Daily Archives: એપ્રિલ 29, 2017

સફળતાનું બીજું નામ એટલે આમીર ખાન


આપણે જેમને આમીર ખાન તરીકે ઓળખીએ છીએ તે મોહંમદ આમીર હુસૈન ખાન ૫૧ વર્ષના થયા. ૧૪ માર્ચ, ૧૯૬૫ના રોજ મુંબઈમાં તેમનો જન્મ. તેઓ ભારતના સૌથી જાણીતા ફિલ્મ અભિનેતા, નિર્દેશક અને નિર્માતા છે. તેઓ ભારતીય સિનેમાના સૌથી જાણીતા અને અસરકાર અભિનેતાઓની યાદીમાં સામેલ છે. તેમને સંખ્યાબંધ સન્માન મળ્યાં છે, જેમાં ચાર નેશનલ ફિલ્મ એવોર્ડ્સ અને આઠ ફિલ્મફેર એવોર્ડ્સ તથા ફિલ્મફેરના ૨૬ નામાંકનનો સમાવેશ થાય છે. ભારત સરકારે તેમને ૨૦૦૩માં પદ્મશ્રી અને ૨૦૧૦માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.
કાકા નસીર હુસૈનની ‘યાદો કી બારાત’ (૧૯૭૩)માં આમીર પહેલીવાર બાળ કલાકાર તરીકે દેખાયા હતા. તેમની પહેલી ફિલ્મ પ્રયોગાત્મક ‘હોલી’ (૧૯૮૪) હતી. ટ્રેજિક રોમન્સ ‘કયામત સે કયામત તક’ (૧૯૮૮)થી આમીર ખાન હીરો રૂપે દર્શકોના મન પર છવાઈ ગયા. નેવુંના દાયકામાં આમીર અનેક સફળ ફિલ્મોના અભિનેતા રૂપે ઉભરી આવ્યા. જેમાં રોમાન્ટિક ડ્રામા ‘દિલ’ આવી, ‘રાજા હિન્દુસ્તાની’માં તેમને શ્રેષ્ઠ અભિનેતાનો પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ‘સરફરોશ’માં પણ તેમના ખુબ વખાણ થયા. કેનેડિયન-ઇન્ડિયન ફિલ્મ ‘અર્થ’ (૧૯૯૮) માં પણ તેમના વખાણ થયા. ૨૦૦૧ માં આમિરે તેમની નિર્માણ સંસ્થા આમીર ખાન પ્રોડક્શન શરૂ કરીને ‘લગાન’ બનાવી, જે ભારતની ઓસ્કાર માટેની એન્ટ્રી બની અને તેને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો નેશનલ એવોર્ડ અને ફિલ્મફેરના શ્રેષ્ઠ ફિલ્મ અને અભિનેતાના એવોર્ડ્સ મળ્યાં. પછી ચાર વર્ષો તેઓ પડદે દેખાયા નહીં. પણ પછી ‘ફના’ અને ‘રંગ દે બસંતી’માં તરત સફળતા મળી. હવે તેઓ દિગ્દર્શક બનીને ‘તારે જમીન પર’ લઇને આવ્યાં જેને જબ્બર સફળતા મળી, શ્રેષ્ઠ ફિલ્મ અને નિર્દેશનના વધુ બે એવોર્ડ્સ મળ્યાં. હવે તેઓ પોતાની જ સૌથી વધુ સફળ ફિલ્મો કરતાં આગળ વધતા જોવા મળ્યા. ‘ગઝીની’ ખુબ સફળ થઇ. એક્શન ફિલ્મ ‘ધૂમ ૩’ (૨૦૧૩) પણ સફળતાની નવી ઊંચાઈએ પહોંચી. એ પછી ‘પીકે’ (૨૦૧૪) અને સ્પોર્ટ્સ બાયોપીક ‘દંગલ’ (૨૦૧૬) ઉત્તરોત્તર હિન્દી ફિલ્મોની સર્વકાલીન સૌથી વધુ આવક મેળવનાર ફિલ્મો બની. ‘દંગલ’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ત્રીજો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે.
અભિનય ઉપરાંત આમીર ખાન અનેક સામાજિક અને માનવીય પ્રવૃત્તિઓથી લોકનજરે રહ્યા. એમાંની કેટલીક પ્રવૃત્તિઓએ રાજકીય વિવાદો પણ સર્જ્યા. તેમણે ટીવી ટોક-શો ‘સત્યમેવ જયતે’નું સર્જન કર્યું અને તેનું હોસ્ટિંગ પણ કર્યું. તે દ્વારા તેમણે ભારતની અનેક સંવેદનશીલ સામાજિક બાબતોને ઉજાગર કરી.
