જબ ધે મેટ, તબ ધે ભેટ….! / પરેશ વ્યાસ

જબ ધે મેટ, તબ ધે ભેટ….!
ભભૂતિ શું ભરપૂર ભેટી લઉં છું,
સકળને સમૂળું સમેટી લઉં છું.                                 – રાજેન્દ્ર શુક્લ

તમે કોઈને પહેલી વાર સદેહે મળો તો શું કરો? દૂરથી નમન કરો, નમસ્કાર કરો, પ્રણિપાત, વંદન, રામરામ કે પછી લટકતી સલામ?  કે પછી હસ્તનું ધૂનન કરો?  અને જો એમ કરો તો સામાવાળાનો હાથ હળવેકથી પકડો? કે પછી જોરથી જક્ડી રાખો, લંબરૂપ હલાવ્યે રાખો, સામાવાળો કંટાળી જાય પણ તમે એને ઝટ દઈને છોડો નહીં?  કે પછી… ભેટી પડો, વહાલી વહાલી કરો અથવા તો ગળે મળો?  બધો આધાર મળનારાઓનાં મન ઉપર છે, સાહેબ… મળનારો ખાસ અંગત હોય તો એને હાથોમાં લઈને છાતી સરસું  ચાંપો, જેને ભેટણું ય કહેવાય, ર.પા.નાં શબ્દોમાં બથમાં લેવું  ય કહેવાય અને હરીન્દ્ર દવેનાં શબ્દોમાં  આલિંગન ય કહેવાય.  આલિંગન બાહ્ય રતિની  સાત પ્રક્રિયાઓ પૈકી પહેલી પ્રક્રિયા છે. બીજી છ પ્રક્રિયાઓ કઈ છે? એ ફરી કોઈ વાર. આ લેખ સાથે એ અપ્રસ્તુત છે કારણ કે આ પુરુષ અને સ્ત્રી નહીં પણ નકરાં પૌરુષત્વથી ખદબદતા બે કદાવર વિશ્વનેતાના પ્રથમ સન્મુખ મિલનની વાત છે. આ રોમાન્સ નથી. બ્રોમાન્સ? હોઇ શકે!  

નરેન્દ્ર અને ડોનાલ્ડ. નરેન્દ્ર એટલે મહારાજા, નરમાં ઇન્દ્ર જેવો પુરુષ, નૃપતિ. અને ડોનાલ્ડ એટલે દુનિયાનો ચલાવનારો, દુનિયાનું નિયમન કરનારો. મૂળ સ્કોટીશ નામ ડોમ્નહોલ. ઇન્ડો-યુરોપિયન પ્રોટો- સેલ્ટીક ભાષામાં ડોમ્નો એટલે દુનિયા અને ઉલ્હોસ એટલે શાસન કરનારો.  એ પરથી ડોનાલ્ડ એટલે વિશ્વશાસક.  બન્ને મળ્યા તે પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને  નરેન્દ્ર- માય –ટ્રુ-ફ્રેન્ડ (સાચો મિત્ર) કહી નાંખ્યા હતા. પછી જયારે તેઓ મળ્યા ત્યારે ભેટી પડ્યા. સકળને સમૂળું સમેટીને ભેટી પડ્યા.

