અથ શ્રી ‘બ્લૂટૂથ’ નામકથા /પરેશ વ્યાસ

અથ શ્રી ‘બ્લૂટૂથ’ નામકથા

ધરા સુધી, ગગન સુધી, નહીં ઉન્નતિ, પતન સુધી,
અહીં આપણે તો જવું હતું, ફકત એકમેકના મન સુધી.

ગની દહીંવાલા 

દૂર જવું નથી. નજીક છે એની સાથે મન મળી જાય, ફક્ત એટલું જ જોઈએ છે. આજકાલ નજીકનાં જોડાણ સઘળા બ્લૂટૂથ થતા જાય છે. બ્લૂટૂથ એ ઓછા અંતરમાં, વાયર વિના, ડેટા ટ્રાન્સફર કરવાની ટેકનોલોજી છે. મોબાઈલ ફોન, ટેબ્લેટ, લેપટોપ, ડેસ્કટોપ, ટીવી વગેરે સઘળાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો આજકાલ બ્લૂટૂથની સગવડતા સાથે ઉપલબ્ધ છે. વાયર જોડવાની, ખોલવાની ઝંઝટ જ નહીં. એમાં ય ટેકનોલોજી અપડેટ થતી જાય છે. અત્યાર સુધી બ્લૂટૂથ ૪.૨ હતું; હવે બ્લૂટૂથ ૫.૦ આવી ગયું. હવે એક જાણીતી મોબાઈલ કંપનીના લેટેસ્ટ મોબાઈલ ફોન લેટેસ્ટ બ્લૂટૂથ સુવિધા સાથે આવી રહ્યા હોવાનાં તાજા સમાચાર છે. ડેટા ટ્રાન્સફરની સ્પીડ જબરજસ્ત હશે. બે અલગ અલગ સાધનોમાં એક સાથે ડેટા ટ્રાન્સફર કરી શકાશે. હવે બે  ઉપકરણો વચ્ચે ૮૦૦ મીટર અંતર હશે તો પણ બન્નેને જોડી શકાશે. મોબાઈલ ફોન ક્યાંય પડ્યો હોય પણ હવે વાતચીત કરવી કે સંગીત સાંભળવું બેહદ આસાન થઇ જશે.  પણ શું છે આ બ્લૂટૂથ (Bluetooth)?

