રુલ ઓફ થમ્બ: પ્રથાની કથા/પરેશ વ્યાસ

રુલ ઓફ થમ્બ: પ્રથાની કથા

અડસટ્ટે બોલ્યા ને અડસટ્ટે ચાલ્યા
ને અડસટ્ટે ગબડાવી ગાડી,
હમણાં લગી તો બધું ઠીક, મારા ભાઈ ! હવે જાગવાની ખટઘડી આવી. -વિવેક મનહર ટેલર

હમણાં લગી બધું અડસટ્ટે ચાલતું હતું. પણ હવે જાગવું પડે તેમ છે. હવે એક દેશ, એક ટેક્સ આવી ગયો છે. ક્યાંક ક્યાંક ચણભણ છે. ધરણાં પ્રદર્શન પણ છે. પણ હવે પાછલી ખટઘડી છે. સૂઇ રહેવું પોષાય તેમ નથી. જી.એસ.ટી.ને અપનાવી લેવા સિવાય છૂટકો નથી. જી.એસ.ટી. એટલે ‘ગૂડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ’ પણ મોદીસાહેબે એને ‘ગૂડ એન્ડ સિમ્પલ ટેક્સ’ કહ્યો છે. એક ટેક્સમાં બધું આવી ગયું. પહેલાં રેસ્ટોરાંમાં ખાવા જાવ તો પહેલાં બધું મળીને ૨૦% લાગતો’તો, હવે ૧૮% લાગે છે. આ તો ટેક્સ ઘટ્યો. લો બોલો! પણ ક્યાંક કોઇ રેસ્ટોરાંમાં વધારાનો સર્વિસ ચાર્જ લાગે છે, જે સરકારની તિજોરીમાં જતો નથી. એ પૈસા રેસ્ટોરાંનાં માલિકનાં ખિસ્સામાં પણ જતા નથી. કહે છે જે એ પૈસા રેસ્ટોરાંમાં સેવા દેનારા સ્ટાફ વચ્ચે વહેંચી દેવાય છે. તો પછી આવા રેસ્ટોરાંમાં ખાધા પછી બિલ ચૂકવીએ ત્યારે ટિપ દેવાની કે નહીં? તે સમજાતું નથી. પણ આ બધું નવું નવું છે, ધીરે ધીરે બધું કોઠે પડી જશે. અમથું ય ટિપ આપવી એ તો સ્વૈચ્છિક ક્રિયા છે. હેં ને? પણ અમેરિકા એવો દેશ છે કે જ્યાં ટિપ આપવી ફરજિયાત છે. હમણાં અમેરિકામાં ક્રેડિટકાર્ડ. કોમ દ્વારા ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ તેમજ રોકડેથી ટિપ આપનારાઓનો સર્વે કરવામાં આવ્યો. સર્વેનું રીઝલ્ટ ગયા અઠવાડિયે જ આવ્યું. પુરુષો સામાન્ય રીતે બિલનાં ૨૦% ટિપ આપે છે. પણ સ્ત્રીઓ કરક્સર કરે છે. તેઓ સરેરાશ ૧૫% જ ટિપ આપે છે. એ અલગ છે કે સ્ત્રીઓ હોટલનાં ક્લીનર તેમજ હેરસ્ટાઇલિસ્ટ્સઓને એનાથી વધારે ટિપ આપે છે. કેટલીક વાર ટિપ દેનારા અને ટિપ લેનારા વચ્ચે અંગત કે લાગણીનાં સંબંધ હોય તો ટિપનું પ્રમાણ વધે, એમ પણ બને. હવે આ સર્વેનાં આધારે કહી શકાય કે રેસ્ટોરંટમાં બિલનાં ૧૮% ટિપ વ્યાજબી ગણાય. આવી અડસટ્ટે અમલ આવતી પદ્ધતિને ઇંગ્લિશ ભાષામાં રુલ ઓફ થમ્બ (Rule of Thumb) કહેવાય છે. કોઇ નિયમ ન હોય, કોઇ કાયદો ન હોય પણ પ્રથા હોય, પ્રણાલિ હોય. મોટા ભાગનાં લોકો એ પ્રમાણે કરે એટલે આપણે પણ એમ કરીએ
