બૅટ ન્વાર: અણગમતાનો કરીએ ગુલાલ/ પરેશ વ્યાસ

બૅટ ન્વાર: અણગમતાનો કરીએ ગુલાલ

હું આંખ આડા કાન ભલે ને કરી લઉં,
કેવી રીતે કહું કે ગમા-અણગમા નથી.                                                                                                                  – લક્ષ્મી ડોબરિયા

ગમા-અણગમા તો હોય જ અને રહેવાનાં જ. જ્યારે આંખ આડા કાન ન થઇ શકે ત્યારે ઝઘડા થાય. જર, જમીન અને જોરૂ, ત્રણે કજિયાનાં છોરૂં- આમ તો એક કહેવત છે. કહે છે કે કહેવતની કોઈ એકસપાઇરી ડેઇટ હોતી નથી. કહેવત  અજરામર છે. પણ અમને લાગે છે કે સમયાનુસાર કહેવતમાં ફેરફાર કે ઉમેરણ કરતા રહેવું જોઇએ. એકલી જોરૂ જ શા માટે? એનો મરદ કજિયાનું કારણ બને, એમ પણ બને. ઇંગ્લિશમાં પતિ અથવા પત્ની ઉર્ફે જીવનસાથી માટે ‘સ્પાઉઝ’ શબ્દ છે. અમને લાગે છે કે નવી કહેવત- જર, જમીન અને જીવનસાથી, ત્રણે ક્લેશકજિયાનાં વ્યાધિ અથવા જર, જમીન અને સ્પાઉઝ, ત્રણે કજિયાનાં હાઉસ- હોવી જોઇએ.  અને એ પણ એટલું જ સાચું છે કે કજિયો થાય, ઝઘડો થાય, લડાઇ થાય, યુદ્ધ થાય એનાં મૂળમાં તો આ સિવાયનાં કેટલાંય કારણો હોય. દાખલા તરીકે જાતિ, જ્ઞાતિ, પ્રાંત, ધર્મ અને દેશ પણ કારણ હોઇ શકે. રાજકારણ તો કજિયાનું સૌથી મોટું કારણ છે. હેં ને? અને હા, ક્યારેક ઝઘડો સાવ અકારણ ય થઇ જાય. પણ કોઇ કજિયાનાં મૂળમાં અન્ય  ભાષા પ્રત્યેનો રોષ હોય એવું ઓછું સાંભળ્યુ હતું. પ્રાંતીય ઝઘડો એ કાંઈ ભાષાનો ઝઘડો ના કહેવાય. ભાષાઓ તો જોડવાનું કામ કરે. ભાષાનાં અનુવાદ થાય. અનુવાદથી સંવાદ થાય. વિવાદ ટળે. પણ આજકાલ ભાષાનાં કજિયા શરૂ થયાનાં તાજા સમાચાર છે. બેંગ્લોર, સોરી, બેંગાલુરૂ મેટ્રો રેલ્વે નમ્મા મેટ્રો તરીકે ઓળખાય છે. કન્નડમાં નમ્મા એટલે અમારી. સ્ટેશનોનાં નામ રાજ્યભાષા કન્નડ, રાષ્ટ્રભાષા હિંદી અને આંતરરાષ્ટ્રીય ભાષા ઇંગ્લિશમાં લખાયેલા છે, સોરી, લખાયેલાં હતા. કેટલાંક સ્ટેશનો પર હિંદીને બાકાત કરી દેવામાં આવી છે. કહે છે કે ઝઘડો ટાળવા મેટ્રો રેલ્વેનાં અધિકારીઓએ જ હિંદી શબ્દોને ઢાંકી દીધા હતા. દક્ષિણનાં રાજ્યોમાં હિંદી ભાષાનું ચલણ નથી. ત્યાં હિંદી શા માટે?  ટ્વીટર પર શરૂ થયેલું #નમ્મા મેટ્રો હિંદી બેડા- આંદોલન હવે સ્ટ્રીટ સુધી પહોંચ્યું છે. બેડા એટલે નહીં. અમારે હિંદી નથી જોઈતી. અમારી ભાષા કન્નડ છે. એ ન સમજે એને માટે ઇંગ્લિશ છે. હિંદી-હિંદુ-હિંદુસ્તાનનાં નામે અમારી સાંસ્કૃતિક વિરાસતને શા માટે મોળી પાડી રહ્યા છો? વ્યક્તિ કે વસ્તુ અણગમતી કે અળખામણી થઇ જાય એને માટે ઇંગ્લિશ ભાષામાં એક મજેદાર શબ્દ છે બૅટ ન્વાર (Bête Noir). અહીં બે ભાષાઓ એક બીજાની બૅટ ન્વાર બની છે. પણ એક મજેદાર વાત પણ બની. તામિલનાડુ અને કર્ણાટક આમ તો એક બીજાનાં વિરોધી. કાવેરી જળ વિવાદનો આપણને ખ્યાલ છે જ. બંને રાજ્યો પાણી માટે કાજિયો કરે છે. જળ વિવાદમાં બંને એક બીજાનાં બૅટ ન્વાર છે. પણ હિંદી ભાષા સામેની લડાઈમાં બંને બૅટ ન્વાર હવે એક થઇ ગયા છે. દુશ્મનનાં દુશ્મન યાને દોસ્ત. જો કે બૅટ ન્વાર એટલે આમ સાવ દુશ્મન જ હોય એવો અર્થ પણ અહીં નથી.

