Daily Archives: એપ્રિલ 6, 2017

ડોન્કી ઇઅર્સ : અહો ધ્વનિ…!પરેશ વ્યાસ

શબ્દસંહિતા – પરેશ વ્યાસ

ડોન્કી ઇઅર્સ :

અહો ધ્વનિ…!

આમ તો દરેક ચૂંટણીમાં ગધેડાની બોલબાલા હોય છે. પણ વર્ષો પછી આજકાલ એક્ચુઅલ ગધેડાની બોલબાલા છે

ગધેડો સાવ ગધેડો હોતો નથી. ઘોડા અને ગધેડામાં ફર્ક હોય છે. ગધેડો સેમ સાઇઝના ઘોડા કરતાં સ્ટ્રોંગ હોય છે. એની યાદદાસ્ત ભારે સતેજ હોય છે. પચ્ચીસ વર્ષ પહેલાં જોયેલી જગ્યાઓ કે પછી પચ્ચીસ વર્ષો પહેલાં મળેલા અન્ય ગધેડાંઓને એ તરત ઓળખી જાય છે. ઘોડા ઘડીમાં આશ્ચર્ય કે આઘાત પામે પણ ગધેડાનું એવું નહીં. ગધેડાં સ્માર્ટ હોય છે. તમે એને ડરાવી ધમકાવીને કોઈ કામ કરાવી ના શકો. ગધેડો કોઈ એવી હરકત નહીં કરે કે જેમાં એ સુરક્ષિત ના હોય. ગધેડાં જિદ્દી હોય છે. પણ એ જિદ પોતાની જાતની સંભાળ લેવાની બાબતે હોય છે. ગધેડાં લાંબુ જીવે છે.

એના કાન લાંબા હોય છે. એ દૂરનું સાંભળી શકે છે. વેરાન રણમાં ૬૦ માઇલ દૂર કોઈ બીજો ગધેડો હોંચી હોંચી કરતો હોય તો ય એ સાંભળી શકે છે. ગધેડાં લાંબા કાન એને કૂલ રાખે છે. ગધેડાના કાનની પણ એક કથા છે.
પ્રાચીન ગ્રીક કથા અનુસાર દારૃ, દંતકથા, રંગભૂમિ અને ધર્મ તન્મયતાના દેવ ડાયનોસસના પાલક પિતા અને ગુરુ સાઇલેનસ પીધેલી હાલતમાં જંગલમાં ખોવાઈ ગયા. ત્યાં એને એક ખેડૂત મળ્યો જે એને કિંગ મિડાસ પાસે લઈ ગયો. કિંગ મિડાસે દસ દિવસ સુધી સાઇલેનસની આદરપૂર્વક આગતાસ્વાગતા કરી. સામે પક્ષે સાઇલેનસે પણ ગીતો ગાયા અને વાર્તાઓ કરી અગિયારમા દિવસે કિંગ મિડાસ સાઇલેનસને એનાં શિષ્ય ડાયનોસાસ પાસે લઈ ગયા પોતાના ગુરુ અને પાલક પિતાની કિંગ મિડાસે કરેલી સેવાથી પ્રસન્ન થઈને એણે વરદાન માંગવા કહ્યું.

