ફેબ્યુલિસ્ટ: સજન રે જૂઠ તુમ બોલો… ! /પરેશ વ્યાસ

ફેબ્યુલિસ્ટ: સજન રે જૂઠ તુમ બોલો… !  

જૂઠ પણ સાપેક્ષ છે ને સાચ પણ સાપેક્ષ છે,
તું જરા થંભીને જો કે રાસ પણ સાપેક્ષ છે.

-અશરફ ડબાવાલા

સાપેક્ષ એટલે જેની સ્વતંત્ર હસ્તી નથી તેવું. સાચું શું? જૂઠ્ઠું શું?-એ તો સમય અને સંજોગ પર અધારિત છે. કેટલાંક વ્યવસાય એવાં હોય છે કે જે જૂઠ પર જ નભે છે. શાહરૂખ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પચીસ વર્ષ પૂરાં કર્યા તે નિમિત્તે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે “હું એક્ટર છું. હું ધારું તે કરું છું. હું પ્રોફેસનલ લાયર (ધંધાદારી જૂઠ્ઠો) છું. મારા કહેલાં હર કોઈ જૂઠમાં મને પૂર્ણ શ્રદ્ધા છે.” વાત તો સાચી છે. ફિલ્મ્સમાં અભિનેતા એ કરી બતાવે છે જે રીઅલ લાઇફમાં કોઇ કરી શકે તેમ નથી. સફળ અભિનેતા જૂઠ્ઠાણાં વેચે છે. આપણે ‘રાજ’ કે ‘રાહુલ’નાં પાત્રને જોઇને હરખાઇ જઇએ છે. રૂપસંદરી નાયિકાને એ પળમાં આંખો પટપટાવીને પટાવી લે છે.  દસ વીસ ગુંડાઓને એ એકલે હાથે ઢીશૂમ ઢીશૂમ કરીને સ્ટાઇલથી પછાડી શકે છે. બહેતરીન ગીતો ગાય છે. અફલાતૂન ડાન્સ કરે છે. ખોટ્ટાડો…હેં ને?!  પ્રોફેસનલ લાયર! અમે એ શબ્દ વિષે વિચારવા લાગ્યા. જેમનો ધંધો જ લોકોને ગમે તેવા જૂઠ્ઠાણાં હાંકવાનો છે એ ‘પ્રોફેસનલ લાયર’ (Professional Liar) શબ્દનાં અર્થ માટે ઈન્ટરનેટ ફેંદી વળ્યા. અર્બન ડિક્સનરી અનુસાર એનો એક અર્થ થાય છે એવો જૂઠ બોલનારો કે જે મનઘડંત આધાર પૂરાવા રજૂ કરીને જૂઠને એવા આત્મવિશ્વાસ સાથે વાત કરે કે એને સાંભળનારાઓ એ કહે તે સાચું જ માની લે. અથવા સાચું માનવા પ્રેરાઈ જાય. પ્રોફેસનલ લાયર શબ્દનો બીજો અર્થ મઝાનો છે. અર્બન ડિક્સનરી અનુસાર પ્રોફેસનલ લાયર એટલે રાજકારણી. ચૂંટણી વેળા વાયદા કરે, મોટી મોટી ફેંકે, પછી ચૂંટાઇ જાય એટલે વાયદા પૂરાં તો નહીં  કરી શકે પણ લોકોને સતત કહ્યે તો રાખે જ કે “અમે આ કર્યું, અમે તે કર્યું, સૌની જિંદગી અમે બહેતર કરી વગેરે. અમે એટલે….”  રાજકારણીઓ માટે જૂઠ બોલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એ સાચું બોલે તો તો ચૂંટણી હારી જાય. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ શાસનને માંડ પાંચ મહિના થયા ત્યાં ગયા અઠવાડિયે જ ન્યૂયોર્ક ટાઈમ્સે એમનાં બોલેલા જૂઠને છાપવાની કોશિશ કરી તો છાપાનું આખું પાનું ભરાઈ ગયું. લો બોલો! આ નેતા અને આ અભિનેતા ધંધાદારી જૂઠાં હોય છે. એમને એવા હોવું પડે છે.

