ફેરાગો : ભૂસું, ખીચડો, શંભુમેળો…../ પરેશ વ્યાસ

ફેરાગો : ભૂસું, ખીચડો, શંભુમેળો…..

વીતી ગયેલી પળ વિષે, ચર્ચા ન કર
સપના વિષે, અટકળ વિષે,ચર્ચા ન કર જે સત્ય છે તે સત્ય છે, બે મત નથી
અમથી, અસતનાં બળ વિષે, ચર્ચા ન કર – ડૉ. મહેશ રાવલ
અર્નબ ગોસ્વામીનું રીપબ્લીક ટીવી શરૂ તો થયું પણ ગરજ્યા મેઘ વરસ્યા નહીં. સાંપ્રત પત્રકારિત્વમાં અગનજ્વાળા ઝગાવનાર અર્નબ એ ભૂલી ગયા કે ચર્ચા એની થાય જે સાંપ્રત હોય, તાજું હોય, લોકોનાં દિલોદિમાગમાં છવાયેલું હોય. સાડા ત્રણ વર્ષ જૂની ઘટનાનાં હાડપિંજરને લીલા હોટલનાં કબાટમાંથી બહાર કાઢવાની હરકત બેસૂરી લાગે છે. સાડા ત્રણ વર્ષ.. ત્યારે મમોની સરકાર હતી, અત્યારે નમોની સરકાર છે. સાડા ત્રણ વર્ષ પહેલાં… સુનંદા પુષ્કરે આત્મહત્યા કરી કે એનું ખૂન થયું એ વિષે હવે કોઈને ખાસ રસ નથી. નેશન ડઝ નોટ વોન્ટ ટૂ નો ધ ઓલ્ડ સ્ટોરી….અત્યારે દેશભક્તિ, ગૌરક્ષા અને આતંકવાદનાં મુદ્દા કાબિલ-એ-ગૌર છે. આકાશમાંથી લૂ વરસતો ઘોર ઉનાળો છે. બારમાં ધોરણનાં વિદ્યાર્થીઓ સિવાય બાકી બધે વેકેશન છે. લોકોને ગમે છે વી.આઇ.પી.(વેરી ઈમ્પોર્ટન્ટ પર્સન) લાલબત્તી કલ્ચરનું દૂર થવું તે. ઇ.પી.આઇ.(એવરી પર્સન ઈઝ ઈમ્પોર્ટન્ટ)- એ મોદીજીનાં મનની વાત છે. હા, એ વાત સાચી કે વીઆઇપી સંડોવાયા હોય તો જ સમાચાર ચર્ચાસ્પદ બને. સુનંદા અપમૃત્યુ કેસમાં કોંગ્રેસ સાંસદ શશી થરૂર જરૂર સંકળાયેલા હશે પણ સંડોવાયા હશે કેટલી હદે? એવી વાતની ચર્ચા હવે જૂની થઇ ગઈ. અમે આ સમાચારની ચર્ચા એટલે કરીએ છીએ કે શશી થરૂરનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન કાબિલ-એ-તારીફ છે. એમણે અર્નબની કબરતોડ (કબરતોડ- કબરમાં દાટેલા મડદાં બહાર કાઢવાની ચેષ્ટા) કોશિશની નિંદા કરીને ટ્વીટર પર જે લખ્યું, તે અંગ્રેજી શબ્દો અઘરાં હતા. શશી થરૂર જો ગુજરાતી હોત તો એમણે લખ્યું હોત… ‘પત્રકારનો મુખવટો પહેરેલાં એક નીતિભ્રષ્ટ તમાશેદાર માણસ દ્વારા વિકૃત અને ઉશ્કેરણીજનક ખીચડો, ખોટો અહેવાલ અને નરદમ જૂઠ્ઠાણાનું જાહેર પ્રસારણ …..’ હવે આવા સમાચારમાં હાસ્ય ગોતવું અઘરું છે પણ ટ્વીટર પર થરૂરનાં અઘરાં અંગ્રેજી શબ્દોને લઈને સોશિયલ મીડિયા પર એક્ટિવ લોકોએ પોતાની આગવી સેન્સ ઓફ હ્યુમરનો પરિચય આપ્યો. અંતે શશી થરૂરે ખુદ એવા ટ્વીટીરાટીઓની પ્રસંશા કરતાં ટ્વીટ્યું કે ‘દેશની ચર્ચા (કે ગામ ગપાટાં!)માં ‘ફેરાગો’ શબ્દનું પ્રદાન કરવા બદલ હું રાજીપો વ્યક્ત કરું છું. જ્યાં સુધી રીપબ્લિક ટીવી રહેશે ત્યાં સુધી આ શબ્દની જરૂર તો આપણને રહેશે જ.’ શું છે આ ફેરાગો (Farrago)?