મિડાસે માંગ્યુ, ‘હું જેને અડું એ ચીજ સોનાની થઈ જાય.’ અને ડાયનોસસે કહ્યું : ‘તથાસ્તુ’ તમે કહેશો કે આલ્લે આ વાર્તા તો અમને ખબર છે. પણ તમને કદાચ પછીની વાર્તા ખબર ના પણ હોય. વરદાન અનુસાર મિડાસ પથ્થરને અડયો તો એ પથ્થર સોનાનો થઈ ગયો. પછી વૃક્ષની ડાળીને અડયો તો એ ય સોનાની થઈ ગઈ. જલસો થઈ ગયો પછી એણે નોકરોને ફરમાન કર્યું કે ભાતભાતના ભોજનિયાં પીરસવામાં આવે પણ કોળિયો મોમાં મૂકતા વેંત જ એ સોનાનો થઈ ગયો. ને પાણી પીવા ગયો તો એ પાણી સોનાનું ગચ્ચું થઈ ગયું. ત્યાં એની દીકરી મેરીગોલ્ડ દોડતી આવીને ભેટી પડી અને દીકરી સોનાની મૂર્તિ બની ગઈ. કિંગ મિડાસ દુ:ખથી અને ભૂખથી મરવા માંડયો. એણે ડાયનોસસને પ્રાર્થના કરી કે મારું વરદાન પાછું લઈ લો. ડાયનોસસ સંમંત થયા. એમની આજ્ઞાા અનુસાર મિડાસ પેક્ટોલાસ નદીના વહેતા પાણીને અડયો અને એનું વરદાન પાણીમાં ધોવાઈને વહી ગયું. અલબત્ત નદીની રેતી સોનાની થઈ ગઈ અને એટલે ત્યાં આજે પણ સોનું મળી આવે છે.

પછી તો મિડાસને ધનદોલતથી નફરત થઈ ગઈ. એણે વૈભવ છોડયો અને પાન નામના વનદેવતાની શરણ લીધી. વનદેવતા પાનનું નીચેનું અર્ધુ અંગ બકરાનું અને મોઢા ઉપર પણ બકરા-દાઢી અને માથે શીંગડા. પાન દેશી, ગ્રામ્ય સંગીત રેલાવે. મિડાસ એને સાંભળે અને વાહવાહી કરે. એક દિવસ પાનને સૂરનું શૂર ચઢ્યું તે એણે સંગીત, કવિતા, સત્ય, સૂર્ય અને પ્રકાશના દેવાધિદેવ અપોલોને ચેલેન્જ કરી નાખી કે આવી જાવ. સંગીતના મુકાબલામાં. મુકાબલાનો દિવસ નક્કી થયો. જજ તરીકે પર્વતના દેવ મોલાસ નીમવામાં આવ્યા પહેલાં પાનનો વારો હતો. પાને બેગપાઇપ વગાડી. એનો ચેલો મિડાસ તો બડાશ મારવા લાગ્યો કે આવું તો કોઈ વગાડી જ ના શકે. પછી એપોલોએ વીણા વાદન શરુ કર્યું. અદ્ભુત સંગીત અને પહેલો સૂર સાંભળીને જ જજે એમને વિજેતા ઘોષિત કરી દીધા.

બધા જ આ સાથે સંમંત હતા એક મિડાસને બાદ કરતાં. મિડાસે તો અપોલોની ય ટીકા કરી ય નાખી. અપોલો થયા ગુસ્સે. એણે મિડાસને શ્રાપ આપ્યો કે તને સાંભળવાની સમજ નથી તો તારા કાન ગધેડાના કાન જેવા થઈ જાય. બસ પછી તો મિડાસનાં કાન ગધેડાનાં કાન જેવા લાંબા થઈ ગયા. મિડાસ પછી શરમનો માર્યો લાંબી પાઘડી હેઠળ એને છૂપાવતો રહ્યો. પણ વાળ

વધ્યા એટલે વાળ કાપવા માટે વાળંદને બોલાવ્યો. વાળંદને ગધેડાના કાનવાળી વાતની ખબર પડી ગઈ. કિંગ મિડાસે એને આ વાત કોઈને ના કહેવા કહ્યું પણ વાળંદના પેટમાં વાત ટકી નહીં એટલેે એ ઘાસના મેદાનમાં ગયો. મેદાનની મધ્યમાં એને ખાડો ખોદ્યો અને એમાં ગુસપુસ કરતા બોલ્યો કે કિંગ મિડાસનાં કાન તો ગધેડા જેવા છે. એ કહે છે કે આ જગ્યાએ પછી ઘાસની સળીઓ ઊગી નીકળી અને હવાના ઝોંકા સાથે હળવા અવાજે ઘૂસપૂસ પડઘા પડવા માંડયા કે કિંગ મિડાસના કાન તો ગધેડા જેવા છે. કિંગ મિડાસના કાન તો ગધેડાં જેવાં છે. આખરે કંટાળીને મિડાસે આત્મહત્યા કરી.

