Daily Archives: ડિસેમ્બર 3, 2018

લાગોમ – પરેશ વ્યાસ

ન લઘુત્તમ, ન મહત્તમ પણ ઇષ્ટતમ જીવવાની કળા એટલે લાગોમ

મહત્તમની કોઈ મર્યાદા નથી. મહત્તમમાં સુખની કોઈ ગેરંટી નથી. પણ ઓપ્ટિમમ સુખની ગેરંટી લઈને આવે છે. લાગોમ શબ્દ જો કે એથી ય વિશેષ સર્વસંમતિ અને સમાનતાનાં અર્થને લઈને આવે છે

સહજ રીતે સાંપડયું છે એટલું પર્યાપ્ત છે. આંગણે આવી ચડયું છે એટલું પર્યાપ્ત છે

– નીતિન વડગામા

મોજ પડી જાય જ્યારે કોઈ એક શબ્દ જીવન જીવવાની રીત શીખવાડે. એવો એક શબ્દ બુ્રઅર્સ ડિક્સનરી ઑફ ફ્રેઈસિસ એન્ડ ફેબલ્સનાં નવાં ઉમેરાયેલાં શબ્દોની યાદીમાં શામેલ થયો છે. એબેનેઝર કોબહેમ બુ્રઅર શિક્ષક હતા. જે લોકો યુનિવર્સિટીમાં ભણી ન શકે એમને વિવિધ શબ્દોનું જ્ઞાાન મળી શકે એવા આશયથી એમણે પહેલી વાર આ ડિક્સનરી ૧૮૭૦માં પ્રકાશિત કરી.

ફ્રેઈસિસ એટલે રૂઢિપ્રયોગો અને કહેવતો અને ફેબલ્સ એટલે લોકકથા, લોકવાણી. આમ તો આ ડિક્સનરીમાં જુનવાણી શબ્દો સમજાવ્યા હોય પણ નવાં શબ્દોનો ય આવકારો હોય જ. ઈન ફેક્ટ, આ ડિક્સનરીમાં તો પરદેશ કે પરભાષાનાં શબ્દો પણ શામેલ થાય છે. આજે જેની વાત કરવી છે એ લાગોમ (ન્ચર્યસ) શબ્દ મૂળ સ્વીડન દેશની સ્વીડિશ ભાષાનો શબ્દ છે. સ્વીડિશ લાઈફ સ્ટાઈલનો અંદાજ-એ-બયાં શબ્દ છે આ લાગોમ.

લાગોમ એટલે પર્યાપ્ત. જરૂરી હોય એ બધું જ હોવું જોઈએ પણ પછી બેઉ હાથે બધું ઉલેચી લેવાનું, ઓળવી લેવાનું, એવું નહીં. એવાં કેટલાંય છે જે ધન પ્રાપ્તિથી ઓચાતા જ નથી. લઘુત્તમ (મિનિમમ) હોય એ ન ચાલે, એ વાત સમજી શકાય. ચાલવા માટે પગ હોવા જોઈએ. એ લઘુત્તમ કહેવાય. પણ સાયકલ કે મોટરસાયકલ હોય તો સારું.

આમ તો બસમાં પણ મુસાફરી કરી શકાય પણ પોતાની મોટરકાર હોય તો ક્યા બાત હૈ… પણ પછી એમાં ય ચાર બંગડીવાળી જ કે પછી બીએમડબલ્યૂ વિના તો ચાલે જ નહીં, એ મેક્સિમમ (મહત્તમ) છે. લાગોમ એટલે ઓપ્ટિમમ (ઇષ્ટતમ). મહત્તમની કોઈ મર્યાદા નથી. મહત્તમમાં સુખની કોઈ ગેરંટી નથી. પણ ઓપ્ટિમમ સુખની ગેરંટી લઈને આવે છે. લાગોમ શબ્દ જો કે એથી ય વિશેષ સર્વસંમતિ અને સમાનતાનાં અર્થને લઈને આવે છે.

