરાવતા લોકો પોતાનાં સગાંની લાગવગ ચલાવે, એને બીજાની સરખામણીમાં આગળ કરે, કામ અપાવે, હોદ્દો તો એનો જ જાણે કે બાપ સિદ્ધ અધિકાર હોય- એ સઘળું  એક શબ્દમાં કહેવું હોય તો એને નિપોટિઝમ (Nepotism)  કહે છે. બોલીવૂડમાં કરણ જોહરને આવા સગાવાદનો ઝંડો લઇને ફરનારો કહીને કંગનાએ ચર્ચાનો મધપૂડો છંછેડ્યો છે. આમીર કહે છે કે નિપોટિઝમ કુદરતી છે. વાત તો સાચી છે. ભૂવો ધૂણે પણ નારિયેળ તો ઘર તરફ જ ફેંકે. કરણ જોહરની વાતમાં પણ લોજિક છે. ઘરનાં છોકરાં ઘંટી ચાટતા હોય ત્યારે કોઇ ઉપાધ્યાયને આટો શા માટે? રાજકારણમાં તો એવું જ છે. અહીં પણ ગાંધી પરિવાર કે યાદવ પરિવાર કે બાદલ પરિવાર ક્યાં નથી? ‘સન રાઇઝ’ થતા રહે છે. એનાં કરતા  કુંવારા મુખ્યમંત્રીઓ કે પ્રધાનમંત્રી સારા. એમનાં દીકરા દીકરી ના હોય એટલે સગાવાદ એટલો તો સીમિત રહે. પણ ત્યાં પછી મિત્રોને, સોબતીઓને, પિઠ્ઠુઓને ફાયદો કરાવવાની વાત આવે છે. આ ક્રોનિઝમ (Cronyism) છે. પરિવાર એટલે લોહીની સગાઇ જ હોય એવું હવે નથી. અજાણ્યામાં પડવું એનાં કરતા જાણીતા સાથે પનારો પાડવો સહેલો હોય છે. વિશ્વાસ મુકી શકાય છે. વખત આવે એવા લોકો જ કામ આવે છે. પોતાના એ પોતાના, પારકાં એ પારકાં… બહારથી નવા આવનારાઓનો પછી ક્યારે નંબર આવે? પણ આપણે તો નિપોટિઝમ અને ક્રોનિઝમ શબ્દોની વાત કરવી રહી.

નિપોટિઝમ શબ્દ ઇટલીમાંથી આયાત થયો છે. ના, એ શબ્દને સોનિયા ગાંધીનાં ઇટાલિયન મૂળ અને કુળ સાથે કોઇ સંબંધ નથી. ઇટાલિયન શબ્દ ‘નિપોટિસ્મો’ એટલે ભત્રીજો. મૂળ લેટિન શબ્દ ‘નિપોટેમ’ જેનો અર્થ થાય પૌત્ર અથવા ભત્રીજો. પાંચમીથી સત્તરમી સદીની વાત છે. કેથોલિક ધર્મગુરૂઓ અપરિણિત રહેતા હોવાથી એમના કોઇ કાયદેસરનાં સંતાન નહોતા. આ સંજોગોમાં તેઓ તેમના ભત્રીજાઓને એવો હોદ્દો કે એવી સંપત્તિ આપતા કે જે એક પિતા પોતાના સંતાનને આપે. પંદરમી સદીમાં પોપ કેલિક્સટસ ત્રીજાએ પોતાનાં બે ભત્રીજાઓને કાર્ડિનલ બનાવ્યા; જે પૈકી એક એલેક્ઝાન્ડર છઠ્ઠા પોપ બન્યા. એમણે એમની મિસ્ટ્રેસનાં ભાઇને કાર્ડિનલ બનાવ્યા; જે પાછળથી પોપ પૌલ ત્રીજા બન્યા. આમ ખ્રિસ્તી ધર્મનું સર્વોચ્ચ પદ વંશપરંપરાગત બની ગયું. આખરે ઇ.સ. ૧૬૯૨માં પોપ ઇનોસેન્ટ બારમાએ આવા સગાવાદને જાકારો આપ્યો. કોઇક ખાસ કિસ્સામાં એકાદ સગા સિવાય અન્ય કોઇ સગાને કાર્ડિનલ બનાવવા કે એને કોઇ જાગીર, હોદ્દો કે આવક આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો. પણ એ ઇટાલિયન શબ્દ ફ્રેંચ માર્ગે ઇંગ્લિશ ભાષામાં દાખલ થઇ ગયો. આજે જ્યારે કોઇ પણ ક્ષેત્રમાં સગાઓ તરફ પક્ષપાત રખાય ત્યારે એ નિપોટિઝમ કહેવાય છે. રાજકારણ, વેપારધંધો, મનોરંજન, રમતગમત, ધર્મ કે અન્ય કોઇ પણ ક્ષેત્રમાં સબકા સાથ પણ વિકાસ મારા લોહીનાં સગાનો થાય એ નિપોટિઝમ.