જૂઠ બોલનારા માટે ઇંગ્લિશ ભાષામાં ‘લાયર’ ઉપરાંત એનાં ૧૬૪ સમાનાર્થી શબ્દો છે. જેવું જેવું  જૂઠ એવો એવો એ બોલનાર માટે ખાસ શબ્દ. આ બધાં શબ્દો વિષે લખીએ તો તો થેસિસ લખાઇ જાય અને ગુજરાત યુનિવર્સિટી અમને પી.એચડી.ની પદવી પણ આપી દે. પણ અમે જૂઠને અમારો પ્રોફેસનનો આધાર બનાવવા માંગતા નથી એટલે ‘પ્રોફેસનલ લાયર’નાં સમાનર્થી શબ્દો શોધતા અમને જડેલાં કેટલાંક શબ્દોની જ વાત કરવી છે. આ શબ્દો છે: ટેલર ઓફ અન-ટ્રુથ(અસત્યનો કહેનારો), સ્પિનર ઓફ યાર્ન (‘જૂઠ’નાં સૂતરનો કાંતનારો), પ્રીજ્યુરર (સત્ય કહેવાના સોગંદ લીધા છતાં જાણી જોઇને જૂઠ્ઠું બોલનારો), ફેબ્રિકેટર (ખોટા પુરાવા આપીને ખોટું ચિત્રનો નીપજાવનારો), ફિબસ્ટર (વાતે વાતે અથવા તો ક્ષુલ્લક કે છૂટક વાતે પણ જૂઠ્ઠું બોલનારો) , સ્યુડોલોજિસ્ટ (ગોઠવણપૂર્વક કે મુદ્દાસર જૂઠ્ઠું કહેનારો), ઇક્વિવોકેટર (ભારેખમ શબ્દોથી સત્ય પર સફળતાપૂર્વક ઢાંકપિછોડો કરી શકનારો), પ્રીવેરિકેટર (ઉડાઉ જવાબ આપીને સત્ય કહેવાનું ટાળનારો), પેથોલોજિકલ લાયર (આદત-સે-મજબૂર જૂઠ્ઠું બોલનારો) વગેરે. આ પૈકી એક મઝાનો શબ્દ છે ફેબ્યુલિસ્ટ. આ શબ્દ કદાચ ‘પ્રોફેસનલ લાયર’ શબ્દની સૌથી નજીક અથવા નેતા કે અભિનેતાનાં જૂઠને કહેવા માટે એનાથી સારો શબ્દ છે. શાહરૂખ ખાને પોતાનાં ઇન્ટરવ્યૂમાં પોતાને પ્રોફેસનલ લાયરની જગ્યાએ ફેબ્યુલિસ્ટ (Fabulist)  કહ્યો હોત તો વધારે અપ્રોપ્રિયેટ હતું.

ફેબ્યુલિસ્ટમાં મૂળ શબ્દ છે ‘ફેબલ’ (Fable). ગુજરાતી લેક્સિકોન અનુસાર ફેબલ એટલે કાલ્પનિક કથા કે વાર્તા, નાનકડી બોધકથા, દંતકથા, નૈતિક બોધવાળી પ્રાણીકથા, -ની કથા રચવી, –રચીને પ્રખ્યાત કરવું. મૂળ લેટિન શબ્દ ‘ફેબ્યુલા’ એટલે ‘એ જે કહેવામાં આવે’. ફેબલ એટલે વાર્તા, નાટક, કહાની વગેરે. એ તો કાલ્પનિક જ હોય. ઘડી કાઢેલી જ હોય. એટલે સાચી ના હોય. એટલે ફેબલનો એક અર્થ થાય જૂઠ્ઠી વાત. પણ એ હોય ભવ્ય.  ઈંગ્લિશ શબ્દ ‘ફેબ્યુલસ’ પણ એ પરથી જ આવેલો શબ્દ. અને ‘ફેન્ટાસ્ટિક’  (ઉત્તમ, સાદી સમજથી વિપરીત) તેમજ ‘ફેબ્યુલસ’ (અસાધારણ કે આશ્ચર્યકારક)નાં સંયોજનથી બનેલો શબ્દ ‘ફેન્ટાબ્યુલસ’નાં મૂળમાં પણ ફેબલ શબ્દ છે. ફિલ્મી કલાકાર કે પછી રાજકારણી…જૂઠ્ઠું તો બોલે જ. મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર ‘ફેબ્યુલિસ્ટ’નો એક અર્થ થાય ફેબલ લખનારો લેખક અને બીજો અર્થ થાય જૂઠ્ઠું બોલનારો માણસ.

