ટોકનિઝમ: ઔપચારિકતાવાદ/પરેશ વ્યાસ

ટોકનિઝમ: ઔપચારિકતાવાદ

થોડો ઝાઝો હિસાબ તો આપો,
ખોટો સાચો જવાબ તો આપો
બાગમાં ભાગ છે અમારો પણ
એક વાસી ગુલાબ તો આપો !
– અમૃત ‘ઘાયલ’

ફરી એક વાર વિરોધ પક્ષો ઊંઘતા ઝડપાયા. આ પગલું મોદીનાં માસ્ટરસ્ટ્રોક તરીકે વખાણાયું. શ્રી રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર બન્યા.ચુંટાયા.  તેઓ ખૂબ ભણેલાં, ખૂબ ગણેલાં અને તદ્દન બિનવિવાદાસ્પદ વ્યક્તિ છે. સક્રિય રાજકારણમાં એમની સક્રિય હિસ્સેદારી પણ ખરી જ. પણ એવાં તો કેટલાંય હોય? રામનાથ કોવિંદ જ કેમ? કેમ કે એ દલિત છે. કેમ કે એ ખેડૂત છે. વિરોધ પક્ષો આજકાલ કોરસ ગાઈ રહ્યાં છે : કેમ કરીએ રે અમે કેમ કરીએ? મોદી, તારો તે વિરોધ અમે કેમ કરીએ?! વિરોધપક્ષો લાજવાબ થઇ ગયા છે. અને પછી ન્યૂઝ ચેનલ્સ મોંમાં આંગળા ઉર્ફે માઈક્રોફોન ખોસીને બોલાવે ત્યારે વિરોધ પક્ષોનાં પ્રવક્તાઓએ કાંઈ તો બોલવું જ પડે. એટલે શું કહે? કહે કે ‘આ પહેલાં દલિત રાષ્ટ્રપતિ નથી. અગાઉ કે. આર. નારાયણ પણ હતા’. અથવા ‘અમે એમનાં વિષે કાંઈ જાણતાં નથી.’ અથવા ‘અમને પહેલાં વિશ્વાસમાં લેવા જોઈતા હતા…’ વગેરે વગેરે. એવા માયકાંગલા વિરોધમાં કોઈ દમ નથી. વિરોધપક્ષોએ હવે પોતાનું નામ બદલી નાખવું જોઈએ. સરકારી ગેઝેટમાં હવે છપાવો કે વિરોધ પક્ષ હવેથી ‘વિરોધ’ પક્ષની જગ્યાએ ‘અનુરોધ’ પક્ષ તરીકે ઓળખાશે ! દેશની ચોથી જાગીરને પણ સરકારનાં નિર્ણયોનો વિરોધ કરવાનો અબાધિત અધિકાર હોય છે. પ્રિન્ટ મીડિયા કે ઈલેક્ટ્રોનિક મીડિયા પોતે પણ ટીકા કરી શકે છે. પણ કેટલાંક મીડિયાકર્મીઓને તો જાણે ટીકાનું શીઘ્રપતન થાય છે. રાષ્ટ્રપતિપદ માટે એક દલિત નેતાનું નામ જાહેર થતાંની સાથે રાજદીપ સરદેસાઈ ટ્વીટયાં કે દલિત ચહેરો…. ફરી એક વાર રાજકીય ટોકનિઝમ.. શું છે આ ટોકનિઝમ (Tokenism)?
ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘ટોકન’ એટલે નિશાની, ચિહ્ન, પુરાવો, સંભારણામાં આપેલી વસ્તુ, સંભારણું, પ્રમાણભૂત ચિહ્ન, પૈસા માટે માલના બદલામાં આપવાની ચિઠ્ઠી (વાઉચર – ટોકન), ઉપરચોટિયું, ઔપચારિક. અને ‘–ઈઝમ’ તો આપ જાણો છો. વિશિષ્ટ સિદ્ધાંત કે વાદ. ટોકનિઝમ એટલે ઔપચારિકતાવાદ. મેરિયમ વેબસ્ટર ડિક્સનરી અનુસાર ટોકનિઝમ એટલે કંઈક પ્રતીકાત્મક કરવાની નીતિ. માત્ર કરવા પૂરતું કર્યું હોય. કોઈ ગંભીરતા ન હોય. દેખાડો કરવો. .