મૂળ લેટિન શબ્દ ફેર (Far) એટલે જાડું ધાન, અનાજ. ફેરાગો એટલે ઢોરને ખવડાવવા મિક્સ કરેલું અનેક જાતનું ઘાસઅનાજ, નીરણ. આ તો એનો મૂળ અર્થ. પણ પછી ફેરાગો એવા નકારાત્મક ભૂંસા, શંભુમેળા કે ખીચડાનાં અર્થમાં પ્રચલિત થયો જેમાં એક સાથે ઘણી વાતની કે વસ્તુની સેળભેળ હોય, ગોટાળો હોય. અથવા સમજાય જ નહીં કે આ છે શું? ફેરાગો એટલે જાણી જોઇને સર્જેલું કન્ફયુઝન. જ્યાં એક પછી એક અવનવી બહાનાબાજી હોય ત્યારે એવી બહાનાબાજીનાં વિશેષણ તરીકે ફેરાગો શબ્દ બોલાય કે લખાય છે. અથવા તો અધકચરાં જ્ઞાનનું જાત જાતનું બિંદાસ પ્રદર્શન હોય ત્યારે એને ફેરાગો ઓફ હાફ-ડાઈજેસ્ટેડ નોલેજ કહેવાય છે. અથવા તો આ હાડોહાડ જૂઠની ભરમાર હોય ત્યારે પણ ફેરાગો શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. હાડોહાડ જૂઠનાં મિક્સ્ચર માટે શશી થરૂરે ફેરાગો શબ્દ અજમાવે છે. ફેરાગો શબ્દ નકારાત્મક છે. વાતમાં ખાસ દમ ના હોય તેમ છતાં ખૂબ દલીલબાજી થતી રહે ત્યારે ફેરાગો શબ્દ વપરાય છે. ઘણાં એને એક અન્ય નકારાત્મક શબ્દ ફિઍસ્કો (Fiasco-ફજેતી, રકાસ) શબ્દની અવેજીમાં વાપરે છે પણ એ એનો સાચો ઉપયોગ નથી. અંગ્રેજી ભાષામાં એનો સમાનાર્થી શબ્દ છે હૉચપૉચ (Hotchpotch) કે હૉજપૉજ (Hodgepodge).

