જન્માષ્ટમી 

JANMAASHTAMEE – જન્માષ્ટમી 
 
Inline image
AUGUST 14, 2017
A – SHREE KRISHNA PRAAGATYA – BHADARAN – શ્રી કૃષ્ણ પ્રાગટ્ય – ભાદરણ – સ્વર્ગસ્થ ચુનીભાઈ ભુલાભાઇ પટેલની પુણ્ય સ્મૃતિમાં આપેલું પ્રવચન – કથાના બે મુખ્ય પાત્રો હોય છે, એક વક્તા અને એક શ્રોતા. વક્તા અડધું બોલે છે અને શ્રોતા એના પાસે અડધા ઉપરનું બોલાવે છે. વક્તૃત્વ પ્રેરણાથી આવતું હોય છે.સામે બેઠેલો વર્ગ જો પ્રોત્સાહન આપે તો ગાનારને, બોલનારને એક પ્રકારનું તાન ચઢે, રસ ચઢે છે. જો એનું હૃદય ઠરે, જો એનો આત્મા તૃપ્ત હોય, જો એનું મન તૃપ્ત હોય તો ગાય જેમ પારો મૂકે અને વાછરડાના ઉપર વ્હાલ કરીને મુકેલા પારામાં પવાલી ભરીને દૂધ આપે એમ વકતા છે, ગાયક છે, એનું હૃદય પણ જો ઠરે, એનો આત્મા પણ જો પ્રસન્ન હોય તો અંદરથી પરાવાણી નીકળે. કોયલને કોઈ કહેવા નથી જતું કે તું ટહુકા કર, પરંતુ એ ટહુકા કર્યા વગર રહી નથી શકતી. એમ વક્તા પોતે નથી બોલતો, પણ શ્રોતા એને બોલાવે છે. વક્તાની અંદર તો પરા, પશ્યન્તિ, માધ્યમ અને વૈખરી એમ ચાર સ્તરની વાણી હોય છે. @5.02min. પોતાનું હૃદય ઠરે, મનની ઊર્મિઓ જાગે એટલે આપોઆપ અંદરથી એક ધોધ-પ્રવાહ નીકળતો હોય છે. શુકદેવ અને પરીક્ષિત એકબીજાને પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થયા. જો એ બંને ન મળ્યા હોત તો આપણને આ ભાગવત ના મળ્યું હોત. એટલે જેટલું શ્રેય શુકદેવને મળે એટલુંજ શ્રેય પરીક્ષિતને પણ મળે. પરીક્ષિતની જગ્યાએ કોઈ ઊંઘણસી કે કોઈ આંટીઘૂંટી રમનારો માણસ બેઠો હોત તો આ ભાગવત ના મળ્યું હોત. બંને એકબીજાને જોઈને બંનેની પરાવાણી નીકળે. એટલે सुख मुखात गलितं – આ શુકન મોઢામાંથી પડેલું એક પાકું રસફળ છે. જેના નશીબમાં હોય એ પીલો, ફરી ફરીને આ રસ પીવાનો મળશે નહિ. આ તો પરમેશ્વરે બહુ દયા કરી કે મૃત્યુના ઉપર પડદો પડી દીધો, એટલે હું રાજી છું, તમે રાજી છો એટલે બધા આપણે આનંદમાં રહીએ છીએ. બાકી કાલે મૃત્યુ થવાનું છે, એવી ખબર પડે તો અત્યારથીજ મરી જઈએ. આપણે ભાગવતના છેલ્લા ભાગને મહત્વ આપીએ છીએ, જેને આપણે શ્રી કૃષ્ણ ચરિત્ર કહીએ છીએ. એમાં વૈષ્ણવોનીજ વાત છે. એનું રહસ્ય બે ધરી તલવાર જેવું છે. એમાંની પહેલી ધાર કૃષ્ણને પુરેપુરો બદનામ કરનારી છે અને બીજી ધાર કૃષ્ણને પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા અખંડ સચ્ચિદાનંદ ઘન બતાવનારી છે. દુર્ભાગ્યવશ ભાગવત સાંભળનારા અને વાંચનારા તો ઘણા હોય છે પણ એ બીજી ધારા તરફ ધ્યાન નથી આપતા. આપણે આ બીજી