રાજદીપ સરદેસાઈ જ્યારે મોદી માસ્ટરસ્ટ્રોકને ‘ટોકનિઝમ’ તરીકે નવાજે છે ત્યારે એ એની ટીકા કરે છે. રાજદીપનાં મતે બીજેપીની એ વાત કે અમે સૌને સાથે લઈને ચાલીએ છીએ, અમારો પક્ષ માત્ર સવર્ણોનો નથી, અમે સૌના સાથ અને સૌના વિકાસમાં ખરેખર માનીએ છીએ- એવી વાત માત્ર ઢોંગ છે. ભાઈ રાજદીપ… અમે તમારી સાથે સહમત નથી. કારણ કે તમને દરેક બાબતે વાંધો પડે છે. અડવાણી કે સુષ્મા સ્વરાજને રાષ્ટ્રપતિ બનાવ્યા હોત તો કહેતે કે સવર્ણને બનાવ્યા. કોઈ દલિત કે મુસ્લિમ નેતા મળ્યા નહીં? એમ કરતે તો કહેતે કે કોઈ મહિલા કેમ નહીં? ટોકનિઝમ જેવો એક નિહાયતી નેગેટીવ શબ્દ વાપરીને રાજદીપ સરદેસાઈ દેશનાં સર્વોચ્ચ પદની ગરીમાને બટ્ટો લગાડવાની હરકત કરે છે. સૌને સાથે રાખવાં, અથવા તો જે વર્ષોથી પાછળ હતા એમને આગળ કરવા- કાંઈ ગુનો થોડો છે? અને રાજદીપ ડાઈવર્સિટી ( Diversity) એવું ય કહી શક્યા હોત. ડાઈવર્સિટી એટલે -માં વૈવિધ્ય લાવવું, જુદું જુદું કે વિધવિધ જાતનું બનાવવું. જ્યાં જ્ઞાતિ ભેદ ના હોય, જાતિ ભેદ ના હોય, લિંગ ભેદ ના હોય. ડાઈવર્સિટી એ વાજબી શબ્દ છે, પોઝિટીવ શબ્દ છે. એ વાત જરૂર છે કે બંને શબ્દો વચ્ચે બહુ પાતળો તફાવત છે. અગત્યનું એ છે કે ટોકનિઝમ કે ડાઈવર્સિટી, જે કહો તે પ્રવૃત્તિની પાછળ તમારી વૃત્તિ શી છે?
શબ્દનાં ઇતિહાસની વાત કરીએ. નાગરિક અધિકારનાં પ્રણેતા માર્ટિન લ્યુથર કિંગનું પુસ્તક ‘વ્હાય કાન્ટ વી વેઇટ’માં ટોકનિઝમનો ઉલ્લેખ છે. ૧૯૫૦-૬૦ સમયગાળો જ્યારે અમેરિકામાં રંગભેદની નીતિ સામે વિરોધ શરૂ થયો હતો. આ વિરોધને ટાઢો પાડવા અશ્વેત લોકોને ખાસ છૂટછાટ કે લાભની છૂટપૂટ ઘોષણા થવા માંડી. આ ટોકનિઝમ હતું. મહાત્મા ગાંધી અને એમની અહિંસાનાં સિદ્ધાંતથી પ્રભાવિત માર્ટિન લ્યુથર કિંગે પુસ્તકમાં ટોકનિઝમનો વિરોધ એટલાં માટે કર્યો કે આ તો આંદોલનને શાંત પાડવાનો પ્રયત્ન હતો. થોડા ટૂકડાં નાંખ્યા કે પછી આખી વાત પૂરી. દેશનાં તમામ લોકોને જ્યાં સુધી એક સમાન તક ન મળે ત્યાં સુધી આવું તમામ ટોકનિઝમ નકામું છે. બસ, આ જ વાત આપણી પણ છે. ટોકનિઝમ મૂળમાંથી ખરાબ છે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ જ સાચી વાત છે.