બૅટ ન્વાર મૂળ ફ્રેંચ શબ્દ છે. શબ્દાર્થ જોઇએ તો ‘ન્વાર’ એટલે  કાળો અને ‘બૅટ’ એટલે પશુ.  ફ્રેંચ શબ્દ ‘બૅટ’ મૂળ લેટિન ભાષાનાં ‘બેસ્ટિયા’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે જંગલી પશુ. ઇંગ્લિશ શબ્દ ‘બીસ્ટ’ એટલે પશુ, ચોપગું પ્રાણી. બીસ્ટ, જે માનવ કરતા નિમ્ન કક્ષાનું હોય તે. પાશવી કે મંદબુદ્ધિને પણ બીસ્ટ કહેવાય. ગુજરાતી લેક્સિકોન અનુસાર બીસ્ટનો એક અર્થ થાય અણગમતો માણસ કે વસ્તુ. એકલો ‘બૅટ’ શબ્દ પણ અણગમતો માણસ કે વસ્તુ દર્શાવે છે તો પછી આ ‘ન્વાર’ શું છે? ‘ન્વાર’ એ સ્પેનિશ કે પોર્ટુગીઝ શબ્દ નીગ્રો પરથી આવ્યો છે. મૂળ લેટિન શબ્દ નાઇજિર પરથી આવેલો શબ્દ. નીગ્રો એટલે હબસી, કાળો માણસ. અર્થાલંકારિક રીતે એક જમાનામાં  કોઇ માણસ નિરાશાજનક, ખરાબ, કમનસીબ કે હલકટ હોય એ નીગ્રો કહેવાતો. કોઇની ચામડી કાળી હોય એટલે એ અણગમતો થઇ જાય? આ તો હદ થઇ ગઇ. પણ એવો ય જમાનો હતો. બૅટ ન્વાર શબ્દ એવા બે શબ્દોનો બનેલો છે જે બન્નેનો અર્થ અણગમતો કે અળખામણો થાય છે. ઘૃણાપાત્ર હોય, તિરસ્કરણીય હોય, અણગમતું હોય એ બધું બૅટ ન્વાર કહેવાય. તમને ઇન્કમટેક્સ રીટર્ન ભરવાનું ગમતું નથી? તો તમે કહી શકો કે ટેક્સ રીટર્ન એ મારું બૅટ ન્વોર છે; જે દર એપ્રિલ મહિને મને હેરાન કરે છે. કોઇ પોતાની  પાર્ટીનો જ રાજકારણી હોય પણ દીઠો ગમે નહીં, એ બૅટ ન્વોર કહેવાય. અણગમો એટલો કે જોઇને જ ગુસ્સો આવે, નામ પડે ને અસ્ખલિત ગાળની સરવાણી ફૂટે એ બૅટ ન્વાર. અગાઉ કહ્યું તેમ બૅટ ન્વાર એ દુશ્મન નથી. તમારી ટોળકીનો સભ્ય પણ હોઇ શકે. બસ, તમને એની સાથે જરા પણ ન બને, એ બૅટ ન્વાર.