બ્લૂ એટલે ભૂરો અને ટૂથ એટલે દાંત. દાંત તે વળી ભૂરાં હોતા હશે? કાં સફેદ હોય, કાં પીળાં હોય. ક્યારેક કાળાં ય હોય. પણ આ બ્લૂટૂથ નામકરણ પાછળ પણ એક મજેદાર વાત છે. ઈ.સ. ૧૯૯૬માં જાણીતી ઈલેક્ટ્રોનિક કંપનીઓ ઇન્ટેલ, એરિક્સન, નોકિયા અને આઇબીએમ સૌ પોતપોતાની ટૂંકી, મર્યાદિત રેન્જની વાયરલેસ ટેકનોલોજી વિકસાવી રહ્યા હતા. તેઓએ નક્કી કર્યું કે આ  વાયરલેસ ટેકનોલોજીનું એક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ; જેથી ઉપભોક્તાઓને કોઈ તકલીફ ના પડે. પણ તેઓ એ નક્કી ના કરી શક્યા કે આવી ટેકનોલોજીને નામ શું આપવું?  કેનેડાનાં ટોરેન્ટો શહેરમાં સાથે કામ કરી રહેલાં ઇન્ટેલના એન્જિનીયર જિમ કરડાચ અને એરિક્સનના એન્જિનીયર સ્વેન મેટીસન  એક દિવસ કામનાં અંતે  દારૂનાં પબમાં ગયા. જામનાં દૌર દરમ્યાન વાતચીત ઈતિહાસ તરફ વળી. મેટીસને વાતમાંથી વાત કાઢી કે એ અત્યારે  એ એક પુસ્તક ‘ધ લોંગ શિપ્સ’ વાંચી રહ્યો છે; જેમાં મધ્યયુગનાં  ડેન્માર્ક અને નોર્વેનાં રાજા હરાલ્ડ ‘બ્લૂટૂથ’ ગ્રોમસનનાં શાસનકાળમાં ડેનિસ યોદ્ધાઓનાં પ્રવાસની વાત લખી છે. જિમ કરડાચ પોતે ઇતિહાસનો રસિયો હતો. આ પ્રવાસમાં જતા પહેલાં જ એણે ‘ધ વાઈકિંગ્સ’ નામનું પુસ્તક ખરીદ્યું હતું. વાઈકિંગ એટલે ઉત્તરીય યુરોપનો દરિયાઈ વેપારી અથવા ચાંચીયો. પુસ્તકમાં ઉત્તર યુરોપનાં રાજા અને દરિયાઈ સાહસિકોની વાર્તા હતી. આ પુસ્તક વાંચીને એને ખ્યાલ આવ્યો કે રાજા હરાલ્ડ એ રાજા હતો જેણે ઉત્તરીય યુરોપનાં પ્રદેશોની વિવિધ લોકજાતિઓની પ્રજાઓને  એક કરવાનું કામ કર્યુ હતું. રાજા હરાલ્ડ બ્લૂટૂથનાં હૂલામણા નામે ઓળખાતો હતો કારણ કે એનો ભૂરાં રંગનો બહેર મારી ગયેલો એક અચેતન દાંત બહાર દેખાતો  હતો. જેમ આ ‘બ્લૂટૂથ’ રાજાએ બધી અલગ પ્રજાઓ વચ્ચે આપસી સહમતિ સાધીને એમને એકજૂટ કર્યા; એમ મર્યાદિત રેન્જની વાયરલેસ ડેટા ટ્રાન્સફર ટેકનોલોજી પણ વિવિધ ટેકનોલજી વચ્ચે એક સમાન કોડ સ્થાપિત કરે છે એટલે એ ટેકનોલોજીને બ્લૂટૂથ કહેવું યોગ્ય કહેવાશે એવું જિમ કરડાચને લાગ્યું. પણ બાકી બીજી કંપનીઓ આ નામકરણ બાબતે સહમત થવી જોઈએ ને? પછી નક્કી  થયું કે  જ્યાં સુધી કાંઈ નક્કી ના થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા તરીકે આ નામ ચાલુ રાખવું. પછી તો નામ વિષે ચર્ચા ચાલી. કોઈએ કહ્યું કે ‘ફ્લર્ટિંગ’ નામ રાખો. ફ્લર્ટિંગ આપ જાણો છો. મનથી કે તનથી સાચૂકલી રીતે એકમેક સાથે જોડાયા વિનાની ખોટાડી પ્રણયચેષ્ટા એટલે ફ્લર્ટિંગ. મર્યાદિત રેન્જની ડેટા ટ્રાન્સફર ટેકનોલોજીમાં પણ કાંઇક આવું જ હોય. અડ્યા વિના દૂરથી જોડાવું એટલે ફ્લર્ટિંગ. પણ આ નામ પણ એનાં ખાલીખોટા નખરાળા અર્થમાં જામ્યું નહીં. આખરે આઇબીએમ દ્વારા નક્કી  થયું કે ‘પાન’ શબ્દ રાખવો. પી. એ. એન. આદ્યાક્ષરોનો અર્થ ‘પર્સનલ એરિયા નેટવર્કિંગ’  કરવામાં આવ્યો. આ શબ્દ પરફેક્ટ હતો. પણ જ્યારે એના અમલીકરણની વાત આવી તો પાન નામથી હજારો ચીજવસ્તુ, આર્થિક વ્યવહારો કે ટેકનોલોજી પહેલેથી જ ઇન્ટરનેટ પર રજીસ્ટર્ડ હતા. એમાં એક તો આપણો જ ઇન્કમટેક્સનો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) છે. અહીં ટ્રેડમાર્કના પ્રશ્નો થતા હતા. એટલે ભવિષ્યમાં બદલવાની શરતે કામચાલાઉ બ્લૂટૂથ નામકરણ ચાલુ રહ્યું. પણ પછી એ નામ કયારેય બદલાયું નહીં.  આમ પણ એક વાર હૂલામણું નામ પડી જાય પછી કોઇ નવાં નામથી ઓળખે ખરાં?  બ્લૂટૂથનો લોગો જોઈએ તો એની બે સંજ્ઞાઓ ખરેખર તો જૂની નોર્ડિક બોલીમાં રાજા હરાલ્ડનાં નામનાં પહેલાં અક્ષરો છે. એ એની ટૂંકી સહી છે, જેણે જોડાણ કર્યું હતું. આપણે બ્લૂટૂથની વાત કરીએ છીએ ત્યારે જોડાણની વાત કરીએ છીએ. માણસનું માણસને મળવું આખરે શું છે? ઓછા અંતરની વાયરલેસ ટેકનોલોજીથી લાગણીનાં ડેટા ટ્રાન્સફર થતાં રહે છે. જેમ બ્લૂટૂથથી કોઇ પણ ખટખટ વિના વિવિધ ઉપકરણો સટાસટ જોડાઇ જાય છે એમ મનનાં તાર જોડવા વાયરલેસ બ્લૂટૂથ ૫.૦ મળી જાય તો કેવી મઝા પડે. હેં ને? બાકી આપણે ઝઘડો કરવા હંમેશા તત્પર રહીએ છીએ. મારી માન્યતા તારી પર ઠોકી બેસાડવાનાં આપણે હેવાયા છીએ. ભાયડાઓ બાયડીઓથી જુદા છે. સવર્ણ હરિજનોથી પોતાને અલગ ગણે છે. પ્રાંત પ્રાંતનાં લોક એકબીજાનો વિરોધ કરે છે. દેશ દેશનાં લોકો એકબીજાને ધિક્કારે છે, ધુત્કારે છે. ધર્મનાં ઝનૂનથી તો આખો દેશ અને આખી દુનિયાનાં સમગ્ર ઇતિહાસ અને ભૂગોળ બન્ને ભરાઇ ગયા  છે. શાકાહાર અને માંસાહારની દલીલો એકબીજા પર હાવી થતી જાય છે. હમ સબ એક હૈ- એ તો માત્ર એક સૂત્ર જ છે. સૌનો અલગ ચોકો છે, સાહેબ! ચાલો, આપણે કોઈ નવીન બ્લૂટૂથથી જોડાઈએ. નેક થઈએ. એક થઈએ.

