તમને કન્ટેમ્પ્ટનો મુહાવરો છે? .પરેશ વ્યાસ

An unprecedented press conference by the four Judges of Supreme Court had made me think about idioms of the word contempt.

તમને કન્ટેમ્પ્ટનો મુહાવરો છે?

કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની વાત તો દૂર રહી, અમે તો કોરટકચેરીનાં નામમાત્રથી બઉ બીએ છીએ. એનાથી તો દૂર રહેલાં જ સારા. પણ ક્યારેક તો એ ચકરાવામાં આવી જ જવાય. અને પછી એ.. એ.. એ.. ફસાં. પછી તો વકીલો દલીલો કરે. પછી ન્યાયને તોળવામાં આવે. પછી જજ સાહેબ જજમેન્ટ આપે. આખી સીસ્ટમ સાલી કોમ્પ્લીકેટેડ. ઘણી વાર તો હાર્યા કે જીત્યા ઈ ય ખબર ન પડે. પણ હા, નિર્ણયને માનવો પડે. અપીલ થઇ શકે સર્વોચ્ચ અદાલત સુધી. સર્વોચ્ચ અદાલતનો શૂરા-બોલ્યાં-ના-ફરે જેવો ચૂકાદો અલબત્ત અફર હોય. જો આપણે એને માનીએ નહીં તો કોર્ટનાં અનાદર બદલ ફરી એક વાર કેસ ચાલે. સજા તો થાય જ. ન્યાયની દેવડીમાં અમને વિશ્વાસ છે. પણ આજકાલ એમનાં પૂજારીઓ જાહેરમાં કાદવ ઉછાળી રહ્યાં છે. ન્યાયાધીશો કાળો ડગલો પહેરે છે એટલે કાદવનાં ડાઘાં ઝટ દેખાય નહીં. પણ અંદર સફેદ ખમીસ પણ તો હોય છે. પ્રેસ કોન્ફરન્સમાં શું થયું?-એ સમાચારથી આપણે વાકેફ છીએ. મીડિયા અને સોશિયલ મીડિયા પર સૌ વાદાકોદ કરી રહ્યાં છે. ફેસબૂક કે વોટ્સ એપનાં સંદેશા વાંચીએ તો એમ લાગે કે અહીં પણ ભાજપ કોંગ્રેસ ચાલી રહ્યું છે. વડીલો અલબત્ત કહી ગયા છે કે ન્યાયતંત્રની ક્યારેય ટીકા કરવી નહીં. એક તો દલીલ કરવામાં તમે એમને પહોંચી નહીં શકો. અને ક્યારેક એલફેલ બોલાઈ જાય તો જેલમાં જવાનો વારો આવે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, યુ સી…જો કે અમે કન્ટેમ્પ્ટ શબ્દનાં મુહાવરાનો અભ્યાસ કરી રહ્યા હતા.
૧. બીનીથ કન્ટેમ્પ્ટ (Beneath Contempt): લે, આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું! મારું, તારું ને ગમવું પણ,
લાવ, લાવ કરીએ સહિયારું! – રાજેન્દ્ર શુક્લ
સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશો બાળ સહજ ઝઘડે છે. વડા ન્યાયાધીશ કહે છે કે મને ગમે તે જ તારું. બાકીનાં કેસ હું જુનિયર જજને ય દઉં, મેરી મરઝી. પણ એમની પછીનાં ચાર વરિષ્ઠ ન્યાયાધીશો મારું-તારું-નો ડખો કરે છે. આઈ મીન, જાહેરમાં બંડ પોકારે છે. કહે છે કે વડા ન્યાયાધીશ મનમરજીયાં ચલાવે છે. કયો કેસ કોને આપવો, એ વડા ન્યાયાધીશ નક્કી કરે એ વાત સાચી; પણ કામની વહેંચણી આડેધડ ન થવી જોઈએ. એમની વાત સાચી છે. પણ તમારો સાસુ વહુનો ઝઘડો, તમારો કૌટુંબિક કજીયો અમને કહેવાની શી જરૂર છે? બાર કાઉન્સિલ વચ્ચે પડી, સમાધાન થઇ ગયું, ઘીનાં ઠામમાં ઘી પડી ગયું એવાં ય સમાચાર આવ્યા, તો વળી હજી ક્યાંક વાંકુ પડ્યું હોવાનાં ય વાવડ મળી રહ્યાં છે. પોઈન્ટ ઓફ ઓર્ડર મી લોર્ડ્સ…. કારણ ગમે તે હોય, આવા જાહેર ધજાગરા કરવાની કોઈ જરૂર હતી ખરી? આ આખી વાત બીનીથ કન્ટેમ્પ છે. બીનીથ એટલે નીચે, તળે, હેઠળ, ઊતરતું. અને કન્ટેમ્પ્ટ તો આપણે જાણીએ છીએ. તિરસ્કાર, ઘૃણા, અવજ્ઞા, અનાદર. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જાણીતો શબ્દસમૂહ છે. અર્થ થાય કોર્ટનાં ચૂકાદાનો અનાદર. પણ બીનીથ કન્ટેમ્પ્ટનો શાબ્દિક અર્થ થાય ‘તિરસ્કારની તળે’ અથવા ‘અનાદરની નીચે’. અને એ મુહાવરાનો અર્થ થાય એવી નજીવી કે ક્ષુલ્લક વાત, જે મારા તિરસ્કારને પણ લાયક નથી. એટલી ગૌણ વાત કે જેની નિંદા કરવી ય શોભે નહીં. સોનાની જાળ નકામી પાણીમાં નાંખવા જેવો ઘાટ. જે પહેલેથી જ તુચ્છ હોય એ વાત તુચ્છકારને પાત્ર પણ હોતી નથી. માન હોય તો અપમાન શોભે. હેં ને?
૨. ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ (Familiarity Breeds Contempt):
ग़ैरों को कब फ़ुरसत है दुख देने की जब होता है कोई हमदम होता है -जावेद अख्तर
તમે એમને જાણો છો, પીછાણો છો. એટલે તમે એનાં ગુણ જાણો છો. સાથે સાથે એનાં અવગુણથી ય વાકેફ છો. હવે એવા ઓળખીતા લોક તમને કહે કે મોરે અવગુણ ચિત ના ધરો…. પણ તમે એમની અવહેલના કરો, અપમાન કરો, તિરસ્કાર કરો. કારણ કે તમે એમને સાંગોપાંગ ઓળખો છો અથવા ઓળખી ગયા છો. એટલે પારકાં ન નડે, પણ પોતાના જ આપણને કનડે, એમ પણ બને. સર્વોચ્ચ અદાલતનાં બધા ન્યાયમૂર્તિ આમ તો સરખાં પણ ક્લાસિક વ્યંગકથા ‘એનિમલ ફાર્મ’માં જ્યોર્જ ઓર્વેલ કહી ગયા છે એમ, સમ એનિમલ્સ આર મોર ઇકવલ ધેન અધર્સ! વડા ન્યાયમૂર્તિ અલબત્ત ફર્સ્ટ એમોન્ગ ઇક્વલ્સ ગણાય. બધા સાથે મળીને ન્યાય તોળતા હોય, ઝઘડાં મિટાવતા હોય, એ ન્યાયાધીશો પોતે કોક દિવસ માંહોમાંહ ઝઘડે ય ખરાં. જે આપસી તિરસ્કાર છે; એ પરસ્પર ઓળખને કારણે છે. તમે એમને સારી પેઠે ઓળખી ગયા છો; એનાં કારણે છે. એમની નબળાઈ, એમની ખોડખાંપણને તમે સારી પેઠે સમજી ગયા છો; એનાં કારણે છે. બાકી અન્ય સાથે કાંઈ ક્યાં નિસ્બત જ હોય છે? અજાણ્યાંની ટીકા કે તિરસ્કાર કરવાનો ક્યાં, કોઈને ટાઈમ જ છે? ફેમિલિયારિટી શબ્દનો અર્થ થાય સુપરિચિતતા, ઘરવટ કે ઘરોબાવાળું, સારી પેઠે જાણીતું, સર્વસામાન્ય, (વધુ પડતું) અનૌપચારિકતા, પરિચિત મિત્રતા અથવા સાથી, ઘાટો પરિચય વગેરે વગેરે. બસ, આવી સુપરિચિતતા જ તિરસ્કારને પેદા કરે છે. આ મુહાવરા પાછળ એક ઇસપ કથા છે. એક જંગલમાં રહેતાં એક નાનકડાં શિયાળે ક્યારેય સિંહને જોયો નહોતો. એક વાર એનો ભેટો થયો. કદાવર સિંહને જોતા જ એની ફાટી ‘ને એ તરત જ ઊભી પૂછડીએ નાઠો. પણ પછી બીજી વાર સિંહ મળ્યો તો એણે ઝાડ પાછળ સંતાઈને સિંહને જોયા કર્યો. પછી જ્યારે ત્રીજી વાર સિંહનો ભેટો થયો ત્યારે શિયાળ બેઝિઝક એની પાસે ગયો અને કહ્યું, “હાય, મી લોર્ડ.. ઘરમાં બધા કેમ છે?!” ઘરોબો થાય એટલે કન્ટેમ્પ્ટ થઇ શકે. યૂ સી..
મી લોર્ડ્સ પ્રેસ કોન્ફરન્સ કરે છે. એટલે અમે જાણી ગયા એમની અંદર કી બાત. એમનાં આંતરિક ઝઘડાથી અમે ફેમિલિયર થઇ ગયા. ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ. એટલે તો આ લેખ લખી શક્યા છીએ. બાકી અમે ન્યાયમૂર્તિઓની ટીકા થોડી કરી શકીએ?!

શબ્દશેષ:
“ગુપ્તતા વિના પ્રતિષ્ઠા નથી કારણ કે પરિચિતતા તિરસ્કાર જન્માવે છે.” –ફ્રેંચ જનરલ અને સ્ટેટ્સમેન ચાર્લ્સ દ ગોલ

 · 

 

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, સમાચાર

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.