અર્વાચિંતનમ્ -શું ખાવું? શું પીવું?/ પરેશ વ્યાસ

શું ખાવું? શું પીવું?
વજન વધે છે. કસરત કરવાનાં કામચલાઉ અભરખા ગ્રીષ્મની ગરમી સાથે બાષ્પીભવન થઇ જાય છે. ઉપવાસ કરાય? કોને ખબર? અમે કાંઈ ના ખાઈએ તો ય વજન રાજાનાં કુંવરની માફક રાતે ના વધે એટલું દિવસે અને દિવસે ના વધે એટલું રાતે વધે છે. દુનિયાનાં લોક લબાલબ ખાય પણ એને કાંઈ ના થાય. અને અમે….? શું સાલી જિંદગી છે? અકબર અલાહાબાદી એવું કહી ગયા’તા કે હમ આહ ભી કરતે હૈ તો હી જાતે હૈ બદનામ, વો કત્લ ભી કરે તો ચર્ચા નહીં હોતા. અમે જરા ખાઇએ, પીએ કે વજન વધી જાય. અમે ચર્ચાઇ જઇએ. વગોવાઇ જઇએ. કરવું શું? કોઈ કહે કે ગ્રીન ટી પીવો. એનાં પોલીફેનોલ્સ અને કેફેઈન શરીરની ચરબી બાળે છે. ગ્રીન ટી એટલે દૂધ અને ખાંડ વિનાની ચા. એ તો કઈ રીતે પીવાય? રગડા જેવી કડક મીઠી ચા પીનારાં છ કરોડ ગુજરાતીઓને એ ભાવે કઇ રીતે?
આહારશાસ્ત્રી એલી ક્રીગારે ‘વોશિંગ્ટન પોસ્ટ’ અખબારનાં માધ્યમથી તાજેતરમાં કહ્યું કે લીલી ચા, લાલ મરચું, આખા ધાન અને પ્રોટીન આપણા શરીરનું મેટાબોલિઝમ (ચયાપચય ક્રિયા) વધારે છે. કેલોરી બળી જાય. ચરબી જામે નહીં. માટે મેટાબોલિઝમ વધે એવું ખાઓ પીઓ તો સારું. પણ આ પૂર્ણ સત્ય નથી. માત્ર એની પર આધાર ન રાખી શકાય. ત્રણ કપ ગ્રીન ટી પીઓ તો કેલોરી બળે પણ કેટલી? એક શિંગદાણા જેટલી. લો બોલો… ભારતીય આહારશાસ્ત્રી ઋજુતા દિવેકર તો કહે છે કે લીલી ચા તમને પાતળા કરે તેવી જાહેરાત ભ્રામક છે. ગ્રીન ટી, વ્હાઇટ ટી, ઊલુંગ ટી, બ્લેક ટીમાં કોઇ ફેર નથી. ઋજુતાનાં કહેવા મુજબ આપણી જીભની સ્વાદગ્રંથિને જે ચા ન ભાવે એ ન પીવી જોઇએ. ઋજુતા તો ઘી ખાવાની ય ભલામણ કરે છે. ઋજુતાની વાત માનવી જોઇએ કારણ કે કરીના કપૂર અને અનંત અંબાણી પણ એની વાત માને છે.
એલી ક્રીગાર કે ઋજુતા દિવેકર, બન્ને માને છે કે કસરતનો કોઇ વિકલ્પ નથી. અથવા એમ કહીએ કે નિયમિત કસરતનો કોઇ વિકલ્પ નથી. ઋજુતા નામ પ્રમાણે ઋજુ છે એટલે વધારે પડતી નહીં પણ ત્રણ દિવસે એક વાર નિયમિત કસરત કરવા ભલામણ કરે છે. બન્ને અહારશાસ્ત્રીઓ ફાસ્ટફૂડનાં પ્રબળ વિરોધી છે. પણ અમને ઋજુતા ગમે છે કારણ કે એ વરસાદી માહોલમાં ગરમ ભજીયા કે સમોસા ખાવાને ક્રાઇમ ગણતા નથી. જો ભી મન મારકે સમોસા નહીં ખાતા હૈ ઉસકો હાર્ટએટેક આને કે ચાન્સીસ જ્યાદા હૈ! એવું એ છડે ચોક કહે છે. સમોસા આજકાલ એરફ્રાય કરેલાં મળે છે. એવા સમોસા ફ્લાઇંગ કિસ જેવા હોય. ફ્લાઇંગ કિસમાં તે વળી શી મઝા આવે? ખરેખરા હોઠ એકાકાર થાય એવા આવેગાત્મક ચુંબનમાં જે મઝા હોય એવી મઝા ફ્લાઇંગ કિસમાં નથી. હા, તેલમાં તળેલા સમોસા આરોગવાથી રીઅલ કિસની ફીલ ચોક્કસ મળે. આ વાત ઋજુતાએ પોતે કહી છે. એ એમ પણ કહે છે કે કોઇ પણ પેક થયેલાં ખાદ્ય પદાર્થો જેવા કે બિસ્કિટ્સ, ચિપ્સ, ઓટ્સ, નૂડલ્સ વગેરે ક્યારેય ખાવા નહીં. તેલની વાત કરીએ તો ઓલિવ ઓઇલ સારું અને શીંગતેલ નઠારું, એવું જરાય નથી. તેલ ફિલ્ટર્ડ હોવું જોઇએ, રીફાઇન્ડ ન હોવું જોઇએ. રીફાઇન્ડ તેલ નુકસાન કરે. કોઇ કહે કે રોજ આટલા લીટર પાણી તો પીવું જ જોઇએ. અરે ભાઇ! એવું કાંઇ નથી. પેશાબ પીળો ન થાય એટલું પાણી પીવું. તંઇ શું?
આપણે શું કરવું? બજારમાંથી કાંઇ રેડીમેડ પેક્ડ ફૂડ લાવવું નહીં. તેલ રીફાઇન્ડ હોય એ ન ચાલે. ઘી ખાઇ શકાય. કસરત કરતા રહેવાય. પેઇડ કે અનપેઇડ સલાહકારોનો કોઇ તંત નથી. તમે તમારા શરીરને જેટલું જાણો એટલું બીજું કોઇ જાણે નહીં. કોઇની વાત માનવી નહીં. ડોક્ટર્સને સાંભળવા પણ કરવું એ જે તમને ઠીક લાગે. ડોક્ટર્સ તો એવું કહે કે સ્વાદમાં સારું લાગે તે સઘળું થૂંકી નાંખો. એવું તે કાંઇ થોડું હોય? પણ…ઓછું ખાવું, તાજું ખાવું, ઘરનું ખાવું, ભાવે તેવું ખાવું, ભારતીય ખાણું ખાવું..

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ, વિજ્ઞાન

One response to “અર્વાચિંતનમ્ -શું ખાવું? શું પીવું?/ પરેશ વ્યાસ

  1. સ્વાદમાં સારું લાગતું હોય, ભાવતું હોય, જેને જોતાં જ મોમાં રસાસ્વાદ ટપકવા માંડતો હોય એ બધું જ પ્રેમ પૂર્વક આરોગવામાં આ શાસ્ત્રી માને છે. કોઈ ન્યુટ્રિશિયનનું ડહાપણ એ માનતો નથી. દરેક માનવીનું મેટાબોલિઝમ તેના ડીએનઍની જેમ અલગ હોવાનું. હવે બીજા પંચોતેર કે પંચ્યાસી નથી મળવાના. જલસા કર જલસા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s