યુનાઇટેડ એરલાઇન્સ સીન્ડ્રોમ/ પરેશ વ્યાસ

ELK GROVE VILLAGE, IL – FEBRUARY 19: A newly painted United Airlines jet is seen in this UAL handout photograph from its corporate headquarters February 19, 2004 in Elk Grove Village, Illinois. United Airlines has unveiled new colors for their jets as they start a new advertising campaign. (Photo by United Airlines via Getty Images)

યુનાઇટેડ એરલાઇન્સ સીન્ડ્રોમ

અ-સરકારી એ જ અસરકારી. સરકાર પોતે જ એવું કહે. અને પછી ખાનગીકરણ કર્યે રાખે. અમેરિકન ફિલોસોફર નોએમ ચોમ્સ્કીનાં મતે સરકાર જાહેર સેવાઓ માટે પૂરતાં નાણાં ફાળવે નહીં એટલે સેવાની હાલત કથળે. અને પછી થાય ખાનગીકરણનો શંખનાદ.  લોકોને લાગે કે ખાનગીકરણ એક માત્ર વિકલ્પ છે. ખાનગીકરણથી સેવાઓનાં સ્તર સુધરે. ઉત્તમ કક્ષાની વ્યાવસાયિક સેવાઓ મળી રહે, જો પૈસા હોય તો …પણ પૈસા ખર્ચતા ય સેવા ના મળે તો?  અમેરિકામાં એવું થયું.  શિકાગો એરપોર્ટ ઉપર યુનાઈટેડ એરલાઈન્સનાં વિમાનમાં બધા જ યાત્રીઓ બેસી ગયા. એકેય સીટ ખાલી નહોતી. તે પછી ચાર અગ્રહક યાત્રીઓ (પ્રાયોરિટી પેસેન્જર્સ) આવ્યા. ના, તેઓ કોઇ નેતા કે અભિનેતા નહોતા. એમના જ કર્મચારીઓ હતા. હવે એમને ક્યાં બેસાડવા? વિમાનમાં ઊભા ઊભા તો મુસાફરી થઇ ના શકે. હેં ને? એરલાઇન્સે જાહેરાત કરી કે જેઓ સ્વેચ્છાએ વિમાનમાંથી ઉતરી જશે એને ૮૦૦ ડોલર્સ દઇશું. કોઇ ઉતર્યું નહીં. પછી એરલાઇન્સે  અડસટ્ટે પસંદ કરેલા ચાર યાત્રીઓને વિનમ્રતા(!)થી ગેટ્ટ આઉટ્ટ કહ્યું.  ત્રણ જણાં ઉતરી ય ગયા. પણ ચોથા બુઝુર્ગ પેસેન્જરે ના પાડી. એ ડોક્ટર હતા. સમયસર ન પહોંચે તો પેશન્ટ્સને તકલીફ થાય તેમ હતું. ડોક્ટર કાયદેસરની ટિકિટ લઈને બેઠા’તા. ખુદાબક્ષ નહોતા.તેમાં છતાં એમનાં સત્યાગ્રહનાં જવાબમાં  એરલાઇન્સનાં સિક્યોરિટીએ એમને ઢસડીને લોહી નીગળતી હાલતમાં નીચે ખદેડી મુક્યા. નાક ભાંગ્યું, બે દાંત તૂટ્યા અને મૂઢ માર નફામાં. છેલ્લાં સમાચાર મુજબ એરલાઈન્સે અઘોષિત રકમથી નુકસાન ભરપાઈ કરી સેટલમેન્ટ કર્યું છે. કરવું પડ્યું છે.