ભેટવાને ઇંગ્લિશમાં હગ કરવું કહેવાય છે. હગ કરવું જોઇએ? જાણકારો કહે છે કે દિનમાં આઠ વાર હગ કરવું સ્વાસ્થ્ય માટે લાભકારક છે. હિંદી ફિલ્મનાં કોમેડિયન એક્ટર દેવેન વર્માએ કહ્યું’તું કે ફિલ્મમાં સારામાં સારો રોલ હીરોઇનનાં બાપનો છે. હીરોઇનને વળગીને કહી તો શકાય કે, બેટી, તૂને યે ક્યા કિયા?!! જેમ યોગ ઉપયોગી છે, જેમ મુક્ત હાસ્ય અક્સીર થેરપી છે એમ ભેટવું પણ તન અને મન માટે સાષ્ટાંગ ફાયદેમંદ છે. ભેટવું, ભેટી પડવું,  આપણને લેટ-ગો કરવાનું શીખવાડે છે. ભેટવાથી શરીરમાં જીવઊર્જાનો સંચાર થાય છે. ભેટવું એ સંબંધોમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ છે. ભેટવાથી સહભાવ અને સમજણ વધે છે. ભેટવું એટલે આપવું અને પ્રાપ્ત કરવું. લેણદેણની વાત છે આ. ભેટવાથી સ્નાયુઓ રીલેક્સ થાય છે. મજ્જાતંત્રનાં સોફ્ટ સ્નાયુઓમાં લોહીનું ભ્રમણ વધે છે. ચેતાતંત્રમાં  બેલેન્સ જળવાય એટલે જ ભેટવું દુ:ખણાંનું હરનારું છે. ભેટવું આત્મસન્માનનું દ્યોતક છે. ભેટવાથી ઓક્સિટોસિન ઝરે છે. આ લવ હોર્મોન છે. પિટ્યૂઇટરી ગ્લેન્ડમાંથી ઝરતું ઓક્સિટોસિન સામાજિક ગઠબંધનનું પુરસ્કર્તા છે. એનાથી સાલસતા, નિખાલસતા, સુરક્ષિતતા વધે છે. ગુસ્સો ઘટે છે. સંવાદનો સેતુ સરળતાથી સર્જાય છે. દીર્ઘકાલીન ભેટવાની ક્રિયા મગજમાં સેરોટોનિનનું પ્રમાણ વધારે છે. સેરોટોનિન એવું રસાયણ છે જે મૂડને મસ્ત મઝાનો કરી નાંખે છે. મૂડ સારો હોય તો ખુશી તો આપમેળે આવી જ જાય. હેં ને?

બાળકોને ભેટીએ તો હળવેથી ભેટવું. અહીં જકડી લેવાની જરૂર નથી. ભેટવા દરમ્યાન હાથને હળવેથી એની પીઠ પર પસારી શકાય. પ્રેમીઓ ભેટે તો દોડીને વળગી પડે, પ્રેમિકા જો વજનદાર ના હોય તો એને ઊંચકી ય શકાય. છોકરીઓને ટાઇટ હગી ગમે છે. પણ મુશ્કેટા()ટ હગી મુશ્કેલી કરી શકે! પુરુષો પુરુષો ભેટે તો સામાન્ય શિરસ્તો એવો કે એકમેકની પીઠ બે વાર થપથાવવી. જો સામાવાળાને અગાઉ ભેટ્યા ના હોઇએ તો પૂછ્યા વિના ભેટ્વું નહીં. અને હા, ભેટવા ટાણે સ્મિત કરવું, સ્મિત કરતા રહેવું કમ્પલસરી છે. કોઇ પણ પ્રકારનાં ભેટવામાં ભેટીને તરત છૂટા થઇ જવું બેડ મેનર્સ ગણાય છે. અમેરિકન એક્ટ્રેસ ડ્ર્યુ બેરીમોર તો કહે છે કે ‘ઓહ, આઇ લવ હગ્ગિંગ. મને તો થાય કે હું ઓક્ટોપસ હોત તો કેવું સારું હોત. એક સાથે દસ લોકોને ભેટી તો શકત !’   

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

One response to “જબ ધે મેટ, તબ ધે ભેટ….! / પરેશ વ્યાસ

  1. રાજકીય નેતાઓનું ભેટવું -હગ કરવું ઘણીવાર બનાવટી – બહારનો દેખાવ હોય છે ! મનમાં
    કૈંક બીજું જ રમતું હોય છે.
    સંજય દત્તએ એની એક ફિલ્મમાં હગ કરવાની ક્રિયાને જાદુ કી ઝપ્પી કહી હતી એ વાત સાચી છે.

    ડોનાલ્ડ ટ્રમ્પ કે ડીજનીનું કાર્ટુન ડોનાલ્ડ ડક ! હા ..હા.. !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s