નિષ્ફળતાનું સંગ્રહાલય / પરેશ પ્ર વ્યાસ

        નિષ્ફળતાનું સંગ્રહાલય

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.                                                                                                                                                                                              –ગની દહીંવાલા

કર્મ કરવું. ફળ મળે, ના પણ મળે. અને ફળ જેને ના મળે તેનો ફેરો ફોગટ. પૈસો વેડફ્યો. સમય બરબાદ કર્યો. એની મહેનતની કોઈ નોંધ પણ ના લે. હેં ને? પણ હવે એવું નહીં રહે. સ્વીડનમાં એક એવું મ્યુઝીયમ બનવા જઈ રહ્યું છે જે આવી નિષ્ફળતાને પોંખશે.  મ્યુઝીયમનાં ડિરેક્ટર સેમ્યુઅલ વેસ્ટ કહે છે કે જ્યારે જ્યારે નવી શોધની કોશિશ થાય ત્યારે ત્યારે તે પૈકી ૮૦% થી ૯૦%  કિસ્સામાં નિષ્ફળતા મળે છે. એમાંથી પણ શીખી શકાય. સમજદાર માણસ એ જે પોતાની ભૂલમાંથી શીખે. પણ હોંશિયાર એ જે બીજાની ભૂલમાંથી શીખે. નિષ્ફળતાને સફળતાથી અલગ કરવી અઘરી છે. નિષ્ફળ પ્રોડક્ટની પણ નોંધ લેવાવી જોઈએ એવા શુભ હેતુથી આ મ્યુઝીયમ આગામી જુન મહિનામાં શરૂ થઇ જશે. એમાં સ્વીડનની ઇતેરા કંપનીએ પ્લાસ્ટીકની સાઈકલ પ્રદર્શિત થશે. આ નિષ્ફળ ગયેલી નવતર પ્રોડક્ટ હતી. આમ વજનમાં હલકીફૂલકી , ગુણવત્તા પણ સારી પણ ના ચાલી. એવી જ એક અન્ય પ્રોડક્ટ કોકાકોલા

કંપનીની છે. ઘણાં સંશોધન બાદ કોકાકોલાએ કોફી ફલેવરનું કોલા બનાવ્યું પણ લોકોને ના ભાવ્યું. એટલે ના ચાલ્યું. અન્ય એક કંપનીએ ચહેરા પર પહેરવાનું એવું મહોરું બનાવ્યું કે જે પહેરવાથી ચહેરા પર હળવા ઈલેક્ટ્રોનિક શોક લાગતા રહે. ચહેરાનો મસાજ થઇ જાય. ત્વચા સરસ થઇ જાય. પણ લોકોએ એને સ્વીકાર્યું નહીં. મોટર સાયકલની દુનિયામાં હાર્લી ડેવિડસનનું નામ ખૂબ મોટું છે. એણે પરફ્યુમ કાઢ્યું. પણ મોટર સાયકલ ચલાવનારાઓને પોતાની શારીરિક સુગંધની કાંઈ પડી નહોતી. હાર્લી ડેવિડસનના નામે  એ પરફ્યુમ તરી જશે એ વાત ખોટી ઠરી. બિક નામની બોલપોઇંટ પેન બનાવતી કંપનીએ લેડીઝ માટે ગુલાબી રંગની પેન બહાર પાડી પણ પુરુષ સમોવડી સ્ત્રીઓએ એને સ્વીકારી નહીં. કેટલીક શોધ પહેલેથી જ ખોટી હોય છે. કેટલીક ડીઝાઇન તો કેટલીક માર્કેટિંગની ફેઇલ્યોર છે. આવી નિષ્ફળતાને વરેલી અનેક ચીજ વસ્તુઓ અહીં હશે. નિષ્ફળતાનું ય ફૂલેકું નીકળશે. નિષ્ફળતાનું ય સામૈયું કરાશે. વાહ..

અલબત્ત મહેનત કરવી જરૂરી છે. મહેનત ના કરીએ તો તો નિષ્ફળ જવાનું નક્કી જ છે.  આપણે ત્યાં શાળાની પરીક્ષામાં નાપાસ  થયેલાં બાળકને ઉપરનાં વર્ગમાં ચઢાવવાનો રિવાજ છે. દેશનાં માનવ સંસાધન વિકાસ મંત્રીએ તાજેતરમાં કહ્યું કે અમે પુન: વિચારણા કરીશું. એટલે? એટલે હવે નાપાસ વિદ્યાર્થી એ જ વર્ગમાં રહેશે. પાઠ પાકો થાય. પાયો પાકો થાય. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. બગાસું ખાતા મોંમાં પતાસું આવી જતુ નથી. આળસુઓની નિષ્ક્રિયતાને સન્માનવાની વાત નથી. અને આ મહેનત પણ બે પ્રકારની હોય. એક તો ઢસરડો કરવો અને બીજું અક્કલથી કામ કરવું. ડમ્બ વર્ક અને સ્માર્ટ વર્કમાં ફેર છે. અને સ્માર્ટ વર્ક કરો તો ય નિષ્ફળતા મળી શકે. મશહૂર ફિલ્મ રાઇટર, ડિરેક્ટર, એક્ટર વૂડી એલન કહે છે કે તમને વારંવાર નિષ્ફળતા ના મળે તો એ નક્કી કે તમે કાંઇ સાવ અવનવું કરતા નથી. નિષ્ફળ જાઓ તો શું? નિષ્ફળતાનું પ્રદર્શન કરવું. કહેવું કે હા, હું સફળ થયો નથી પણ કોશિશ જારી છે. મારી મહેનત નિષ્ફળ ગઇ છે. હું નિષ્ફળ નથી. હું નબળો નથી. હું હારવા માટે પેદા થયો નથી. દુનિયાની ચિંતા કરવી નહીં. કોઇ શું કહેશે? અરે ભાઇ! કોઇ કાંઇ કહેતું નથી. કુછ-તો-લોગ કહેંગે-વાળી વાત હવે રહી નથી. હવે તો કોઇને કંઇ કહેવાનો ય ટાઇમ જ ક્યાં છે? રોજ કાંઇ નવું થાય છે. રોજ કોઇ ફેઇલ થાય છે. રોજ એ ફેઈલ્યોરનાં ધજાગરાં ઊડે છે. પણ ત્યાં તો કોઇ બીજો નિષ્ફળ માણસ ધજા ચઢાવવા ઊભો જ હોય છે. યસ, આ દુનિયા આંબાવાડી છે. એમાં આવળ બાવળની રમત રમવાની છે. નિષ્ફળતાને અમસ્તી રમવાની છે. ફરીથી ઊભા થવાનું છે. ફરીથી આગળ વધવાનું છે. નાહક એટલે હક વગર, અધિકાર વગર..કર્મ પર આપણો પૂર્ણ અધિકાર છે. સફળતા કે નિષ્ફળતા નાહક છે…

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, પ્રકીર્ણ, રમુજ

2 responses to “નિષ્ફળતાનું સંગ્રહાલય / પરેશ પ્ર વ્યાસ

  1. મને મળી નિષ્ફળતા અનેક
    તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં

    http://mahesh656.blogspot.com/2010/03/blog-post_27.html

  2. નિષ્ફળતાની યે નોંધ લેવાય એ કંઈક સફળતા તો કહેવાય જ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s