પંદર વર્ષો પહેલાં નિકી બ્રાન્ટમાર્ક ઉનાળુ વેકેશન માણવા બ્રિટનથી સ્વીડન ગઈ. પ્રેમમાં પડી અને પછી ત્યાંની થઈને જ રહી ગઈ. સ્વીડિશ લાઈફ સ્ટાઈલ વિષે એણે પુસ્તક લખ્યું અને નામ આપ્યું ‘લાગોમ’. એમાં શબ્દ સમજ આપતા નિકી લખે છે કે આપણને શું જોઈએ? બહુ વધારે નહીં, સાવ ઓછું તો નહીં જ. જસ્ટ રાઈટ… જોઈએ તેવું એકદમ બરાબર. એનો અર્થ એ કે જે મળે એમાં સંતોષ પામીને બેસી રહેવાનું નથી.

કામ તો કરવાનું જ છે, કમાવવાનું પણ છે પણ પછી દોડાદોડમાં ક્યાંક અટકવાનું પણ છે. જે મેળવ્યું એને માણી લેવાનું છે. નિકી લખે છે કે બ્યુટી ઓફ સ્લોઇંગ ડાઉન (ધીમા પડવાની કળા) સ્વીડિશ લોકો પાસે શીખવા જેવી છે. તેઓ અટકે છે, જુએ છે, સાંભળે છે, રાહ જુએ છે.

જેથી એ પળમાં રહી શકાય… એ પળનાં આનંદની ઉજાણી કરી શકાય… સિમ્પલ પ્લેઝર્સ ઓફ લાઈફ (જિંદગીનું સાદું સુખ અથવા તો કોઈ ગૂંચવાડા વિનાનો આનંદ). લાગોમ એટલે ફસ-ફ્રી લાઈફ. કોઈ પણ જાતની ધાંધલ, ધમાલ, ગરબડ વિનાની જિંદગી. નાની નાની બાબતે ઓછું આવી જવાની વાત નહીં. છણકો નહીં. ખોટાં દેખાડા નહીં.

‘લાગોમ’ પુસ્તકમાં છ વિશિષ્ટ સ્વિડીશ બાબતો પર નિકી ધ્યાન દોરે છે.

૧. વહેલી સવારે પાણીમાં માથાબોળ ડૂબકી મારવી. તેઓ એને મોર્ગોનડોપ કહે છે. સ્વીડન પાસે ૧૧૫૦૦ કીમી દરિયાકાંઠો છે અને અંદાજે એક લાખ જેટલાં તો સરોવર છે. આમ તો ઠંડો પ્રદેશ પણ મેથી સપ્ટેમ્બર સુધી લોકો વહેલી સવારે કોફી પીતા પહેલાં ડૂબકી મારે છે. જબરી જાગૃતિ છે એ.

જ્યારે દિવસભર કામ કરવાનું છે ત્યારે એની શરૂઆત કુદરતથી થાય છે. તમે કહેશો કે આપણી પાસે ક્યાં આવી સુવિધા છે? પણ સાહેબ, આ તો આપણી જ રીત છે. ગિરી તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય… આ પ્રભાતિયાં આપણો વારસો છે. હવે જો એવી દામોદરી ફેસીલીટી ન હોય તો જાગીને તરત બાથરૂમમાં શાવર નીચે આપણું દેશી મોર્ગોનડોપ લઈ શકાય.

૨. કુદરતનું સાનિધ્ય સાવ એકલાં માણી લેવું. આમ એકલાં નીકળી પડો તો કુદરતનાં જે અવાજ છે એ સાંભળી શકાય. વહેતા પાણીનો અવાજ કે પક્ષીઓનો કિલકિલાટ માણી શકાય. કોઈ તમને ખલેલ ન પહોંચાડે. તમે તમારી સાથે એકલાં રહી શકો!

૩. કેપ્સ્યુલ વોર્ડરોબ : કબાટ મોટા અને કપડાં ઝાઝા. કઈ કેટલું ય ભરેલું હોય. અરે ભાઈ, (અરે બહેન!) બધી વસ્તુઓ તો ભાગ્યે જ જરૂરી બને. ઓછું હોય તો ટેન્શન ઓછું. સંઘર્યો સાપ કોઈ દિવસ કામનો એવી કહેવત મનમાં સંઘરી રાખવી નકામી છે.

૪. કામ કરતી વખતે થોડો થોડો વિરામ લેતા રહો. સ્વીડિશ લોકો એને ‘ફીકા પોઝ’ કહે છે. જે લોકો કામ કરતી વેળા સમયાંતર થોડી વાર માટે કોફી બ્રેક લે છે, સહકર્મચારી સાથે થોડી ગપશપ કરી લે છે એ પોતાનું કામ સારી રીતે કરી શકે છે અને કાયમ આનંદમાં રહે છે. આ માટે ૫૨-૧૭નો નિયમ છે.

દર બાવન મિનીટે સત્તર મિનીટનો બ્રેક લઈએ તો થાક ન લાગે, કમરનાં કે માથું દુ:ખવાની કોઈ ફરિયાદ ન રહે, શક્તિનો સંચાર થાય અને કામ કરવાની મઝા પડે. પણ અમને લાગે છે કે દર બાવન મિનીટે સત્તર મિનીટનો બ્રેક થોડું વધારે પડતું છે. પણ બે કલાકે દસ મિનીટ ગપસપની રીસેસ તો પાડી જ શકાય. હેં ને?

૫. સાંભળવાની કળા. વાત કરીએ ત્યારે આપણે આપણી વાત કરતાં થાકતા નથી. સામાને સાંભળવાની ધીરજ આપણી પાસે નથી. લાગોમ એ છે કે વાતચીતમાં કોઈ ઊંચનીચનાં ભેદ ન હોવા જોઈએ. દરેકને પોતાની વાત કહેવાનો મોકો ચોક્કસ મળે. એક બોલે પછી વાક્ય હજી તો પુરું થયું ન થયું ત્યાં તો બીજો બોલે, એવું નહીં. સંવાદ વચ્ચે પણ થોડો અવકાશ. ઘણી વાર બોલવું જરૂરી નથી. હોંકારો ય હાલી જાય… હેં ને?

૬. કોઈને માટે નાનું સારું કામ કરવું એવે ટાણે, જ્યારે એની કોઈ અપેક્ષા ન હોય. જાણીતા માટે પણ થઈ શકે, અજાણ્યાં માટે પણ થઈ શકે. જેમ કે ટોલ બુથ ઉપર તમે તમારી પછી ઊભેલી કારનો ટોલ ભરી દો. દિવસમાં દસ જણનાં વખાણ કરો. જે આપણી સુખાકારી માટે સેવા કરે છે એ પોલિસ, ફાયર બ્રિગેડ કે નર્સિંગ સ્ટાફને આભાર પત્ર મોકલો. એકાદ છત્રી સ્પેરમાં રાખો. વરસાદ પડતો હોય તો કોઈ મિત્રને દઈ શકાય.

અમારું વન લાઈનર તારણ છે કે લાગોમ એટલે દોડધામ પર લગામ, મન જેમાં લાગે એ ગામ બેઝિઝક જવું એ લાગોમ અને લાગો લાગે ત્યાં… ‘શરતો લાગુ’, એવું કહેવાની મનાઈ એટલે લાગોમ.

શબ્દ શેષ:

”લાગોમ એટલે તમને જે ગમે તે દૂર કરવું એવું નહીં પણ તમને જે ગમતું હોય એમાં જે ખલેલ પહોંચાડે એને દૂર કરવું.” – જોસુઆ બેકર

Leave a comment

Filed under પરેશ વ્યાસ, પ્રકીર્ણ