ધારા ઉપર થોડું ધ્યાન આપવાનું છે. એના રહસ્યોને જાણવા અને પામવાનો પ્રયત્ન કરીએ તો હું માનું છું, એમાં લખ્યું છે, इति परमहंस्याम संहितायाम કે આ પરમહંસોની સંહિતા છે. જરા કલ્પના કરો કે પેલો જે પરીક્ષિત છે, જેના મૃત્યુનો પાંચમો દિવસ ચાલી રહ્યો છે અને મરવાના બેજ દિવસ બાકી છે ત્યારે એને ગોપીઓની લીલા સંભળાવવાની શી જરૂર? અહીં તો ૧૬૦૦૦ ગોપીઓની કથા છે અને એક મુમૂર્ષુ મરવાની તૈયારીમાં પડેલો જે વ્યક્તિ છે, એને સંભળાવવાની છે તો એમાં કંઈ રહસ્ય છે. આવો, આપણે એની શરૂઆત કરીએ. કંસ અને દેવકી બંને સગા ભાઈ અને બહેન. દુનિયામાં ભાઈ અને બહેન તો મળશે પણ ભાઈ અને બહેનની સંસ્કૃતિ દુનિયામાં મળશે નહીં. આ એક હિંદુ સંસ્કૃતિ મુખ્યતઃ:એવી છે કે જેમાં ભાઈ અને બહેન બંને છે. એમાંએ પાટીદારોની અંદર તો મોસાળું ભરવાનું, ભણેજાની જરૂરિયાત નિભાવવાની એમ ઠેઠ સુધી ચાલ્યા કરતું હોય છે, એટલે એમ એને ઢૂંસડા ખેંચવા પડતા હોય છે. @10.04min. એ કેટલાયેના ઢૂંસડા ખેંચતો હોય છે. ધોરીભાઈનો અર્થ સાંભળો. એટલે ભાઈ અને બહેનની જે સંસ્કૃતિ છે, એ ભારતમાં બહુજ સમજણ પૂર્વકની જોવા મળે છે કે જેથી સ્ત્રી જાતમાં એક પવિત્ર દ્રષ્ટિ રહી શકે. એટલે વિવેકાનંદે અમેરિકામાં જયારે સંબોધન કર્યું, બહેનો અને ભાઈઓ ત્યારે લોકોને નવાઈ લાગી કે અહીં તો લોકો કોઈને બહેન કહેતુંજ નથી.આ સંસ્કૃતિના પાયાનો ભેદ છે. એટલે પેલો કંસ પોતાની બહેનને કેટલાંયે દિવસ પોતાના મહેલમાં રાખ્યા પછી બહેનને વિદાય આપે છે અને ભાઈ ઉમળકાભેર ઘરની સારી-સારી વસ્તુઓ ભેટ આપે છે. હાથી, ઘોડા, દાસીઓ આપે છે કે મારા ઘરમાં ઢગલા છે, પણ મરી બહેન દુઃખી થાય એ નથી જોવું. આ પ્રાચીન કાળની વાત છે પણ આજે હજી એજ વાત ચાલુ છે. માંનું મન દીકરીમાં હોય અને દીકરીના મનમાં હંમેશા માં હોય છે. માંને જરાક કંઈ થયું હોય તો એ પોતાનું અડધું કામ મૂકીને દોડતી આવે અને દીકરીને કંઈ થયું હોય તો માં દોડતી જાય. એનું નામ તો સંયુક્ત જીવન છે, કૌટુંબિક જીવન છે. એટલે આપણે ત્યાં માત્ર પતિ-પત્નીનું જ રૂપ નથી પણ ભાઈ-બહેનનું પણ રૂપ છે. એમાં સ્ત્રી જાતિની પવિત્રતા અને પુરુષ જાતિની નિર્મળતા આ બંને એક જગ્યાએ ભેગા થાય છે. ઇતિહાસ જોજો, એક રાણી સામેના રાજા ઉપર રાખડી મોકલાવે અને કહે કે હું તારી બહેન છું, તો એ રાજા એના પતિ ઉપર આક્રમણ ના કરે. ઇતિહાસ આખો બદલાઈ જાય. એક ટાઈમ હતો જયારે ધરમની બહેન હતી અને ધરમનો ભાઈ હતો, એનો પણ ઇતિહાસ છે. કંસે એની બહેનને ઢગલાબંધ આપ્યું. બહેનને પૈસો મળે