અમેરિકા લોકશાહી દેશ છે. વિરોધ થઇ શકે છે. વિરોધ થાય પણ છે. તેમ છતાં એક બુઝર્ગ વિયેતનામી અમેરિકન ડોક્ટરની આ હાલત?  એનો વાંક શું? એનો ગુનો શું? સૌથી ખરાબ એ કે વિમાનનાં બધા પેસેન્જર્સ નતમસ્તક બેઠાં રહ્યા. હા, કોઇકે દુ:ખ વ્યક્ત કર્યું. કોઇકે દયા બતાવી. પણ પછી… બેઠાં રહ્યા. વિરોધ ના કર્યો. ડરતા હશે. ક્યાંક આપણી આ હાલત થઇ જાય તો? અને પેલાં અગ્રહક કર્મચારીઓનાં પેટનું પાણી ય ના હાલ્યું. તેઓ નફ્ફટાઇથી બેસી ગયા. વિમાન ઊડી ગયું. અને હવે બધા વિરોધ કરી રહ્યા છે. એરલાઇન્સનાં સીઇઓએ ત્રણ વાર માફી માંગી. ધ ગ્રેટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ‘હોરિબલ’. કહ્યું કે વિમાનમાંથી ઉતરી જવાની રકમ વધારી હોત તો કોઇ સ્વેચ્છાએ વિમાનમાંથી ઉતરી જાત. લો બોલો! પૈસા ફેંકો, તમાશા દેખો ! આ યુનાઇટેડ એરલાઇન્સ સીન્ડ્રોમ  છે.  સીન્ડ્રોમ એટલે રોગમાં એકીસાથે દેખાતા લક્ષણોનો સમુદાય.  યુનાઇટેડ એરલાઇન્સ સીન્ડ્રોમ એટલે ખાનગીકરણ થયેલી સેવાઓમાં દેખાતા ગ્રાહક અરક્ષા કે ગ્રાહક હિંસાનાં લક્ષણો.

સરકારી સેવાનું ખાનગીકરણ થાય એટલે લોકોને લાગે કે વાહ, ક્યા બાત હૈ? સમયપાલન, સુખસુવિધા અને સ્મિત સાથે સેવા.  પણ પછી નાગડદાઇ વધે. નફ્ફટાઇ વધે. કારણ કે એમની કોઇ જવાબદારી નથી. ખાનગી પેઢીનું લક્ષ્ય એક જ હોય. નફો, નફો અને નફો. ખાનગી ટેક્સી સેવાનાં ય તમને ખરાબ અનુભવ થયાં હશે. ખાનગી વોલ્વો બસ પણ ટાણે કેન્સલ કરી થઇ જાય. એનાં કરતા બીઆરટીએસ કે એસટી… શું ખોટી? દાક્તરી સેવાઓનું કોર્પોરેટીકરણ થઇ ગયું છે. હોસ્પિટલ ફાઇવસ્ટાર હોય પણ જે વધારે પૈસા આપે એ વહાલાં, બાકી બધાં દવલાં. સરકારી સેવાઓ માટે સીટીઝન ચાર્ટર છે. નાગરિકને કઇ સેવા કેટલાં સમયમાં મળી રહે એનું બાંહેધરી પત્રક. ખાનગી સેવા માટે છે કોઇ બાંહેધરીપત્રક?

ખાનગીકરણ તો રહેશે. જાગો ગ્રાહક જાગો. જો સંતુષ્ઠ ન હો તો બોલો. વિરોધ કરો. ડખો કરો. કજિયો કરો. હે વાંચકો, આપણામાં દક્ષિણ આફ્રિકાનાં રેલ્વે સ્ટેશનનો ગાંધી જાગ્રત કરો. માત્ર પોતાના માટે નહીં. બીજા માટે પણ. યાદ રહે કે અહિંસા એક માત્ર હથિયાર છે. સત્ય આપણી પડખે છે. વિરોધ કરવાનું માધ્યમ મીડિયા/સોશિયલ મીડીયા હોઇ શકે. આપણે શું? એવો વિચાર છોડો. બોલો. હમણાં જ બોલો. યુનાઇટેડ એર લાઇન્સ વિમાનનાં બધા જ પેસેન્જર્સે એક સાથે એક અવાજે વિરોધ કર્યો હોત તો પેલાં બુઝુર્ગ ડોક્ટરની લોહીઝાણ અવદશા ન થઇ હોત. બોલશો નહીં તો મુજ વીતી, તુજ વીતશે જ. યુનાઇટેડ થઇશું તો જ યુનાઇટેડ એરલાઇન્સ સીન્ડ્રોમનો મુકાબલો કરી શકીશું.

1 ટીકા

Filed under Uncategorized

One response to “યુનાઇટેડ એરલાઇન્સ સીન્ડ્રોમ/ પરેશ વ્યાસ

  1. વાત સાચી છે. હવે પરેશ ભાઈએ સરકારી વ્યવસ્થાની આનાથી અનેક ગણી અવ્યવસ્થા વિશે લખવું જ રહ્યું. એ વધારે કાળું અને બિહામણું ચિત્ર છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s