ના, મુદ્દો મોદીની તરફદારી કે તારીફ્દારી કરવાનો નથી. સરકાર સૌના સાથ અને સૌના વિકાસની વાત કરે પણ ટોકનિઝમથી આગળ વધીને આગળ કાંઈ ના કરે તો એની કડક શબ્દોમાં નિંદા કે પછી આંદોલન તો કરવા જ જોઈએ. થોડો ફાયદો થાય એટલે સઘળું સમેટી લેવું એવો આંદોલનનો ઉદ્દેશ્ય ઉચિત નથી. એ પણ ધ્યાનમાં રહે કે સૌનાં વિકાસની વાત છે એટલે એવી ય માંગ ઉચિત નથી કે જે અન્ય વંચિતોનાં ભોગે હોય. અને હા, આંદોલન પૂર્ણત: અહિંસક હોય તે અત્યંત જરૂરી છે.
બાકી રહી રાષ્ટ્રપતિની પસંદગીની વાત. અહીં ટોકનિઝમ વાત કરવી જ મૂર્ખામી છે. શ્રી રામનાથ કોવિંદની પોતાની લાયકાત એમને ટોકનિઝમથી ઉપર ઊઠાવે છે. લેખની શરૂઆતમાં મુકેલું ઘાયલ સાહેબનું મુક્તક એમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને રૂબરૂ સંભળાવી દીધું હતું. સૌરાષ્ટ્રને કેન્દ્ર સરકાર તરફથી મળતા ટોકન વિકાસની ખિલાફ આ બગાવત હતી. આજે આ વાત એટલી સાચી હોઈ શકે. ફર્ક એટલો કે હવે હિસાબ અને જવાબ ટૂ ધ પોઈન્ટ મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. હિસાબ શા માટે ‘થોડો ઝાઝો’? જવાબ શું કામ ‘ખોટો સાચો’? ડિજિટલ યુગ છે. આજકાલ સઘળું કમ્પ્યુટરમાં છે. તો પછી સરકાર સઘળું પરફેક્ટ કેમ નહીં કરે ? ચાચા નહેરૂ પોતાનાં કોટમાં ગુલાબ રાખતા એટલે ઘાયલ સાહેબે વાસી તો વાસી પણ ચાલે એવાં ગુલાબનાં ટોકનિઝમની વાત કરી હતી. ભાઈ નરેન્દ્રભાઈ સૌને સમાન ભણતર અને રોજગારીની તક આપે, જીવનનિર્વાહની ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે સુલભ બને અને સામાન્ય લોકોનું જીવન ઉત્સવ બને એટલે ભયો ભયો. યાદ રહે, પ્રજા હવે પહેલાં જેવી ભોળી નથી. પ્રજાને હવે ટોકનિઝમ ખપે તેમ નથી.
શબ્દશેષ:
ટોકનિઝમથી બીબાંઢાળ સમાજ વ્યવસ્થા બદલાશે નહીં, બલકે એ તો એવી વ્યવસ્થાને મજબૂત કરશે. કારણ કે ટોકનિઝમ ક્રાંતિનાં આવેગને બુઠ્ઠો કરી નાંખે છે. –સ્ત્રીનાં સમાન હકોના હિમાયતી ફિલોસોફર મેરી ડાલી (૧૯૨૮-૨૦૧૦)

There is a fine line of difference between ‘tokenism’ and ‘diversity’
‘Tokenism’word explained in my column Shabdsanhita as published in Gujarat Samachar today.

No automatic alt text available.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s