Daily Archives: ડિસેમ્બર 5, 2018

નાકમાં પવન કહીને ચાલ્યો…પરેશ વ્યાસ

પૂંઠમાંથી પવન છૂટયો જાય. ગંધાય. આજુબાજુનાં લોક નાક મચકોડે. જેને વાછૂટની તાસીર હોય એને માનસિક તાણ પણ થાય કે લોકો શું કહેશે? સમાજ એને સ્વીકારશે? પણ એનો ય ઈલાજ બજારમાં આવ્યાનાં તાજા સમાચાર છે. અમેરિકાની એક કંપનીએ એવું જીન્સ પાટલૂન બનાવ્યું છે, જે વાછૂટની  દુર્ગંધને શોષી લે છે.

વાછૂટ માટે ઇંગ્લિશમાં ‘ફાર્ટ’ શબ્દ છે. આમ તો ઇંગ્લિશ ભાષામાં ફાર્ટનો સમાનાર્થી શબ્દ ‘ટ્રમ્પ’ પણ છે, જેને અમેરિકાનાં રાષ્ટ્રપતિ સાથે અલબત્ત કાંઈ લાગતું વળગતું નથી. ગુજરાતી લેક્સિકોન અનુસાર ઇંગ્લિશ શબ્દ ‘ફાર્ટ’નું મૂળ આપણી સંસ્કૃત ભાષાનો શબ્દ ‘પર્દ’ છે. ‘ફાર્ટ વિથ કોન્ફિડંસ’ (આત્મવિશ્વાસ સાથે વાછુટ !), એ આ જીન્સ બનાવતી કંપનીનો મુદ્રાલેખ છે.

એક વૈદરાજ કહેતા હતા કે ઠૂસક પાદમ્ સત્યનાશમ્, સત્ય પાદમ્ ધડાધડા… હળવેકથી થતી ઠૂસકી ભારે વાસ મારે છે. પણ આ જીન્સની અંદર એક્ટીવેટેડ કાર્બનની બેક પેનલ છે, જે બદબૂ-એ-પાદને શોષી લે છે. પછી જ્યારે આ જીન્સ ધોવાય ત્યારે એનાં રહ્યાં સહ્યાં અવશેષ પણ ધોવાઈ જાય છે. આ જીન્સ પછી નવી પાદાનુભૂતિ માટે તૈયાર થઇ જાય છે. જો કે એની કિંમત  ૯૦૦૦ છે. અમીરો બેગંધ વાછુટ કરી શકે છે. ગરીબો માટે આત્મવિશ્વાસ સાથે વાછુટ કરવું અઘરું છે!

પાદવું શબ્દ ભલે સંસ્કૃત ભાષાનો શબ્દ છે પણ એનું ઉચ્ચારણ આપણી સંસ્કૃતિ નથી. એટલે આપણે ‘વાછૂટ’ કે પછી ‘અધોવાયુ છોડવો’ એવું કહીએ છીએ. પણ સાહેબ, વાછૂટમાં કશું ય અજુગતું નથી. વાછૂટ નોર્મલ વાયુ છે, જેમાં ૫૯% નાઈટ્રોજન છે, ૨૧% હાઈડ્રોજન, ૯% કાર્બન ડાયોક્સાઇડ, ૭% મીથેન અને ૪% ઓક્સીજન હોય છે. જો કે એની જે વાસ આવે છે એ માટે માત્ર ૧% જેટલો હાઈડ્રોજન સલ્ફાઈડ ગેસ જવાબદાર છે.

વાછૂટનો વાયુ મોટે ભાગે એ હવા છે જે આપણે ખાણીપીણી સાથે લઈએ છીએ. પણ કેટલાંક ખોરાક એ માટે વધારે જવાબદાર છે. દાખલા તરીકે, વાલ વગેરે કઠોળ. આ ઉપરાંત ફૂલાવર, મૂળા, ઈંડા, મકાઈ અને કેટલીક ખાંડ જે પચતી નથી. આ સઘળાં વણપચેલાં ખોરાક જ્યારે આંતરડામાં પહોંચે છે ત્યારે ત્યાં રહેલાં બેક્ટેરિયાને જલસો પડી જાય છે.