મહાન વૈજ્ઞાનિક અને સાપેક્ષવાદ (થીયરી ઓફ રીલેટિવિટી)નાં શોધક નોબેલ પારિતોષિક વિજેતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન સ્વિત્ઝર્લેન્ડમાં સ્થાયી થયેલા જર્મન યહૂદી હતા.  પ્રથમ વિશ્વયુદ્ધ બાદનાં નાઝી શાસિત જર્મનીમાં યહૂદીઓનો રીતસરનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો હતો. યહૂદીઓને સંશોધન કરવા માટે યુનિવર્સિટી કે લેબોરેટરીનાં દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. યહૂદીઓ જર્મન નાઝી માટે બૅટ ન્વાર હતા. આખરે આલ્બર્ટ અમેરિકા આવ્યા અને પછી જર્મની પાછા ગયા જ નહીં. થીયરી ઓફ રીલેટિવિટી સમજાવતા તેમણે કહ્યું હતું કે જર્મનીમાં હું જર્મન વૈજ્ઞાનિક છું અને ઇંગ્લેંડમાં મને લોકો સ્વિસ યહૂદી તરીકે ઓળખે છે. પણ હું કોઇને ન ગમું, હું કોઇનો બૅટ ન્વાર બનું તો પછી મારી ઓળખાણ બદલાઇ જાય. હું જર્મન લોકો માટે સ્વિસ યહૂદી બની જાઉં અને ઇંગ્લિશ લોકો માટે જર્મન વૈજ્ઞાનિક.

ગમો અણગમોની પણ એક થિયરી ઓફ રીલેટિવિટી છે. ગમો અણગમો સાપેક્ષ છે. એનું એક અન્ય લક્ષણ પણ છે અને તે એ કે એ કાયમી નથી. તમારી નોકરી કે ધંધો કે પછી અંગત જીવનમાં કોઇ ને કોઇ બૅટ ન્વાર તો હશે જ, જે તમને વખતોવખત દુ:ખ કે પીડા દેતો હશે. બૅટ ન્વાર માણસ ય હોય અને વસ્તુ ય હોય. કોશિશ કરવી કે તમને ન ગમતી વ્યક્તિ કે વસ્તુમાં કોઈ સુધારો થાય. પણ એમ ન થાય તો આંખ આડા કાન કરવાની માથાપચ્ચી કરવી જરૂરી નથી. જે તમને દુ:ખ આપે, પીડા આપે એનાથી સાવ દૂર રહેલાં જ સારા. નમ્મા-મેટ્રો-હિંદી-બેડા તો બેડા, હિંદી શા માટે થોપવી?  જેને કન્નડ ભાષાનાં નમ્મા (આપણી) કે બેડા (નહીં) શબ્દો ન સમજાય એને કન્નડ ભાષાનો ‘પ્રીતિ’ શબ્દ તો સમજાય જ. કારણ કે જ્યાં પ્રીતિ હોય,  પ્રેમ હોય ત્યાં કોઈ અણગમતું નથી, ક્શું અળખામણું નથી.

શબ્દ શેષ:

“મારી આખી જિંદગીમાં મને પ્રેમ અને નફરત વચ્ચે પસંદગીનો વિકલ્પ હતો. મેં પ્રેમ પંસદ કર્યો. અને હું અત્યારે અહીં છું.”                                                                                                                                                               -એ. આર. રહેમાન

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, સમાચાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s