એનો એટલો આનંદ ના થાય કે જેટલો આનંદ એને સાસરાની અંદર છાતી કાઢીને પગ મૂકીને ઉભા રહેવાની હિમ્મત આવે કે મારા પિયરિયાં જેવા તેવા નથી. એનામાં એક હિમ્મત આવે, એક શક્તિ આવે. એટલે પેલી બહેન દેવકીને આનંદ છે, કંસને આનંદ છે, સૌને આનંદ છે. દેવકીને રથમાં બેસાડીને જ્યાં વિદાય કરવાનો પ્રસંગ છે, ત્યાં તો આકાશમાં ગડગડાટ થયો, સૌની નજર આકાશ તરફ ગઈ. એક ચિત્કાર કરતો અવાજ આવ્યો, કંસ તને ખબર છે, તારી બહેનનો આઠમો ગર્ભ તારો કાળ થશે, તારો નાશ થશે? બસ, અહીંથી સંસારની બીજી બાજુ શરુ થઇ. એક બાજુમાં હરખ છે, ઉલ્લાસ છે, ઉત્સાહ છે, એક-બીજાને રાજી કરવાની વૃત્તિ છે. आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति, नवारे पत्यु कामाय पतिप्रियो भवति, आत्मनस्तु कामाय पतिप्रियो भवति, जायाये कामाये जाया प्रिया भवति, आत्मनस्तु कामाय जाया प्रिया भवति. ઉપનિષદમાં યાજ્ઞવલ્કય એક બહુ સમર્થ ઋષિ છે. @15.00min. જેને સન્યાસ લેવો છે, પણ એની બે પત્નીઓ છે. એની પત્ની કાત્યાયિનીને બધી મિલકત આપી દે છે પણ બીજી પત્ની મૈત્રેયી આત્માનું કલ્યાણ કરવા એની સાથેજ આવે છે. જેને શૃંગાર જોઈએ એને શૃંગાર મળે તો રાજી થાય અને જેને વૈરાગ્ય જોઈએ એને વૈરાગ્ય મળે તો રાજી થાય. પછી યાજ્ઞવલ્કયે મૈત્રેયી આગળ બ્રહ્મ વિદ્યાની ચર્ચા કરી છે, તે સાંભળો. પતિમાંથી પત્નીને સુખ મળે છે એટલે પતિ વહાલો લાગે છે પણ એજ પતિ જો ક્લેશદાયી થઇ જાય તો કાચ વાટીને ખવડાવે, ઝેર પીવડાવી દે, વગર મોતે મારી નાંખે, એટલે પતિમાં પ્રિયતા નથી. પતિ સુખ મેળવવા એને ઇચ્છિત વસ્તુઓ આપે છે એટલે પત્ની પતિને સુખ આપે છે. પણ જે દિવસે એ પત્ની દુઃખદાયી થશે, અડચણરૂપ થશે, વિઘ્નરૂપ થશે એ દિવસે એને પ્રાઈમસ મૂકીને મારી નાંખશે. પછી લોકોના આગળ ઢોંગ કરશે કે બળી મરી, દાઝી ગઈ, અકસ્માત થઇ ગયો, એમ એનું કાશળ કાઢી નાંખશે. મૈત્રેયી, કોઈ પતિ પ્રિય નથી, કોઈ પત્ની પ્રિય નથી, પણ સુખ પ્રિય છે. જ્યાં સુધી માણસને સુખ મળતું હોય ત્યાં સુધી માણસને સુખ વહાલું લાગતું હોય છે. પણ જયારે એ સુખ અપાતું બંધ થાય અને દુઃખ મળવાનું શરુ થાય, એટલે માણસમાં કોઈ પ્રિયતા રહેતી નથી. માટે મૈત્રેયી, આખી જિંદગી ગમે તે કર્યું હોય પણ વૃદ્ધાવસ્થામાં તો પરમેશ્વર તરફ ધ્યાન આપવુંજ જોઈએ. આજ નિયમ શ્રી મદ ભાગવતની જે કૃષ્ણ ચરિત્રની ઉથ્થાનિકા છે, એમાં બિલકુલ બરાબર બંધબેસતી થઇ ગઈ. આકાશવાણી થઇ એટલે કંસની આંખ બદલાઈ ગઈ. જે આંખમાંથી અમૃત ઝરતું હતું એમાંથી નાની, લાડકી, વ્હાલી બેન