‘ડોન્કીઝ ઇયર્સ’ મુહાવરાનો અર્થ છે ઘણાં લાંબા સમય પછીની વાત. આ અર્થને કિંગ મિડાસની વાર્તા સાથે કોઈ સંબંધ નથી. દરઅસલ ‘ઇયર્સ’ એટલે કે કાન શબ્દ સાથે સમાન ઉચ્ચાર ધરાવતા ‘યર્સ’ એટલે વર્ષો પરથી આ મુહાવરો આવ્યો હોવાનું મનાય છે. આમ તો દરેક ચૂંટણીમાં ગધેડાની બોલબાલા હોય છે. પણ વર્ષો પછી આજકાલ એક્ચુઅલ ગધેડાંની બોલબાલા છે.

એક નવીસવી પાર્ટી નામે ‘બહુજન વિજય પાર્ટી’ લખનૌ મતવિસ્તારથી પોતાના મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે ગદર્ભસિંહ યાદવની જાહેરાત પહેલેથી જ કરી ચૂકી છે. દેવીરામ પ્રજાપતિ નામના એક અપક્ષ ઉમેદવાર ગ્રેટર નોઇડા મતક્ષેત્રમાં ગધેડા પર બેસીને ઉમેદવારી નામાંકન પત્ર ભરવા આપી ચૂક્યા છે. ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં એકબીજાને ભાંડવાની સ્પર્ધા ચાલે છે. બીજેપીની પ્રચાર કમાન બે ગુજરાતીઓનાં હાથમાં છે. એટલે ગુજરાતીઓને ટોણો મારવામાં આવે એ સ્વાભાવિક છે. અખિલેશ અમિતાભને સલાહ આપે છે કે તમે ગુજરાતનાં ગધેડાઓનો પ્રચાર નહીં કરો. ભાઈ અખિલેશ, આ તમે કયા ગધેડાની વાત કરો છો ? અમારા કચ્છના ગૌરવ એવા ઘૂડખરની મજાક કરવાનું બંધ કરો. વર્ના… વર્ના કંઈ નહીં… આપણે સ્વભાવે સાલસ છીએ. આપણે ગધેડા જેવી કોમેન્ટથી ખાસ વિચલિત થતા નથી. અથવા તો એમ કે આપણને સ્વમાન જેવું કાંઈ છે જ નહિ. ગુજરાત ભાજપના નેતાઓ નિવેદન આપીને અટકી ગયા છે. ગુજરાતનાં અપમાન સામે ક્યાંક છૂટપૂટ વોટ્સએપ મેસેજ ફરે છે. બાકી ઠીક. ગુજરાતમાં યુ.પી. વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કે આંદોલન થતા નથી. મુંબઈ હોત તો વાત જુદી હતી. એની સરખામણીમાં યુપીમાં પોતાના પ્રદેશના સ્વાભિમાનનો જંગ છે. યુપી બહારના લોકો આવીને રાજ ચલાવવાની તરકીબ શીખવાડે એ ન ચાલે. જ્યાં સુધી આ જંગ ચાલે ત્યાં સુધી આપણે ગધેડાનાં કાન લઈને સાભળ્યા કરવાનું. હેં ને ?

શબ્દશેષ :
”ડરનો માર્યો ગધેડો સિંહ પર પણ હુમલો કરે”- એક આરબ કહેવત.

2 ટિપ્પણીઓ

Filed under પરેશ વ્યાસ, પ્રકીર્ણ, રમુજ