જેમ્સ બોન્ડ સ્પાય થ્રિલર પુસ્તકોનાં લેખક ઇઆન ફ્લેમિંગે (૧૯૦૮-૧૯૬૪) એક પછી એક અનેક બેસ્ટ સેલિંગ પુસ્તકો આપ્યા હતા. એમનું છેલ્લું પુસ્તક હતું: મેન વિથ અ ગોલ્ડન ગન, જે એમના મૃત્યુ બાદ પ્રકાશિત થયું હતું. આ પુસ્તકનાં લખાણને મઠારવાનો ઇઆન ફ્લેમિંગને સમય મળ્યો નહોતો. ચાહકો તો એને વધાવી લીધું હતું પણ ટીકાકારોએ કહ્યું’તું કે ઈયાનની અગાઉની નવલકથાની સરખાણીમાં ‘મેન વિથ ગોલ્ડન ગન’ અત્યંત નબળી નવલકથા છે. ‘બુક્સ એન્ડ બૂક્મેન’નાં ટીકાકારે લખ્યું કે આ પુસ્તકનો જેમ્સ બોન્ડ ઘેટાં જેવો છે. એની ગર્લ્સ પણ ઉતરતી કક્ષાની છે અને એનો વિલન તો વેસ્ટર્ન મૂવીનો શરણાર્થી હોય એવું લાગે છે. ‘ધ ગાર્ડિયન’ અખબારે લખ્યું કે એનું ‘લિવ એન્ડ લેટ ડાઈ’ સૌથી સારું અને ‘યૂ ઓન્લી લિવ ટ્વાઇસ’ સૌથી નબળું પુસ્તક હતું. પણ આ આખરી પુસ્તક ‘મેન વિથ અ ગોલ્ડન ગન’ તો ‘ફેરાગો’ની કક્ષાએ ઉતરી ચૂક્યું છે. અર્થાંત એમાં ફક્ત ભૂસું ભર્યુ છે અથવા તો એમાં નકામી વાતોનો શંભુમેળો છે. શશી થરૂર પોતાના પર મુક્વામાં આવેલા આરોપનો રદિયો આપતા અર્નબ ગોસ્વામીની ટીવી ચેષ્ટાને વિકૃતિનો ઉશ્કેરણીજનક ફેરાગો કહે છે. કોના મગજમાં શું ભૂસું ભર્યું છે એ તો રામ જાણે…અમને તો સુનંદાનાં મોતની ફેર ચર્ચાથી અણખત થાય છે. કાંઈ નવું લાવો, બાપ..અમે તો થાક્યા…

ભારતીય રાજકારણની તાસીર બદલાતી જાય છે. અને પત્રકારિત્વ પણ. ઘણી બધી વાત એક બીજા સાથે મિક્સ થતી જાય છે. લોકો સુધી સમાચાર પહોંચાડવાની જવાબદારી મીડિયાની છે. સ્પર્ધા વધતી જાય છે. અખબાર છપાવાનો સમય નક્કી હોય પણ ટીવી સમાચાર તો બારે માસ અને બત્રીસે પહોર ચાલે.એમાં ય જ્યારે સમાચારને પહેલ પ્રથમ પીરસવાની ગળાફાડ અને ગળાકાપ સ્પર્ધા સતત રહેતી હોય ત્યારે સત-અસતનો ખીચડો ટાળી ય શી રીતે શકાય? આપણે અટકળની, સતની, અસતની ચર્ચામાં વિવેક બુદ્ધિ રાખીએ. બાકી સાંપ્રત સમયમાં ફેરાગો શબ્દ ચર્ચાતો રહેશે. અથવા એમ કહીએ કે જે ચર્ચાશે એ ફેરાગો હશે.

શબ્દ શેષ:
“એવા માણસ સાથે ક્યારેય દલીલ ન કરવી જેને સ્વયં પોતાનાં જૂઠમાં પાકો વિશ્વાસ છે.” –અજ્ઞાત

1 ટીકા

Filed under પરેશ વ્યાસ, પ્રકીર્ણ

One response to “ફેરાગો : ભૂસું, ખીચડો, શંભુમેળો…../ પરેશ વ્યાસ

  1. મમોની સરકાર – નમોની સરકાર

    મસ્ત જુગલબંધી!

    કબરતોડ , ટ્વીટીરાટીઓની પ્રસંશા કરતાં ટ્વીટ્યું

    મસ્ત મજાના નવા નક્કોર શબ્દો.

    ફેરાગો – ભુંસું, ભેળ, ખીચડો….. એમાં કેરોની કોશરી પણ ઉમેરવા પભૈને કે’જો!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s