માટે ઝેર ઉભરાતું થઇ ગયું. કંસે તરતજ દેવકીનો ચોટલો પકડયો અને રથમાંથી એને નીચે પછાડી અને તલવાર કાઢી એના ટુકડા કરવા તૈયાર થઇ ગયો. લોકો હાહાકાર કરી ઉઠયા, અરેરે !! આ શું કરી રહ્યા છો? સ્ત્રી હત્યા અને એ પણ સગી બહેનની હત્યા. લોકોએ ઘણા પ્રયત્નો કાર્ય પણ એને સમજાવી ના શક્યા. मूरख हृदय न चेत, जो गुरु मिलइ बिरंचि सम. મૂરખ માણસને કોઈ બ્રહ્મા આવીને ઉપદેશ આપે તો પણ એને જડતા દૂર ન થાય અને એમાં ચેતના ના આવે તે નાજ આવે. @20.04min. વસુદેવ વચ્ચે પડયા. વસુદેવમાં વ્યહવાર કુશળતા હતી. એણે કહ્યું, કંસ આ મહાપાપ છે, લોકો તારી નિંદા કરશે, તને બહેનનો હત્યારો કહેશે. પછી એ કંસ સાથે સંધિ કરે છે કે હું તને દેવકીનો આઠમો બાળક આપી દઈશ. પછી તો તને કંઈ વાંધો નથી ને? કંસને વાત તો બરાબર લાગી પણ કોઈએ એને કાન ભમ્ભેરણી કરી કે આઠમો કોને કહેવો? ક્યાંથી ગણવો? એટલે કંસે એક પછી એક બધાજ બાળકો આપવા પડશે એમ કહ્યું અને તમારે બંનેએ મારી જેલમાં રહેવું પડશે. એટલે કંસે તોતિંગ જેલમાં વસુદેવ અને દેવકીને પુરી દીધાં. એક પછી એક પુત્રો થવા લાગ્યા. પહેલો પુત્ર થયો એને આકાશમાં ઊંચો ઉછાળ્યો અને પથ્થર ઉપર એના પગ પકડી પછાડયો એટલે એના છોતરે છોતરાં નીકળી ગયા. ખડખડાટ હાસ્ય કરીને ચાલ્યો ગયો. બે થી છ બાળકો સુધી બધાની એવીજ ગતિ કરી. જયારે સાતમો બાળક જન્મવાનો હતો ત્યારે અંત: પ્રેરણા થઇ અને એને દેવકીના ગર્ભ માંથી રોહિણીના ગર્ભમાં મૂકી દેવામાં આવ્યું, આ વસુદેવની બીજી પત્ની છે અને એ એના ઘેર છે. પછી એમ કહેવામાં આવ્યું કે અધૂરા માસે ગર્ભપાત થયો છે. એટલે કંસે સમજી મન વળી લીધું. પેલો બાળક રોહિણીને ત્યાં જન્મ્યો અને એનું નામ બલરામ પડયું. એનું બીજું નામ સંકર્ષણ પણ છે, કારણકે એનું ગર્ભમાંથી કર્ષણ થયું હતું. હવે આઠમા ગર્ભની વારી આવી. દેવકીને છેલ્લા દિવસો જઈ રહ્યા છે અને દેવકીની ચિંતાનો પર નથી. વસુદેવ પણ મોઢું ઉતારીને બેઠેલા છે. પુરુષ નમાલો થયો છે. @25.22min. જેના સાત બાળકો આ રીતે નષ્ટ થયા હોય, એ માંની તમે કલ્પના કરી શકો છો? એના અંદર શું વિતતું હશે? દુનિયાના ઇતિહાસમાં જોજો, જયારે જયારે પણ કોઈ જગ્યાએ ક્રાંતિ થઇ છે તો એના મૂળમાં સ્ત્રી હોય છે અને એ નમાલા પુરુષને જગાડતી હોય છે. या देवी सर्व भूतेषु शक्ति रूपेन संस्थिता, क्रांति रूपेन संस्थिता, नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नम: દેવકીએ કહ્યું, તમે ચૂડીઓ પહેરો, કેમ તમે કંઈ પ્રયત્ન કરતા નથી? રાત્રે બાર વાગ્યાની