નેતા એવમ્ અભિનેતા માટે જૂઠ્ઠું બોલવું જરૂરી છે. એટલું જ નહીં એમણે બોલેલું જૂઠ જનતા જનાર્દનને સાચું પણ લાગવું જોઇએ. તમને જો એ ના આવડતું હોય તો નેતા કે અભિનેતા બનવાની તમારી લાયકાત નથી. જૂઠ બોલવાનાં કેટલાંક નિયમો છે.  ફાયદો દેખાતો હોય ત્યાં જ અને તો જ, જરૂરિયાત અનુસાર, માફકસર જૂઠ્ઠું બોલવું. કાયમ જૂઠ્ઠું બોલ્યા કરશો તો પકડાઇ જવાનાં ચાન્સિસ વધારે છે. પછી તો તમારી સાચી વાત ય કોઇ ના માને! જૂઠ્ઠું બોલવું એ ખાંડાનાં ખેલ છે, ખાવાનાં ખેલ નથી. જૂઠ્ઠું બોલતા પહેલાં વિષયની પૂરેપૂરી જાણકારી મેળવી લેવી જરૂરી છે. એટલું જ નહીં પૂરતી પ્રેકટીસ કરી લેવી. કોન્ફિડન્સ આવી જવો જોઈએ. કશું ય હચુડચુ ના ચાલે. જૂઠ્ઠું બોલવામાં કોઈ ગુનો નથી, એવી અનુભૂતિ સતત થતી રહેવી જોઈએ. એમાં અર્ધસત્ય ભળેલું હોય તો વધારે સારું કારણ કે અર્ધસત્ય મિશ્રિત જૂઠ ભાગ્યે જ પકડી શકાય છે. જેની સામે તમે જૂઠ્ઠું બોલવા માંગો એની રગે રગથી વાકેફ થઇ જાવ. એમની દુ:ખતી રગ પકડાઈ જાય એટલે તમારું કામ આસાન થઇ જાય. જૂઠ્ઠું બોલાતી વેળા હાથનાં, આંખના હાવાભાવ શંકાસ્પદ ના હોવા જોઈએ. સામાવાળા સાથે આંખમાં આંખ મિલાવીને જૂઠ્ઠું બોલવું જોઈએ. અને છેલ્લે, પકડાઈ જવાય એવું લાગે તો વાતને સલૂકાઈથી બદલી નાંખવાની કે પછી સામેવાળાને ઇમોશનલ બ્લેકમેઇલ કરી શકવાની ક્ષમતા હોવી જરૂરી છે.  

જૂઠ્ઠું બોલવું પથ્થરમાં પ્રાણ પૂરી શકે છે. અમને તો લાગે છે કે આ દુનિયા એક મોટું જૂઠ છે. ઉપરવાળો સતત જૂઠ્ઠાણાંનો ઓવરડોઝ આપીને આપણને બહેકાવી રહ્યો છે, બહેલાવી રહ્યો છે. અજબ જાદૂ છે કે આપણે એ સાપેક્ષ રાસને નિહાળવા હાથ બાળીને અજવાળું કરતા નરસિંહ મહેતા છીએ. ઇશ્વર જેવો મહાન ફેબ્યુલિસ્ટ બીજો કોઇ નથી.

શબ્દ શેષ:

“મહાન  જૂઠ્ઠાંબોલાઓ મહાન જાદૂગર પણ હોય છે.” – સરમુખત્યાર એડોલ્ફ હિટલર  .Displaying maxresdefault (3).jpg

1 ટીકા

Filed under ઘટના, પ્રકીર્ણ

One response to “ફેબ્યુલિસ્ટ: સજન રે જૂઠ તુમ બોલો… ! /પરેશ વ્યાસ

  1. સજન રે વા ઝૂઠ મત બોલો , ખુદા કે પાસ જાના હૈ એવું રાજ કપૂરનું એક હિન્દી ફિલ્મનું ગીત યાદ આવી ગયું .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s