પાશ્વગાયનની શરૂઆત કરનારા સંગીતકાર સરસ્વતી દેવી
હિન્દી ફિલ્મ સંગીતના આરંભ કાળની મહિલા સંગીતકારોને યાદ કરાશે ત્યારે સૌથી પહેલું નામ જ્દ્દન બાઈનું અને બીજું નામ સંગીતકાર સરસ્વતી દેવીનું આવશે. ૩૮ વર્ષ પહેલાં, ૧૦ ઓગસ્ટ, ૧૯૮૦ના રોજ સરસ્વતી દેવીનું નિધન થયું હતું. હિન્દી ફિલ્મોમાં પાશ્વગાયન – પ્લેબેક સિસ્ટીમની શરૂઆત કરનારા આ મહાન મહિલા સરસ્વતી દેવી ખરેખર તો ગુજરાતી – પારસી મહિલા ખોરશેદ મંચેરશાહ મીનોચેર-હોમજી હતાં. ૧૯૧૨માં એમનો જન્મ. હિન્દી ફિલ્મો બોલતી થઇ ત્યારથી, યાને ત્રીસી અને ચાલીસીના દાયકાની ફિલ્મોના તેઓ સંગીતકાર. તેમણે તે જમાનામાં બોમ્બે ટોકીઝ સાથે કામ કર્યું હતું. ‘મૈ બન કી ચિડિયા બનકે બન બન બોલું રે – અછૂત કન્યા’ ગીત દ્વારા તેઓ હંમેશા યાદ કરાશે.
ખોરશેદના પિતાજીએ દીકરીને શાસ્ત્રીય સંગીતની તાલીમ મહાન શિક્ષક વિષ્ણુ નારાયણ ભાતખંડે પાસે અપાવ્યું હતું. ગુરુજી ધ્રુપદ અને ધમાર શૈલીના ગાયક હતા. ત્યાર બાદ ખુરશીદ લખનઉની લોર્ડ મોરીસ કોલેજમાં સંગીત ભણ્યાં. એ મોરીસ કોલેજ દેશની આઝાદી બાદ ભાતખંડે સંગીત કોલેજ રૂપે ઓળખાય છે. ૧૯૨૦ના દાયકાના ઉત્તરાર્ધમાં મુંબઈમાં રેડીઓ સ્ટેશન શરૂ થયું ત્યારે ખોરશેદ અને તેમનાં બેન માણેક દર મહિને રેડીઓ પર સંગીતનો એક કાર્યક્રમ નિયમિત આપતાં હતાં. ‘હોમજી સિસ્ટર્સ’નો કાર્યક્રમ એ સમયે શ્રોતાઓમાં લોકપ્રિય થયો હતો.
બોમ્બે ટોકીઝના સ્થાપક હિમાંશુ રાયને તેમની ફિલ્મો માટે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકારની જરૂર હતી. તેમણે હોમજી સિસ્ટર્સને રેડીઓ પર સાંભળીને બોમ્બે ટોકીઝના સ્ટુડીઓ પર બોલાવ્યા, મ્યુઝિક રૂમ બતાવ્યો અને કહ્યું હતું, ‘મેડમ, તમે સંગીત વિભાગ સંભાળી લો અને અમારી ફિલ્મોમાં સંગીત આપો.’ ખોરશેદે સંગીતમાં અને તેમનાં બેન માણેકે અભિનય કરવામાં રસ લીધો. આ એક અલગ પ્રકારનો પડકાર જ હતો.
ખોરશેદના સંગીતમાં પહેલી ફિલ્મ ‘જવાની કી હવા’ (૧૯૩૫) આવી, જેમાં હિમાંશુજીના પત્ની દેવિકા રાણી અને નજમુલ હુસૈન હતાં. તેઓ ગાયક નહોતા, ગાવું અઘરું હતું. ખોરશેદે તેમને માટે ધૂન સરળ કરવી પડતી અને જ્યાં તેમનો અવાજ ન પહોંચે તે ભાગને સંગીતથી ઢાંકવો પડતો હતો. હજી ફિલ્મોમાં પાશ્વસંગીતની શરૂઆત થઇ નહોતી. એ ફિલ્મમાં ખોરશેદના બેન માણેક પણ અભિનય કરતાં હતાં. ત્યાં એક નવી મુસીબત આવી. પારસી સમાજે બે દીકરીઓ ફિલ્મમાં કામ કરે તેનો વિરોધ કર્યો. બોમ્બે ટોકીઝના ચાર ડિરેક્ટર્સ પારસી હતાં, તેમણે વાંધો લીધો. હિમાંશુ રોયે હિંમતથી ટક્કર ઝીલી. તેમની ઓળખ છુપાવવા માટે ખુરશીદને નામ આપ્યું ‘સરસ્વતી દેવી’ અને માણેક બન્યા ‘ચંદ્રપ્રભા’.
‘જવાની કી હવા’ બાદ આવી ‘અછૂત કન્યા’ (૧૯૩૬). તેના કલાકારો અશોક કુમાર અને દેવિકા રાણીએ દિવસો સુધી કલાકોના રીયાઝ કર્યા. એમાંથી પાશ્વગાયનની શરૂઆત થઇ. તરત જ સરસ્વતી દેવીની ‘જન્મભૂમિ’ આવી. આઝાદીની ચળવળને સાથ આપતું ગીત ‘જય જય જનની જન્મભૂમિ’ હીટ થયું. પાછળથી બીબીસી રેડીઓએ એ ગીતના એક કોરસને ‘ઇન્ડિયન ન્યુઝ સર્વિસ’નો સિગ્નેચર ટ્યુન બનાવ્યો.
આમ સરસ્વતી દેવી હિન્દી ફિલ્મોના પ્રારંભિક મહિલા સંગીતકાર બન્યાં. સરસ્વતી દેવીએ છેક ૧૯૬૧ સુધી સંગીત આપ્યું. ‘જીવન નૈયા’ (૧૯૩૬)માં તેમણે અશોક કુમાર પાસે ગવડાવ્યું હતું, ‘કોઈ હમદમ ન રહા’ જે ‘ઝૂમરૂ’ (૧૯૬૧)માં કિશોર કુમારે ફરી ગાયું. સરસ્વતી દેવીના સંગીતવાળી ફિલ્મોમાં અછૂત કન્યા, જન્મભૂમિ, જીવન નૈયા, ઈજ્જત, જીવન પ્રભાત, પ્રેમ કહાની, સાવિત્રી, ભાભી, નિર્મલા, વચન, આઝાદ, બંધન, ઝૂલા કે નયા સંસારને યાદ કરી શકાય. છેલ્લે તેમણે રાજસ્થાની ફિલ્મ ‘બાબાસા રી લાડી’ (૧૯૬૧)નું સંગીત આપ્યું હતું.
૧૦ ઓગસ્ટ ૧૯૮૦ના રોજ ખુરશીદ હોમજી કહેતાં સરસ્વતી દેવીનું નિધન થયું.
સંગીતકાર સરસ્વતી દેવીના યાદગાર ગીતો: મૈ બન કી ચીડીયા બનકે પંછી – અછૂત કન્યા, ઉડી હવા મેં ગાતી હૈ – અછૂત કન્યા, ધીરે બહો નદિયા – અછૂત કન્યા, કિત ગયે હો ખેવનહાર નૈયા ડૂબી – અછૂત કન્યા, મૈને એક માલા ગુંજી હૈ – જન્મભૂમિ, મેરે દિલ કી દુનિયા ઉજડ ગઈ – જન્મભૂમિ, જય જય જય જન્મભૂમિ – જન્મભૂમિ, કોઈ હમદમ ન રહા – જીવન નૈયા, ઉઠો ઉઠો બેગી ઉઠો સજનવા – સાવિત્રી, ભરને દે મુઝે નીર – ઈજ્જત, નગરી લાગે સુની – ઈજ્જત, કૈસે છીપોગે અબ તુમ – બંધન, ચલ ચલ રે નૌજવાન – બંધન, અને છેલ્લે ‘ઝૂલા’ ના ગીતો: એક ચતુર નાર કર કે સિંગાર – ગાયક અશોક કુમાર, ના જાને કિધર આજ મોરી નાવ ચલી રે – ગાયક અશોક કુમાર.