‘રુલ’ એટલે રીતિરિવાજ, ધોરણ કે શિરસ્તો અથવા તો માપવાનું સાધન કે ફૂટપટ્ટી. અને થમ્બ તો આપ જાણો જ છો. ‘થમ્બ’ એટલે અંગૂઠો. ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘રુલ ઓફ થમ્બ’ એટલે વ્યાવહારિક નિયમ, સામાન્ય અનુભવનો નિયમ, વૈજ્ઞાનિક અભ્યાસને બદલે અનુભવો પર આધારિત સામાન્ય સિદ્ધાંતો, કાર્યપદ્ધતિ અને નિયમ. વીસમી સદીની શરૂઆતમાં સાયન્ટિફિક મેનેજમેન્ટનાં પ્રણેતા મનાતા ફ્રેડરિક ટેયલર માનતા કે થમ્બ રુલને ત્યજીને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી લેવી. એનાથી સમય બચે અને ઉત્પાદકતા વધે. વાત એકદમ સાચી છે. તેમ છતાં ઘણાં એવા પ્રેક્ટિકલ આયામો હતા જ્યાં થમ્બ રુલ જ ચાલે. વધારે પડતું ચોળીને ચીકણું કરવાનો કાંઇ ફાયદો ખરો? પેલાં દોઢડાહ્યાની વાત તો તમને ખબર જ હશે. એ એ જમાનાની વાત છે જ્યારે સ્વચ્છ ભારત અભિયાન નહોતું. ખુલ્લામાં શૌચક્રિયા થતી હતી. એક જગ્યાએ રસ્તા પર મળત્યાગ થયો હતો. પણ આપણા આ દોઢડાહ્યા ઉપર તો સાયન્ટિફિક મેનેજમેન્ટની ધૂન સવાર હતી. જોડા સહિતનો પગ મળમાં પડ્યો અને એને વૈજ્ઞાનિક વિચારો આવી ગયા. એણે અદાથી પગ ઊંચક્યો અને પોતાની આંગળીથી સેમ્પલ લઇને સૂંઘીને નાક સુધી પહોંચાડ્યો. સૂંઘવાથી દુર્ગંધ તો આવી પણ બધું વૈજ્ઞાનિક ઢબે જ કરવું એવું ફ્રેડરિક ટેયલર શીખવાડી ગયા હતા. છેલ્લે એણે એને ચાખીને નક્કી કર્યું કે આ માનવમળ સિવાય કશું નથી. રૂલ ઓફ થમ્બ એ કે આવી ઘટના બને તો ત્યાં જ રસ્તા પર બૂટ લુંછીને આગળ વધી જવું. પણ વૈજ્ઞાનિક દોઢડાહ્યો તો ત્રણ જગ્યાએ ખરડાયો!
‘રૂલ ઓફ થમ્બ’ શબ્દસમૂહની વ્યૂત્પત્તિ વિષે અલગ અલગ માન્યતાઓ છે. જેમ કે ફૂટપટ્ટીથી માપવાની જગ્યાએ કોઈ સુથાર અંગૂઠાનો ઉપયોગ કરે એ ‘રુલ ઓફ થમ્બ’ કહેવાય. આપ માપી જોશો તો ખ્યાલ આવશે કે અંગૂઠાનો છેડો અને પહેલાં વેઢા વચ્ચેનું અંતર આશરે ૧ ઇંચ હોય છે. આમ એકદમ પરફેક્ટ ન જ હોય પણ કામ ચાલી જાય. આમ જુઓ તો માપણીની આ સાવ સરળ અને સુલભ વિધિ છે. અલબત્ત ‘રુલ ઓફ થમ્બ’ શબ્દ પાછળ એક અલગ થિયરી પણ છે. અઢારમી સદીનાં ગ્રેટ બ્રિટનમાં પત્નીઓને લાકડીથી માર મારવાની પતિઓને છૂટ હતી. શરત એટલી કે પત્ની પોતાની હોવી જોઇએ અને એને માર મારવા માટે વાપરવામાં આવતી લાકડી અંગૂઠાથી જાડી ન હોવી જોઇએ. એક અતિ કડક અને તોછડાં જજ સર ફ્રાંસિસ બુલ્લરે પત્નીને માર મારવાની માર્ગદર્શક સૂચના આપતો ન્યાયિક ચૂકાદો પણ આપ્યો હતો. આ ચૂકાદાનાં સદંર્ભે ઇ.સ. ૧૭૮૨માં કાર્ટૂન છપાયું હતું, જેમાં વ્યંગચિત્રકાર