તૈયારી હતી, કાળી ગડગડાટ કરતી મેઘલી રાત હતી, જમુનાજી ઘુઘવાટા લઇ રહી હતી, બધે જળ બમ્બાકાર છે અને એજ સમયે ભગવાન શ્રી કૃષ્ણનો પાદુર્ભાવ થયો, પ્રગટ થયા. કૃષ્ણ કનૈયા લાલકી જય. પાદુર્ભાવ થતા પહેલાં વસુદેવ આજે વીર-મર્દ બન્યો હતો. એને થયું કે ગમે તે ભોગે મારે આ બાળકને આજે બચાવવું છે. જોયું તો પેલા પહેરો ભરનાર ઊંઘી ગયેલા હતા. હાથ લાંબો કરીને ચાવી ખેંચી, જરા હિમ્મત આવી, જુસ્સો આવ્યો, સાહસ આવ્યું અને દરવાજો ખોલ્યો અને દેવકીને કહ્યું તારા બાળકને લઇ જાઉં છું. સામા કિનારે મારા મિત્રને આપી આવીને તરત પાછો ફરીશ. એમ કહી, ટોપલામાં બાળક મૂકી ગાઢ અંધકારમાં નદી પાર કરવા નીકળી પડયા. વસુદેવ આજે મર્દ બન્યો છે. જયારે તમારું મનોબળ દ્રઢ હોય, તમારો સંકલ્પ દ્રઢ હોય એટલે પરમેશ્વર हिम्मते मर्दा तो मददे खुदा આપોઆપ તમારી વ્હારે આવે છે. એટલે વસુદેવ જમુનાજી પાર કરી મિત્ર નંદને ત્યાં પહોંચી ગયા. ભાગવતકારે જે એનું રૂપ આપ્યું છે, એમાં જમુનાજી પાર કરતી વખતે શેષનાગ ફેણ ધરી રહ્યા છે. વસુદેવ મિત્ર નંદને રાત્રે જગાડે છે અને કહ્યું આ મારુ આઠમું બાળક છે અને અત્યારે હું જેલમાંથી આવ્યો છું. નંદ, હું અભાગી છું. છતા બાળકે પણ હું બાળકનું સુખ નથી લઇ શકવાનો. આ બાળક જો સવારે કંસ જોશે તો એને માર્યા વગર નહિ રહે. માટે તું એને ઉછેર. હું દૂરથી જોઈને રાજી થઈશ. તું આ બાળકને લઇ લે અને પોતાનો બાળક કરીને રાખ. @30.05min. અને તારા પાસે કોઈ બાળક હોય તો આપ, તો હું ત્યાં જઈને મૂકી દઉં. .નંદે કહ્યું હમણાં બે-ચાર કલાક પહેલાંજ મારા ઘરમાં પ્રસુતિ થઇ છે. જશોદા ઘસઘસાટ ઊંઘે છે એને ખબર નથી કે શું થયું છે. દીકરી થઇ છે અને એ દીકરી હું તને હમણાંજ આપી દઉં છું. વાસુદેવ દીકરી એજ ટોપલામાં લઇ, એજ મુસળધાર વરસાદમાં પાછા આવ્યા ત્યારે જોયું કે આખું જેલખાનું ઘસઘસાટ ઊંઘી રહ્યું છે. વાસુદેવ ચુપચાપ અંદર આવ્યા અને પેલી બાળકીને મૂકી દીધી. દેવકીને કહ્યું, તારું બાળક હવે સુરક્ષિત છે. આ બાળકીને પોતાની માની લે. દેવકીનેએ બાળકીને છાતી સાથે ચાંપી દીધી. સવાર થયું એટલે વાસુદેવે જેલરને કહ્યું, જાઓ કંસને ખબર કરો કે આઠમું બાળક જન્મ્યું છે. કંસ તો ધમપછાડા કરતો આવ્યો, જેલનું કેદખાનું ખોલાવ્યું અને દેવકી પાસે આવ્યો ત્યારે દેવકીએ કહ્યું ભાઈ, આ મારુ  છેલ્લું બાળક છે, હવે પછી મારે બાળક થવાનું નથી. કંસ કહે મારે આ છેલ્લું બાળકજ જોઈએ છે. કંસે બાળકીને કહોંચાવી લીધી અને એને નીચે પછાડવા ગયો ત્યાં તો પેલી બાળકી આકાશમાં