બેક્ટેરિયા એને આરોગે છે અને એનાં કારણે દૂર્ગંધિત અધોવાયુ પેદા થાય છે. હાઈડ્રોજન અને મીથેન વાયુને કારણે વાછૂટ જ્વલનશીલ છે. દીવાસળી ચાંપો તો પૂંઠ સળગી શકે છે.

આપણે છીંક, ખાંસી કે હેડકીને ખરાબ ગણાતા નથી. કંઈક અંશે ઓડકાર પણ ચલાવી લઈએ છીએ. પણ વાછૂટ માટે આપણને કોઈ રીસ્પેક્ટ નથી. અરે ભાઈ ! પાદવું એ ખરેખર તો શરીરની તદ્દન નોર્મલ ક્રિયા છે. બધાં પાદે છે. પુરુષો, ીઓ, ઘોડા, કૂતરાં અને હા, વ્હેલ માછલી પણ.

આપણી આ માણસ જાત દિવસમાં સરેરાશ ૧૪ વાર પાદે છે. એમાં કશું ખોટું નથી. વર્ષોે પહેલાં રોમન રાજા કલોડીયસે કાયદો કર્યો હતો કે દરેક રોમન નાગરિક ઈચ્છા થાય ત્યાં અને ત્યારે છૂટથી વાછૂટ કરી શકે. એક સુમેરિયન (હાલ દક્ષિણ ઈજીપ્ત) વનલાઈનર છે કે એવું ક્યારેય થયું નથી કે કોઈ જુવાની એનાં પતિનાં ખોળામાં બેસીને વાછૂટી હોય! આ વનલાઈનર દુનિયાનો સૌથી જૂનો (ઈ.સ.પૂર્વે ૧૯૦૦) રેકોર્ડેડ જોક છે.

ઈ.સ. પૂર્વે ૪૪ની સાલમાં એક રોમન સૈનિક યહૂદી લોકોનું અપમાન કરતાં જાહેરમાં પાદયો  હતો. યહૂદીઓએ સામો પથ્થરમારો કર્યો. પછી જે રમખાણો ફાટી નીકળ્યાં, એમાં દસ હજાર લોકો માર્યા ગયા હતા.

સોળમી સદીનાં જાપાનમાં તો હે-ગેસન નામની જાહેરમાં સામસામે પાદવાની સ્પર્ધા યોજાતી. અમેરીકામાં ૬ઠ્ઠી જાન્યુઆરી નેશનલ બીન ડે તરીકે ઉજવાય છે. બીન એટલે વાલ, કઠોળ, રાજમા, ચોળી વગેરે. તે દિવસે બીન્સ ખાવાનો મહિમા છે. તે પછી બીજે  દિવસે એટલે કે ૭ જાન્યુઆરીએ તેઓ નેશનલ ફાર્ટ ડે અથવા તો પાસ ગેસ ડે ઉજવે છે. લો બોલો!

મિનિયંસ કહે છે કે જ્યારે કોઈ રડે ત્યારે મોટે ભાગે તમારાં આંસુ કોઈ જોતું નથી. જ્યારે કોઈ ચિંતામાં હોય ત્યારે એની પીડા મોટે ભાગે કોઈ સમજતું નથી. કોઈ ખુશખુશાલ હોય ત્યારે મોટે ભાગે એનો આનંદ પણ કોઈ જોતું નથી પણ જ્યારે કોઈ એક વાર પાદે ત્યારે….! પણ એ જવા દો. આપણે જેને પ્રેમ કહીએ છીએ એ પ્રેમ આખરે છે શું? જોડે રહેવું? ચાહવું?

એકબીજાની સારસંભાળ લેવી? એકબીજાને ગમતાં રહેવું? ના, સાહેબ..પ્રેમ એ છે જે તમે એની સાથે હો અને તમારું ફાર્ટ તમારે રોકવું ન પડે…!

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized