રહસ્યોની ગુફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહિ, સમયસર ખૂલજા સિમસિમ ઉચ્ચરવું યાદ આવ્યું નહિ – મનોજ ખંડેરિયા
અલીબાબા અને ચાલીસ ચોરની વાર્તા બાળપણમાં વાંચી હતી. ખૂલજા સિમસિમ બોલે ને ચોરની ગુફાનો દરવાજો ખૂલી જાય. ગુફામાં જઇએ અને ખજાનો મળી જાય. જો કે પહેલાં જેવું સરળ આજે નથી. અને કાલ…? કાલ તો એથી ય અઘરી હશે. દુ:ખ થશે. મનદુ:ખ થશે. ખુશી હાથતાળી દઈને ક્યાંય જતી રહેશે. માનવ જ્યાં કામ કરતા’તા ત્યાં યંત્રમાનવ કામ કરશે. માનવથી અનેક ઘણી બુદ્ધિ, અનેક ઘણી વિશ્લેષણાત્મક શક્તિ. માનવ તો યંત્રમાનવની સામે સાવ બુદ્ધુ લાગે. પછી કોઈ એવા બુદ્ધુ માનવને નોકરી શું કામ આપે? એને તો પગાર આપવો પડે. પગાર વધારો આપવો પડે. રજા આપવી પડે. સાચવવો પડે. અને માનવ કર્મચારી હોય તો હમારી માંગે પૂરી કરો… એવા ધરણાં ય કરે. હડતાળ ય પાડે. કામ બગાડે. એનાં કરતાં યંત્રમાનવ શું ખોટા? કોઈ કામ તો હવે રહેવાનું નથી. નહીં. માણસ પાસે કામ જ નહીં હોય તો? બેકારી હદથી વધી જાય. અઠવાડિયામાં માંડ ત્રણ-ચાર દિવસ કદાચ કામ અને એ ય મળે તો મળે. એ ય પાછું પાર્ટટાઈમ કામ. દિવસનાં માંડ ત્રણ-ચાર કલાક. આવા દહાડિયા પાસે પછી નવરાશ જ નવરાશ.. અને નવરા શું કરે? નખ્ખોદ વાળે. ઝઘડા કરે. ક્ષણે ક્ષણે અકળામણ, પળે પળે ઉચાટ, આગામી ત્રણ દાયકા દુ:ખદાયી હશે એ નક્કી. વળી લોકો આજકાલ વધારે જીવે છે. એટલે પ્રોબ્લેમ્સ તો વધારે અઘરાં થવાનાં છે. આ હું નથી કહેતો. આ તો વિશ્વની ટોપ ક્લાસ ઈ-કોમર્સ ગ્રુપ ઓફ કમ્પનીઝ ‘અલીબાબા’નાં ખેરખાં, નામે જેક મા કહે છે. તાજેતરમાં ચીનમાં યોજાયેલી એક ઔદ્યોગિક સાહસિકોની
કોન્ફરન્સમાં જેક મા આવી આવી પડાનારી બેકારી અને દુ:ખની ભવિષ્યવાણી કરે છે. અને એની વાત સાચી છે.
અલીબાબાનો માલિક ભવિષ્યને જાણે છે. એણે જ્યારે નાનાં દુકાનદારોનો ધંધો પડી ભાંગશે એવી ભવિષ્યવાણી કરી હતી ત્યારે કોઈએ માની નહોતી. પણ પછી એ વાત સાચી પડી. જેક મા અગમનાં એંધાણ પારખી શકે છે. આવા ભવિષ્યવેત્તા માટે ઈંગ્લીશ ભાષામાં એક સરસ શબ્દ છે સૂથ્સેયર (Soothsayer). સેયરનો અર્થ જાણીએ છીએ. સે એટલે કહેવું અને સેયર એટલે કહેનારો. સૂથિંગ (Soothing) એટલે જેમાંથી સાંત્વન કે આશ્વાસન મળે તેવી વાત. સાંત્વના મળે એવું કહે એને સૂથ્સેયર કહેવાય … રાઈટ? રાઈટ, પણ….ભવિષ્યની વાત કહે એનાથી સાંત્વના મળે જ એવું જરૂરી નથી. અલીબાબાનાં ફાઉન્ડર અને કાર્યકારી ચેરમેન જેક મા તો આવી વાત જરાય કરતા નથી. સૂથ શબ્દનો મૂળ અર્થ થાય છે સત્ય. આપણી સંસ્કૃત ભાષાનો શબ્દ સત્ય, જર્મન શબ્દ સૂન્ટ, સ્વીડીશ શબ્દ શાંટ અને પૂરાતન ઈંગ્લીશ બોલીનો શબ્દ સૂ અને આર્વાચીન ઇંગ્લિશનો ટ્રુથ; એમ તમામ ઇંડો-યુરોપિયન ભાષાઓનાં સત્યનો અર્થ ઉજાગર કરતા શબ્દો એક બીજા સાથે સંકળાયેલા છે. ચઉદમી સદીમાં સૂથ શબ્દ એનાં સત્યના અર્થમાં જાણીતો હતો. પણ પછી એનો અર્થ શાંત કરવું કે સાંત્વના આપે એવું બોલનારાઓનાં અર્થમાં ઉપયોગમાં લેવાતો ગયો. સાંત્વના આપે ત્યારે કોઇ શું કહે? ભવિષ્યમાં સૌ સારાવાનાં થશે. બસ, પછી તો ભવિષ્યને ભાખનારા જ્યોતિષીઓ સૂથ્સેયર કહેવાયા. પણ સૂથનો મૂળ અર્થ જેમનો તેમ છે. સત્ય. જે સત્ય કહે તે સૂથ્સેયર… અને સત્ય કડવું હોય છે, બાપ. કોઇ જણ અઘરાં ભાવિ વિષે આગોતરી ચેતવણી આપે તો એ સૂથ્સેયર સાચો એવું માનવું. બાકી તો જ્યોતિષીઓ સારી સારી વાત કરતા હોય છે અને સપનાઓ વેચતા હોય છે.
જેક માનાં વિધિ વિધાન અનુસાર હવે શું થશે? હવે તો ડ્રાઈવર વિનાની કાર આવી જશે. ટ્રક ડ્રાઈવર પણ હવે ભૂતકાળ બની જશે. હાઈ-વે પર દારૂની દૂકાનની ચર્ચા જ અપ્રસ્તુત થઇ જશે. કારકૂનની આખી વ્યવસ્થા જ નહીં રહે. કેટલાં ય જુનીયર વકીલો જૂના જજમેન્ટસમાં શોધખોળ કરે ત્યારે પીટીશન તૈયાર થાય. હવે આ બધું તો આર્ટીફિસીયલ ઇન્ટેલિજન્સ કરશે. ડોક્ટરનું કામ પણ યંત્રમાનવ કરશે. એક સાથે તપાસનાં તમામ ડેટા ઘડીમાં પ્રોસેસ કરીને તાબડતોબ નિદાન કે ઓપરેશન થઇ જશે. અરે, જેક મા તો કહે છે કે સીઈઓ જ નહીં રહે. આખું સંગઠન સંકોચાઈને સીમિત થઇ જશે. આ બધું એક રાતે અચાનક નહીં થાય. રોજ થોડું થોડું થશે. નોકરી વિના રખડતા જુવાનીયાઓની સંખ્યામાં રોજ થોડો થોડો ઇજાફો થશે, જે વખત જતા ગુણાંકમાં વધતો જશે. નોકરી ક્યાંય નહીં હોય. હા, રાજકારણમાં તો જગ્યા રહેશે. પણ રાજકારણીઓની મુશ્કેલી વધતી જશે. આમ પણ દેશભક્તિ કે ધર્મનાં નામે ક્યાં સુધી લોકોને બહેલાવી કે બહેકાવી શકાય? પછી અનામત સળગે કે કોમી રમખાણ ફાટી નીકળે. સરકાર ખૂબ કામ કરે, લોકોનું ભલું જ ઈચ્છે, ભ્રષ્ટાચાર ન પણ કરે તો પણ લોકોને કામ જ ન મળે, રોજીરોટી ન મળે તો લોકો શું કરે?
પોતે ચીની છે પણ જેક માએ પોતાની કંપનીનું નામ અરેબિયન નાઇટ્સની વાર્તા પરથી અલીબાબા રાખ્યું.વાત જાણે એમ બની કે પોતે મલેશિયાની એક કોફીશોપમાં બેઠો હતો અને નામ વિશે વિચારી રહ્યો હતો. તમે ઇન્ટરનેટ પર માંગો અને એ વસ્તુ કુરિયરમાં મળી જાય, એને ઇ-કોમર્સ કહેવાય. તમારે માત્ર કહેવાનું કે ખુલ જા સીમસીમ. પણ જેકને થયું કે બધા આ વાર્તા જાણતા હશે? એણે કોફીશોપની વેઇટ્રેસને પૂછ્યું તો એણે કહ્યું કે “હા, મને વાર્તા વિષે ખબર છે. પેલી ખુલ જા સીમસીમવાળી વાર્તા ને?” પછી તો જેક માએ બહાર નીકળીને અલગ રંગ, જાતિ, બોલી કે દેશનાં ત્રીસ લોકોને પૂછ્યું. બધાને ખબર હતી કે આ ખુલ જા સીમસીમ એટલે શું? બસ, એણે કંપનીનું નામ અલીબાબા રાખી દીધું. આગામી ત્રીસ વર્ષોમાં દુ:ખ, દર્દ અને પીડામાં જશે એવી આ અલીબાબાની ચેતવણી છે. આ સૂથ્સેયર આપણાં ભવિષ્યનું સત્ય કહે છે. આપણે શું કરવું? સિમ્પલ છે. જરૂરિયાત ઓછી રાખો. જાતને સાચવો. જાતને જાળવો. જાત પર ભરોસો રાખો. સ્વાવલંબી બનો. ટેકનોલોજી સાથે તાલ મેળવતા રહો. આ રહસ્યની ગુફા છે. બહાર નીકળવાની રીત ના આવડે તો અલીબાબાનાં લોભી ભાઇ કાસિમની માફક મરી પણ જવાય. અને હા, જેમ અલીબાબાને હંમેશા એની ચતુર દાસી મર્જીના બચાવતી આવી હતી તેમ આપણને પણ આપણી મર્જીના મળી શકે. બસ વિશ્વાસ મુકતા આવડવું જોઇએ. હેં ને?
શબ્દ શેષ:
“કેટલીક વાર સત્ય એ છે જે તમે સાંભળવા માંગો છો.” –લેખક અનૈકી એઝકૈલ
Alibaba And 40 Thieves – YouTube
Alibaba and 40 Thieves is movie based on the arabic adventure tale. The story is of Alibaba who once finds …
આપડે તો હોળ હોળ વરહથી બેકાર જ છંઈ . અને…..