ચાલી ગઈ. ખડખડાટ હસ્તી હસ્તી બોલતી ગઈ કંસ, તું મને શું મારવાનો હતો તને મારનારો તો વ્રજમાં કિલકિલાટ કરી રહ્યો છે. પછી તો કંસ વિલે મોઢે પાછો ફર્યો. દેવકી અને વસુદેવને છુટા કર્યા. પણ મનમાં એક ડર પેસી ગયો કે નક્કી કોઈ જન્મ્યું છે. અહીંની વાત અહીં રહેવા દો, આગળની વાત પછી કરીશું. રહસ્ય – પણ હું તમને ખાસ વાત કરું છું કે આગળની ઘટના સાંભળતા પહેલા નક્કી કરો કે આ આખી ઘટના કોઈ વાસ્તવિક ઐતિહાસિક ઘટના છે, કે આ ઘટનાના મૂળની અંદર વ્યાસજી કોઈ પરમહંસોના ગૂઢ રહસ્યો મુકવા માંગે છે? અને જો એવું હોય તો પેલા મુમૂર્ષુ પરીક્ષિતને સંભળાવો એ બરાબર છે. જરા વિચાર કરો કે જયારે આકાશવાણીએ કહ્યું કે કંસ દેવકીનો આઠમો બાળક તારો કાળ જન્મશે તો આકાશવાણીને આટલી બધી ઉતાવળ કેમ આવી ગઈ? સાત બાળકો ખોટાં મારી નાંખ્યા ને? અને એ આકાશવાણી કોઈ રાક્ષસની વાણી તો નહીંજ હોય ને? એ દૈવી વાણીમાં વગર જોતા સાત બાળકોનો નાશ કરાવી દીધો. બીજું કંસે આકાશવાણી સાંભળ્યા પછી બંનેને સાથે રાખવાની ભૂલ કેમ કરી?વસુદેવને કહી દેવાનું હતું કે, જાઓ ચરોતરમાં ઘણી કન્યાઓ છે, કોઈ એકને પરણી લેજો, હવે મારી બહેનને તમારા સાથે કાંઈ લેવા-દેવા નથી. આ સહેલામાં સહેલો ઉપાય હતો. પણ કંસે એવું ના કર્યું અને બંનેને એક સાથે જેલમાં પૂર્યા. એક પછી એક જેમ પ્રસૂતિઓ થઇ એને મારતો રહ્યો. એટલે તમે નક્કી સમજજો કે આ તો પરમહંસોની સંહિતા છે અને આ તો રહસ્યોનો ગ્રંથ છે. આ માત્ર લૌકિક ઘટના નથી. બીજી વાત કહું છું, એ એના આધ્યાત્મિક પક્ષમાં છે. @35.00min. ભાગવતના બે પક્ષો છે, આધ્યાત્મિક પક્ષ અને વ્યહવારિક પક્ષ. કૃષ્ણનો ફોટો તમારા ઘરમાં હશે. લોકો નાની-નાની બાબતો માટે રડતા હોય છે. કોઈ ગંભીર દુઃખ પડયું હોય અને તમે રડો તો બરાબર છે, એવા સંજોગોમાં ભગવાન જરૂર દુઃખ દૂર કરે. લોકો ભગવાનને હેરાન-હેરાન કરી નાંખે છે. તમે કૃષ્ણને જઈને પૂછજો તો જન્મની પહેલી ઘડીથી એનો ઇતિહાસ સંભળાવશે. તમને કહેશે કે, મારા ઉપર જે દુઃખ પડયાં છે, એના સો-મા ભાગના દુઃખ પણ તમારા ઉપર નથી પડયા. હું તો જેલમાં જન્મ્યો હતો, તમે જેલમાં તો નથી જન્મ્યા? મારો જન્મ રાત્રે બાર વાગ્યે થયો અને જન્મતાની સાથેજ મારે ભાગવું પડયું. મને માંનું દૂધ નથી મળ્યું, માંનો ખોળો નથી જોયો, બાપનું વ્હાલ નથી અનુભવ્યું. જયારે આખી દુનિયા ઘસઘસાટ ઊંઘતી હતી ત્યારે મારા પ્રાણ બચાવવા વરસતા વરસાદમાં ઘુઘવાટા કરતી, પૂરવાળી નદીની આંધીમાં મારે ભાગવું પડયું હતું અને મેં કોઈ બીજને ત્યાં