આમીરના પિતા તાહિર હુસૈન ફિલ્મ નિર્માતા હતા અને માતા ઝીનત હુસૈન છે. તેમના અનેક સંબંધીઓ ફિલ્મોમાં છે. જેમાં નિર્માતા-નિર્દેશક નસીર હુસૈન મુખ્ય ગણાય. ભારતીય ફિલસૂફ અબ્દુલ કલામ આઝાદ આમીરના માતૃપક્ષના પૂર્વજ છે. ચાર ભાઈઓમાં આમીર સૌથી મોટા છે. અભિનેતા ફૈસલ ખાન, બે બહેનો ફરહત અને નિખાત ખાન છે, નીખાત સંતોષ હેગડેને પરણ્યા છે. તેમના પિતરાઈ ઈમરાન ખાન સમકાલીન અભિનેતા છે. આમીરે રીના દત્તા સાથે કરેલાં લગ્ન ૧૫ વર્ષ ટક્યા અને પછી તેઓ ફિલ્મ નિર્દેશિકા કિરણ રાવને પરણ્યા છે. તેમને ત્રણ સંતાનો છે. રીનાજીના બે સંતાનો અને કિરણજી સાથે સરોગસીથી એક સંતાન છે. આમીર ધોરણ ૮ સુધી વાંદરાની સેન્ટ એન્સ સ્કૂલ, પછી માહિમની બોમ્બે સ્કોટીશ સ્કૂલમાં ભણ્યા છે. તેઓ સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં ટેનીસ રમ્યા છે. તેમને ભણવા કરતાં વધુ રસ સ્પોર્ટ્સમાં હતો. તેમનું બાળપણ પિતાજીની નિષ્ફળ ફિલ્મોને કારણે આર્થિક રીતે મુશ્કેલ હતું. તેમને ઘરે રોજ લેણદારોના ઓછામાં ઓછા ૩૦ કોલ આવતા. સ્કૂલમાં ફી ન ભરવાને કારણે ગમે ત્યારે કાઢી મૂકે એવી હાલત હતી. ખાન આવાંતર નાટ્ય જૂથ સાથે જોડાઈને એક વર્ષ બેક-સ્ટેજનું કામ કરી ચુક્યા છે. તેમણે પહેલી વાર પૃથ્વી થિયેટરમાં ગુજરાતી નાટક ‘કેસર ભીના’માં નાનું પાત્ર ભજવ્યું હતું. પછી બે હિન્દી અને એક અંગ્રેજી નાટક ‘કલીઅરીંગ હાઉસ’ કર્યું હતું. સ્કૂલ પુરી થતાં આમીરે આગળ ભણવાનું છોડીને કાકા નાસીર હુસૈનના સહાયક નિર્દેશક રૂપે ‘મંઝીલ મંઝીલ’ (૧૯૮૪) અને ‘જબરજસ્ત’ (૧૯૮૫)માં સિને શિક્ષણ લીધું હતું. આજે આમીર ખાન સૌથી સફળ નિર્માતા-નિર્દેશક-અભિનેતા છે અને કરોડોના રોલમોડેલ છે.
આમીર ખાન હંમેશા જે ફિલ્મોથી યાદ રહેશે તેમાં ‘કયામત સે કયામત તક’, ‘દિલ’, ‘દીવાના મુજસા નહીં’, ‘દિલ હૈ કી માનતા નહીં’, ‘પરંપરા’, ‘જો જીતા વોહી સિકંદર’, ‘હમ હૈ રહી પ્યાર કે’, ‘અંદાઝ અપના અપના’, ‘અકેલે હમ અકેલે તુમ’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘ગુલામ’, ‘સરફરોશ’, ‘મન’, ‘લગાન’, ‘દિલ ચાહતા હૈ’, ‘મંગલ પાંડે’, ‘રંગ દે બસંતી’, ‘ફના’, ‘તારે જમીન પર’, ‘જાને તું યા જાને ના’, ‘ગઝીની’, ‘૩ ઈડિયટ્સ’, ‘પીમ્પલી લાઈવ’, ‘તલાશ’, ‘ધૂમ ૩’, ‘પીકે’ અને ‘દંગલ’નો સમાવેશ થાય છે.
આમીર ખાનના જાણીતા ગીતો: યાદોં કી બારાત નીકલી હૈ (યાદોં કી બારાત), પાપા કેહતે હૈ, એ મેરે હમસફર, અકેલે હૈ તો ક્યા ગમ હૈ (કયામત સે કયામત તક), મુઝે નીંદ ન આયે, ઓ પ્રિયા પ્રિયા (દિલ), તુ પ્યાર હૈ કિસી ઔર કા (દિલ હૈ કી માનતા નહીં), પહલા નશા પહલા ખુમાર (જો જીતા વોહી સિકંદર), ઘૂંઘટ કી આડ સે (હમ હૈ રાહી પ્યાર કે), આયે હો મેરી ઝીંદગી મેં, પરદેસી પરદેસી જાના નહીં (રાજા હિન્દુસ્તાની), આતી ક્યા ખંડાલા (ગુલામ), ઇસ દીવાને લડકે કો (સરફરોશ), ચાહા હૈ તુજકો (મન), ઘનન ઘનન, મિતવા, રાધા કૈસે ન જલે (લગાન), દિલ ચાહતા હૈ, જાને કયું (દિલ ચાહતા હૈ), રંગ દે બસંતી (શીર્ષક), ચાંદ સિફારીશ (ફના), બમ બમ ભોલે (તારે જમીન પર), ઓલ ઇઝ વેલ, ઝૂબી ડૂબી (૩ ઈડિયટ્સ), દંગલ (દંગલ).

સ્ટાર્સ ઓફ માર્ચ – નરેશ કાપડીઆ

1 ટીકા

Filed under Uncategorized