ક્રોનિઝમ શબ્દનું મૂળ ગ્રીક છે. ગ્રીક શબ્દ ‘ક્રોનિઓસ’ એટલે લાંબા ગાળાનું. આઇરેશ શબ્દ ‘કોનરુઘાના’ છે જેનો અર્થ થાય છે જીગરી મિત્ર અથવા સહિયારો મિત્ર. ક્રોની શબ્દ એ પરથી આવ્યો હોવાનું મનાય છે. નિપોટિઝમમાં ભત્રીજા પર પ્રતિબંધ હોય, લોહીની સગાઇ પર પ્રતિબંધ હોય તો યાર દોસ્ત તો છે; જેને ખાસ લાભ આપી શકાય. એવા દોસ્ત જે તમને પછી સામી મદદ કરે. સાવ લાંચ રુશવત જેવું ના હોય પણ ખૂજલી ઉપડે ત્યારે એકમેકની પીઠ ખંજવાળી આપે એવી અપેક્ષા તો હોય જ. રાજકારણી હોય તો એવા કાયદા બનાવે કે પોતાનાં ખાસ મિત્રો, પિઠ્ઠુઓને લાભ થાય. ફિલ્મ પ્રોડ્યુસર હોય મિત્રને કોઇને કોઇ કામ આપે. અપુનવાલોકો તો કામ દેના ચ ચાહિયે, હેં ને? ન્યાત જાત લોક પછી સઘળા લાભને પાત્ર બની જાય.

આ બન્ને શબ્દો ‘નિપોટિઝમ’ અને ‘ક્રોનિઝમ’ એવા લોકોને નડે છે જે ખરેખર ટેલન્ટેડ છે. અસાધારણ બુદ્ધિપ્રતિભા છે. પણ તક મળતી નથી. અથવા એમણે કાંઇ વધારે પુરવાર કરી આપવું પડે છે; નહીં તો કોઇ એનો હાથ ન ઝાલે. નિપોટિઝમનું એક સાદું સમીકરણ છે. નિપોટિઝમ બરાબર તમારો બાપ કોણ છે? ભાગ્યા તમારી આવડત. નિપોટિઝમ અને ક્રોનિઝમ ખરાબ છે પણ ક્યારેક જરૂરી પણ છે. ઓછી આવડતવાળા સગા કે મિત્ર પર વિશ્વાસ મુકી શકાય. અજાણ્યા બુદ્ધિશાળી પર કેવડો ને કેટલો વિશ્વાસ મુકી શકાય? કંગના સાચી છે. પણ કરણ સાવ ખોટો તો નથી. કરણ હમણાં જ સરોગસીથી બે સંતાનનો પિતા બન્યો છે. નામ રાખ્યા છે યશ અને રૂહી. યશ તો કરણનાં પિતાનું જ નામ છે. અને રૂહી એની માતા હીરૂનું ઊલટું નામ છે. હવે જોહરનાં નિપોટિઝમ તો ચાલશે જ. કંગના ખનકે કે પછી ના ખનકે….

શબ્દ શેષ:
”નિપોટિઝમ(સગાવાદ) સૌથી નિમ્ન સ્તરનું કરપ્શન(ભ્રષ્ટાચાર) છે.” –પેરૂવિયન અમેરિકન લેખક ડેનિયલ એલારકોન

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, સમાચાર

2 responses to “શ્રધાંજલી શાસ્ત્રીય ગાયિકા કિશોરી આમોણકર/ નિપોટિઝમ એન્ડ ક્રોનિઝમ:../પરેશ વ્યાસ

  1. મારે માટે તો જાણવા -માણવા જેવો લેખ.

  2. પરેશભૈ,
    હવે ડેસ્પોટિઝમ પર શબદ આરતી કરો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s