શરણ લેવું પડયું હતું. ત્યાં પણ મને લોકોએ શાંતિથી જંપવા ના દીધો. એક પછી એક રાક્ષસો મને મારવા મોકલ્યા હતા. એટલે હું એમને એમ ભગવાન નથી થયો. કોઈ રાજાનો દીકરો હોય અને રાજા થાય એમાં એણે કાંઈ બહાદુરી કરી નાંખી? શેઠનો દીકરો શેઠની તૈયાર ગાદી ઉપર બેસે એમાં શું એણે ધાડ મારી? પણ જેના ઘરમાં કોઈ દિવસ કે,ખ,ગ બોલતો ન હોય અને કોઈ સેક્સપિઅર પેદા થાય કે કોઈ કાલિદાસ પેદા થાય, ત્યારે એની બલિહારી કહેવાય. કૃષ્ણ કહે, મેં જન્મતાની સાથેજ ભય, ત્રાસ, જુલ્મ, અત્યાચાર સિવાય કશું જોયું નથી અને છતાં હું જિંદગીમાં હાર્યો નહીં, રડ્યો નહિ પણ હસતો રહ્યો અને હસાવતો રહ્યો અને લોકોને મરદાંગની આપતો રહ્યો. અને તમે રોજ સવારથી સાંજ સુધી મારા ફોટા આગળ આવી-આવીને રડ્યા કરો છો. કૃષ્ણની પાસે કંઇક શીખવાનું હોય તો એનો વ્યહવારિક અને આધ્યાત્મિક પક્ષ સમજજો. આ બેય પક્ષને તમે સમજશો તો ભાગવતના રહસ્યને તમે પામી શકશો. કંસની જેમ પાપ વધારે પાપ કરવા ધક્કા મારતું હોય છે એમ પુણ્ય પણ વધુ પુણ્ય કરવા ધક્કો મારતું હોય છે. વ્રજમાં બધા બાળકોને મારી નાંખ્યા પ[ન જેને મારવો હતો તે ના મરાયો. પછી પૂતના નામની રાક્ષસીને મોકલાવી. એ તો રૂપ રૂપનો અંબાર છે. જશોદાને ઘેર પહોંચી ગઈ. જશોદાજી એણે જોઈને ખુશ થઇ ગયા. પૂતનાએ લાલાને રમાડવા માંગ્યો. યશોદાજીએ એણે રમાડવા આપ્યો અને એ રમાડતા રમાડતા એને ધવડાવવા લાગી અને સ્તન ઉપર એણે ઝેર ચોપડ્યું હતું. લાલાએ દૂધ એવું ચૂસવા માંડયું કે એના પ્રાણ ચુસાવા લાગ્યા. @40.00min. લોકો પૂતનાને માસી કેમ કહે છે? એ દેવકીની કે યશોદાની પણ બહેન નથી તો માસી થઇ કેવી રીતે? એટલે ભાગવત કહે છે, આ રહસ્ય ગ્રંથ છે. આ કોઈ ઐતિહાસિક કે ઘટનાત્મક ગ્રંથ નથી પણ રહસ્યોથી ભરેલો ગ્રંથ છે. અર્જુન, ત્રણ પ્રકારની શક્તિઓ છે. દૈવી માયા, રાજસી માયા અને આસુરી માયા. જયારે જયારે પણ હું મારુ પ્રાગટ્ય કરું છું તો દૈવી માયાના દ્વારા કરું છું. એટલે દૈવી માયાને દેવકી નામ આપ્યું કે જેનો આધાર, આશ્રય લઇને ભગવાન પ્રગટ થયા. એના પતિનું નામ વસુદેવ આપ્યું. વસુનો અર્થ ધન થાય એટલે ઐશ્વર્ય થાય. પૃથ્વીનું નામ વસુંધરા એ વસુ શબ્દ પરથી આપવામાં આવ્યું. સૌથી ઉત્તમમાં ઉત્તમ જે વસુ છે, તત્વ છે એ અને આ દૈવી માયા એ બંનેના યોગ થી આઠમી કક્ષાએ પ્રગટ થયા. સાત કક્ષાએ સુધી જે પ્રગટ થાય એને જ્ઞાનની સાત ભૂમિકાઓ કહેવાય. અજ્ઞાનની સાત ભૂમિકાઓને દૂર કરવા માટે આ જ્ઞાનની સાત ભૂમિકાઓ છે. આ ભૂમિકાઓ છે – શુભેચ્છા, સુવિચારણા, તનુ માનસ, સત્વા ભક્તિ, પદાર્થ ભાવિની અને સુર્યાગા. જ્ઞાન વાચાળતાથી ઝાંખું પડે છે. સૂર્ય બોલતો નથી કે હું તેજસ્વી છું.