How to make a Bluetooth Music Receiver very simple – YouTube

Mar 4, 2016 – Uploaded by LXG Design

Songs: https://www.youtube.com/watch?v=bM7SZ5SBzyY Components: ○ Blutetooth 2.0 module (google .

શબ્દ શેષ:

“સ્ત્રી વાઈ-ફાઈ જેવી છે. બધાં સિગ્નલ પૈકી જે સૌથી સ્ટ્રોંગ હોય એની સાથે જોડાયેલી રહે. પુરુષ બ્લૂટૂથ  જેવો છે. આમ એક સાથે જોડાયેલો હોય પણ એ એક જો નજીક ના હોય તો બીજે ક્યાંક જોડાવા ફાંફાં તો મારે જ!”  -અજ્ઞાત

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, વિજ્ઞાન

One response to “અથ શ્રી ‘બ્લૂટૂથ’ નામકથા /પરેશ વ્યાસ

  1. વાહ! મજા આવી ગઈ. મને હમ્મેશ થતું હતું કે, આ નામ શી રીતે પડ્યું. એમાંય વાઇકિંગનો ઈતિહાસ ભળ્યો , એટલે ઓર મઝા. અમેરિકાની ધરતી પર પહેલો પગ મુકનાર યુરોપિયન – એરિક ધ રેડ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s