જેમ્સ ગિલરેએ એક બાજુ એવા પતિનું ઠઠ્ઠાચિત્ર દોર્યું હતું, જે લાકડીથી એની પત્નીને માર મારી રહ્યો હતો અને એક બાજુ જજ બુલ્લર બન્ને હાથમાં અંગૂઠા જેટલી જાડી લાકડીનાં બે ભારાં લઇને લાકડીઓ વહેંચતા દેખાડ્યા હતા. હતા. નીચે લાઇન લખી હતી: ‘જજ થમ્બ, પેટન્ટ સ્ટિક્સ-ફોર ફેમેલી કરેક્શન: વોરંટેડ લૉફુલ’ (અંગૂઠા જેવી લાકડીઓની પેટંટ- કુટુંબ સુધારણા માટે: કાયદા અનુસાર યોગ્ય અથવા જરૂરી). અલબત્ત આવો કોઇ ન્યાયિક ચૂકાદો રેકર્ડ પર નથી. ઇંગ્લિશ કોમન લૉમાં એકાદ કેસમાં મર્યાદામાં રહીને પત્નીને માર મારવાની છૂટ આપવાની વાત જરૂર હતી પણ એ ચૂકાદો ‘રુલ ઓફ થમ્બ’મુહાવરાની વ્યૂત્પત્તિ સાથે સંકળાયેલો હોવાનું કોઇ પ્રમાણ મળતું નથી. રુલ ઓફ થમ્બ મુહાવરાને ઘરેલૂ હિંસા સાથે જોડવાનું કામ ૧૯૭૦નાં દસકામાં સ્ત્રી-પુરુષ સમાનતાનાં પુરસ્કર્તાઓએ કર્યો. એમણે આ રુલ ઓફ થમ્બ કાર્ટૂનને સ્ત્રી પરનાં અત્યાચાર સાથે જોડ્યો. આ સ્ત્રી-પુરુષ સમાનતાવાદીઓએ તો તે ગાળામાં ખૂબ જ લોકપ્રિય રૉકબેન્ડ ‘રોલિંગ સ્ટોન’નું એક ગીત ‘અંડર માય થમ્બ’નું અર્થઘટન પણ સ્ત્રી પરનાં અત્યાચાર સાથે સાંકળી લીધું હતું. આમ ‘રુલ ઓફ થમ્બ’ મુહાવરાનો ઉદભવ ઘરેલૂ હિંસા સાથે જોડાયાની વાતને કોઇ પણ કાયદેસરનાં આધાર વિના પુષ્ટિ મળી. સ્ત્રીઓ સામે અત્યાચારને રોકવા માટેનાં આંદોલનમાં આ મુહાવરાની માની લીધેલી વ્યૂત્પત્તિ કારણ બની એ એક રીતે સારું જ થયું. સ્ત્રીને સન્માન આપવાનો થમ્બ રુલ દરેક પુરુષ, દરેક પતિને શીખવાની જરૂર તો છે જ.
શબ્દ શેષ:
“સંબંધને નિભાવવાનો એક સાદો રુલ ઓફ થમ્બ છે: કોઈ પણ સંબંધમાં દરરોજ ત્રણ નકામી કે બિનજરૂરી વાતોને અનકહી જ રહેવા દેવી.” – લેખિકા કિમ સ્કોટ

Do you believe in scientific measurement or you are used to the Rule of Thumb?
‘Rule of Thumb’ idiom explained in my article as published in Gujarat Samachar today.

Image may contain: 1 person

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s