લોકો આપોઆપ એના તેજને જાણે છે કે એ તેજસ્વી છે. એટલે અજ્ઞાનની સાત ભૂમિકાઓ છે એની નિવૃત્તિ માટે જ્ઞાનની સાત ભૂમિકાઓ છે. એ સાત ભુમિકાઓનો ઉદય દૈવી માયાથી થાય અને એ દૈવી માયા કંસની જેલમાં છે. આઠમું બાળક જે જન્મ્યું એ બાળકને ઉછેરનાર, પાલન કરનાર રાજસી માયા છે, જેનાથી સંસાર ઉત્પન્ન થાય છે. સંસારનું રક્ષણ થાય છે, એટલે એનું નામ યશોદા છે. એ નામ એમને એમ નથી પડેલું. એટલે આ ત્રણ માયાઓ યાદ રાખજો. એક પરમેશ્વરને પ્રગટ કરનારી દૈવી શક્તિ, પરમેશ્વરનું રક્ષણ કરનારી રાજસી શક્તિ અને એજ મહાશક્તિને ધૂળમાં આળોટી દેનારી ત્રીજી જે શક્તિ છે એને માયાવી અથવા તામસી શક્તિ કહેવામાં આવે છે. એટલે ભાગવતકારે બહુજ વિચાર પૂર્વક સ્તન ઉપર ઝેર ચોપડાવ્યું છે. જો જો તમે અનુભવ કરજો, માણસ જયારે સાધના કરે, ઉપાસના કરે એટલે એનામાં સિદ્ધિઓ આવે. @45.00min. એટલે જે પહેલાં શેકેલો પાપડ ન હોતો ભાંગી શકતો, એ મોટા પહાડોને તોડી શકે. એટલે આ પૂતના એ બીજું કોઈ નથી પણ રિદ્ધિ અને સિદ્ધિનું પતન કરાવનારી મહા માયાવી શક્તિ જેનું નામ પૂતના છે. પૂતના કોઈ માણસ નથી, એ ભોગનું માત્ર પ્રતીક છે. એટલે સ્તન ઉપર ઝેર ચોપડેલું બતાવ્યું છે. એ ભોગમાં આજ સુધી કેટલાયે યોગીઓ ચૂસીને મારી ગયા, પ્રાણ નીકળી ગયા. આજ એક એવો યોગેશ્વર હતો, જેણે ચુસાવીને મારી નાંખનારને ચૂસીને મારી નાંખી, ખતમ કરી નાંખી અને પોતેજ એના અસલ સ્વરૂપમાં આવી ગઈ. આ ભાગવતનું રહસ્ય છે. એટલે તમે માત્ર એને ઘટના ના માની લેતા. ત્યારે હવે પ્રશ્ન ઉઠે છે કે આ કૃષ્ણ છે એ છે કોણ? કૃષ્ણનું મૂળ રૂપ શું છે? એની ચર્ચા આજે નહિ કરીએ, કાલે કરીશું. પણ આ જે ભાગવત છે, એની એક-એક ઘટનાને સમજવાની છે. પરમેશ્વર જો એ ઘટનાને સમજવાની શક્તિ આપે તો તમને એમ થશે કે જે ભાગવતને સાંભળે, સમજે, જાણે એને તક્ષક ના કરડે અને કરડે તો એનું ઝેર ન ચઢે અને ચઢે તો એના મોક્ષને ના અટકાવે. કૃષ્ણ કનૈયા લાલકી જય. @46.57min.  श्री कृष्ण शरणम मम  

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “જન્માષ્ટમી 

  1. Bhagvadna rahsyo ukelay tem tem bhagvadbhktima lin thavay chhe.
    Jay Shree Krishna.

  2. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી.. જન્માષ્ટમી ના સહુને અભિનંદન અને શુભેચ્છાઓ …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s